પોઝિટિવ અને મોટિવેશનલ સ્ટોરી
આસોપાલવના ઝાડ પર વીસેક ફૂટ ઊંચે ડાળીઓ કાપવા ચડેલા છે તે છે ૩૫ની વયના ભરતભાઈ દેવીપૂજક અને સાયકલ લારી પાસે આસોપાલવ એકત્ર કરી રહેલાં તેમનાં પત્ની ૩૦ની વયનાં સૂર્યાબહેન.
અમદાવાદની નગરદેવી કહેવાતી ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળવાની છે એવા સમાચાર એમને મળ્યા એટલે એ દરમ્યાન આસોપાલવનાં તોરણ વેચવા માટે તેઓ નીકળ્યાં છે આસોપાલવ ભેગો કરવા. તેઓ એમાંથી તોરણ બનાવશે અને પોટલામાં ભરીને એ જમાલપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે વેચશે. એમના કહેવા મુજબ એમાંથી એમને ₹ ૫૦૦થી ₹ ૬૦૦ મળવાની આશા છે. ત્રણ જણની કુલ આશરે પચાસેક કલાકની મહેનતનું આ ફળ તેમને મળશે! એ પણ એમની ધારણા છે.
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અર્જુન આશ્રમ પાસે તેઓ રહે છે. ચારે બાજુ પ્લાસ્ટિકથી બનાવેલું તેમનું એક ઘર છે. તેના ઉપર પણ પતરું નથી. બધે પ્લાસ્ટિક જ. આશરે ૧૨x૧૨નું છાપરું હશે. એમના ઘરને તેઓ ‘ઘર’ શબ્દથી નવાજતા નથી, એને તેઓ “છાપરું” જ કહે છે. ક્યાં રહો છો એમ પૂછેલું તો કહે, “સાહેબ, છાપરામાં.” એમાં તેમનાં પાંચ સંતાનો, તેમની માતા, એક ભાઈ અને એક બહેન એમ દસ જણા રહે છે.
સામાન્ય રીતે તેઓ છૂટક મજૂરીનું, કડિયાકામ, ઢોલ વગાડવાનું, ફૂલ વેચવાનું, ડેકોરેશન કરવાનું, જૂનાં કપડાં લઈને વેચવાનું વગેરે કામ કરે છે. રોજ તો કંઈ કામ મળતું નથી એમ તેમણે કહ્યું. જે દહાડે જે કામ મળે તે કરવાનું. કોમલ બોલી : “ખાવા જેટલું મળી રહે છે.”
ભરતભાઈની સોળેક વર્ષની બહેન કોમલ. એ અને સૂર્યાબહેન બંને પગે ચાલીને ચાંદલોડિયા અને ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં આશરે દસેક કિલોમિટર ફરે અને જૂનાં કપડાં ભેગાં કરીને અમદાવાદમાં દિલ્હી દરવાજા રસ્તા પર વેચવા જાય. આ બંને વિસ્તારો એ છે કે જેમાંથી ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન ચૂંટાયેલા છે.
ભરતભાઈ મૂળ બહુચરાજી પાસેના ઝાંઝરવા ગામના. તેમના પિતાજી પણ ગામ છોડીને અમદાવાદ આવી ગયેલા. ભરતભાઈ અને સૂર્યાબહેનનો જન્મ તો અમદાવાદમાં જ.
તેમણે ગઈ દિવાળીમાં આ લારી લીધી. તે પણ જૂની. રૂ. ૭,૦૦૦માં ખરીદી. એટલા પૈસા એમણે ગમે તેમ કરીને ભેગા કર્યા. ક્યાંથી લાવ્યા એટલા પૈસા તો એમની એનો જવાબ આપવાની ઈચ્છા લાગી નહીં.
કોમલ દસ ધોરણ ભણી પણ પરીક્ષા નહોતી આપી. ભરતભાઈ પાંચ ધોરણ ભણેલા અને સૂર્યાબહેન તો સાવ અભણ. એમનાં ત્રણ સંતાનો અત્યારે સરકારી શાળામાં ભણે છે.
ભરતભાઈના નાના ભાઈનું નામ મનોજ. ૨૦ વર્ષની વય. એ પણ દસ ધોરણ સુધી ભણેલો. એ ટ્રેક્ટરનો ડ્રાઈવર છે. એને કામ મળે ત્યારે રોજના ₹ ૨૦૦ કે ₹ ૨૫૦ મળે. રોજ તો કામ એને પણ મળતું નથી.
એમને પૂછ્યું કે : “તમારી બધાની રોજની આવક કેટલી?” તો કહે કે “રોજ ક્યાં કામ મળે છે?” પણ “પેટ ભરાઈ જાય એટલું થઈ જાય છે.” દસ જણના ઘરમાં રોજની સરેરાશ આવક ₹ ૫૦૦ની હશે એવો સાવ અછડતો અંદાજ માંડી શકાય. પણ એ ચાર જણની મહેનતના. અર્થશાસ્ત્રમાં જેને પ્રચ્છન્ન બેકારી કહે તે આ પરિવારમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં દેખાય છે.
અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતા પહેલી વાર મહાશિવરાત્રિને દિવસે નગરયાત્રાએ નીકળવાનાં છે તેથી એમના પરિવારને આસોપાલવના તોરણમાં માતા દેખાયાં હશે!
પેલા ઇન્ફોસિસવાળા નારાયણમૂર્તિ કહે છે કે દેશના વિકાસ માટે એક સપ્તાહના ૭૦ કલાક અને એલ. એન્ડ ટી. નામની મહાકાય કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન કહે છે કે ૯૦ કલાક કામ કરવું જોઈએ. ભરતભાઈ અને એમના પરિવારના બીજા ત્રણ સભ્યોને તો એ બે જણ કામ નહીં જ આપે.
ભરતભાઈ જતાં જતાં બોલ્યા : “સાહેબ, આવી રીતે તો અમારી સાથે કોઈ મોટા લોકો વાત કરતા જ નથી. તમે કરી.” “મોટા એટલે?” “તમારા જેવા.” આ “મોટા” એટલે ધનવાન જ ને? હું ધનવાન છું એનો અહેસાસ આ રીતે એમણે મને કરાવ્યો. અને છું પણ ખરો કારણ કે હું આવક વેરો ભરનારા દેશના માત્ર ૩.૫ કરોડ લોકોમાં આવું છું.
સૂર્યાબહેન અને એમના પરિવારનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય કે નહીં?
તા.૨૪-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર