વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેને આગળ કરનારા આધુનિકોની બોલબાલા હતી. એમાંના ઘણા અધ્યાપકો, પંડિતો, અભ્યાસીઓ હતા. અને ‘મુખ્ય પ્રવાહ’ના હતા. ત્યારે ૧૯૫૯માં એક લેખકની પહેલી લઘુનવલ પ્રગટ થાય છે, ‘કાયર.’ રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરના ચિત્તની લીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણ અહીં થયેલું જોવા મળે છે.
એનો લેખક ‘અભ્યાસી’ નથી, પણ અનુભવી છે. કોઈ વાદની કંઠી બાંધી નથી. ગામડું કહી શકાય તેવા પાળિયાદ જેવા ગામમાં જન્મ. ભણ્યો છે ઇન્ટર સાયન્સ સુધી. અને છતાં નરવી નજરવાળા વાચકો અને કેટલાક વિવેચકો પણ એ પહેલી નવલકથાને આવકારે છે, પોંખે પણ છે. એ લઘુનવલના લેખકનું નામ મોહમ્મદ માંકડ. ૧૯૨૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે જન્મ. બે દિવસ પહેલાં, પાંચમી નવેમ્બરે, ૯૪ વરસની ઉંમરે જન્નતનશીન થયા.
‘ગુરુ થા તારો તું જ’ એ કવિ અખાની શીખ પ્રમાણે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને જ અનુસર્યા. પોતાની જાતને જ વફાદાર રહ્યા. બોટાદની હાઈ સ્કૂલમાં દસેક વરસ શિક્ષકની નોકારી કર્યા પછી લેખન એ જ વ્યવસાય. ગુજરાત સરકારે ગાંધી નગરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી અને તેના પહેલા અધ્યક્ષ તરીકે મોહમ્મદભાઈની નિમણૂંક કરી ત્યારે ઘણા સાહિત્યકારોનાં ભવાં ચડેલાં: આવો, ગ્રેજ્યુએટ પણ ન થયેલો, લોકપ્રિય નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, અખબારી કોલમો લખનાર તે વળી આવી મોટી જગ્યાએ?
પણ મોહમ્મદભાઈ પહેલા અધ્યક્ષ બન્યા તેનો એક મોટો લાભ એ થયો કે અકાદમી ને તેની પ્રવૃત્તિઓ, તેનાં પ્રકાશનો લોકાભિમુખ બની રહ્યાં. અભ્યાસીઓ, અધ્યાપકોને આવકાર, પણ આમઆદમીને, તેનાં રસ-રુચિને જાકારો નહિ. મોહમ્મદભાઈના પોતાના લેખનમાં પણ આ લોકાભિમુખતા કાયમ રહી. અને છતાં – કે એટલે જ? – ૨૦૦૭ના વરસનો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને આપવામાં આવ્યો. તેમને જ્યારે આ ચન્દ્રક મળ્યો ત્યારે આપણા સાહિત્યમાં એ ચંદ્રકની સારી એવી પ્રતિષ્ઠા હતી.
૧૯૬૫માં પ્રગટ થયેલી ‘ધુમ્મસ’ તેમની બીજી જાણીતી લઘુનવલ છે. નાયક-નાયિકાના સ્વભાવના બે વિરુદ્ધ છેડાઓને લઈને લખાયેલી આ કથા જીવનની નિરર્થકતાનાં ભિન્ન ભિન્ન સ્તરોને ઉકેલી આપીને માણસને, માનવીય સંબંધોને સમજવાની ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત ત્રણ જ પાત્રો ધરાવતી લઘુનવલ ‘અજાણ્યાં બે જણ’ ‘ગ્રહણરાત્રિ’, ‘મોરપિચ્છના રંગ’, ‘વંચિતા’, ‘રાતવાસો’, ‘ખેલ’, ‘દંતકથા’, ‘મંદારવૃક્ષ નીચે’, ‘બંધનગર’, ‘ઝંખના’, ‘અનુત્તર’, ‘અશ્વદોડ’ વગેરે તેમની લોકપ્રિય નીવડેલી, અને સાહિત્યિક સત્ત્વ ધરાવતી નવલકથાઓ છે. ‘બંધનગર’માં તેમણે ૧,૩૫૦ પાનાંના વિસ્તૃત ફલક ઉપર ગુજરાતના અટપટા રાજકારણનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર આપ્યું છે.
તેમના વાર્તાસંગ્રહોમાં ‘ઝાકળનાં મોતી’, ‘મનના મરોડ’, ‘વાતવાતમાં’, ‘ના’, ‘તપ’, ‘માટીની મૂર્તિઓ’, ‘સંગાથ’, ‘ક્યારે આવશો?’ વગેરેનો સમાવેશ થાય છે. જૂના-નવા અનેક પ્રવાહોને પોતાનામાં સમાવી લેતી તેમની વાર્તાઓ વિષયનું અને નિરૂપણનું સારું એવું વૈવિધ્ય પ્રકટ કરે છે. તેમની કેટલીક વાર્તાઓના હિન્દીમાં અનુવાદ થયા છે.
‘કેલિડોસ્કોપ’, ‘સુખ એટલે’, ‘આપણે માણસો’, ‘ચાલતા રહો’, ‘આજની ક્ષણ’, ‘ઉજાસ’ વગેરે તેમના નિબંધોના સંગ્રહો છે. તેમાંના ઘણાખરા અખબારોની કોલમ માટે લખાયેલા. બાંધે ભારે કહેવું હોય તો આ નિબંધો જીવનલક્ષી છે, રીડર ફ્રેન્ડલી છે. સરળ, દૃષ્ટાંતસભર શૈલીને કારણે આ નિબંધોને બહોળો વાચકવર્ગ સાંપડ્યો છે.
વધતી જતી વય અને કેટલીક શારીરિક બીમારીને કારણે છેલ્લા કેટલાક વખતથી તેમની પાસેથી નવું લેખન ભાગ્યે જ મળ્યું છે. પણ તેમનાં કેટલાંક પુસ્તકો એક કરતાં વધુ વખત ફરી છપાયાં છે તે તેમની કલમની લોકપ્રિયતા અને લોકભોગ્યાતાને કારણે. અને છતાં વાચકને કે બીજા કોઈને રીઝવવા ખાતર મોહમ્મદભાઈએ ક્યારે ય લખ્યું નથી. પોતાના કે બીજા કોઈ મઝહબના પ્રચાર-પ્રસાર માટે કદી લખ્યું નથી. શબ્દ એ જ તેમનો સાચો મઝહબ હતો. શબ્દ એ જ તેમની સાચી ઓળખાણ. કોઈ પણ દેશનો નકશો માત્ર પર્વતોથી જ શોભી ઊઠતો નથી. નદી-સરોવર, વનરાઈ, નાની-મોટી ટેકરીઓ, વગેરે પણ તેનાં આભૂષણરૂપ હોય જ છે. મોહમ્મદભાઈની કલમ પણ ગુજરાતી સાહિત્યના નકશાનું આવું એક આભૂષણ હતી. ના, છે, અને લાંબા વખત સુધી રહેશે.
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 નવેમ્બર 2022
![]()


ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે. ‘સેવા’ સંસ્થાએ આજે શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.
ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.