Opinion Magazine
Number of visits: 9446804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં કર્મશીલો તેમ જ પર્યાવરણ માટે નિસબત ધરાવતાં નાગરિકો વક્રતા અને વિરોધાભાસો વચ્ચે પણ જંગલો બચાવવાં મથી રહ્યાં છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 September 2019

બ્રાઝિલનાં ઍમેઝોનનાં વર્ષાવન દુનિયાનાં ફેફસાં ગણાય છે. મુંબઈનાં ફેફસાં તે ગોરેગાવ પરાની આરે મિલ્ક કૉલોનીનો વનવગડો.

મહાનગરથી ઘેરાયેલા 1,278 હેક્ટર્સના (લગભગ 13 ચોરસ કિલોમીટરના) આ વનવિસ્તારમાં પાંચેક લાખ વૃક્ષો અને તેની સાથે સંકળાયેલી સમૃદ્ધ જીવસૃષ્ટિ છે. દુનિયાના લોકો  ઍમેઝોનની ઇકોસિસ્ટમ બળી રહી છે તેની ચિંતા કરી રહ્યા છે, તો મુંબઈગરાં આરેનાં ઝાડ કપાવાની સામે લડી રહ્યાં છે. આરે કૉલોનીનાં 2,700 જેટલાં વૃક્ષો મેટ્રો રેલવે માટે કપાવાનાં છે. આરેની કુદરતનાં રક્ષણ  માટે પર્યાવરણપ્રેમીઓએ ગયાં ત્રણેક વર્ષથી  આંદોલન અને અદાલત બંને રીતે ચલાવેલી લડત અત્યારે તેની ટોચે છે.

ભારતીય જનતા પક્ષ શાસિત રાજ્ય સરકાર અને શિવસેના હસ્તક બૃહત્ મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે મેટ્રોને કારણે લોકોનાં સમય-શક્તિ બચશે અને પ્રદૂષણ ઓછું થશે. ઓછામાં ઓછાં વૃક્ષો કાપીને સામે વધુમાં વધુ વૃક્ષો વાવવાની હંમેશની બાંહેધરી પણ સત્તાવાળા આપી રહ્યા છે. આંદોલનકારીઓ કાંજુરમાર્ગ પાસેની વૈકલ્પિક જગ્યા સૂચવી રહ્યા છે અને તે સંપાદિત નહીં કરવાના સરકારે આપેલાં કારણો સામે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આઠમી તારીખના રવિવારે સવારે ધોધમાર વરસાદમાં દોઢેક હજાર લોકોએ ત્રણ કિલોમીટર લાંબી માનવસાંકળ કરી. સૂચિત વૃક્ષકાપણીના વિરોધમાં બ્યાંશી લાખ જેટલી રજૂઆતો થઈ છે. સોશ્યલ મીડિયા ઉપરાંત પણ  અનેક જગ્યાએ અનેક રીતે નાનાં-મોટાં વિરોધ પ્રદર્શનો થતાં રહે છે.

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ વૃક્ષછેદનનો વિરોધ કર્યો છે. આદિત્યને સત્તાવાળા અને  રિઅલ એસ્ટેટ લૉબીની સાંઠગાંઠ દેખાય છે. વડી અદાલતે બુધવારે વૃક્ષછેદન પર ત્રીસમી તારીખ સુધી રોક લગાવી છે અને ન્યાયાધીશોએ સ્થળમુલાકાત લઈને જાતતપાસ કરવાના સંકેતો આપ્યા છે. નૅશનલ પાર્કના દક્ષિણ ભાગમાં આવેલી આરે કૉલોનીની વૃક્ષરાજીને જંગલ કહેવું કે નહીં તેની ફરી એક વાર ચર્ચા આ સુનાવણી દરમિયાન ચર્ચા થઈ છે. લતા મંગેશકર અને  કેટલીક બૉલિવૂડ અભિનેત્રીઓએ ચળળને ટેકો આપ્યો છે. બુધવારે  અમિતાબ બચ્ચને મેટ્રો રેલવે યોજનાને ટેકો આપતી અને લોકોને પોતાના બગીચામાં ઝાડ વાવવાની સલાહ આપતી ટ્વિટ કરી. એટલે આંદોલનકારીઓએ બચ્ચનના ઘરની સામે પાટિયાં પકડીને  દેખાવો કર્યા. અહીં નોંધવું જોઈએ કે અમદાવાદમાં મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, ફ્રેઇટ કૉરિડોર, સિક્સ-લેન રોડ, ફ્લાય ઓવર જેવાં વિવાદાસ્પદ વિકાસનાં કામો માટે ગયાં બે-એક વર્ષથી હજારો વૃક્ષો કપાઈ રહ્યાં છે. તેની સામે અખબારો સિવાય ભાગ્યે જ કોઈ ઘટકે વિરોધ નોંધાવ્યો છે. પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણનાં નામે કરોડો રૂપિયાની સરકારી તેમ જ વિદેશી સહાય મેળવતી અનેક  સંસ્થાઓ અને એન.જી.ઓ. ગુજરાતમાં છે. તેમાંથી કોઈએ  વિરોધ નોંધાવવાનું તો બાજુ પર, પણ સરકાર સામે રજૂઆત કરવાની કે વિકલ્પો સૂચવવાની કોઈ અસરકારક તસદી  લીધી  હોય તેવું જાણમાં નથી.

તેલંગણાનાં નલ્લામલા જંગલમાં યુરેનિયમની ખાણો માટેની કેન્દ્રની યોજનાનો સખત વિરોધ ચાલી રહ્યો છે. આ સૂચિત ખાણકામનાં વિરોધમાં જોડાયેલાં 63 જૂથોમાં નલ્લામલા જંગલમાં રહેતાં ચેન્ચુ કોમના આદિવાસીઓ ઉપરાંત પર્યાવરણ રક્ષણ જૂથો, પ્રકૃતિપ્રેમી નાગરિકો અને રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. લડત ચલાવનાર ‘સંઘર્ષ સમિતિ’નું કહેવું છે કે વર્ષોથી ટકી રહેલું આ પ્રાચીન જંગલ અમરાબાદ ટાઇગર રિઝર્વ, પક્ષી અભયારણ્ય અને આરક્ષિત વનને આવરી લે છે. આ બધાં માટે ખાણો હાનિકારક છે. વળી ખાણો માટેની 83 ચોરસ કિલોમીટર જેટલી સૂચિત જગ્યાની બહુ નજીકથી અનેક નદીઓ પસાર થાય છે. ખાણખોદાણ નદીઓનાં પાણી અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરશે એવી સંભાવના પણ છે. ગયા શનિવારે આંદોલનકારીઓએ આ વિસ્તારના આગોતરા સર્વેક્ષણ કરવા જતાં કેન્દ્ર સરકારના વાહનોને અમરાબાદથી દસ કિલોમીટર પહેલાં આવેલાં મન્નાનૂર ખાતે અટકાવી દીધાં હતાં. વિરોધનો ફેલાવો અને જોર  જોતાં તેને સફળતા મળવાની સંભાવના જણાય છે.

જંગલ બચાવવા માટેના આંદોલનને આંશિક સફળતા મળી હોવાનો કિસ્સો જૂન મહિનામાં છત્તીસગઢમાં મળે છે. છત્તીસગઢની કૉન્ગ્રેસ સરકારે બસ્તરના બૈલાડિલા વિસ્તારમાં એક પ્રસ્તાવિત ખાણ યોજનાનું કામ મોટા લોકવિરોધને પગલે અટકાવી દીધું છે. છત્તીસગઢમાં ભારતીય જનતા પક્ષની પૂર્વ સરકારે પચીસ કરોડ ટન લોખંડની ખાણ માટેનું કામ નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને સોંપ્યું હતું. તેને  કૉર્પોરેશને એક ખાનગી કંપનીને પચીસ વર્ષ માટે આપ્યું હતું.તેના માટેના 414 હેક્ટર(4.14 ચોરસ કિલોમીટર)ના વિસ્તારમાં  આદિવાસીઓ માટે પૂજનીય નંદરાજ ટેકરી અને હજારો વૃક્ષો આવેલાં છે. દાંતેવાડા, સુકમા અને બિજાપુર જિલ્લાનાં બસો ગામનાં દસેક હજાર આદિવાસીઓએ બૈલાડિલાનાં કિરન્દુલ ખાતે ચાર દિવસ સતત દેખાવો કર્યા. તેના પરિણામે અગિયારમી જૂને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખાણો માટેનું કામ અટકાવી દેવાનો આદેશ કર્યો. જો કે ત્યાં સુધી દસેક હજાર ઝાડ કપાઈ ચૂક્યાં હતાં, પણ બીજાં પંદરેક હજારને બચાવી શકાયાં.

દિલ્હી પાસે આવેલાં નોઇડાના રહીશોને ગયા જૂન મહિનામાં ત્રણેક હજાર ઝાડ બચાવવા માટે આંદોલન કરવું પડ્યું હતું. તેમાં એક આઘાતજનક વિરોધાભાસ પણ હતો. સત્તાવાળાઓ બાયોડાઇવર્સિટી પાર્ક એટલે કે જીવવૈવિધ્ય ઉદ્યાન બનાવવા માટે નોઇડાનાં  જૂનાં  વિકસિત જંગલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નોઇડા નૅશનલ કૅપિટલ રિજન વર્ગમાં આવે છે. એના 2021ના માસ્ટર પ્લાન મુજબ ઉપર્યુક્ત વનરાજીને ‘સિટી ફૉરેસ્ટ’ તરીકે બતાવવામાં આવી હતી. પણ નોઇડાના સત્તામંડળના 2031 માટેના માસ્ટર પ્લાનમાં આ જ વનરાજીને ‘રિક્રિએશનલ પાર્ક ઍન્ડ  પ્લેગ્રાઉન્ડ’ તરીકે બતાવવામાં આવી છે. અહીં વૃક્ષો ઉપરાંત સિત્તેર જાતનાં પક્ષી, અનેક પ્રકારનાં પેટે સરકતાં પ્રાણીઓ અને નીલગાયનાં કુદરતી રહેઠાણો હતાં. આવાં હર્યાભર્યા 75 એકર જંગલને સ્થાને તેનાથી લગભગ બમણા વિસ્તારના બાયોડાઇવર્સિટી પાર્કની રચના પૂરી થવામાં છે. તેમાં કૉન્ક્રિટનાં ભરપૂર બાંધકામો એટલે કે ઍમ્પિથિએટર, ફૂડ કોર્ટ, ગોલ્ફ કોર્ટસ, અને કૃત્રિમ જળાશયો બનશે. અત્યારે વિવિધ પ્રકારનાં મોટાં ત્રણ હજાર વૃક્ષો કપાયાં છે આઠેક હજાર છોડ ઊગાડવામાં આવશે, જેમાં ઔષધી વનસ્પતિઓ અને મિનિએચર પ્લાન્ટસ્, વેલીઓ અને ઘાસના ઘણાં પ્રકાર પણ હશે. સહેલાણીઓને આકર્ષવા માટે પચાસ કરોડ રૂપિયાને ખરચે બનાવવામાં આકાર લઈ રહેલો આ બાયોડાઇવર્સિટી પાર્ક  નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વેની નજીક છે.

ગ્રેટર નોઇડામાં બીજી સપ્ટેમ્બરથી તેર દિવસ માટે જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવા માટે વિચારણા કરવા એક વૈશ્વિક સંમેલન ભરાયું હતું. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કૉમ્બૅટ ડેઝર્ટિફિકેશ નામના આ ચૌદમા સંમેલનમાં 196 દેશોએ ભાગ લીધો હતો. સંમેલનને નવમી તારીખે સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે 2030 ના વર્ષ સુધીમાં 2.1 કરોડ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રૂપ બનાવવાનો ભારત સરકારનો નિર્ધાર છે. આ જાહેરાતના બે જ દિવસ અગાઉ વડા પ્રધાને મુંબઈની મેટ્રોની ત્રણ લાઇન્સનું ખાતમૂહૂર્ત કર્યું હતું. જમીનને ઉજ્જડ બનાવતી અટકાવવાનો એક મહત્ત્વનો રસ્તો વૃક્ષો કપાતાં અટકાવવાં, નવાં ઊગાડવાં અને તેમને ટકાવવાં એવો છે. મેટ્રો ટ્રેન પછી એ મુંબઈની હોય કે અમદાવાદની એમાં વૃક્ષો કપાય જ છે.

ઉપર્યુક્ત બે કાર્યક્ર્મોમાં વડા પ્રધાનની પરસ્પર વિરોધી ભૂમિકા દેશની જંગલો અંગેની નીતિની પોકળતા બતાવે છે. જો કે તે પૂર્વે કેન્દ્રના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 14 જૂને એનવાયર્નમેન્ટલ ક્લિઅરન્સેસ ઝડપથી આપવાની જાહેરાત કરી છે. પહેલાંની સરકારોમાં  આ ક્લિઅરન્સેસ મળતાં 640 દિવસ થતાં,જે હવે 108 દિવસમાં મળશે એમ તેમણે જણાવ્યું હતું. સરકારની મંજૂરીમાં આવી ઝડપનો અર્થ બધાને બરાબર ખબર હોય ! હમણાં ત્રીસમી ઑગસ્ટે ભા.જ.પ. શાસિત કેન્દ્ર સરકારે જુદાં જુદાં રાજ્યોમાં વનવિસ્તારમાં વધારો કરવા માટે જંગી રકમો ફાળવી. આ ફાળવણી કૉમ્પેન્સેટરિ એફૉરેસ્ટેશન ફન્ડ મૅનેજમે ન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ઑથોરિટી (કૅમ્પા) નામનાં સત્તામંડલ થકી કરવામાં આવી. તેમાં ગુજરાતને ભાગે પંદરસો કરોડ અને હરયાણાને ભાગે બાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. કમનસીબે હરયાણામાં ભા.જ.પ.ના મોહનલાલ ખટ્ટરના નેજા હેઠળની સરકારની સર્વોચ્ચ અદાલતે હમણાં માર્ચ મહિનામાં પર્યાવરણને લગતા કાયદાની સાથે ચેડાં કરવા માટે ઝાટકણી કાઢી હતી. ખટ્ટર સરકારે કાયદામાં નિંભર ફેરફાર કરીને અરવલ્લી પર્વતમાળાના હરયાણા તરફના વિસ્તારમાં બધાં જ પ્રકારનાં ધંધાદારી બાંધકામો માટે છૂટ આપી હતી. આ કાનૂનસુધારો દસ હજાર એકર જેટલા સંરક્ષિત વન વિસ્તાર માટે બહુ જ ઘાતક હતો.

આવી વક્રતાઓ અને વિરોધાભાસો વચ્ચે પણ ભારતના નિષ્ઠાવાન પર્યાવરણપ્રેમીઓ જંગલોને બચાવવા માટે લડી રહ્યા છે.

19 સપ્ટેમ્બર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

20 September 2019 admin
← Hindi as the Uniting Language of India!
માન્યતાના ઘડતર વિશેની એક રસપ્રદ થિયરી ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved