જી. કે ચેસ્ટરટનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. અંગ્રેજી સાહિત્યકાર હતા, ફિલસૂફ હતા, ધર્મશાસ્ત્રી હતા, ઈસાઈ પક્ષપાતી હતા અને પત્રકાર હતા. તેઓ પોતાની વાત એવી રીતે કરતા કે વાંચનાર કે સાંભળનાર ચોંકી જાય અને વિચારતો થઈ જાય. તેઓ શૈલીની આ લાક્ષણીકતા માટે જાણીતા હતા. તેઓ લંડનથી પ્રકાશિત થતા ‘ઈલસ્ટ્રેટેડ લંડન ન્યુઝ’ નામના અખબારમાં સાપ્તાહિક કોલમ લખતા હતા અને એમાં ૧૮મી સપ્ટેમ્બર ૧૯૦૯ના અંકમાં તેમણે લખ્યું કે ભારતીય રાષ્ટ્રવાદ નથી ખાસ ભારતીય કે નથી ખાસ રાષ્ટ્રીય. પરાજીત પ્રજા વિજેતાઓ પાસેથી શાસન-સંસ્થાઓની માગણી કરે છે, પરંતુ એ શાસન-સંસ્થાઓ વિજેતાઓની છે તેમની પોતાની નથી. માટે એ ભારતીય રાષ્ટ્રવાદ નથી ભારતીય કે નથી રાષ્ટ્રીય.
વાત તેમણે મુદ્દાની કહી હતી. એ સમયે ઉદયપુરમાં દીવાન રહી ચુકેલા અને વિચારોથી આર્યસમાજી શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરેલી અને ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ નામનું સામયિક કાઢતા હતા. એ સામયિક જી. કે ચેસ્ટરટન નિયમિત વાંચતા હતા. ઇન્ડિયા હાઉસની સભાઓમાં અને ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’માં ભારતીયો ભારતીય રાષ્ટ્રવાદની જે ચર્ચા કરતા હતા તેના તરફ ચેસ્ટરટનની નજર રહેતી હતી. તેમણે જોયું કે સ્વતંત્રતા ઈચ્છતા પરાજીત ભારતીય લોકોને સ્વતંત્રતા તો જોઈએ છે, પણ પૂરી નથી જોઈતી. તેમને તો માત્ર ડ્રાઈવર બનવું છે, બાકી આખેઆખી ગાડી ભલે તેમને પરાજીત કરનારાઓની બનાવેલી હોય!
એ લેખમાં ચેસ્ટરટને લખ્યું હતું કે ભારતીય રાષ્ટ્રવાદ તો જ ભારતીય અને રાષ્ટ્રીય બને જો તે તેના દરેક અર્થમાં ભારતીય અને રાષ્ટ્રીય હોય. કાં તો તેઓ પરાજીત થયા એ પહેલાનું તેમનું શાસન-સંસ્થાઓનું જે કાંઈ રાષ્ટ્રીય કલેવર હતું એને સમયોચિત ફેરફાર સાથે અપનાવવું જોઈએ અને કાં રાષ્ટ્રવાદની વાત કરવાનું બંધ કરવું જોઈએ. ભારતીય વિનાનો ભારતીય રાષ્ટ્રવાદ કઈ રીતે આકાર પામે? સીમાબદ્ધ રાજ્ય, લશ્કર, સંરક્ષણની કે સંહારક ક્ષમતા, બંધારણ, બંધારણ નિર્દિષ્ટ કેન્દ્રિત સત્તા, સમવાય સંઘ (ફેડરલ સ્ટેટ), શાસન-સંસ્થાઓ વચ્ચે સત્તાનું વિભાજન અથવા વિકેન્દ્રીકરણ, ધર્મસંસ્થાઓ સાથેના સંબંધોનું સ્વરૂપ, સમાનતા, નાગરિકત્વ, લોકતંત્ર, સમયાંતરે ચૂંટણી, ન્યાયતંત્ર વગેરે દરેક ચીજ પશ્ચિમે વિકસાવેલી છે. એ બધું જ જો સ્વીકાર્ય હોય તો એનો અર્થ એટલો જ થાય કે ભારતીય લોકોને સત્તા જોઈએ છે. તેમની આઝાદી માટેની લડત સત્તા માટેની છે, ભારતીય રાષ્ટ્ર માટેની નથી.
આગળ કહ્યું એમ વાત મુદ્દાની હતી. આખેઆખું કલેવર જ જો પારકું હોય અને એ આખેઆખું સ્વીકાર્ય હોય તો એમાં આપણું શું? માત્ર સુકાન? તમે કહેશો અને ત્યારે કહેવામાં પણ આવતું હતું કે કલેવર ભલે પશ્ચિમનું હોય એમાં આત્મા આપણો હશે. ભારતીય આત્મા હશે અને ભારતીય આત્માને કલેવરમાં આરોપીને ભારતીય રાષ્ટ્રની રચના કરવામાં આવશે. આવી દલીલ ત્યારે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવતી હતી અને એવા અભિનિવેશ સાથે કરવામાં આવતી હતી કે ત્યારે લોકોને એ ગળે ઉતરી જતી હતી.
આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકો કલેવરમાં ભારતીય આત્મા ઉમેરવાની વાત કરતા હતા એ લોકો રાષ્ટ્રીય કે રાષ્ટ્રવાદની વિભાવના પણ પશ્ચિમની અપનાવતા હતા. માત્ર રાજકીય કલેવર નહીં, રાષ્ટ્રની વિભાવના પણ તેમને પરાઈ હોવા છતાં કબૂલ હતી. શા માટે? આત્મા ઉમેરશું એ તો કહેવાની એક રીત થઈ, કમસેકમ વિભાવના તો સ્પષ્ટ કરો! ટૂંકમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને રાષ્ટ્રીય માળખું અને રાષ્ટ્રની વિભાવના એમ બન્ને પશ્ચિમમાં જેવાં હતાં એવાં ખાસ કોઈ ફરક વિના કબૂલ હતાં. ઊલટું, જો કોઈ અંગ્રેજો આવ્યા એ પહેલાંના ભારતને પાછું સજીવન કરવાની વાત કરતા હતા, રાજાશાહીના ગુણગાન ગાતા હતા તેમને ખરા ભારતીય રાષ્ટ્રવાદી તરીકે નવાજવાની જગ્યાએ હસી કાઢવામાં આવતા હતા. પ્રતિષ્ઠા એમની હતી જે સો ટકા પશ્ચિમની બસમાં બેસીને ભારતીય રાષ્ટ્રવાદની વાતો કરતા હતા અને ડ્રાઈવરની સીટ ઉપર નજર રાખતા હતા.
અહીં સ્વાભાવિકપણે એક પ્રશ્ન થવો જોઈએ કે શા માટે ભણીગણીને જાગૃત બનેલા ભારતીયો આઝાદીની વાત કરતા હતા, ભારતીય રાષ્ટ્રીયતા કે રાષ્ટ્રવાદની વાત કરતા હતા, પરંતુ શાસન વ્યવસ્થાનું કલેવર બદલવાની અથવા ભારતીય રાષ્ટ્રની પોતીકી વિભાવના વિકસાવવાની કોઈ વાત નહોતા કરતા? કોઈ ખાસ કારણ હોવું જોઈએ. જી.કે. ચેસ્ટરટને કહ્યું હતું એમ ભારતીય રાષ્ટ્રવાદીઓએ કહેવું જોઈતું હતું કે તમે તમારું કલેવર લઈને ચાલતા થાવ, અમારે તેની જરૂર નથી. અમારી પાસે અમારું પોતાનું પરંપરાગત કલેવર હતું જેને અમે અમારી અત્યારની જરૂરિયાત મુજબ ફેરફાર કરીને વિકસાવીશું. અમને તમારી જરૂર તો નથી, તમે વિકસાવેલા કલેવરની જરૂર નથી અને તમારી રાષ્ટ્રની વિભાવનાની પણ જરૂર નથી. આવું એક પણ પ્રતિષ્ઠિત ભારતીયે કહ્યું હોય એવું યાદ નથી.
પણ એક માણસ હતો જેણે પશ્ચિમના શાસનનાં માળખાં સામે, રાષ્ટ્રની વિભાવના સામે, રાષ્ટ્રવાદની સામે, સુખની વ્યાખ્યા સામે, વિકાસની અવધારણા સામે મૂળભૂત પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. તેમની આગળ પશ્ચિમમાં થોરો-રસ્કિન-ટોલ્સટોય જેવા પૂર્વસૂરિઓ પણ હતા જેમણે આ બાબતે મૂળભૂત પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા અને એ માણસ તેમની પાસેથી ઘણું શીખ્યો હતો. એ માણસ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. જી.કે. ચેસ્ટરટને ઉપરનો લેખ લખ્યો ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના કામે લંડનમાં હતા. ઇન્ડિયા હાઉસમાં જતા હતા અને ત્યાં રહેલા ભારતીય યુવાનો સાથે ભારતીય રાષ્ટ્રવાદની ચર્ચાની રમઝટ ચાલતી હતી. ચેસ્ટરટનના લેખે ચર્ચામાં ઉત્તેજના પેદા કરી હતી. આ ઉપરાંત ૧૯૦૯માં જુલાઈ મહિનાની પહેલી તારીખે મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું હતું એટલે એ કારણે પણ ભારતીય રાષ્ટ્રવાદને ભારતીય રાષ્ટ્રીય ક્રાંતિની ધાર ઉમેરાઈ હતી.
આ માણસ કાંઈક જુદું બોલતો હતો અને જુદું સમજાવવાની કોશિશ કરતો હતો. ભારતનો ઉદ્ધાર બસ બદલવાથી થશે કે ડ્રાઈવર બદલવાથી? જો સમૂળગી બસ જ અપનાવી લઈશું અને ડ્રાઈવર બદલવાથી સંતોષ માનીશું તો ભારત જગતને નવું શું આપી શકશે?
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઑક્ટોબર 2020