
નગીનદાસ પારેખ
17-5-1970ના ‘નિરીક્ષક’માં પ્રગટ થયેલા ભગતસિંહના ચરિત્રના અવલોકનમાં અવલોકનકારે લખ્યું છે :
“કમભાગ્યે, આપણા સ્વાતંત્ર્ય-આંદોલનમાં જે બે પ્રકારની વિચારધારાઓ ચાલી – હિંસા અને અહિંસા – તે સ્વાતંત્ર્ય ધ્યેયમાં પણ પરસ્પર વિરોધી અને એકબીજાથી નાક સંકોડવાની હદ સુધી પહોંચી હતી, એણે ઘણા વિવાદી પ્રશ્નો પણ જગવ્યા છે. તેમાંનો એક ગાંધીજી વિશેનો પણ છે.
શું ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવાની કોશિશ નહોતી કરી ? શું એમણે ધાર્યું હોત તો ગાંધી-અરવિન કરારમાં આ ત્રણેનાં જીવન બચાવી શક્યા ન હોત ? પણ વસ્તુતઃ કાઁગ્રેસ આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો સંબંધ સહયોગનો નહિ વિરોધનો રહ્યો છે.”
અને પછી નેતાજી ક્રાંતિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા અને પાછળથી તેઓ પોતે પણ સશસ્ત્ર ક્રાંતિને માર્ગ વળ્યા હતા તે નોંધી તેમના પુસ્તક ‘ઇન્ડિયન સ્ટ્રગલ’નો હવાલો આપી જણાવ્યું છે કે “ગાંધી-અરવિન મુલાકાતમાં ગાંધીજીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું નહિ.”
આમાંની એકે વસ્તુ સાચી નથી. આપણે એકે એકે જોઈએ. પહેલાં ભગતસિંહ અને તેમના સાથીઓની વાત લઈએ.
ગાંધીજીએ લોર્ડ અરવિન સાથે 17મી ફેબ્રુઆરી 1931ને રોજ વાટાઘાટ શરૂ કરી તે પહેલાં ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીની સજા થઈ ચૂકી હતી. વાટાઘાટ લાંબી ચાલી હતી અને 5મી માર્ચે બપોરે સંધિ ઉપર સહી થઈ હતી. આ વાટાઘાટો વિશે લખતાં તેંડુલકર (ગાંધીજીના પ્રમાણભૂત ઇતિહાસના લેખક) લખે છે :
“વાટાઘાટ દરમ્યાન ગાંધીજીએ સત્યાગ્રહી કેદીઓ ઉપરાંત બીજા રાજકીય કેદીઓની મુક્તિ માટે પણ અપીલ કરી હતી. ગાંધીજીએ એમની મુક્તિ રાજકીય તંગદિલી હળવી કરવા માટે ખૂબ આવશ્યક છે એ રીતે વાત રજૂ કરી હતી. ઉપરાંત તેમણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની મોતની સજા ઘટાડવા બાબત પણ અપીલ કરી હતી, પણ લૉર્ડ અરવિન મક્કમ હતા.” (ખંડ-3. પૃ. 75)
ગાંધીજી આ વાટાઘાટ પોતા તરફથી નહોતા કરતા પણ કાઁગ્રેસની કારોબારી સમિતિ તરફથી કરતા હતા, એટલે એમાં સતત કારોબારીની સંમતિ મેળવતા રહ્યા હતા. સંધિની છેવટની શરતોના સ્વરૂપથી ઘણાને સંતોષ નહોતો. તેંડુલકર લખે છે: “જપ્ત થયેલી જમીનને લગતી કલમ સામે (સરદાર) પટેલને વાંધો હતો. વાટાઘાટ પૂર્ણ સ્વરાજ્યની ભૂમિકાથી ન થઈ એનું જવાહરલાલને દુઃખ હતું. કેદીઓની મુક્તિને લગતી કલમમાં જેમનો જેમનો સમાવેશ થવો જોઈએ તે બધાનો થયો છે એવું કોઈને જ લાગતું નહોતું. એટલે ગાંધીજીએ સમિતિના એક પછી એક સભ્યને પૂછયું કે મારે કેદીઓના પ્રશ્ન ઉપર તોડવું ? જમીનના પ્રશ્ન ઉપર તોડવું ? પિકેટિંગના પ્રશ્ન ઉપર તોડવું ? શાના ઉપર તોડવું ? કારોબારીએ છેવટે reluctantly સંધિ સ્વીકારી.” (-એ જ પૃ. 71)
સંધિ થયાને બે દિવસ વીત્યા પછી દિલ્હીમાં જાહેર સભા સમક્ષ ગાંધીજીએ કહ્યું હતું :
“ભગતસિંહ અને બીજાઓને કેમ છોડવામાં નથી આવ્યા તે હું તમને કહું છું. એમ પણ બને, કે તમે જો વાટાઘાટ ચલાવતા હોત તો કદાચ તમે વાઈસરૉય પાસેથી વધુ સારી શરતો મેળવી શક્યા હોત. પણ અમે કારોબારીના સભ્યો આ શરતો કરતાં વધુ મેળવી શકીએ એમ નહોતું. મારે તમને કહેવું જોઈએ કે આખી વાટાઘાટ દરમ્યાન હું મારા પોતા તરફથી કશું કરતો નહોતો, આખી કારોબારી સમિતિનું મને પીઠબળ હતું. અને અમારી વાટાઘાટોમાં થઈ શકે એટલું બધું દબાણ અમે કર્યું હતું, અને આ કામચલાઉ સંધિ દ્વારા ન્યાયપૂર્વક જેટલું મેળવી શકાય તેટલાથી અમે સંતોષ માન્યો … મારો અહિંસા ધર્મ તો ચોરો, ધાડપાડુઓ અને ખૂનીઓને સુધ્ધાં સજા કરવાની હિમાયત કરતો નથી. કોઈને પણ ફાંસી દેવામાં આવે એમાં મારો અંતરાત્મા સંમતિ આપી શકતો નથી, પછી ભગતસિંહ જેવા વીર પુરુષની તો વાત જ શી ?” (પૃ. 79-80)
પણ આ વસ્તુ એમના મનમાંથી ગઈ નહોતી. અમદાવાદ, રાસ, કરાડી, મુંબઈ વગેરે સ્થળોએ ફરતાં ફરતાં પણ આ પ્રશ્ન એમના મનમાં ઘોળાતો રહ્યો હતો અને 19મી માર્ચે એઓ ફરી વાર લોર્ડ અરવિનને મળ્યા હતા. એ વખતે સંધિની શરતોમાંથી ઊભા થતા કેટલાક તાકીદના પ્રશ્નોની અને રાજકીય કેદીઓના પ્રશ્નની ચર્ચા કરી હતી. તેંડુલકર લખે છે:
“સારા સંબંધો અને શાંતિમય વાતાવરણ સ્થપાય એ માટે એમણે ફરી એક વાર ભગતસિંહ અને તેમના સાથીઓની મોતની સજા ઘટાડવામાં આવે એની માટે અપીલ કરી. પણ લોર્ડ અરવિન મક્કમ રહ્યા.” (પૃ. 92)
−2−
આ મુલાકાતમાં (19 માર્ચ 1931) શું બન્યું એનો કેટલોક હેવાલ લૉર્ડ અરવિને પોતે ગાંધીજીના અવસાન પછી લખેલા એક લેખમાં આપેલો છે. તેમાં એમણે લખ્યું છે:
“ગાંધીજી તરત જ કરાંચી કોંગ્રેસના અધિવેશનમાં જવાના હતા અને એ કોંગ્રેસ અમારી વચ્ચે થયેલી સંધિને મંજૂરી આપે એવી તેઓ આશા રાખતા હતા, અને તાજેતરમાં જ જુદા જુદા ત્રાસવાદી ગુનાઓ માટે મોતની સજા પામેલા ભગત સિંહ નામના એક નવજુવાનની જિંદગી બચાવવા તેઓ અપીલ કરવા ઈચ્છતા બચાવવા તેઓ અપીલ કરવા ઈચ્છતા હતા. તેઓ પોતે તો મૃત્યુદંડની વિરુદ્ધ હતા, પણ અત્યારે મૃત્યુદંડ ચર્ચાનો મુદ્દો નહોતો. શ્રી ગાંધીએ કહ્યું, જો એ નવજુવાનને ફાંસી દેવામાં આવશે તો સંભવ એવો છે કે આખા રાષ્ટ્રને મન તે શહીદ બની જશે અને સમગ્ર વાતાવરણ અત્યંત પક્ષિલ બની જશે. ત્યારે મેં તેમને કહ્યું કે આ બાબતમાં તમારી લાગણીની હું પૂરી કદર કરું છું. મારે પણ મૃત્યુદંડ સારો કે નરસો એની સાથે નિસ્બત નથી, કારણ મારી ફરજ તો મારી સમજ પ્રમાણે કાયદાનો અમલ કરવાની જ છે. એ દૃષ્ટિએ જોતાં ભગતસિંહ કરતાં મૃત્યુદંડને વધુ લાયક હું કોઈને કલ્પી શકતો નથી, ઉપરાંત, એના જીવન માટે ગાંધીજીએ ખૂબ કમનસીબ ક્ષણે અપીલ કરી હતી. કારણ, બન્યું હતું એવું કે આગલી જ સાંજે મને ભગતસિંહની મોતની સજા મુલતવી રાખવાની અરજી મળી હતી અને તે મારે નામંજૂર કરવી જ જોઈએ એમ મને લાગ્યું હતું. અને આથી તેને શનિવારે સવારે (મારી સ્મૃતિ સાચી હોય તે અમારી વાતચીત ગુરુવારે થઈ હતી) ફાંસી દેવાવાની હતી. ગાંધીજી કોંગ્રેસના અધિવેશન માટે શનિવારે બપોર પછી કે સાંજે પહોંચવાના હતા, જ્યારે આ સમાચાર બહાર પડી ગયા હોય. અને આથી તેમની દૃષ્ટિએ આ તારીખનો યોગ અત્યંત વિષમ હતો.
ગાંધીજીએ કહ્યું, કે મને ખૂબ ડર છે કે આ બાબતમાં તમે કંઈ ન કરી શકો તો એની અસર એવી થશે કે આપણી સંધિ હતી ન હતી થઈ જશે.
ત્યારે મેં એમ કહ્યું કે તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે ત્રણ જ માર્ગો છે. પહેલો તો એ કે કશું જ ન કરતાં ફાંસીનો અમલ થવા દેવો. બીજો રસ્તો એ હુકમ બદલીને ભગતસિંહની સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનો છે. અને ત્રીજો રસ્તો એ છે કે કોંગ્રેસ બરાબર પતી જાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરવો. મેં તેમને કહ્યું કે મારી દૃષ્ટિએ સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનું મેં તેમને કહ્યું કે મારી દૃષ્ટિએ સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનું મારે માટે અશક્ય છે એ તમે સ્વીકારશો. અને કેવળ નિર્ણય મુલતવી રાખી લોકોના મનમાં સજામાં ઘટાડો થવાનો સંભવ છે એવી માન્યતા ઉભી થવા દેવી એમાં વ્યવહારની સરળતા કે પ્રામાણિકતા નથી. એટલે પહેલો માર્ગ જ શક્ય હતો, એમાં ઘણી મુશ્કેલી હતી તેમ છતાં. (મહાત્મા ગાંધી, સંપાદક, રાધાકૃષ્ણન, જયકો પ્રકાશન, 1956, પૃ. 357-8)
આ પછી પણ ગાંધીજીએ આશા છોડી નહોતી. તેમણે તા. 23મી માર્ચે પરોઢિયે લોર્ડ અરવિનને ‘એક મહાન ખ્રિસ્તી’ તરીકે પ્રેમભાવનાને અપીલ કરતો એક પત્ર લખ્યો હતો પણ તે પણ વિફળ ગયો. 23મીની રાતે જ ભગતસિંહને અને તેમના સાથીઓને લાહોર જેલમાં ફ્રાંસી દેવાઈ ચૂકી હતી. (પૃ. 92)
આ સંબંધમાં ગાંધીજીએ તે વખતે લખ્યું હતું :
“પૂરા વિચાર પછી હું એવા અભિપ્રાયનો થયો છું કે સરકારની આ ગંભીર ભૂલથી જે સ્વતંત્રતા માટે ભગતસિંહ અને તેમના સાથીઓ મૃત્યુને વર્યા તે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની આપણી શક્તિમાં વધારો થયો છે.” (પૃ. 93)
-3-

ભગતસિંહ
તા. 26મીએ કોંગ્રેસના મંડપમાં મળેલી વિશાળ માનવમેદનીને સંબોધતાં સંબંધમાં ગાંધીજીએ કહ્યું હતું :
“આ ફાંસીઓ દ્વારા સરકારે રાષ્ટ્રને ઉશ્કેરણીનું ગંભીર કારણ આપ્યું છે. મને પણ એથી આઘાત લાગ્યો છે, કારણ મેં કરેલી વાટાઘાટો અને વાતચીતો ઉપરથી હું એવી આછી આછી આશા સેવી રહ્યા હતા કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કદાચ બચાવી શકાશે.” (પૃ. 97)
કરાંચીમાં નવજુવાનોએ ગાંધીજી વિરુદ્ધ કરેલા દેખાવોનો ઉલ્લેખ કરી એમણે એ ભાષણમાં કહ્યું હતું:
“એમને એમ કરવાનો પૂરો હક્ક છે. કારણ એ લોકો એમ માનતા હતા કે ભગતસિંહને બચાવવા માટે મેં મારી પૂરી શક્તિ કામે લગાડી નથી અથવા અહિંસામાં માનતો હોઈ મેં ભગતસિંહની અને તેમના સાથીઓની છેક જ ઉપેક્ષા કરી છે … તમારે જાણવું જોઈએ કે કોઈ ખૂની, ચોર કે ધાડપાડુને પણ સજા કરવી એ મારા સિદ્ધાંત વિરુદ્ધ છે. એટલે હું ભગતસિંહને બચાવવા માગતો નહોતો એવા વહેમને કોઈ કારણ જ નથી. પણ તમે ભગતસિંહની ભૂલ પણ સમજો એમ હું ઇચ્છું છું. જો મને ભગતસિંહ અને તેમના સાથીઓ સાથે વાત કરવાનો પ્રસંગ મળ્યો હોત તો મેં તેમને કહ્યું હોત કે તેમણે જે માર્ગ સ્વીકાર્યો હતો તે ખોટો અને નિષ્ફળ જવા સરજાયેલો હતો.”
ગાંધીજીનું ભાષણ પૂરું થવા આવ્યું હતું ત્યાં કોકે પ્રશ્ન કર્યો કે ભગતસિંહને બચાવવા તમે શું કર્યું ? એનો જવાબ આપતાં તેમણે જણાવ્યું:
“હું કંઈ મારો બચાવ કરવા નહોતો આવ્યો એટલે ભગતસિંહ અને તેમના સાથીઓને બચાવવા મેં શું કર્યું એની વિગતો આપી તમને કંટાળો આપવા માગતો નહોતો. મેં મારી બધી શક્તિ વાપરીને વાઈસરોય આગળ રજૂઆત કરી, મેં મારી સમજાવવાની બધી જ શકિત તેમની ઉપર અજમાવી. ભગતસિંહના સગાંવહાલાંઓની છેલ્લી મુલાકાતને માટે નક્કી થયેલે દિવસે, 23મીની સવારે મેં વાઈસરોયને પત્ર લખ્યો, તેમાં મેં મારો સમગ્ર આત્મા રેડ્યો, પણ કંઈ ફળ ન આવ્યું. તમે કદાચ કહેશો કે હું હજી એક વસ્તુ કરી શકું એમ હતું. એમની સજા ઘટાડવામાં આવે એવી શરત સંધિમાં જ મારે દાખલ કરવી જોઈતી હતી. પણ એમ ન કરાય. વળી, સંધિમાંથી ખસી જવાની ધમકી આપવી એ તો દગો કર્યો કહેવાય. સજાના ઘટાડાને આ સંધિની પૂર્વશરત ન બનાવવામાં કારોબારી સમિતિ મારી સાથે હતી. એટલે હું એ બાબતનો ઉલ્લેખ સંધિથી અલગ રીતે જ કરી શકું એમ હતું. મેં મનની મોટાઈની આશા રાખી હતી. પણ એ મારી આશા ફળી નહિ. પણ એથી સંધિનો ભંગ ન કરી શકાય. અંતે માણસ કરી શકે એટલું બધું જ કરી છૂટનાર હું એકલો નહોતો. પંડિત માલવિય અને ડૉકટર સપ્રુએ પણ પોતાનાથી બનતું બધું કર્યું હતું.” (પૃ. 110)
ભગતસિંહને અને તેમના સાથીઓને બચાવવા ગાંધીજીએ કશું કયું નહોતું એવા આક્ષેપના જવાબમાં આથી વિશેષ લખવાની જરૂર નથી.
ક્રાંતિકારીઓ પ્રત્યેનું કાઁગ્રેસનું અને ગાંધીજીનું વલણ ‘વિરોધનું અને સંકોડવાનું’ હતું એ વિધાન પણ એવું જ નાપાયાદાર છે. ગાંધીજીએ કરાંચી પહોંચ્યા પછી કરેલા છાપા જોગ નિવેદનમાં કહ્યું :
“ભગતસિંહની વીરતા અને ત્યાગભાવના આગળ આપણું મસ્તક નમી જાય છે. પણ, મારા નવજુવાન મિત્રોને દૂભવ્યા વગર એવો પ્રયોગ કરી શકાતો હોય તો હું કહું કે મારે તો એના કરતાં પણ ચડિયાતી વીરતા જેઈએ છે. સૌમ્યની, નમ્રની અને અહિંસકની વીરતા, જે એક પણ જીવને ઇજા કર્યા વગર કે ઇજા કરવાનો વિચાર સુધ્ધાં સેવ્યા વગર ફાંસીને માચડે ચઢી જાય.” (પૃ. 95)
એટલું જ નહિ, કરાંચી કાઁગ્રેસે પસાર કરેલો ભગતસિંહ અને તેમના સાથીઓને લગતો ઠરાવ પણ ગાંધીજીએ પોતે ઘડેલો હતો; અને તેમાં તેમની વીરતા અને ત્યાગભાવનાની પ્રશંસા કરેલી હતી. કેટલાકે તે વખતે એમ પણ કહ્યું હતું કે એ ઠરાવ તો નવજુવાનોને પોતાને પક્ષે લેવા માટેની લાંચ હતી. એને વિશે ગાંધીજીએ 6ઠ્ઠી ઑગસ્ટે મળેલી મહાસમિતિની બેઠકમાં કહ્યું હતું કે “જેઓ એમ કહે છે તેઓ મને ઓળખતા નથી. ભારતની સ્વતંત્રતા માટે સુધ્ધાં હું અસત્યને આશરે લઉં એમ નથી, પછી એક સંધિ સ્વીકારાવવા જેવી ક્ષુદ્ર વસ્તુની તો વાત જ શી ?” (પૃ. 129)
ગાંધીજી પોતે અહિંસાને વરેલા હતા એટલે પોતે તો હિંસાનો માર્ગ કદી લે જ નહિ, તેમ તેને ઉત્તેજન પણ આપે નહિ. તેમ છતાં એ રસ્તે જનારાઓ પ્રત્યે એમને આદર કે સહાનુભૂતિ નહોતી, અથવા તેમને તેઓ પોતાના વિરોધીઓ ગણતા હતા, એ વાત જરા ય સાચી નથી. એમણે વારંવાર ક્રાંતિકારીઓની વીરતા, દેશભક્તિ, અને બલિદાનની ભાવના આત્મત્યાગ વગેરે ગુણોની પ્રશંસા કરેલી છે, પણ એમનો રસ્તો સાચો નથી એવી એમની દૃઢ માન્યતા હોઈ એ માર્ગે જવાથી થનારાં નુકસાનો પણ એમણે અનેક વાર બતાવ્યાં છે. તેમ છતાં એવા અનેક ક્રાંતિકારીઓને એમણે ફાંસીને માંચડેથી કે કાળા પાણીની સજામાંથી કે નજરકેદમાંથી છોડાવ્યા છે, એ પણ ભૂલવું ન જોઈએ. એવા જ એક ક્રાંતિકારી હરિદાસ મિત્રનો લેખ ‘બાપુનાં દર્શન- ફાંસીખોલીમાં અને નોઆખાલીમાં’ નામે ‘વિશ્વમાનવ’ના મે-જૂન 1970ના અંકમાં પ્રગટ થનાર છે તે જોવાની જિજ્ઞાસુઓને વિનંતી કરું છું.*
(28-5-1970)
(સમાપ્ત)
- આ લેખ અહીં નીચે ઊતાર્યો છે :
‘બાપુનાં દર્શન- ફાંસીખોલીમાં અને નોઆખાલીમાં’ – ‘વિશ્વમાનવ’ના મે-જૂન 1970
12-13-14 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 361-362-363