લેખનો ઉપાડ બને ત્યાં સુધી કોઈના લાંબા કે એકથી વધુ અવતરણથી નહીં કરવો જોઈએ, એવી સલાહ મને ચન્દ્રકાન્ત બક્ષીએ આપી હતી અને એ સલાહ આજ સુધી હું અનુસરતો આવ્યો છું. આજે એ સલાહ અવગણીને બે અવતરણો સાથે આ લેખનો પ્રારંભ કરું છું.
‘એક વાર ટપાલમાં એક પાર્સલ (બોક્સ) આવ્યું. તાત્યાને શંકા ગઈ. મને કહે એને મકાનની બહાર કંપાઉન્ડમાં લઈ જા અને કોઈકની પાસે (પ્લીઝ શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપો, કોઈક, મરાઠીમાં કુણા કડુન) ખોલાવ. કાળજીપૂર્વક ખોલવાનું કહેજે. હું તેમનાં કહેવા મુજબ એ બોક્સ મકાનની બહાર કંપાઉન્ડના એક ખૂણામાં લઈ ગયો અને ઘર નોકર પાસે ખોલાવડાવ્યું. બોક્સ ખોલ્યું તો એમાં પતાસાં અને ફૂલનો બુકે હતો. પહેલીવાર આવું કોઈક બોક્સ ઘરે આવ્યું હોવાથી તાત્યાને મોકલનારનાં સદ્દહેતુ વિષે શંકા ગઈ. તાત્યાને એવું લાગ્યું કે કોઈએ ક્યાંક કાલધ્વમ (ટાઈમ બોંબ) તો નહીં મોકલ્યો હોય? … શું ખબર, એવું બને પણ ખરું કે મને ઈજા પહોંચાડવાના ઉદ્દેશથી કોઈકે ટપાલ દ્વારા કાલધ્વમ મોકલ્યો પણ હોય. આવી શક્યતા પણ ધ્યાનમાં લેવી જોઈએ. સાવધ રહેવું જોઈએ. કારણ, અમે લંડનમાં આ જ રીતે ટપાલ દ્વારા કાલધ્વમ મોકલતા હતા. આપણે પ્રયોગમાં લીધેલી યુક્તિ આપણી વિરુદ્ધ કોઈ યોજી શકે એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.’
હવે બીજું અવતરણ :
‘તાત્યાની તબિયત ઘણાં દિવસ થયાં ચિંતાજનક હતી. મુંબઈની જેમ જ તેમને આભાસ થતા હતા. એ સ્થિતિમાં સાવધાનીની અનેક પ્રકારની સલાહ તેઓ આપતા રહેતા હતા. ક્યારેક તેમને ભાસ થતો હતો કે લોકો ઘરનો દરવાજો જોરજોરથી ઠોકી રહ્યા છે અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યારેક તેમને રાતના એવો ભાસ થતો કે દુશ્મનો ત્રિકમ જેવાં સાધનોથી ઘરની ભીંત ફોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની ઊંઘ ઊડી જતી. એવી સ્થિતિમાં અમે ઘરની બહાર જઇને બહાર કોઈ જ નથી એની ખાતરી કરી આવ્યા હોવાનું નાટક કરતા અને એ રીતે તેમને સાંત્વન આપવાનો પ્રયાસ કરતા. એવા આભાસોના કારણે તેમને શરદી ઉધરસ સાથે તાવ આવતો રહેતો.’
ઉપરનાં બન્ને અવતરણ વિશ્વાસ સાવરકરનાં છે. વિનાયક દામોદર સાવરકરના સગા પુત્ર. તેમણે ‘આઠવણી અંગારાચ્યા’ નામે સંસ્મરણો લખ્યાં છે અને તેમાં ઉપરની વાત કહેવાઈ છે. તાત્યા સ્વજનો તેમ જ મિત્રો માટે સાવરકરનું હુલામણું નામ હતું.
ભય સાવરકરનો સ્થાયીભાવ હતો અને તેને છૂપાવવા માટે તેઓ શાબ્દિક શૌર્યનો આશરો લેતા હતા. તેમણે પોતે હતા તેનાથી અલગ બતાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા છે અને બળપૂર્વકનું શૌર્યપરક લખાણ કર્યું છે કે સરવાળે તેઓ તેમાં વધારે ઊઘાડા પડ્યા છે. અસંખ્ય વિરોધાભાસો તેમનાં લખાણોમાંથી જ મળી રહે છે. આ અસંખ્ય શબ્દ અતિશયોક્તિ અલંકાર નથી, હકીકત છે. સો એક તો હું બતાવી શકું એમ છું. સમગ્ર સાવરકર વાંગ્મયના દસ મરાઠી ખંડમાં માર્જિનમાં મેં વિરોધાભાસોની નોંધ કરી છે. જેમ કે નાસિકમાં ધગધગતા ક્રાંતિકારીઓ તેમણે પેદા કર્યા હતા એ તેમના દાવાની વાત હું કહી ચુક્યો છું. જો ક્રાંતિ દ્વાર ઉપર આવી ગઈ હતી તો એ યુવકોને છોડીને ભણવા કેમ જતા રહ્યા?
આ સિવાય તેઓ સંકડામણથી કે મુશ્કેલીઓથી બચવા માટે ચારેકોર, દરેક પ્રકારના એટલા બધા પ્રયાસ કરતા કે તેમાં વિવેકભાન તો ઠીક, પ્રમાણભાન પણ નહોતું સચવાતું. જાણીતા હિંદુવાદી ઇતિહાસકાર આર.સી. મઝુમદાર સાવરકરની કાયરતાને ઢાંકવામાં હાંફી ગયા તો કલ્પના કરો કે કેટલી બધી દસ્તાવેજી સામગ્રી તેઓ જાણે-અજાણે મુકતા ગયા છે. આ બધું જ દરેક સંકડામણમાંથી બચી જવાના પ્રયાસોના અતિરેકનું પરિણામ છે.
સવાલ એ છે કે આ બધું હું (અને આ લખનાર જેવા બીજા અનેક અભ્યાસીઓ) વર્ષોથી જાણું છું, પણ ક્યારે ય મેં સાવરકર વિષે તેઓ ઝાંખા પડે એવું લખાણ લખ્યું છે? માફીઓ માગી હતી એ ઉઘાડું સત્ય છે એટલે એના વિષે લખ્યું છે, પરંતુ એનાથી આગળ લખવાનું મેં ટાળ્યું છે. એક પ્રકારની મેં મર્યાદા જાળવી છે.
એનું કારણ એ છે કે મારી ખાનદાની મને નીચે ઊતરતા રોકે છે. આખરે તેમણે ખૂબ સહન કર્યું હતું. તેમનાં કરતાં પણ તેમના ભાઈએ, ભાભીએ અને તેમનાં પત્નીએ ઘણું વધારે સહન કર્યું હતું. કાળા પાણીની સજા આકરી સજા હતી. સાવરકર આખરે માણસ હતા અને માણસ માત્ર મર્યાદાને પાત્ર એ ન્યાયે સ્થૂળ ઘટનાઓને બાદ કરતાં કોઈના જીવનની એવી ઘટનાઓ ઊઘાડી નહીં પાડવી જોઈએ જેમાં તેનું ભૂંડું દેખાય. મેં કહ્યું એમ હજુ વધુ ઘટનાઓ અને વિરોધાભાસો હું બતાવી શકું એમ છું, પણ સંકોચ થાય છે. મારી ખાનદાની, મારો વિવેક, મારાં સંસ્કાર મને તેમ કરતાં રોકે છે.
તો પછી હવે કેમ લખ્યું એવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવી શકે છે અને ઉદ્ભવવો પણ જોઈએ. આનો જવાબ એ છે કે સાઈબર સેલમાં ઉત્પાદિત જૂઠાણાંઓનો અતિરેક થઈ રહ્યો છે. સાવરકરે કિંમત ચૂકવી હતી એમાં કોઈ શંકા નથી અને આપણાં આદર અને સહાનુભૂતિનો વિષય હોવા જોઈએ, પરંતુ તેમને જ્યારે ભગત સિંહ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, બિરસા મુંડા, જતીન બાઘ, હોતીલાલ, ભાઈ પરમાનંદ, ગદ્દર નેતાઓ અને બીજા હજારો ક્રાંતિકારીઓ(જી હાં, હજારો ઓછા નહીં હજારો નામી-અનામી ક્રાંતિકારીઓ)ને ભૂલવાડીને તેમની ઉપર સ્થાપવામાં આવે ત્યારે મોઢું ખોલવું પડે. આ લોકો સ્વપ્રકાશિત હતા. જાનની પરવા તેમણે કરી નહોતી. ભય શું કહેવાય તેની તેમને જાણ નહોતી. કોઈએ માફી માગી નહોતી. કોઈએ બીજાના ખભા ઉપરથી ગોળી તાકી નહોતી. તેમની મર્દાનગી સો ટચના સોના જેવી હતી. જો આ વાત ખોટી હોય તો બતાવો.
પણ અત્યારે પ્રચારયંત્રણા દ્વારા હેલોઝનરૂપી સૂર્યને આકાશમાં સ્થાપવામાં આવી રહ્યો છે જે પોતાનું ખુદનું તેજ ધરાવતા સાચુકલા તારાઓને ઝાંખા પાડે છે. આમાં મર્દ દેશભક્ત ક્રાંતિકારીઓનું અપમાન થઈ રહ્યું છે અને એ ચલાવી ન લેવાય. હજુ બે દિવસ પહેલાંની વાત છે. ૨૩મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હતો તો વાત ફેલાવવામાં આવી કે સુભાષબાબુ સાવરકરને મળવા ગયા હતા અને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. એ વાત સાચી છે કે સુભાષબાબુ સાવરકરને મળવા ગયા પણ એ મુલાકાત વિષે બોઝ શું લખે છે એ વાંચી લો : “Mr. Savarkar seemed to be oblivious of the international situation and was only thinking how Hindus could secure military training by entering Britain’s army in India. From these interviews, the writer was forced to the conclusion that nothing could be expected from either the Muslim League or the Hindu Mahasabha.” (Indian Struggle; Collected Works of Netaji Subhash Chandra Bose. Volume-1, page, 384) સુભાષબાબુ લખે છે સાવરકર જગતમાં શું બની રહ્યું છે એનાથી બેખબર હતા અને તેમને તો માત્ર એક જ વાતમાં રસ હતો કે (બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે ત્યારે તક જોઇને) હિંદુ યુવકોએ બ્રિટિશ સૈન્યમાં જોડાઈને લશ્કરી તાલીમ લેવી જોઈએ. ભારતને આઝાદી અપાવવામાં મુસ્લિમ લીગ કે હિંદુ મહાસભા પાસેથી અપેક્ષા રાખવી નકામી છે.
સાવરકરનું કદ વધારવા જે ખભો મળે એનાં ઉપર સાવરકરને ચડાવી દેવામાં આવે છે. સુભાષબાબુના ખભાનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હકીકત એ છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સુભાષચંદ્ર બોઝને એમ લાગ્યું હતું કે અંગ્રેજો ભીંસમાં આવ્યા છે ત્યારે ભારતના રાજકીય પક્ષોએ મળીને હથોડો મારવો જોઈએ. એ સારુ તેઓ તમામ રાજકીય પક્ષોના નેતાઓને મળતા હતા અને તેમાં મુસ્લિમ લીગના નેતા ઝીણા અને હિંદુ મહાસભાના નેતા સાવરકરને મળવા ગયા હતા. એમને બન્નેને મળ્યા પછી સુભાષચંદ્ર બોઝને ખાતરી થઈ ગઈ હતી એ આ બન્નેમાંથી કોઈને ભારતની આઝાદીમાં રસ નથી. નેહરુ નહીં, સુભાષબાબુ આમ કહે છે બોલો. સુભાષ બોઝના મતે જે માણસને ભારતની આઝાદીમાં રસ જ નહોતો એ માણસને સ્વાતંત્ર્યવીર તરીકે શા માટે સ્થાપવામાં આવે છે?
આ જ તો રમત છે. કોઈને ગાળો આપો અને અપપ્રચાર કરો. કોઈને બદનામ કરો. કોઈને હાંશિયામાં ધકેલો. કોઈનો યશ આંચકી લો. બીજી બાજુ સરદાર અને સુભાષબાબુ જેવા કેટલાકને પરાણે વિરાટ બનાવો. એટલાં વિરાટ બનાવો કે તેમણે જિંદગીમાં પોતાના વિષે આવું નહીં વિચાર્યું હોય. હવે ગાળો, બદનામી, ઉપેક્ષા, શ્રેય છીનવી લેવો વગેરે માર્ગે જેટલી જગ્યા મળે તેમાં સાવરકરને ગોઠવવાનો પ્રયાસ કરો. બીજી બાજુ જેને વિરાટ બનાવ્યા હોય તેમના ખભાનો ઉપયોગ કરો. એક બાજુએ માફક ન આવે એવા લોકોને ખોવાડી દેવાનું કે નાના બનાવવાનું કારખાનું ધમધોકાર ચાલે છે કે જેથી આપણા આઇકન મોટા લાગે. બીજું બાજુ પસંદ કરેલા લોકોનું કદ વધારવાનું કારખાનું પણ ચોવીસ કલાક કામ કરે છે કે જેથી તેમના ખભા ઉપર ચડી શકાય.
માટે હવે બોલવું પડે છે.