વાહ રે હિન્દુ ભારતવર્ષ !
ગાય સાથે મારો બાળપણનો સંબંધ છે. મારો જન્મ અને ઉછેર આજકાલ જે શહેર ગાયના કારણે ચર્ચામાં છે એ ઊનાની બાજુમાં આવેલા ગામમાં થયો હતો. જીવનનાં શરૂઆતનાં ૧૫ વરસ એ ગામમાં વિતાવ્યાં હતાં. અમારા ઘરમાં બે ગાય હતી. ગાયને સવારે ધણમાં મૂકવા જવી, સાંજે કોઈ કારણે ઘરે પાછી ન ફરી હોય તો ગોતવા જવી, ચારો નીરવો, સાંજે શાળાએથી ઘરે આવ્યા પછી વાડીએ રજકો (એક પ્રકારનો લીલો ચારો જે ઢોરને બહુ પ્રિય હોય છે) લેવા જવું, ખેતરમાંથી પાક લણી લેવામાં આવ્યો હોય એ પછી બા સાથે ખેતરમાં પડેલાં પાંદડાં વીણવાં જવું, ગાય વિયાઈ હોય એ પછી ખાણ આપવું, વાછરુંને પકડી રાખવું કે રમાડવું એમ ગોસેવાનાં બધાં કામ કર્યાં છે અથવા એમાં બાને મદદ કરી છે. હું તો જમતાં પણ મોડેથી શીખ્યો હતો એટલે મારું પોષણ પણ ગાયે એનું દૂધ આપીને કર્યું છે.
અમારું મકાન ગારમાટીવાળું હતું એટલે ત્રણ-ચાર મહિને છાણથી લીંપવાની જરૂર પડતી. લીંપણ ગાયના છાણથી જ કરવાનો રિવાજ છે. બીજા કોઈ પણ પશુના છાણ કરતાં ગાયના છાણ અને પેશાબમાં કંઈક અનોખાપણું છે એનો આ લખનારે અનુભવ કર્યો છે. ગામના પાદરે ચરાણ માટે જતાં પહેલાં ગાયો-ભેંસોનું ધણ ઊભું હોય ત્યાં જોઈએ એટલું છાણ મળી રહેતું. પાદરે પહોંચીને પોદળામાં સાંઠીકડું કે પથરો નાખીને પોદળો રિઝર્વ કરવાનું કામ અમે છોકરાંવ કરતા. છોકરાંવ પાદરે આવેલા ઝાડની ચોરડી કે ડાળ પર ચડીને ધણ પર નજર રાખતા. જેવી દૂરથી ગાયને પોદળો કરતી જોઈએ કે તરત એ ગાય તરફ આંગળી ચીંધીને ગાય પોઈ, ગાય પોઈ એમ બૂમ પાડવાની એટલે એ પોદળો આપણો. કોઈ હરીફ એ પોદળાને હાથ ન લગાડે. એ પછી સાંઠીકડું કે પથરો એમાં નાખી આવવાનો. વાસીદું અને લીંપણ બા કરતાં. એક વાર અમારી વાછડીને હડકાયું કૂતરું કરડી જતાં એને હડકવા થયો હતો. એનો ઝુરાપો જોઈ ન શકાય એવો હતો. એ જીવ દેહત્યાગ કરે એ માટે મારાં બાએ અમુક (સંખ્યા ભૂલી ગયો છું) નકોરડા સોમવાર કરવાની માનતા માની હતી. એ વાછડી મરી ગઈ એ રાતે અમારા ઘરમાં ચૂલો નહોતો પ્રગટ્યો. મને નથી લાગતું કે મારા અને અમારાં બા જેટલી ગોસેવા કોઈ હિન્દુત્વવાદી ગોસેવકે કરી હશે.
ના, એ ગોસેવા નહોતી. ગાય ગ્રામીણ જીવનનું, ગામડાંની સામાજિક તેમ જ આર્થિક વ્યવસ્થાનું અભિન્ન અંગ હતી. ગોસેવા તો એ લોકો કરે છે જેમને ગાયનો પૂજવા સિવાય બીજો કોઈ ખપ નથી. જો ખપ હોય તો ગાયને ખીલે બાંધવામાં આવે છે અને જો ખપ ન હોય તો કોઈ પણ રખડતી ગાયનું પૂછડું આંખે લગાડીને સેવા થઈ શકે છે. જો ખપ હોય તો મા-બાપને ઘરમાં રાખવામાં આવે છે અને જો ખપ ન હોય તો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને બેસતા વરસના દિવસે કે જન્મદિવસે પગે લાગી આવે છે એના જેવી જ સ્થિતિ છે. જે લોકો ગાયનો કોમવાદી એજન્ડા માટે ઉપયોગ કરે છે એવા વિકૃત માનસ ધરાવનારા લોકોની તો અહીં વાત જ નથી કરતા. તેઓ તો ગાયની સાચી પૂજા પણ નથી કરતા.
મારા બાળપણમાં (૧૯૬૦નો દાયકો) અમારા ગામમાં લગભગ દોઢસો-બસો ગાયો ખીલે બંધાયેલી હતી અને રખડતી ગાય તો એક પણ નહોતી. ગામમાં ગૌશાળા નહોતી, કારણ કે ઘરે-ઘરે ગૌશાળા હતી. જે લોકો કોઈ કારણસર ગાય નહોતા રાખતા તેમને વધુ નહીં તો છાશ તો મફતમાં આપવામાં આવતી હતી. ઠરાવેલા એકાંતરા દિવસે છાશ આપવામાં આવતી હતી એના પરથી છાશવારે શબ્દ રૂઢ થયો છે. ગયા વર્ષે હું ગામ ગયો ત્યારે તપાસ કરતાં ખબર પડી કે આખા ગામમાં ખીલે બંધાયેલી ગાય માંડ બે-પાંચ હશે. ગોંદરે જમા થતું ધણ તો હવે ઇતિહાસ બની ગયું છે અને ત્યાં એક ધાર્મિક સંસ્થાએ ગોંદરો વાળીને ગૌશાળા બાંધી છે. ખીલે બાંધવામાં આવેલી ગાય અને ગૌશાળામાં એટલો જ ફરક છે જેટલો મા-બાપને ઘરે રાખવામાં આવે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ગાય વિયાય ત્યારે ઘરે લઈ આવે અને જ્યારે વસૂકી જાય ત્યારે મુંબઈના શેઠિયાઓના પૈસે ચાલતી ગૌશાળામાં મૂકી આવે.
આવું કેમ બન્યું? જે ગાય પાંચ દાયકા પહેલાં મારા અને મારા જેવા લાખો ભારતવાસીઓનાં જીવનનું અંગ હતી એ રખડતી કે ગૌશાળાની આશ્રિત કેમ થઈ ગઈ? મુંબઈનો શેઠિયો ગોસેવા કરીને પુણ્ય કમાય અને ગામમાં રહેતો ખેડૂત ગાયને પોતાના ફળિયેથી દૂર કરવાનું પાપ કરે એમ કેમ બન્યું? ૧૯૭૦માં અમે અમારું ગામનું ઘર સમેટીને મુંબઈ સ્થળાંતરિત થયા ત્યારે અમે અમારી ગાયને વેચી નહોતી, પરંતુ ગાય ન ધરાવતા એક પરિવારને આપી દીધી હતી. અમે ઘર બંધ કર્યું એના આગલા દિવસે એ માણસ અમારા ખીલેથી ગાય છોડીને લઈ ગયો એ દૃશ્ય આજે પણ નજર સામે તરવરે છે. મારાં બાએ આંખમાં ઝળઝળિયાં સાથે પ્રણામ કરીને ગાયને વિદાય આપી હતી. એ સમયમાં ગાય કોઈએ વેચી હોય એવું ભાગ્યે જ સાંભળવા મળતું. ઊલટું ગાયનો વેલો જાળવી રાખવામાં લોકો ગર્વ અનુભવતા.
આજે શા માટે મારા ગામમાં અને ગુજરાતના અન્ય કોઈ પણ ગામમાં ગાય રાખવા કોઈ તૈયાર નથી? આનાં અનેક કારણો છે અને એમાં સરકારની નીતિ મુખ્યત્વે કારણભૂત છે એની ચર્ચા આવતી કાલે કરીશું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 અૉગસ્ટ 2016
http://www.gujaratimidday.com/features/columns/cow-protection-in-india-2
•••••••
ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે ને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે
એક સમયે માનવીએ ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે
બોલકો વિરોધ : ગાયની હત્યાના મામલે થોડા દિવસ પહેલાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં રવિવારે ઊનામાં દલિત કમ્યુિનટીના હજારો લોકોએ પ્લૅકાર્ડસ સાથે વિરોધ દર્શાવ્યો હતો.
જે ગાય હજી હમણાં સુધી ગ્રામીણ જીવનનો હિસ્સો હતી, પરિવારની સભ્ય હતી એ ધીરે-ધીરે ઘરની ગમાણેથી ઊખડીને ગૌશાળાને શરણે કેમ થઈ ગઈ? કેટલીકને તો ગૌશાળાનું નસીબ પણ ઉપલબ્ધ નથી એ રખડીને જીવન પૂરું કરે છે. એક બાજુ ગાયનું પૂજન કરવાનું, સેવા અને રક્ષાના દાવાઓ કરવાના અને બીજી બાજુ ગાયને એના નસીબ પર છોડી દેવાની એવું કેમ બન્યું?
એક સમયે ખેતી ન ધરાવતા ગ્રામીણ પરિવારો પણ ગાય રાખતા હતા; જ્યારે આજે ખેડૂતો પણ ગાય નથી રાખતા, કારણ કે ગાય ગમાણે બાંધવી પરવડતી નથી. આર્થિક પરિબળો એટલાં નિર્ણાયક હોય છે કે એમાં લાગણી અને ફરજ ભૂલી જવી પડતી હોય છે. જે સંતાનો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેમની પણ આર્થિક મુશ્કેલી હોય છે. દરેક કિસ્સામાં લાગણી અને ફરજની સમજનો અભાવ હોતાં નથી. કાન ફાડી નાખે એવા હાઈ ડેસિબલમાં ગોરક્ષાની વાતો કરનારા લોકો કાં કોમવાદી રાજકીય એજન્ડા ધરાવે છે અને કાં અજ્ઞાની છે.
એક સમયે ગાય ગમાણે બંધાતી હતી, કારણ કે ગાય પરવડતી હતી. ગુજરાતનાં લગભગ મોટા ભાગનાં ગામોમાં ગોચરણની અનામત જમીન અને અવેડા હતાં. આ ઉપરાંત ઘાસિયાં મેદાનો હતાં અને ખેડૂતો પણ ફસલ લણી લીધા પછી ખેતરમાં ગાયને ચરવા દેતા હતા. આમ ચારો અને પાણી બન્ને મફતમાં મળતાં હતાં. ઘરધણીએ માત્ર ગાયને ધણમાં મૂકી આવવાની અને ગોવાળને વરસે ઠરાવેલી રકમ કે અનાજ આપવાનાં. અમારું ગામ જૂનાગઢનું નવાબી ગામ હતું. નવાબે ગોચરણ માટે ગામને જમીન આપી હતી અને રેંટથી અવેડા ભરનારને (જે અમારે ત્યાં અવેડિયા તરીકે ઓળખાતો હતો) તેના જીવનનિર્વાહ માટે અલગથી જમીન આપવામાં આવી હતી.
આજે એ જમીન રહસ્યમય રીતે અલોપ થઈ ગઈ છે. દરેક ગામની આવી સ્થિતિ છે. શહેરની નજીક આવેલાં ગામોમાં ગોચરણની જમીન વિકાસના નામે ઉદ્યોગપતિઓને આપવામાં આવી છે. જે ગામો શહેરથી દૂર છે એ ગામોમાં સહકારી મંડળીઓ રચીને કે બીજા કોઈ હથકંડા અજમાવીને રાજકારણીઓએ ગાયની જમીન પડાવી લીધી છે. અવેડા બંધ થઈ ગયા છે અને સરકારી હૅન્ડ-પમ્પો ચાલતા નથી હોતા. કેટલીક જગ્યાએ તો જમીનમાં પાણી જ નથી. બબ્બે કિલોમીટર દૂરથી સ્ત્રીઓ પીવાનું પાણી ઊંચકીને લાવતી હોય ત્યાં ગાય માટે ક્યાં પાણી લાવવાની? એક સમયે છાણ-વાસીદું કરો અને દૂધ પીઓની જે અનુકૂળતા હતી એ રહી જ નથી ત્યાં માણસ ગાય રાખે કેવી રીતે?
ગઈ કાલે કહ્યું એમ ગાયને વેચવામાં નહોતી આવતી. વેચવાની જરૂર જ નહોતી, કારણ કે મફતમાં ચારો અને પાણી મળી રહેતાં હતાં. મફત ચરાણની સવલત બળદ, ભેંસ કે બીજાં પશુઓ માટે નહોતી એટલે એના નિકાલ માટે એ જમાનામાં માલ-ઢોરની લે-વેચ કરનારી એક જમાત ગામેગામ ફરતી હતી. વરસમાં એક વાર નાનકડો પશુમેળો ગામેગામ થતો. જે ખેડૂતને વૃદ્ધ થઈ ગયેલો બળદ કે વસૂકી ગયેલી ભેંસ પરવડે એમ ન હોય તો તે પશુમેળામાં સાટાપાટા કરી આવતો. મોટા ભાગે તો પશુને ખીલે મરવા દેવામાં જ શોભા હતી, પરંતુ કોઈને પશુને બાંધી રાખીને ચારો નીરવો પરવડે એમ ન હોય તો ઉપાય ઉપલબ્ધ હતો. કહેવાની જરૂર નથી કે વૃદ્ધ પશુઓ ખાટકીઓના હવાલે થતાં હતાં.
એ જમાનામાં પશુઉપયોગ અને પશુવિનિયોગ બન્ને વ્યવહારના પાયા પર ઊભા હતા એટલે પશુપ્રેમ પણ વ્યાવહારિક હતો, આજની જેમ દેખાવ માટેનો કૃતક નહોતો. અવ્યવહારુ કૃતક સંબંધ ક્યારે ય લાંબો સમય ટકી ન શકે. શહેરના શેઠિયાઓની જીવદયા ગાયને કેદમાં રાખનારી અવ્યવહારુ જીવદયા છે. એક સમયે માણસે ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે. આ ઉપક્રમ હાથ ધરવા જેવો છે અને એમાં જો નુકસાન થાય તો શહેરના શેઠિયાઓને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ તો આમ પણ દાન આપવા માગતા હતા. ટૂંકમાં; ગાયની દયા ખાઈને પરાણે જીવતી ન રાખો, એને ઉપયોગી બનાવીને હકથી જીવવા દો.
આગળ કહ્યું એમ ગાયને વેચવામાં જ નહોતી આવતી તો ગોહત્યાનો તો સવાલ જ નહોતો. મારા બાળપણમાં મેં ક્યારે ય મારા ગામમાં જ નહીં, અમારા આખા પંથકમાં ગાયની હત્યા થઈ હોય એવું સાંભળ્યું નથી. હા, દૂરના પ્રદેશોની અફવાઓ કાને પડતી રહેતી હતી. ઉપર કહ્યું એમ પશુઉપયોગ અને પશુવિનિયોગની સદીઓ જૂની ટકાઉ વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં પશુહત્યા માટે બહુ ઓછી સંભવના રહે છે. અંગ્રેજોએ ભારત પર કબજો જમાવ્યો અને હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કોમવાદની હરીફાઈનું રાજકારણ શરૂ થયું એ પછી ગાય અને ડુક્કરની હત્યાને ભયંકર અપરાધ ઠરાવીને અફવાબજાર વિકસાવવામાં આવ્યું હતું. એકાદ-બે અપવાદ છોડીને હિન્દુ રિયાસતોમાં પણ ગોહત્યા પર પ્રતિબંધ નહોતો એનું કારણ જ આ છે. ગાય ઓશિયાળી નહોતી, ઉપયોગી હતી; રખડતી નહોતી એટલે રાજવીએ પ્રતિબંધ મૂકવો પડે એટલા પ્રમાણમાં હત્યાઓ થતી નહોતી.
ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે અને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે. એટલે તો ગઈ કાલે કહ્યું હતું એમ પશુજગતમાં સૌથી વધુ અન્યાય ગાયને થઈ રહ્યો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 02 અૉગસ્ટ 2016
http://www.gujaratimidday.com/features/columns/beef-politics-and-religion-2