Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુચ–વૃક્ષનાંપત્રો–પુષ્પો

જુગલકિશોર|Opinion - Opinion|18 December 2023

જુગલકિશોર

૧૯૬૫માં હું લોકભારતીના છેલ્લા વર્ષમાં હતો. મારા ગ્રામભારતી, અમરાપુરના કેન્દ્રનિવાસ દરમિયાન એમનો સૌથી પહેલો પત્ર – આંતરદેશીય – મને ત્યાં મળેલો. લખ્યા તા. ૨૨-૦૭-’૬૫. એમણે મને લખેલો છેલ્લો પત્ર તા. ૩૦-૦૩-’૯૯નો છે. ૩૪ વરસ દરમિયાન એમના ૬૪ પત્રો મને મળ્યા છે.

દરેકના દરેક પત્રને જવાબવાની બુચદાદાની ચીવટ એટલું તો અવશ્ય દર્શાવે છે કે મેં એટલા પત્રો તો એમને લખ્યા જ હશે ! બેએક પત્રો એવા છે જેમાં એમણે ચીવટ ખાતર, પછીથી વધારાના મોકલ્યા હોય – કંઈક લખવાનું કે મોકલવાનું બાકી રહી જતું હોય તે કારણે. તેમણે ક્યારે ય તે સામેથી પત્ર લખ્યાનું યાદ નથી. તેઓ, હું માનું છું ત્યાં સુધી, પત્રોના જવાબો જ આપતા. એમની આધ્યાત્મિક તટસ્થતાના શાંત સરોવરમાં કોઈ કાંકરી નાખે તો વિચિદલ કે તરંગો પ્રગટે છે એવું મને લાગ્યું છે. જ્યારે એમના વિદ્યાર્થીઓ, સંબંધીઓ કે સહકાર્યકરો એમને લખે છે ત્યારે એનો જવાબ આપવાની ચોક્કસાઈ, ચીવટ અને અધ્યાત્મની ઊંચાઈએ પહોંચે તેટલી સૂક્ષ્માતીસૂક્ષ્મ પ્રામાણિકતા આ ભર્યાભર્યા પત્રવ્યવહારોનું કારણ અને પ્રેરણા બની રહે છે. એમને લખાયેલો પત્ર એટલો બધો આત્મીય જવાબ લઈને આપણી કને આવે છે કે પત્રવ્યવહારનું કારણ આપણો પત્ર બન્યો હોવા છતાં સમગ્ર પત્રવ્યવહારની ગંગોત્રી એમનો આપણને જવાબરૂપે મળેલો પત્ર જ હોય છે !! આ એક એવી બાબત છે કે જ્યાં બુચદાદાની તોલે કોઈ ન આવે !

બુચદાદા પાસેથી મને જે કાંઈ મળ્યું તેને યત્કિંચીત રજૂ કરવાના આ ઉપક્રમને તેમના ‘સ્મૃતિગ્રંથ’ નિમિત્તે મને મળેલું સદ્ભાગ્ય સમજું છું. ૩૪ વરસ દરમિયાન એમના તરફથી પ્રેમ–પત્ર–પ્રવાહ કે પત્ર–પ્રેમ–પ્રવાહ વહેતો રહ્યો. એણે મને બાહ્યાભ્યંતર ભીંજવ્યો છે ને વિકસાવ્યો છે. ૧૯૯૯માં ટપાલ લખવા પૂરતો એમની સાથેનો પત્રવ્યવહાર બંધ થયો ભલે, એમનો પ્રેમપ્રવાહ તો આજે ય, એમના ક્ષરદેહની ગેરહાજરીમાં ય હૈયે ને આંખે પૂરનાં પૂર છલકાવતો વહી રહ્યો છે. એનો પાવન સ્પર્શ રોજિંદા વ્યવહાર કરતાં અનેકગણો વધુ મારા આંતરિક વિકાસને માર્ગે થયો છે. ગ્રીષ્મના તાપને શીતળ કરી મૂકે એવી ફોરમ બુચવૃક્ષનાં આ પત્ર–પુષ્પોએ મને આપી છે. તેમણે જ ક્યાંક કહેલું, “વિદાય લઈશ પછી પણ હું મારી છોકરીઓ(વિદ્યાર્થીનીઓ)ના માથાની વેણીમાં ફોરમતો રહીશ !” એમના પત્રે મને જ નહીં, મારા નાનકડા કુટુંબ સમગ્રને, મારે મારું પોતાનું કુટુંબ થયું ત્યારથી જ, મઘમઘતું રાખ્યું છે.

હું તો હતો કૃષિનો વિદ્યાર્થી. આર.આઈ. કૃષિમાં મળતા સ્ટાઈપેન્ડને આધારે જ ભણી શકાય એવી પરિસ્થિતિનો, વખાનો માર્યો લોકભારતીમાં દાખલ થયો હતો. કૃષિ–ગોપાલનના શુષ્ક વિષયોમાં ય મને વનસ્પતિનાં ફલિનીકરણ, સૂર્યના પ્રકાશને પરિવર્તીત કરતાં રહેતાં વૃક્ષોનાં લીલાંછમ પાન, ગાયોનું હમ્ભા હમ્ભા ને ઘંટડીઓના ધ્વનિમાં ભળીને તરબતર કરી મૂકતી ગૌશાળાની ગંધ, કપાસનાં ફૂલને ફાડીને આપણા આર્થિક તંત્રને અસર કરી રહેતો કપાસ; દક્ષિણામૂર્તિ દેવ જેમની છાયામાં બેઠા છે તે વટવૃક્ષની સરખામણીએ મૂકવાનું બાળકમન થઈ ઊઠે એવી ફળવંતી લૂમઝૂમ બોરડીઓ – આ બધું, ને એવું તો ઘણું બધું જે મળ્યું તેમાં જેટલો મારા પિતાજીનો સંગીત–સાહિત્યનો વારસો તેટલો જ લોકભારતી અને બુચદાદાનો પ્રભાવ –પ્રતાપ. મારી ‘કવિતા કવિતા’ની રમતને પિતાજીએ છંદબદ્ધ કરી આપી એ ખરું પણ એને સંમાર્જિત કરીને નવી શૈલી આપી બુચદાદાએ. સ્નાતક થઈને એન ઘેન કરતો છુટેલો આ વછેરો એમની છેલ્લી ટપાલ સુધી બુચદાદાના બુચકારાથી પળોટાતો રહ્યો છે.

દક્ષિણામૂર્તિ ભાવનગરથી આરંભીને મૃત્યુ પર્યંત ૭૦ વર્ષ સુધી તેમણે શિક્ષણકાર્ય કર્યું. મનુભાઈનું વ્યક્તિત્વ જેમ અનેક ક્ષેત્રે વીસ્તર્યું છે તેવું બુચદાદાનું નથી. મને એમનું વ્યક્તિત્વ સીધું–સટ સોટા જેવું કે પહોળા, સીધા, લાંબા રસ્તા જેવું ભાસે છે. એમનાં બે જ પાસાં મને સ્પર્શી ગયાં છે. એક એમનું શિક્ષકત્વ અને બીજું હળવું ફૂલ સાહિત્યત્વ. એમને ગૃહપતિ તરીકે જોઉં છું ત્યારે પણ મને તેઓ વિશેષે શિક્ષક જેવા જણાયા છે. પૂજ્ય ભાઈ (મૂળશંકરભાઈ ભટ્ટ)ને અમે માતા ગણતા. બુચભાઈ તો પિતા જેવા જ લાગ્યા છે. પિતા જ્યારે શિક્ષક પણ હોય છે ત્યારે તેમનામાં જે અવિનાભાવિ કુમાશ પ્રગટે છે તે બુચદાદામાં સહજ, ભરપૂર હતી. મારા પરના એમના પત્રોમાં આ પિતૃત્વ–શિક્ષકત્વ અને કુમાશનું અદ્ભુત રીતે થયેલું સંયોજન જોવા મળે છે.

આ ઉપરાંત પણ વિશેષરૂપે મારે જે કહેવાનું મન છે તે તો એ છે કે, મોટી નજરે જોતાં તેમનું જીવન સીધું ને સટ જણાય છે પણ તેના પત્રો જો ઝીણવટથી વાંચીએ તો એમના જીવનનું નકશીકામ આશ્ચર્યચકિત કરી મૂકે એવું છે ! દેલવાડાનાં દહેરાંને ફક્ત એક મંદિર કે સ્થાપત્યના નમૂનારૂપે જ જોવા જનારો માણસ અંદર જઈને એના નકશીકામને જોઈને ભાવવિભોર બની જાય છે તેમ જ બુચદાદાના પત્રોમાં રહેલું નકશીકામ એમનો અનોખો પરિચય આપી દે છે.

તેઓ સૌના હતા. સૌમાં વહેંચાઈ ગયા હતા. કોઈને વધુ કે કોઈને ઓછા એમ નહીં. ૨૦–૮–૮૫ના પત્રમાં લખે છે તેમ, “મારે તો પાસે તે ય પાસે ને દૂર તે ય પાસે.”

પરંતુ મારે ભાગે જે બુચદાદા આવ્યા – પત્રો દ્વારા – તે સૌના છતાં પત્રો પૂરતા મારા આગવા એવા બુચદાદાની વાતો લખતાં હું અવશપણે વહી રહું છું – કલમથી ને આંખોથી પણ. પોસ્ટકાર્ડ હોય કે આંતર્દેશીય, “પ્રિય જુગલજી”થી શરૂ કરીને “તમારો ન.પ્ર. બુચ.” સુધીની વચ્ચેની જગ્યામાં બુચદાદા જે વહ્યા છે તેણે મારા જીવનને હંમેશાં લોકદક્ષિણામૂર્તિત્વની ભીનાશથી પરિપ્લાવિત રાખ્યું છે. (જીવનમાં ક્યારે ય પણ ખોટું આકર્ષણ સામે આવ્યું છે ત્યારે માતાપિતાની જેમ જ બુચદાદાની મૂર્તિ આંખ સામે આવીને ઊભી રહી ગઈ છે ને આપણા રામ પાછા વળી ગયા છે.)

હું કૃષિનો વિદ્યાર્થી હોવાથી પૂ. ભાઈની નજીક આવી શક્યો નહીં. એમનાથી થોડો દૂર રહેતો. મનુભાઇથી થોડો ડરતો પણ બુચભાઈ તો મારું લો.ભા. હતા. કૃષિનું ‘સરસ્વતીચન્દ્ર’ બુચભાઈ લેતા જ્યારે લોકશિક્ષણ(આર્ટસ)નું તે જ પુસ્તક ભાઈ ભણાવતા. બુચભાઈએ ભલામણ કરીને મને લો.શિ.માં ભાઈ પાસે તે ભણવાની અપવાદરૂપ વ્યવસ્થા કરાવેલી. ત્યાં પણ હું પ્રથમ વર્ગ લાવતો તેથી ભાઈનું ધ્યાન ખેંચતો. ને એટલા પૂરતો હું તેમની નજીક જઈ શકેલો.

આ સ્મૃતિગ્રંથ નિમીત્તે બુચદાદાના બધા જ પત્રો નિરાંતે સળંગ વાંચી ગયો. એમાંથી ધ્યાન ખેંચનારી બાબતો જે મને મળી તેને આ ચાર વિભાગોમાં વહેંચીને લખવા મથીશ :

૧) તેમના પત્રોનું બંધારણ અને તેમની પત્રનીતિ;

૨)  પત્રોની ભાષા અને શૈલી;

૩) શિક્ષક–પિતાનું વત્સલ રૂપ અને

૪) મારી સાથેની વ્યક્તિગત બાબતો.

૧) તેમના પત્રોનું બંધારણ અને તેમની પત્રનીતિ :

ફક્ત ભાષાના શિક્ષક તરીકે જ નહીં, એક આદર્શ વ્યક્તિ તરીકેની ય એક શિસ્ત તેમના પત્રોમાં જોવા મળે છે. જમણા ખૂણે સરનામું ને તારીખ; સંબોધનોમાં અત્યંત ચોક્કસાઈ–ચીવટ અને હેતુલક્ષીતા; એક એક વિષયને અલગ ફકરાથી જ રજૂ કરવાનો શિરસ્તો – પોસ્ટકાર્ડની સાંકડી જગ્યામાં પણ; પત્રના સમાપન ટાણે ઘણી બધી વિગતોને ટૂંકમાં આવરી લેવાની સહજ સિદ્ધિ; સૌની કુશળતા ઈચ્છવી અને પોતાની, ખાસ કરીને પુષ્પામાસીની તબિયતને સંક્ષેપમાં મૂકવી અને છેલ્લે ચોક્કસાઈપૂર્વકની સહી. એમણે હંમેશાં ‘તમારો ન.પ્ર. બુચ’ તરીકે જ સહી કરી છે પરંતુ લગ્ન કે એવા પ્રસંગના આશીર્વાદ વખતે અથવા પહોંચરૂપ કાગળ હોય ત્યારે અચુક ‘નટવરલાલ પ્ર. બુચ’ લખ્યું છે … “પૂરા નામ !”

આ બધું જ એકદમ શિસ્તબદ્ધ રીતે  જળવાયું છે. ૬૪ પત્રોમાંના એક પોષ્ટકાર્ડમાં મારી સુધારીને મોકલેલી કવિતા શરૂઆતમાં હતી તેથી તારીખ છેલ્લે સહી સાથે નાખી હતી … એક જ અપવાદ ! અને એક જ પત્ર તારીખ વિનાનો હતો જે પૂ. ભાઈના ઘેરથી લખાયો છે. (ટપાલખાતાની છાપમાં ફેબ્રુઆરી ’૭૦ વંચાય છે ..)

મને કરાયેલા સંબોધનોમાં ‘પ્રિય ભાઈ જુગલ’, કે ‘જુ. કિશોર’ લખાતું. માહે ૯/૭૨માં ‘જુગલજી’ થયું તે છેલ્લા પત્ર સુધી રહ્યું ! જુગલજીનો પ્રયોગ હું માનતો કે તે અમારા વૈષ્ણવ હોવાને કારણે હશે. મેં અમસ્તી જ સહેજ, અછડતી પૃચ્છા કરી તો આખો આંતર્દેશીય પત્ર ભરીને લંબાણપૂર્વક ખુલાસાઓ મોકલ્યા ! મારા નામની પાછળના ‘જી’ વિષયક પારાવાર માહિતી પછી ય પાછું બીજી ટપાલે પૂચ્છયું છે, ”‘જી’ બાબતનો મર્મ હવે સમજાયો ને સ્વીકાર્ય બન્યો હશે.”

એમને કોઈ બાબત પત્રમાં પૂછીએ એટલે પછી વળતી ટપાલે ધોધમાર માર્ગદર્શન મળી જાય. એક વાર મેં થોડા સંકોચ સાથે મારા પુત્રનું નામ અ.લ.ઈ. અક્ષરો પરથી પાડવા લખી નાખ્યું ને એમાં બીજા પુત્રોની સાથે(આનંદ, મનન)નો પ્રાસ મેળવવા ‘લલન’ નામ પર પસંદગી પૂછેલી. તો તેમણે એ જ પ્રકારના સંસ્કૃતનાં અનેક નામો લખ્યા ને ઉમેર્યું કે, “લલન શબ્દ જ ન હોઈ તેને બદલે તમે લલનના પહેલા લમાં કાનો ઉમેરી લાલન કરી નાખો એટલે પત્યું …..” પછી તો વાત જે લંબાવી છે ….! લખે છે : “વર્ષો પહેલાં એક જૈન પંડિત પોતાને પંડિત લાલન કહેતા. મેં તેમને ભાવનગરમાં જોયેલા પણ ખરા.” નામ પસંદગીની રાંગે રાંગે એટલો ઇતિહાસ પણ આપી દીધો ! મેં જે સંકોચ રજૂ કર્યો હતો તે યાદ રાખીને જવાબમાં લખે છે, “નામોની યાદી કરી મોકલવાનું કામ મારા ભાગે આવતું જ રહે છે …. આટલું તમને માનસિક રાહત થાય તે માટે.”

૧૫-૧૦-’૬૬ના એક પોષ્ટકાર્ડમાં એમણે એક સાથે કેટલી બધી માહિતી મોકલી છે તે જોવા જેવું છે : મનુભાઈની ધારાસભાની ઉમેદવારી; ચોથા વર્ષનાં વિદ્યાર્થીઓની વિદાય; મુ. ભાઈની મુલાકાત અને ઉત્તર રામચરિત્ર તથા મહાપ્રસ્થાન પરના વર્ગોની ગોઠવણી; નેફાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની વાત વગેરે એક જ પત્રમાં ને તે પણ અલગ ફકરાથી લખીને આખી લો.ભા.નું વાતાવરણ જ મને મોકલી આપેલું ! બાકી રહી જતું’તું તે સમાપનવિધિમાં સહી કરતાં પહેલાં ટાંક મારી દીધી છે, “ભાઈના મકાનમાં લક્ષ્મણભાઈ રહેવા આવ્યા છે.” બીજા એક પત્રમાં ટાંક મારી છે તે આમ : “વરસાદ થયો, હજી ડૉળ છે.” (કોઈ પણ જાતના ડૉળ વિનાનું, નિતર્યાં પાણી જેવું એમનું પારદર્શક વ્યક્તિત્વ આ ડૉળના સંદર્ભે કેવું યાદ આવી જાય છે !!)

એમની એક એક લીટીમાં, શબ્દેશબ્દમાં રહેલી સચ્ચાઈ અને લખતાં લખતાં જે આંતરિક સંચલનો થયાં હોય તેનો પડઘો પડે છે. તેઓ એક શબ્દ લખી નાખે પછી પણ ક્ષણથી ય ઓછા સમયમાં જે અનુભવ્યું હોય તેને કૌંસમાં લખી દે છે. તેમની ગાંધીવાદી જાગૃતિ કેટલી છે તેનું માપ એક જ પત્રના ત્રણચાર નાનાંનાનાં વાક્યોમાંથી મળી રહે છે.

મેં મારું એક કાવ્ય તપાસવા મોકલેલું તે સુધારીને પો.કા.થી પાછું મોકલ્યું હતું. તેમને ગમ્યું હશે એટલે ‘કોડિયું’ વતી સીધું જ પ્રેસમાં મોકલી દીધેલું. નિયમનું પાલન, તંત્રીના વતી મોકલ્યું હતું તે બાબત અને મારી કવિતાનો સંદર્ભ આમ બધી બાબતોને જેમ જેમ લખાતું ગયું તેમ તેમ નૈતિકતાને આગળ કરીને કૌંસમાં ઉમેરતા જઈને પોસ્ટકાર્ડને સૂક્ષ્મ નૈતિકતાનું પાત્ર બનાવી મુક્યું હતું ! તા. ૨૬-૭-’૬૫ના પત્રમાં એ બધું સાડાત્રણ લીટીના એક જ પેરામાં આ રીતે મુક્યું છે :

“ગીત મળ્યું. મને સૂઝ્યું તેવું સુધારી (તંત્રીઓ એકેય અહીં હાજર ન હોવાથી) કાયદો હાથમં લઈ (વખત થોડો છે માટે) સીધું પ્રેસમાં મોકલું છું. જેમાં જ્યાં સુધારેલું છે તેની નીચે જાંબલી લીટી છે – તે તમારી જાણ માટે.”

આગળ જણાવ્યું તેમ તેમણે સામે ચાલીને પત્રો નથી લખ્યા. એમણે જવાબો જ આપ્યા છે. કોઈના માટેની મમતા એમને ખેંચી જતી નથી. ગીતાપ્રબોધી સ્થિતપ્રજ્ઞતા એમના વ્યવહારોમાં સૌએ જોઈ છે, તેનું જ નિદર્શન આ બાબત કરાવે છે. પણ એક વાર સંસ્થાના નિયામક કુમુદભાઈને મારી અંગત મૂંઝવણ માટે પત્ર લખેલો ને તેમાં બુચદાદાને પણ વંચાવવાનો ઉલ્લેખ કરેલો એટલે તેમણે તે પત્ર વાંચ્યો હશે. બસ. પછી તો ત્રણ પાનાં ભરીને જવાબ આવ્યો … સુગંધી સ્વાદિષ્ટ દૂધપાકનું આખું કમંડળ જ જાણે ! પહેલી નજરે તો લાગે કે વગર લખ્યે એમણે પત્ર લખ્યો ? પણ આ તો બુચદાદા ! પત્રની છેલ્લી સમાપનવિધિ પૂરી થઈ ગયા કેડ્યે, સહીની સાવ પહેલાં, લસરકો મારી દીધો હતો, “તમે કરેલા મારા નામના ઉલ્લેખને પત્ર ગણીને જવાબ લખ્યો છે.” (જાણે હિસાબ ચુકતે !!) કેટલી ચીવટ ! કેટલી પ્રામાણિકતા ! કેટલો ઝીણો તાર ખેંચ્યો છે !! મારી મૂંઝવણ જ જાણે એમને લખવા ખેંચી ન ગઈ હોય.

પત્રનો જવાબ આપવામાં એમનાથી જો સહેજ પણ મોડું થયું હોય તો અરધાથી વધુ પત્ર રોકાય એટલા લાંબા ખુલાસાઓ આપણને કરે, જાણે તેઓ આપણા વિદ્યાર્થી હોય ! હું ઈડર હતો ત્યારે નોકરીની બાબતે મેં કંઈક મૂંઝવણ લખી ’તી. તેમણે લાંબો પત્ર લખીને મને જે આશ્વાસનો ને હેત વરસાવ્યાં છે તે ભુલાય તેમ નથી. જવાબ લખવામાં બે જ દિવસનું મોડું થયેલું. ફક્ત બે જ દિવસ ! છતાં લાંબા પત્રને અંતે લખે છે, “તમને જવાબ બે દિવસ મોડો લખું છું. કદાચ અધીરા થયા હશો, તે માટે દિલગીર છું.” (વળી પાછાં મોડું થવાનાં કારણો !) બાકી રહ્યું તે તા.ક. કરીને પત્રના સાવ ઉપરના મથાળે શું લખે છે આ ગયા ભવના માવતર ? જુઓ : “આ જવાબના પ્રત્યાઘાતો જણાવશો. પછી ફરી લખીશ. મને તકલીફ આપવાની ચીંતા ન રાખતા. ન તો મને ખર્ચ થશે તેની. તમને કાંઈ પણ ઉપયોગી થાઉં તો બસ.” આપણે સહેજ પણ દુભાઈએ નહીં એ માટેની એવી તો કાળજી લે. આપણે જાણે મોડું થવાથી રિસાઈ જવાના હોઈએ એમ ગણીને પૂચકારતા હોય તેમ ખુલાસાઓ કરતા રહે. પત્ર તો એમનો વાંચ્યો વંચાય નહીં. રડી જ પડાયું છે – આવા પત્રો આવ્યા છે ત્યારે ને આજે આ લખતાં ય…..

પત્રના કેવળ સ્વરૂપ(form)ની જ વાત કરીએ તો ય, પત્રમાંના શબ્દેશબ્દનો જવાબ આપવાની આ સૂક્ષ્મ પ્રામાણિકતાને, આપણે ભાષા–સાહિત્યવાળાઓ, પત્રના બંધારણમાં, સ્વરૂપમાં મૂકી શકીશું શું ? એમની તો આ પત્રનીતિ હતી !!

પૂ. ભાઈમાં ભાવનાનાં મોજાં જોવા મળે. પૂ. બુચભાઈ તો સરોવર જેવા શાંત. ગમે તેવી પરિસ્થિતિમાં પણ અવિચલ હૃદયથી ખૂબ જ નાજૂક ને વાત્સલ્ય–ભરપૂર. મંદ્ર કે તાર સપ્તકમાં એમના ભાવો વહ્યા નથી. મધ્ય સપ્તકમાં જ એમનું ભાવસંગીત પિરસાયું છે. વ્યંગ્ય અને હાસ્ય લખાણો માટે ગુજરાતભરમાં પ્રસિદ્ધ આ નટનાગરજીનો મર્મ પણ હળવોફૂલ રહ્યો છે. એમના પત્રોમાં ભાવ ઉછાળ કે શિથિલ સરવાણીનાં વહેણ નથી. દશાંગુલ ઉર્ધ્વ રહીને, તટ–સ્થ રહીને એમણે પત્રામૃત પાયું છે. આવું શી રીતે બન્યું હશે ? તટસ્થતા અને અલિપ્તતામાં તો શુષ્કતા જ મળે ! ઘણા ગાંધીવાદીઓમાં નિરસતા જોવા મળશે. પણ આપણા  બુચવૃક્ષનાં પાંદડાં (પાંદડાંને માટેનો એક શબ્દ પત્ર પણ છે જ ને.)ની મર્મર ને નાજૂક નાનકડાં શ્વેત પુષ્પોની સુગંધ તો માણી હોય તે જ નાણી શકે !!

આટલું છતાં અમારી, અમદાવાદમાં મેં સ્થાપેલી, ‘નૉળવેલ’ પ્રવૃત્તિના અનુસંધાને લખાયેલા એમના પત્રોમાં મને ઉછાળનો અનુભવ થયો છે. અમદાવાદ–ગાંધીનગર વિસ્તારમાં લોકભારતીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૫થી વધુ કુટુંબો વસે છે. તે સૌનાં નામ–સરનામાં મેળવીને એ સૌને નૉળવેલ નામક એક મંડપ નીચે ભેળાં કર્યાં હતાં. એના અહેવાલરૂપ પત્રો દ્વારા વિગતો વાંચીને તેમણે ક્યારે ય ન જોવા મળે તેવો ઉત્સાહ બતાવ્યો હતો. આ અંગેના એમના પત્રો એમના ભાવઉછાળના દ્યોતક છે. લખે છે, “મને દોડી આવવાનું મન થાય, પણ શરીર ના પાડે છે. હવે પરોક્ષ જ સત્ય છે. પ્રત્યક્ષ કાલસીમિત – એ સૂત્ર સ્વસ્થતાથી સ્વીકારવું રહે …. મન તો પૂર્વજની જેમ કૂદકા મારે. ઘરડો ગુલાંટ ભુલ્યો નથી – પણ હવે ઉછળકૂદ થતી નથી તે દુ:ખની વાત. ઘડપણ કોણે મોકલ્યું ….. પણ તે પછી પણ મોહ છે જ છે.” વાર્ષિક અહેવાલ વાંચીને લખ્યું હતું : “વાંચીને ભૂતકાળ જાણે વર્તમાનમાં ને વર્તમાન ભુતકાળમાં ધસી ઘૂસી ગયા …… હું જાણે કે બન્ને મિટિંગોમાં તમારી સાથે રિફ્રેશમેન્ટ લેતો હોઉં તેવું લાગ્યું. એટલે ભોજનમાં મારો ફાળો રૂ. ૧૦૫ ચૅકથી મોકલું છું. ઉપરના પાંચ ક્લિઅરન્સના છે. સ્વીકારી જમા કરશોજી ……”

એ ચૅક મેં વટાવ્યો જ નહીં ને સ્મૃતિરૂપે રાખી લીધો. એમણે જાણ થતાં જ લખ્યું : તમે મારા માથાના નીકળ્યા ! ચૅક જમા કરાવ્યો જ નહીં ! ખેર. સત્યાગ્રહની મર્યાદા જાણું છું …..” નૉળવેલ પ્રવૃત્તિની એમની લગન એટલી બધી હતી કે તેમના અંતિમ પત્રમાં તો લખ્યું કે. “મને ટાણે યાદ ન આવ્યું નહીંતર એક લાખ એવોર્ડના (દર્શક એવોર્ડની રકમ જે એમણે વહેંચી દીધી હતી !) અને પછી ૧૧ હજારનું ૧૦૦ % વિસ્તરણ કરી નાખ્યું ત્યારે નૉળવેલ માટે રકમ થોડી જુદી આપણે મૂકી શકત. ખેર. હવે તક મળ્યે જોશું ….”

પછી તો તક ક્યાં મળવાની હતી ? એમણે જ ૯૪માં વર્ષે તક ઝડપી લઈને અમને દગો દઈ દીધેલો !

છેલ્લે છેલ્લે તો એમના અક્ષરો ઉકલતા જ નહીં. ભૂખ કકડીને લાગી હોય, સામે ભરેલું ભાણું હોય ને પાછળથી આપણા હાથ કોઈકે બાંધી દીધા હોય એવી દશા મારી થતી. કોઈ વાંચી જ શકે તેમ ન હોય તો પછી લખતા શું કામ હશે ?! એક વાર તો નૉળવેલ પત્રિકામાં મેં લખ્યું હતું કે એમના અક્ષરો જાણે મંકોડા ગૉળ લેવા ઉપડ્યા ! પણ લખ્યા પછી જાણે ભૂલ સુધારતો હોઉં એમ લખેલું, “આ અક્ષરોરૂપી મંકોડા ગૉળ લઈને ય ખવડાવે છે એના વાંચનાર આપણને જ ને ! ને એટલે જ તો આ મંકોડા ય ગળ્યા ગળ્યા મધ રોખા લાગે છે.” એક વખત એમને મેં લખેલું કે અક્ષર બાબતે તમે હિંસક બની રહ્યા છો.” જવાબમાં કહે, “અક્ષરો બાબતે તમારી બધાંની ભવ્ય ક્ષમા માગવાની રહે છે ને રહેશે. મનુભાઈએ મારા અક્ષરને હિંસક કહ્યા છે, ને હિંસક છે જ. મારી હિંસા મને પણ નડે છે.” પછી એક સુભાષિત ટાંકીને સમજાવે છે. “મારા ક્ષર દેહ ને અક્ષર દેહ વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. મારી સ્થિતિ આમ દુર્યોધન જેવી છે. અક્ષરો સારા લખી શકું છું પણ નથી લખતો. (‘જાવ તમારાથી થાય તે કરી લો.’ એવું તરતનું વાક્ય હોવું ઘટે એને બદલે લખ્યું છે 🙂 તમારે બધાંએ મોટાં મન રાખી મને નભાવી લેવો.”

પોતાના ક્ષર અને અક્ષર દેહોને એમણે એક પત્રમાં આગવી ‘બુચશૈલી’માં રજૂ કર્યા છે : “તમારા અહેવાલની નકલ સાનંદ, ગરમી વરસતી છતાં, સાદ્યંત વાંચી ગયો. મારો રૂમ વાતાનુકુલિત નથી રાખતો પણ હું પોતે ઉત્તમાંગ દિગંબર અને બાકી શ્વેતાંબર રાખીને મને જ વાતાનુકુલિત કરી લઉં છું. અક્ષરો સારા નથી થતા એવું નથી પણ મારામાંના દુર્યોધનને અક્ષરો પૂરતો જ સીમિત રાખું છું જેથી બીજા ધર્મો તો યત્ કિંચીત્ આચરી શકું !”

પત્રોમાં એમનાં મર્મપુષ્પો ઠેર ઠેર મહેંકતાં પડ્યાં છે. એમાંનાં કેટલાંક –

૦ “તમારાં માસીની તબિયત ઠીક છે, મારી વધુ ઠીક છે. નવા દાંત (ચોગઠું ?) આવી ગયા છે.”

૦ “રાતમાં મને કાર્ડિયાક અસ્થમાનો હુમલો આવી ગયો. બે દિવસ સ્થિતિ ચિંતાજનક રહી. અ’વાદથી બહેનને તેડાવી લીધી. પણ પછી વળતાં પાણી થયાં. વિમાન પાછું ગયું.”

૦ “ફેબ્રુઆરીમાં તબિયત ઠીક ઠીક બગડી હતી. પણ પછી વળી રોકાવાનું થયું.”

૦ “આ પોટલાને પ્રેમપોટલાં મળે છે. ખરચૈ ન ખૂટે વા કો ચોર ન લૂંટે … જઈશ ત્યારે એ પોટલાં ભેગાં આવશે – એનો તો લગેજ ચાર્જ પણ પ્લેનવાળા નહીં લે.”

૦ “તમને ખોટું લાગ્યું જણાય છે’ એવા મારા કોઈ કથનના જવાબમાં લખ્યું છે : “ભલા થઈ હળવા થઈ જાઓ. તમે બધાં મારા પૂરતું તો નચિંત જ રહેજો કે મને રજ માત્ર ખોટું નહીં લાગે. ખોટું લગાડવા જેટલા સમયમાં તો એકાદ ઝોકું ન ખાઈ લઈએ ?”

––––––––––––––––––––––––––––––––––––––––––––

બુચદાદાના પત્રોને એક ઉત્તમ શિક્ષકના પત્રો ગણીને એમાંના સંદેશાઓ પીવા જેવા છે. વર્ગમાં તો શિક્ષક કદાચેય ઉપદેશક લાગે. પત્રોમાં તો એમનો ઉપદેશ પણ ભાર વિનાનો રહ્યો છે. બાળકોને વારતા કહે ત્યારે તેઓ શરૂઆતમાં જ વાર્તા સાંભળનારને વાર્તાનું પાત્ર બનાવી દેશે. પોતાના નામને બગાડીને ય પોતે પણ પાત્ર બની જશે ને કહેશે, “જો, તું જટો ને હું નટો, બરાબર ?”  પછી તો વાર્તા સાંભળનાર ને કહેનાર ખુદ જ વાર્તા બની રહે.

તેમણે કેટલાક પત્રોમાં ગંભીર વિષયોની ચર્ચા કરી છે. સાવ સહજ ભાવે ને વાગે નહીં તે રીતે. ગાંધીજીની પસંદગીનું ફૂલ કપાસનું હતું, એની ઉપયોગિતાને કારણે. બુચદાદા ગંભીર વાતોને મારી દૃષ્ટિએ આ રીતે રજૂ કરે છે : કપાસના સાવ ખૂલી ગયેલા (પાકી ગયેલું કપાસનું જીંડવું પણ ફાટીને ફૂલ જેવો આકાર ધરે છે) ફૂલ જેવા જીંડવાને જ ફૂલ તરીકે આપણા બુશકોટના ગજવા ઉપર ભરાવી આપે છે, પત્રોમાં. પત્રો દ્વારા તેઓ આપણી સાવ પાસે આવે છે. ને પછી ફૂલ ભરાવીને જતા રહેતા નથી – આપણી કને તેમના પત્રરૂપે તેઓ સચવાયેલા, હાજરાહજૂર હોઈ એમના પુષ્પરૂપ હળવા વ્યક્તિત્વનો પછી ભાર લાગતો નથી.

તા. ૪-૧-’૯૧ના પત્રમાં લખે છે : “વિનોદને તમે કે જવાહરે વાત કરી હશે તેથી તેનો પત્ર હતો. (આ વિનોદે કટોકટીમાં જે વેઠેલું તેને લીધે તેને શારીરિક રીતે બહુ જ ભોગવવું પડેલું.) આપણા જે મિત્રો આ રીતે આર્થિક અને અન્ય અગવડો વેઠીને ય નબળા સમાજની સેવા કરે છે તેને માટે મારા મનમાં આદર છે – હેત તો હોય જ, પણ એ ય મારા માટે તો ‘વાઈકેરિયસ સેટિસફેક્શન’ જ છે.”

એમના પત્રોમાંનું ચોથું તત્ત્વ તે મારી વ્યક્તિગત અને કૌટુંબિક બાબતો. તે સાવ વ્યક્તિગત હોવા છતાં એમાં પ્રગટ થતી વિશિષ્ટ ફોરમને સહુમાં વહેંચવાનું મન રોકી શકાતું નથી. આ લેખના અંત ભાગમાં કેટલાક પ્રસંગો રજૂ કરું તો તે અસ્થાને નહીં ગણાય.

છેલ્લા વર્ષમાં હતો ત્યારે લવાજમ ભરવા લીધેલી લોનનો છેલ્લો હપતો રૂ. ૧૦૦/–નો હું ભરી શક્યો ન હતો. તેઓ મારા જામીન હતા. મુદત પૂરી થવામાં હતી ને તેમનો પત્ર આવ્યો. પેટમાં ધ્રાસકો પડ્યો. કોઈ હિસાબે હું ભરી શકું એમ ન હતું. વેતરણમાં હતો પણ સગવડ થઈ નહીં … પણ દાદાને ખબર પડી ગયેલી એટલે લખ્યું : “ચારનો જામીન છું. લોન વિશે લખ્યું તે અવિશ્વાસને લીધે નહીં પણ ફક્ત સચિંતતા માટે જ. તમને મુશ્કેલી હશે. હોય તો જણાવશો. હું કાંઈક વ્યવસ્થા કરીશ.”

આવા ગુરુજીને મેં સપડાવ્યાના વિચારે હું વલોવાઈ ગયો. પણ એમણે તો હપતો ભરીને મને લખ્યું કે “હવે તમે એ બાબતે પૂરા નિશ્ચિંત થશો. ને બધો ભાર ઉતારી નાખજો …. સંવેદનશીલ માણસને આભારવશતાનો ય ભાર લાગે પણ તે ય તમે લેશ માત્ર ન રાખશો. જામીન તરીકે પ્રતિષ્ઠા સિવાય બીજી કોઈ ચિંતા કે શંકાકુશંકા મનમાં ન હતી અને નથી તેની ખાતરી રાખજો. કદાચ પૈસા ન ભરાય તોયે શું ? ઘી ઢોળાયું તે ખીચડીમાં જ છે. તમે બધાં મારાં જ છો. (એમને કોઈ સંતાન નહોતું પણ લો.ભા.નાં નાનાંમોટાં સૌ કોઈ પોતાને એમનું સંતાન માનવામાં ગૌરવ લે.) આ વાત આપણા બેની વચ્ચે જ રાખજો. ઘરનાં કોઈ પર દબાણ ન લાવશો. હવે પૂરા હળવા થઈ જાઓ અને એમ.એ.માં પ્રથમ વર્ગ લાવજો …” પત્રમાં દાદાએ ઓફિસમાં રકમ જમા થયાની પહોંચ પણ બીડી હતી !! ( હું તો એમને હેરાન કરીને ય પાછો – એમના આશીર્વાદથી જ હશે ને – પ્રથમ વર્ગમાં ય પ્રથમ આવેલો જેનો તેમને અત્યંત હર્ષ હતો.)

લોન ભરાઈ છતાં એનો કોઈ આનંદ ન રહ્યો. મન–હૃદય પર વાદળાં ઘેરાતાં જ ગયાં. એવામાં તા. ૨૧-૯-૬૮ના રોજ એક લાંબો પત્ર મળ્યો. એમાં તેમણે જણાવ્યું હતું કે પોતે ભણતા ત્યારે ગોંડલ બાપુની રૈયત તરીકે લોન લીધેલી. સ્વરાજ પછી વીલિનીકરણ આવતાં રાજ્ય જ ન રહ્યું ત્યાં લોનની રકમ પાછી કોણ લે ? એ પૈસા રાજ્યના હતા. હું દેવાદાર હતો. હવે એ તમને સોંપું છું. ઝાડુની રમતમાં ઝાડુ તમને સોંપ્યું ! લખે છે, “મારી આ ઋણફેડના નિર્ણય મુજબ તમે આ રકમ મોકલશો નહીં.” દાદાના નિર્ણયની પારદર્શિતા અને ચોક્કસાઈ કેવી હતી તેનો પુરાવો પણ જાણવા જેવો છે ! પરબીડિયામાં પત્રની સાથે જ એક સહી સાથેની પહોંચ પણ બીડી હતી ! જે બતાવતી હતી કે મારા તરફથી તેમને પૂરા પૈસા મળી ગયા છે !!!

ને છતાં વાત કાંઈ આટલેથી પતતી નથી ! આ ઋષિવર દાદાએ છેલ્લે જે લખ્યું છે તે તો દૈવી બાબત જ ગણવી રહી. પહોંચ મોકલીને પછી પાછા મારી મદદ માગે છે ! લખે છે : “મોહ અને આસક્તિમાંથી છૂટવું સરળ નથી. પણ આટલા પૂરતો પણ છૂટી શકું તેમાં મને મદદ કરશો તેવી આશા રાખું છું …. એ રકમનો તમે શો ઉપયોગ કરશો તેની પણ જાણ મને ન કરશો…..” આ બાબત અંગે કંઈ પણ જાણવાની ઈચ્છાને ય નામશેષ કરીને તેમણે તો સ્વસ્થતા મેળવી લીધી પણ હું તો ઝંઝેડાઈ ગયો. આ આખો પ્રસંગ મેં એમની વિદાય પછી જ પ્રગટ કરવાની હિંમત – એમના સ્મૃતિગ્રંથ નિમિત્તે – કરી છે. એમના પત્રોની મારી ફાઈલમાં તો હજી બધું અક્ષરશ: પડ્યું પડ્યું દાદાને મારામાં જીવંત રાખે છે.

મને નોકરીની બાબતે ઈડર કૉલેજ, સમોડા ગ્રામ વિદ્યાપીઠ અને કેન્દ્ર સરકારની શ્રમિક વિદ્યાપીઠનાં કાર્યક્ષેત્રો બાબત તેમણે ઘણું લખ્યું છે. શિખામણો તો ખરી જ પણ કાર્યક્ષેત્રોની સૂક્ષ્મ ને સંભવિત ક્ષતિઓ પણ બતાવતાં રહીને મને દોર્યો છે. લોકભારતીના વારસાનું મોણ નાખીને એમણે બધું પીરસ્યાં કર્યું છે. મને સારો કાર્યકર બનાવવા એમણે બહુ કાળજી લીધી છે.

મને લેખક–કવિ બનાવવા માટે પણ ઓછી મહેનત નથી લીધી. મારાં કાવ્યલેખનને દિશા આપવામાં એમનો બહુ મોટો ફાળો છે. છંદમાં કાવ્યો લખનારાં તે દિવસોમાં ત્યાં બહુ ઓછા હતા. મને એ સારું ફાવે. લગભગ દરેક પત્રમાં મને લખતાં રહેવાનું એમણે કહ્યા કર્યું છે. એનું સુફળ જે મળ્યું છે તે મારું અંગત હોવા છતાં અહીં રજૂ કરવા રજા લઉં છું :

“તમે હમણાં કવિતા લખતા નથી. કવિતા જીવતા ભલે હશો. પણ એ દોર ફરી સાંધો. તમારી પાસે તે માટે જરૂરી સંવેદનશીલતા અને આવિષ્કારશક્તિ છે જ. હળવું અને ગંભીર બન્ને તમને ફાવશે. મનોહર (આપણા કવિ મનોહર ત્રિવેદી) સારી પ્રગતિ કરે છે. રમણીક ભટ્ટ ક્યાંક અટકી પડ્યા છે. તેમને પણ જગાડવા ઈચ્છું છું. પણ તમે તો કવિતાલોકમાં પાછા જાઓ એમ ઈચ્છું. એમાં વળી હવે તો ઈડરના પહાડી ને વનપ્રદેશમાં છો. તે પણ પ્રેરણા આપશે. ઈડરે જ આપણને ઉમાશંકર આપ્યા.”

પણ આપણા રામને ઉમાશંકરની કેડીએ ચાલવાની જ આળસ હોય ત્યાં શું થાય ? તેઓ આ જાણતા હશે. લખે છે, “જૂનાં પ્રતીકો અને છંદોબદ્ધ કવિતા તમને ફાવે છે. નવાં પ્રતીકોની રાહ જોવાની સાથે જૂનાથી કામ ચલાવવું. જૂનાં કપડાં પણ નવાંને અભાવે પહેરીએ જ છીએ ને ?” પછી એક સુંદર ઉપમાથી શણગારીને લલચામણું વાક્ય મૂકે છે : છંદોબદ્ધ કવિતાઓ લખનારાઓ શુદ્ધ ખાદી પહેરનારાઓની જેમ ઓછા થતા જાય છે. તો તમારા જેવા રહ્યાસહ્યા તે સાચવી રાખે તો ફરી લોલક છંદ તરફ જ્યારે જાય ત્યારે એની પણ કીમત થાય …. વિદ્યાર્થીઓમાં અને અધ્યાપકોમાં ય છંદની સમજણ અને પકડ ઓછી થતી જાય છે. તમે એ ધરાવો છો તે જવા ન દો તેમ ઈચ્છું.”

એક વખત તો “તમે લખતા નથી એ અમારી ખાસ ફરિયાદ છે. ગૃહપતિનું કામ (સમોડામાં) કવિત્વને બાધક નહીં, પ્રેરક છે. કારણ કે એ કાર્યમાં જીવનના વિવિધ અનુભવો થાય છે. લખો, લખો.”

‘લખો’, ‘લખો’ કર્યા પછી એમણે મને લખવાનું કહેવાનું બંધ કરી દીધું જણાય છે. પણ એ ‘લખો–લખો’એ જ મારા સુષુપ્ત મનમાં હલચલ મચાવી મૂકી હશે. એનું ચમત્કારિક પરિણામ જે આવ્યું તે રજૂ કરવા આટલું લંબાણ કરવું પડ્યું છે ! એ પછીનાં વર્ષોમાં બુચદાદાને જે બહુ ગમતું તેવા સાવ નબળા કહેવાય તેવા માનવી – શ્રમિકો –ને ભણાવવાના કામમાં હું જોતરાયો. એમાં ગળાડૂબ રહ્યો. એણે મને માનવીનો આંતરબાહ્ય પરિચય કરાવ્યો. એ બધું મેં કાગળ ઉપર ગદ્યમાં ઉતાર્યું. સાઈક્લોસ્ટાઈલ કરેલા કાગળોમાં એ બધું દાદાને મોકલ્યું. જે જવાબ આવ્યો તે મારા જીવનનો મહત્ત્વનો પ્રસંગ બની રહ્યો. બુચદાદાની ફરિયાદો યોગ્ય જગ્યાએ વાગી હશે પરિણામે એમને ય પારાવાર સંતોષ થવાથી મને અનેકગણો આનંદ થયો.

“તમે આપેલ લિથોગ્રાફ લખાણો વાંચવાં શરૂ કર્યાં. થોડાંક જ વાંચ્યાં. પણ બધાં ગદ્યકાવ્યો જ છે. સ્વ. પૂજ્ય ઈસ્માઈલદાદાનું ‘વનસ્પતિ દર્શન‘ હિન્દીમાં વાંચ્યું છે તે યાદ આવ્યું. તમારાં લખાણો વધુ સાદી, સરળ ભાષામાં પણ મને તો એ પ્રકારનાં જ લાગ્યાં છે. એટલે હવે તમે કાવ્યો લખતા નથી તે ફરિયાદ હું સાનંદ પાછી ખેંચી લઉં છું.

“કરુણરસ રસોમાં શ્રેષ્ઠ ગણાય છે. સમાજજીવનના ઘણા મોટા કરુણ ભાગમાં તમારા જેવા કવિહૃદયને કાવ્ય દેખાય અને તમે તે ભાવને સ–રસ વાણી આપો તે સ્વાભાવિક અને ઉચિત છે. આમાં મારો પક્ષપાત નથી– તટસ્થ ભાવ છે, એમ મને લાગે છે. મારા મૂલ્યાંકનની મર્યાદિત શક્તિ ભલે હોય.”

મૂલ્યાંક શક્તિને (જો હોય તો !)અવગણીનેય એમના તરફથી મળેલો આ પ્રતિસાદ મારે મન તો ‘મહાપ્રસાદ’ જ હતો !

મારા વ્યક્તિગત ઉપરાંત કુટુંબજીવનમાં પણ એમણે ઊંડો રસ લઈને અમને સૌને પોતાના સ્નેહાવરણમાં વીંટાળી રાખ્યાં છે. આ લેખ દ્વારા એમને (અને બધા જ ગુરુજનોને) મારી અંજલી આપતો હોઉં એવું માનીને આ લખી રહ્યો છું. લોકભારતીએ, નાનાદાદાએ ને એમના વારસદાર શિક્ષકોએ અમને કેટકેટલું આપ્યું છે ! સૌને એ મળ્યું છે, મને એકને નહીં. મેં તો આ, એમના પત્રોને આધારે જ આટલું મૂલ્યાંકન કર્યું. પત્રોની બહાર પણ બુચદાદા તો આકાશને આંબે એટલી ઊચાઈના જોયા જ છે ને ! આ લખાણમાં તો ફક્ત પત્ર–પુષ્પોમાં ફોરમતા સચવાયેલા બુચદાદાની મહેંકતી ફોરમ જ યથાશક્તિ વહેંચી છે. (એમના સ્મૃતિગ્રંથ માટે લખ્યા તા. ૫-૯-૨૦૦૨)

એક નોંધ : 

(મને છંદોમાં લખતાં રહેવાનો તેમનો સતત આગ્રહ હું ક્યારેય ભૂલ્યો નહીં. મેં શરૂ કરેલી નૉળવેલ પ્રવૃત્તિની સભામાં હાજર રહેવા માટે એમને જે રસ હતો તેવો જ ઉમળકો ઉંઝા પરિષદમાં હાજરી આપવાનો હતો. રામજીભાઈને તેમણે આ અંગે બહુ લખેલું. રામજીભાઈ પરના કેવળ ભાષાશુદ્ધિ અંગેના જ તેમના પત્રોનો સંગ્રહ અમે પ્રકાશિત કર્યો છે : ‘જોડણી અંગે ન.પ્ર. બુચ’…. પરિષદમાં પસાર થયેલા ”એક જ ઈ અને એક જ ઉ પ્રયોજવાના” ઠરાવને રામજીભાઈએ દાદા જ્યારે પથારીવશ હતા ત્યારે વાંચી સંભળાવ્યા હતા. સાંભળીને એમણે છેલ્લી અવસ્થામાં સાવ શિથિલ થઈ ગયેલા હાથને ઊંચો કરીને આશીર્વાદ આપ્યા હતા ! એમનો ઊંચો થયેલો હાથ અમારા સૌને માટે તો જાણે આદેશરૂપ હતો. સ્વ. બુચદાદા ને આદરણીય કનુભાઈ જાની પાસેથી અમને ભાષાશુદ્ધિ અભિયાન જાણે વારસામાં મળ્યું છે. મારું નેટગુર્જરી કેવળ ઉંઝાજોડણી માટે છે પણ તેટલાથી કામ થાય તેમ ન લાગ્યું ત્યારે સૌનું મન જાણીને વેબગુર્જરી દ્વારા ભાષાસાહિત્યની સેવા હાથ પર લીધી છે. આ કામોમાં જ આયુ વિતાવવાની રઢ લાગી શકી હોય તો તેમાં આ પ્રાત:સ્મરણીય ગુરુજનોની ઋણફેડસેવા થઈ રહ્યાનો અનુભવ કામ કરી રહ્યો છે ….. સોનલ વૈદ્ય દ્વારા છંદો પરનો મારો ઈન્ટરવ્યુ લેવાયો ત્યારે મને બુચદાદા જાણે સાક્ષાત્ થયાનો ભાવ થયેલો. છંદોબદ્ધ કાવ્યો માટેનો તેમનો આગ્રહ હું તો બહુ ઝીલી ન શક્યો પણ છંદો પરનાં મારાં લખાણો દ્વારા હું દાદાના આદેશને જ પાળી રહ્યો છું.)

––––––––––––––––––––––––––––––––––––––––––

(‘કોડિયું’ના “શીલભદ્ર શિક્ષક–વિભૂતિ : બુચભાઈ–વિશેષાંક”માં પ્રગટ થએલો મારો લેખ)
e.mail : jjugalkishor@gmail.com

Loading

18 December 2023 Vipool Kalyani
← જવાહરલાલ નહેરુ – ક્રાન્તિનો નૂતન પરિવેશ
नये साल की दहलीज पर →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved