અપેક્ષા રાખવામાં આવતી હતી તેમ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસના સમયગાળામાં દેશની જી.ડી.પી.માં મોટો ઘટાડો થયો છે. દેશની જી.ડી.પી.માં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો વીસેક ટકાનો ઘટાડો થશે એવો અંદાજ મૂકતા હતા. જી.ડી.પી. ઘટાડાનો જે અંદાજ પ્રગટ કરવામાં આવ્યો છે તેને કામચલાઉ ગણવાનો છે. તે માત્ર સંગઠિત ક્ષેત્રના આંકડાઓ પર આધારિત છે. અસંગઠિત ક્ષેત્રમાં ખરેખર કેટલી આવક ઘટી છે તેનો અંદાજ હવે પછી મુકાશે. પણ કેટલાક નિષ્ણાતો એમ માને છે કે અસંગઠિત ક્ષેત્રમાં ધારવામાં આવ્યો છે એના કરતાં ઘણો વધારે ઘટાડો થયો છે.
જી.ડી.પી.નાં વિવિધ પરિમાણોમાં થયેલા ઘટાડાના આંકડા નોંધવા જેવા છે. લોકોના વપરાશના ખર્ચમાં ૨૫ ટકાથી અધિક ઘટાડો થયો છે, ઉત્પાદકો દ્વારા કરવામાં આવતા મૂડીરોકાણના ખર્ચમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે. બાંધકામ પાછળના ખર્ચમાં ૫૦ ટકાથી અધિક ઘટાડો થયો છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩૯ ટકાનો ઘટાડો થયો છે અને વેપાર, હોટલો, વાહન-વ્યવહાર વગેરે સેવાનાં ક્ષેત્રોમાં સર્જાતી આવકમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે. એકમાત્ર ખેતી અને આનુષંગિક ક્ષેત્રોમાં જી.ડી.પી.માં ત્રણ ટકાથી અધિક વધારો થયો છે.
દેશમાં ૧૯૯૬-૯૭થી ત્રૈમાસિક જી.ડી.પી. ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. એ પછી પ્રથમ વખત જી.ડી.પી. ઘટી છે. અલબત્ત, એ અગાઉ દેશમાં જી.ડી.પી. ઘટી હોય એવાં કેટલાંક વર્ષો આવી ગયાં છે, પણ એમાંનાં મોટા ભાગનાં વર્ષો ખેત-ઉત્પાદનના ઘટાડા સાથે સંકળાયેલાં હતાં. આ વખતનો જી.ડી.પી.નો ઘટાડો ખેત-ઉત્પાદનના વધારા સાથે સંકળાયેલો છે. ભારતમાં થયેલો ઘટાડો દુનિયાનાં મોટાં અર્થથંત્રોમાં સહુથી વધારે છે, તેનું એક મોટું કારણ લૉક ડાઉનનો પ્રલંબ ઉપયોગ છે. દેશમાં રાષ્ટ્રીય ધોરણે તાળાબંધી પછી કેટલાંક રાજ્યોએ પ્રસરેલા કોવિડ-૧૯ને ખાળવા માટે તાળાબંધીનો ઉપયોગ કર્યો. આમ દેશમાં કોરોનાના ઉપાય તરીકે રાજ્યે તાળાબંધી દ્વારા મોટા ભાગની ઉત્પાદન-પ્રવૃત્તિ અટકાવી દીધી હોવાથી જી.ડી.પી. ઘટે તે અપેક્ષિત છે.
જી.ડી.પી. ઘટી એનો અર્થ એ છે કે સમાજમાં વિવિધ વર્ગોની આવકમાં બેકારીને કારણે કે પગાર-કાપને કારણે ઓછોવત્તો ઘટાડો થયો છે. જેઓ સ્વરોજગારમાં રોકાયેલા છે તેઓ દેખીતી રીતે બેકાર થતા નથી. તેમની બેકારી ઘટેલી આવકરૂપે વ્યક્ત થાય છે. દેશમાં સ્વરોજગારીનું પ્રમાણ મોટું હોવાથી દેશમાં પ્રસરેલી બેકારીનું માપ કાઢવાનું શક્ય નથી. પણ જે મોટા પ્રમાણમાં જી.ડી.પી. ઘટી છે તે જોતાં દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સર્જાયેલી બેકારીનું પ્રમાણ ઘણું વધારે છે. આ વ્યાપક બેકારી એવા દેશમાં સર્જાયેલી છે જ્યાં સામાજિક સલામતીનો કોઈ પ્રબંધ નથી. દેશમાં કરોડો કુટુંબો માટે જીવનનિર્વાહ કેવી રીતે કરવો તેની કપરી સમસ્યા સર્જાઈ છે. તેમના માટે જી.ડી.પી.નો ઘટાડો એક સમાચાર માત્ર નથી. એમના માટે તે જીવન ટકાવવાનો પ્રશ્ન છે.
ભારતમાં વ્યાપેલી આ મંદી બીજા ત્રૈમાસિક ગાળામાં ચાલુ રહેશે કે કેમ એ પ્રશ્ન હવે રહ્યો નથી. દેશમાં કોરોનાનું પ્રસરણ ચાલુ જ છે અને તેને કારણે સર્જાયેલી અનિશ્ચિતતા પણ ચાલુ જ છે. આ સ્થિતિમાં લોકો અનિવાર્ય હોય એટલી જ વપરાશ કરે છે. જેની ખરીદી મુલત્વી રાખી શકાય એ ચીજોની ખરીદી કરવાનું ટાળે છે. આ અનિશ્ચિતતામાં ઉત્પાદકો મૂડી રોકાણ કરવાનું ટાળે તે સમજી શકાય તેવું છે. આમ, મૂડીરોકાણ અને વપરાશના ખર્ચમાં જો મોટો વધારો ન થવાનો હોય તો મંદીની સ્થિતિ ચાલુ રહેશે, એટલે કે જી.ડી.પી. ઘટેલી જ રહેશે. આનો અર્થ એવો પણ થાય છે કે દેશમાં આગામી મહિનાઓમાં રોજગારીમાં મોટો વધારો થઈ શકશે નહીં. આવી સ્થિતિમાંથી અર્થતંત્ર ક્યારે બહાર આવશે તે કહી શકાય તેમ નથી.
(સૌજન્યઃ ‘બુદ્ધિપ્રકાશ’)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 06