
રમેશ ઓઝા
કેટલો ભય! ચારે બાજુએ ભયની ભૂતાવળ નજરે પડી રહી છે. વિરોધ પક્ષોનો ભય, કર્મશીલોનો ભય, સ્વતંત્ર ન્યાયતંત્રનો ભય, સ્વતંત્ર મીડિયાનો ભય, બૌદ્ધિકોનો ભય, વિદેશી રાજકીય નિરીક્ષકોનો ભય, તેજસ્વી કલાકારો અને સાહિત્યકારોનો ભય, જેને વિદાય લીધે છ દાયકા થવા આવ્યા એ જવાહરલાલ નેહરુનો ભય અને આજની તારીખે સૌથી વધુ રાહુલ ગાંધીનો ભય. પેલાને બોલતો અટકાવો, બીજાને ખરીદો, ત્રીજાને હેરાન કરો, ચોથાને જેલમાં નાખો, પાચમાંનું સ્થાન ઇતિહાસમાંથી ભૂંસી નાખો. કારણ? કારણ એ કે એ લોકો આપણને માફક ન આવે એવું બોલે છે અને કરે છે અથવા બોલીને કે કરીને ગયા છે. કારણ એ કે, કોને ખબર કાલે પ્રજા કદાચ તેમની વાત સાંભળવા લાગે! માટે અવાજોને રૂંધો.
જેને વિચારતા આવડતું હશે તેને એક વાતનું આશ્ચર્ય થતું હશે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસને બદનામ કરીને ભૂંસી નાખવા માટે કેટલી તાકાત અજમાવવામાં આવે છે! જગતના ઇતિહાસમાં ગાંધી પહેલાં એવો કોઈ માણસ નથી થયો જેનાં વિચારોને અને ચિંધેલા માર્ગને ભૂંસવા માટે આટલી પ્રચંડ અને એ પણ સંગઠિત તાકાત અજમાવી પડી હોય. અને છતાં ય એ માણસ મરતો નથી. આશ્ચર્ય એ વાતનું નથી કે એને મારવાના પ્રયાસ કરવામાં આવે છે, આશ્ચર્ય એ વાતનું છે કે એ માણસ મરતો નથી. શા માટે? એનાં અનેક કારણો છે જેમાં એક મહત્ત્વનું કારણ એ છે કે એણે ભારતની પ્રજાના મનમાંથી ભયની ગ્રંથિ ફેંકી દીધી હતી. પ્રજાને લઘુતાની ગ્રંથિથી મુક્ત કરી હતી. ગાંધીજી ઉપર લખાયેલાં હજારો પુસ્તકો જોઈ જાવ, એમાં સર્વત્ર ગાંધીજીનાં યોગદાનની આ વાત અચૂક કહેવાયેલી જોવા મળશે. વિન્સ્ટન ચર્ચિલ અને જનરલ સ્મટ્સ જેવા ગાંધીજીના દુ:શ્મનોએ પણ આ વાતની નોધ લીધી છે અને ભય અનુભવ્યો હતો. આ વાક્ય ફરી વાંચો. ગાંધીની પોતાની નિર્ભયતા અને પ્રજાને ભયમુક્ત કરવાની તેની ક્ષમતા જોઇને તેઓ એટલે કે ડરાવનારાઓ ડર્યા હતા. ડરાવનારાઓ જેનાથી ડરતા હોય એ ખરી તાકાત.
ગાંધીજીનાં એકાદશ વ્રતમાં એક વ્રત છે; સર્વત્ર ભયવર્જનમ્. ભયનું વર્જન અર્થાત્ ભયથી મુક્તિ અને એ પણ સાર્વત્રિક. ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી. પણ પ્રજા જો ભયમુક્ત થઈ જાય તો? પ્રજા જો લઘુતાગ્રંથિથી મુક્ત થઈ જાય તો? પ્રજા જો વિચારતી થઈ જાય તો? પ્રજા જો નૈતિકતાના પક્ષે ઊભી રહેતા શીખી જાય તો? તો કેટલાક લોકોનું રાજકારણ અપ્રાસંગિક થઈ જાય. ગાંધીજીના સમયમાં પણ હિન્દુત્વવાદીઓ હિંદુઓને ભયભીત કરવાનો પ્રયાસ કરતા હતા કે જુઓ, આ ગાંધીની વાત માનશો તો મુસલમાનો છાતી ઉપર ચડી બેસશે. મહમદઅલી ઝીણા મુસલમાનોને ભય બતાવતા હતા કે જો ગાંધીને રસ્તે ચાલશો તો હિંદુઓ મુસલમાનોની છાતી ઉપર ચડી બેસશે. દક્ષિણમાં દ્રવિડ રાજકારણ કરવા માગનારા ડરાવતા હતા કે જો ગાંધીની વાત માનશો તો આર્ય હિંદુઓ આપણી છાતી ઉપર ચડી બેસશે. દલિત નેતાઓ દલિતોને ડરાવતા હતા કે જો ગાંધી પર ભરોસો કરશો તો બ્રાહ્મણો દલિતોની છાતી ઉપર ચડી બેસશે. સ્થિતિ એવી હતી કે એક માણસ પ્રજાને ડરમુક્ત કરતો હતો તો બીજી બાજુ પ્રજાને ડરાવવાનું પોતપોતાનું કોરસગાન ચાલતું હતું. આમ છતાં ય એ માણસ બીજાં કરતાં લાંબી રેખા ખેચી ગયો અને આજે પણ હજાર પ્રકારના સંગઠિત પ્રયાસો પછી પણ એ મરતો નથી.
ગાંધી જેને ભયમુક્ત કરતો હતો એ ભારતીય પ્રજા હતી અને જે લોકો જે પ્રજાને ડરાવતા હતા એ ભારતીય સિવાયની બીજી પ્રજા હતી. હિંદુ હતા, મુસલમાન હતા, દ્રવિડ હતા, દલિત હતા, બ્રાહ્મણ હતા, મરાઠી કે અન્ય ભાષિક હતા, પટેલ કે મરાઠા હતા અને બીજી અનેક પ્રકારની ઓળખ ધરાવનારી પ્રજા હતી; પણ ભારતીય નહોતી. તેઓ ભારતમાં વસતા હતા એટલા સીમિત અર્થમાં જ ભારતીય હતા. તેમનો પ્રાણ ભારતીય નહોતો.
ભયમુક્ત થવું હોય તો ભારતીય બનવું પડે, ના માણસ બનવું પડે. માણસ સિવાયની કોઈ પણ ઓળખ ધરાવનારો, ફરી કહું છું કોઈ પણ ઓળખ ધરાવનારો માણસ ભયમુક્ત ન થઈ શકે. ટૂંકમાં ભારતીય પ્રજા ભારતીય ન બને અને આગળ જઇને માણસ તરીકેની વ્યાપક ઓળખ ન અપનાવે એ માટે ડરાવનારાઓ પ્રયાસરત હતા. કોઈ માણસ ખરા અર્થમાં ‘માણસ’ ત્યારે જ બની શકે જ્યારે એ માનવીય મૂલ્યોને અપનાવે. ગાંધીજી ભારતીય પ્રજાને ભયમુક્ત ‘માણસ’ બનાવવા માગતા હતા અને એ જોઇને ગભરાઈ ગયેલા સાવરકરે કહ્યું હતું કે માણસાઈ એ સદ્દગુણવિકૃતિ છે.
આજે ડરનારાઓ અને ડરાવનારાઓ સત્તામાં છે. ઉપરના વિવેચન પછી એટલું તો સમજાઈ ગયું હશે કે ડર એ તેમની સત્તાનાં રાજકારણનું ઉપાદાન કારણ છે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે એમ. માટી ન હોય તો ઘડો ન બની શકે એમ જો ડર ન હોય તો ઓળખનું રાજકારણ સંભવી ન શકે. બન્યું એવું કે હિંદુઓને ડરાવનારા હિન્દુત્વવાદીઓ સત્તામાં આવ્યા એ પહેલાં મુસલમાનોને ડરવાનારા મુસ્લિમ લીગીઓ પાકિસ્તાનની સ્થાપના કરીને પહેલાં સત્તામાં આવ્યા. અને એ પછી તેમણે પાકિસ્તાની મુસલમાનોને ડરાવવાનું શરૂ કર્યું, જે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. ભારતનો ભય, અલગ દેશ મેળવ્યા પછી પણ હિંદુઓનો ભય, પશ્ચિમનો ભય, કહેવાતા ઇસ્લામવિરોધીઓનો ભય, આધુનિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારાઓનો ભય, વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓનો ભય, વગેરે. ભય ભય ભય સાર્વત્રિક ભય. અને એ પછી ભય બતાવીને ભિન્ન અને સ્વતંત્ર અવાજોને રૂંધવાનું શરૂ થયું કે જેથી કોઈ સત્તામાં ભાગીદાર પેદા ન થાય. માત્ર પાકિસ્તાન નહીં, દુનિયાના ઘણા દેશોમાં ભયનું રાજકારણ અસ્તિત્વમાં હતું અને છે. સોવિયેત રશિયા આનું એક મોટું ઉદાહરણ છે. સામ્યવાદી રશિયામાં ભય બતાવીને જુલમ કરવામાં આવતા હતા.
પરિણામ શું આવ્યું? પાકિસ્તાન અને રશિયામાં શું બન્યું અને બની રહ્યું છે? બન્ને દેશો બરબાદ થઈ ગયા અને વિશ્વમાં કોડીની આબરૂ નથી. હિંદુઓને ડરાવનારા હિંદુત્વવાદીઓ હવે સત્તામાં આવ્યા છે અને તેઓ પણ એ જ કરી રહ્યા છે જે ઇસ્લામવાદીઓ અને સામ્યવાદીઓ કરી રહ્યા છે કે કરતા હતા. સો ટકા આપણું પણ ભવિષ્ય એ જ હશે જે પાકિસ્તાન અને રશિયાનો વર્તમાન છે. કારણ કે ભય એ ઓળખ આધારિત સત્તાના રાજકારણનું ઉપાદાન કારણ છે.
અહી એક પ્રશ્ન વિચારવા જેવો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને પહેલી કાઁગ્રેસની સરકાર આવી એણે આજના શાસકોની જેમ ડરવા અને ડરાવવાનું સત્તાકીય રાજકારણ અપનાવ્યું હોત તો? પ્રજાને ડરાવવા માટેનાં કારણો જોઈએ એટલાં મળી રહે એમ હતાં. પણ તેમણે એમ કર્યું નહોતું. ગાંધીજીએ તેમને લઘુતાગ્રંથિથી મુક્ત આત્મવિશ્વાસપૂર્વક જગતમાં ભારતની જગ્યા બનાવતા શીખવ્યું હતું. વિરોધ કરનારાઓને બોલવા દીધા હતા. વિરોધીઓને પોતાની જગ્યા બનાવવાની તક રોળી નહોતી નાખી. ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પક્ષ ગાંધીએ શીખેવેલી મૂલ્યનિષ્ઠાના લાભાર્થી છે. જો જવાહરલાલ નેહરુ અને કાઁગ્રેસીઓએ રોતલું રાજકારણ કરીને એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘનો ટોટો પીસી નાખ્યો હોત તો? તેઓ કરી શકે એમ હતા. આજે બી.જે.પી. જેટલી તાકાત ધરાવે છે એનાથી પાંચ ગણી વધુ તાકત ત્યારે કૉંગ્રેસ ધરાવતી હતી. આજે નરેન્દ્ર મોદી જે વગ ધરાવે છે એનાથી અનેકગણી વધુ વગ નેહરુ ધરાવતા હતા અને એ પણ પોતીકી ખરીદેલી નહીં. ધારત તો જનસંઘને દૂધપીતો તેઓ કરી શક્યા હોત. પણ તેમણે તેમ કર્યું નહોતું.
આ ફરક છે ભય અને નિર્ભયતામાં. આ ફરક છે લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસમાં. આ ફરક છે સદ્દગુણમાં અને સદ્દગુણવિકૃતિમાં.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023