૧૬મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે. હા, આ જ શબ્દોમાં તેમણે આવી જાહેરાત કરી હતી. (હિંમતને દાદ આપવી જોઈએ) તેમણે કહ્યું હતું કે ભારતમાં ૨૦૨૧ના અંત સુધીમાં જેને કોરોનાપ્રતિકારક રસી આપવી જરૂરી છે તેને આપી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અસંવેદનશીલ સ્વાર્થી દેશ નથી, પરંતુ દુનિયાનું દર્દ સમજે છે એટલે જે દેશો કોરોનાની રસી વિકસાવી શકે એમ નથી એવા વિશ્વના ગરીબ દેશોને ભારત કોરોનાપ્રતિકારક રસી આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત વિશ્વની ઔષધશાળા (વર્લ્ડ ફાર્મસી) છે. નાની વાત અને નાના દાવા કરવાના નહીં અને મહોત્સવ યોજવાનું ચૂકવાનું નહીં. જગતમાં એક માત્ર ભારત એવો દેશ છે મહામારીના દિવસોમાં મહામારીના મહોત્સવ ઉજવ્યા છે.
હવે ગયા લેખમાં કહ્યું હતું એમ કમસેકમ રસીની બાબતે વડા પ્રધાને જે દાવા કર્યા હતા અને જે મનોરથ સેવ્યા હતા એને સાકાર કરવામાં બહુ મુશ્કેલી નહોતી. જો ગંભીરતાપૂર્વક પ્રયાસ કર્યા હોત તો એ સિદ્ધિ મેળવવી શક્ય હતી. સવાલ એ છે કે જો એ શક્ય હતું તો એ કઈ રીતે શક્ય હતું અને બીજો સવાલ એ છે કે જો એ શક્ય હતું તો શક્ય બન્યું કેમ નહીં? એવું શું બન્યું કે શક્યને પણ વડા પ્રધાન અને તેમની સરકાર શક્ય બનાવી શક્યા નહીં?
પહેલો સવાલ પહેલા હાથ ધરીએ. ભારતની વસ્તી એક અબજ ૪૦ કરોડની છે. અત્યારે દસ વરસથી મોટી ઉંમરના બાળકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી રહ્યો છે એટલે મોટામોટા અંદાજ મુજબ એક અબજ ૨૦ કરોડ લોકોને કોરોના પ્રતિકારક રસી આપવી પડે એમ છે. હવે ૧૬મી જાન્યુઆરીના વડા પ્રધાનના દાવા અને મનોરથ મુજબ ૨૦૨૧ના બાકી રહેલા ૩૫૦ દિવસમાં જો દેશના એક અબજ ૨૦ કરોડ લોકોને રસીના બે ડોઝ આપવાના હોય તો બે અબજ ૪૦ કરોડ ડોઝની જરૂર પડે. આ સિવાય વડા પ્રધાન કહે છે એમ ભારત એક સંવેદનશીલ જવાબદાર દેશ છે એટલે વિશ્વના ગરીબ દેશોના વધુ નહીં તો પાંચ કરોડ ગરીબ લોકોની જવાબદારી લે તો બે ડોઝ લેખે હજુ બીજા દસ કરોડ ડોઝની જરૂર પડે. આમ ભારતે વરસના અંત સુધીમાં કોરોનાપ્રતિકારક રસીના બે અબજ ૫૦ કરોડ ડોઝની જરૂર પડે. આનો અર્થ એ થયો કે ભારતે પ્રતિદિન રસીના ૭૨ લાખ ડોઝનું ઉત્પાદન કરવું પડે.
આ થયું જરૂરિયાતનું ગણિત.
courtesy : Sandeep Adhwaryu, "The Times of India", 04 June 2021
ગયા વર્ષના પ્રારંભમાં કોરોનાની મહામારી શરૂ થઈ એ પછી વિશ્વના અનેક દેશોની આરોગ્ય સંસ્થાઓએ અને ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોરોનાપ્રતિકારક રસી વિકસાવવાનું શરૂ કર્યું હતું. ભારત સરકારે પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને રસી વિકસાવવાનું કહ્યું હતું. આ બન્ને સંસ્થાઓ સરકારની માલિકીની છે. અભ્યાસી વાચકોને જાણ હશે કે ગયા વરસના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં સુધીમાં એટલું સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે કોઈ પણ પ્રકારની વિદેશી સહાય વિના પોતાની રસી વિકસાવવામાં સફળ થઈ શકે એમ છે. વિશ્વના બીજા દેશોમાં જે પ્રયાસો ચાલતા હતા તેની વાત કરીએ તો રસી વિકસાવવામાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અગ્રેસર હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એ જ અરસામાં એસ્ટ્રાઝેનેકા નામની ફાર્મા કંપની સાથે કરાર પણ કરી લીધો હતો કે જો રસી સફળ નીવડશે તો એસ્ટ્રાઝેનેકા તેનું ઉપ્તાદન કરશે અને વિશ્વના બીજા દેશોને કે વિશ્વની બીજી ફાર્માસ્યુટિકલ કંપનીઓને ઉત્પાદનના લાયસન્સ વેચશે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ રીતે ભારતમાં ઓક્સફર્ડની રસી બનાવવાનું અને વેચવાનું લાયસન્સ લીધું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ‘કોવિશીલ્ડ’ નામે રસી બનાવે છે અને વેચે છે.
હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે જે દેશને વરસમાં થોડાઘણા નહીં, પણ અઢી અબજ ડોઝની જરૂર પડવાની હતી એ દેશની વેક્સીન પોલીસી કેવી હોવી જોઈએ? કોઈ જવાબદાર અને આવડતવાળા શાસકો હોય તો શું કરે? તમે હો તો શું કરો? જવાબ બહુ સરળ છે. એક તો એ કે ભારતની બે સરકારી સંસ્થાઓએ જે રસી વિકસાવી હતી તેનું ઉત્પાદન કરવાનો પરવાનો (લાયસન્સ) છૂટા હાથે આપે. ભારતમાં જેટલી ખાનગી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ રસીનું ઉત્પાદન કરી શકે એમ હોય તેને ઉત્પાદન કરવાનો પરવાનો આપે. ભારતમાં મુંબઈની હાફકીન ઇન્સ્ટિટ્યૂટ જેવી અડધો ડઝન સરકારી સંસ્થાઓ એવી છે જે વેક્સીન બનાવવાનું કામ કરે છે. આ સિવાય ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓને લાયસન્સ આપે. આ સિવાય શાસકો જો શાણા અને પ્રજાલક્ષી હોય તો ભારત સરકાર ઓક્સફર્ડની રસીનું ભારતમાં ઉત્પાદન કરવાનું લાયસન્સ ખરીદી લેત અને ભારતની ખાનગી ફાર્મા કંપનીઓને ઉત્પાદન કરવા માટેની જોગવાઈ કરી આપત. આ એક મિશન હતું અને મિશન યુદ્ધના ધોરણે હાથ ધરવાનું હોય. એમાં નફા-નુકસાનની ગણતરી માંડવાની ન હોય. હકીકત તો એ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી રસી ઉત્પાદનના લાયસન્સ વેચીને પૈસા કમાઈ હોત અને ભારત સરકાર પણ ઓક્સફર્ડના લાયસન્સ મેળવી-વેચીને ખર્ચો કાઢી લીધો હોત. એટલી સમજ તો નાના છોકરાને પણ હોય કે કોઈ એક કે બે કંપની અઢી અબજ રસી એક વરસમાં ન બનાવી શકે. સાવ સાદી સમજનો દાખલો છે. નથી?
પણ ભારત સરકારે શું કર્યું? સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનું લાયસન્સ એક માત્ર ભારત બાયોટેક નામની કંપનીને આપ્યું જેણે અત્યાર સુધીમાં માત્ર બે કરોડ ચાલીસ લાખ ડોઝનું ઉત્પાદન કર્યું છે. ૧૬મી જાન્યુઆરીથી આજ સુધીના ૧૪૦ દિવસમાં બે કરોડ ચાલીસ લાખ એટલે કે પ્રતિદિન એક લાખ ૭૧ હજાર ડોઝ. આપણે ઉપર ગણતરી માંડી એ મુજબ દેશની દૈનિક જરૂરિયાત કેટલી છે? ૭૨ લાખ ડોઝ પ્રતિદિન. ક્યાં ૭૨ લાખ ડોઝ અને ક્યાં પોણા બે લાખ ડોઝ. શા માટે ભારત સરકારે એક જ કંપનીને લાયસન્સ આપ્યું અને એ પણ એવી કંપનીને જેનામાં વિશાળ ઉત્પાદન કરવાની ક્ષમતા જ નથી? આની સામે સીરમ ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીમાં પ્રતિદિન ૧૩ લાખ ૫૭ હજાર ડોઝ લેખે ૧૯ કરોડ ડોઝ આપ્યા છે. બન્ને કંપનીએ અત્યાર સુધીમાં ઉત્પાદિત કરેલા વેક્સીન ડોઝનો સરવાળો કરો તો પ્રતિદિન ૧૫ લાખ ડોઝ માંડ થાય છે અને જરૂરિયાત છે ૭૨ લાખ ડોઝની. ૧૪૦ દિવસમાં દેશની માત્ર ૩.૩ ટકા વસ્તીને જ કોરોનાપ્રતિકારક રસીના બન્ને ડોઝ મળ્યા છે.
હવે તમે જ ગણતરી માંડો કે આ દરે જો દેશની પ્રજાને વેક્સીન આપવામાં આવશે તો દેશની સમગ્ર પ્રજાને વેક્સીન દ્વારા સુરક્ષિત કરતા કેટલાં વરસ લાગશે? બે દાયકા ઓછામાં ઓછા. તો પછી કયા ભરોસે વડા પ્રધાને એવી શેખી મારી હતી જે આ લેખના પ્રારંભમાં ટાંકવામાં આવી છે. શા માટે આગળ કહ્યું એમ જે શક્ય હતું તેને પણ વડા પ્રધાન અને તેમની સરકાર સાકાર કરી શક્યા નહીં?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 જૂન 2021