
હેમન્તકુમાર શાહ
આફ્રિકાનો એક દેશ ઘાના. હાલ તેની વસ્તી આશરે ૩.૪૬ કરોડ. ૧૯૫૭માં તે અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયેલો.
તેના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા ક્વામે એન્ક્રુમા. ૧૯૫૭-૬૬ સુધી તેઓ પ્રમુખ રહેલા. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા અને પછી તાનાશાહ થઈ ગયેલા. એમને તો પછી દેશ છોડીને ભાગવું પણ પડેલું.
નવેમ્બર-૧૯૬૩માં ત્યાં એક કેસ ચાલેલો ખાસ અદાલતમાં. તે અદાલત ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી હતી. એ હતા ત્યાંની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા બે એ જ અદાલતના ન્યાયમૂર્તિઓ.
કેસ હતો દેશદ્રોહનો. આરોપીઓ હતા : બે ભૂતપૂર્વ પ્રધાનો, રાજકીય પક્ષના એક મંત્રી અને વિપક્ષના બે નેતાઓ.
ત્રણ મહિના ચાલેલા આ કેસનો ચુકાદો આવ્યો ૯ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ. ચુકાદામાં વિપક્ષના બે જણાને સજા થઈ અને બાકીના ત્રણને છોડી મૂકવામાં આવ્યા.
આ ચુકાદો દેશના પ્રમુખ ક્વામે એન્ક્રુમાને ગમ્યો નહીં. તેમણે બે જ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિને હોદ્દા પરથી દૂર કરી દીધા. બીજા એક ન્યાયમૂર્તિએ રાજીનામું આપ્યું. પછી ત્રણ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિએ પણ રાજીનામું આપી દીધું.
પછી ત્યાંની સંસદે કાયદો બદલી નાખ્યો. નવા કાયદા હેઠળ કેસ ચાલ્યો અને બધા પાંચેય આરોપીઓને મૃત્યુ દંડની સજા થઈ.
આશરે ૩૮ વર્ષ પહેલાં સ્વ. પ્રો. રમેશ ભટ્ટે એક વ્યાખ્યાનમાં એમ કહેલું કે ઘાનાના આ રાષ્ટ્રપ્રમુખે પછી દેશના પાટનગર આકરાના બજારમાંથી નવાં નક્કોર અલીગઢી તાળાં મંગાવેલાં અને જાતે જઈને બધી અદાલતોને તાળાં મારી દીધેલાં એમ કહીને કે “આ અદાલતો કામ કરવા દેતી નથી.”
હવે આ ઘટનાને ભારતના ઉપરાષ્ટ્રપતિએ અને ભા.જ.પ.ના એક સાંસદે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વકફ કાયદામાં સંસદે કરેલા સુધારાના સામે થયેલી અરજીઓ અંગે આપેલા હુકમના સંદર્ભ સાથે કહેલાં વેણ સાથે જુઓ. રીતસર ધમકીની ભાષા લાગે એ! જાણે કે તેઓ બંને કહે છે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિઓને કે, “તમે છો કોણ? અમે ચૂંટાયેલી સરકાર છીએ.”
સત્તાધીશોને બંધારણનું અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરનારી અદાલતો ક્યારે ય ગમતી જ હોતી નથી.
અને હા, ભૂતકાળની એક વાતની યાદ પણ અપાવું. ૨૦૧૪માં મુંબઈની સી.બી.આઈ.ની ખાસ અદાલતના ન્યાયમૂર્તિ હરકિસન લોયા રહસ્યમય સંજોગોમાં નાગપુરમાં મૃત્યુ પામેલા. તેમનો મૃતદેહ લાતુર પાસેના તેમના ગામમાં લઈ જવાયેલ. અને એમ્બ્યુલન્સમાં માત્ર એક ડ્રાઈવર જ હતો. લોયા જે બે ન્યાયમૂર્તિઓ સાથે મુંબઈથી નાગપુર ગયેલા એ પણ એમના મૃતદેહની સાથે નહોતા ગયા! તેમનાં પત્નીને તેમના મૃત્યુના સમાચાર મળવાને બદલે એ સમાચાર પહેલાં તેમના બહેનને મળેલા!
જજ લોયા દેશના હાલના ગૃહ મંત્રી અમિત શાહ સામેનો ગુજરાતના એક એન્કાઉન્ટરનો કેસ ચલાવી રહ્યા હતા. જો કે, જજ લોયાનું મોત કુદરતી રીતે થયેલું એમ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ચાલેલા કેસમાં ઠરાવાઈ ચૂક્યું છે.
જજ હરકિસન લોયાના મૃત્યુ બાદ જે ન્યાયમૂર્તિ આવ્યા એમણે અત્યંત ટૂંકા ગાળામાં કેસનો ચુકાદો આપીને અમિત શાહને બાઈજ્જત બરી કરેલા.
જજ લોયાના રહસ્યમયી મોત વિશે મારા મિત્ર અને મુંબઈના પત્રકાર નિરંજન તકલેએ ‘Who Killed Judge Loya?’ પુસ્તક લખ્યું છે તે વાંચવા જેવું છે. આ રહસ્યમયી મોત વિશે લખ્યા પછી તેઓ લોકશાહી વિશ્વગુરુ ભારતમાં બેકાર થઈ જાય એ સાવ સ્વાભાવિક છે.
છે ને, ઘાના ઘાના નામની રમત ક્યારનીય શરૂ થઈ ગઈ હોય એવું નથી લાગતું? આપણી અદાલતો ખુલ્લી હોય છતાં તાળાં મારેલા જેવી, તો આશ્ચર્ય નહીં કરવાનું, જય શ્રી રામ બોલીને ભજન કરવાનું.
તા.૨૧-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

