ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે, તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે.

ચિરંતના ભટ્ટ
બાંગ્લાદેશ હજી ભડકે બળી રહ્યું છે, આ આગનો અંત ક્યારે અને કેવો આવશે એની કોઇ સ્પષ્ટતા નથી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યો ત્યારથી ત્યાં રહેતા હિંદુઓનો નર સંહાર થઇ રહ્યો છે, ચિત્તગોંગ જેવા સ્થળોએ હિંદુઓની દુકાનો એ રીતે લૂંટવામાં આવી રહી છે જાણે ત્યાં કોઇ કાયદો વ્યવસ્થા છે જ નહીં. હિંદુ અભિનેતા હોય કે હિંદુ ક્રિકેટર હોય – હુમલા, ઘર બાળવાના બનાવો, હિંદુઓની દુકાનો બાળવાની ઘટનાઓ સતત સમચાર બનીને પ્રસરી રહી છે. હિંદુ મહિલાઓ સાથે થતા બળાત્કાર, તેમની હત્યાઓ, તેમના અપહરણ જેવી ઘટનાઓના સમાચાર પણ સતત આપણને મળી રહ્યા છે. કાળજું કંપી ઊઠે એવી ઘટનાઓ છે પણ તેમાં તથ્ય કેટલું છે? એક સમયે જે બાંગ્લાદેશના નાગરિકો એક થઇને સરકારની સામે પડ્યા હતા તેણે હવે આ કોમવાદી જંગાલિયતનું સ્વરૂપ કેવી રીતે લઇ લીધું હશે? 15મી ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન કરતા બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ અને લધુમતીની રક્ષા થવી જ જોઇએની વાત કરી હતી. વળી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર સંભાળનારા મહંમદ યુનૂસે પણ આ પહેલાં પોતે હિંદુઓ અને લધુમતીઓની રક્ષા કરશેનો મુદ્દો ટાંક્યો હતો. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સુરક્ષાની ચિંતા કરતા વડા પ્રધાન અને વિદેશ મંત્રી પણ આ નરસંહાર અને બળાત્કાર વિશે હજી કંઇ બોલી નથી રહ્યા તેનું શું કારણ હશે? પણ ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓને મામલે શું સ્થિતિ છે? ત્યાંથી શું હિંદુઓનો રીતસર સફાયો કરાઇ રહ્યો છે? લધુમતી બાંગ્લાદેશમાં ડરના ઓથાર હેઠળ જીવી રહી છે? બાંગ્લાદેશની વચગાળાની સરકાર સંજોગોને કાબૂમાં લાવવા માટે સક્ષમ છે ખરી? ભારત સરકાર ત્યાં વસનારા હિંદુઓ માટે કંઇ કરી શકે એમ છે? આ સવાલો બાંગ્લાદેશની પરિસ્થિતિની આસપાસ ચકરાવા લે તે સ્વાભાવિક છે.
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વિરોધીઓએ તો પોલીસને પણ ડાબે હાથે લીધી કારણ કે એ પોલીસે જ સરકારને કહ્યે વિરોધીઓને કાબૂમાં લેવા ભારે દમન કર્યું અને હિંસક વલણ અપનાવ્યું હતું. આવામી લીગના નેતાઓના ઘેરાવ, તેમની પર હુમલા જ નહીં પણ અમુક કિસ્સાઓમાં તો નેતાઓને મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યા. વળી ત્યાં સૈન્ય એટલું સબળું નથી કે બાંગ્લાદેશના ખૂણે ખૂણે પહોંચી જઇ પરિસ્થિતિ સંભાળી શકે. સત્તાની ગેરહાજરીમાં તકવાદીઓએ હિંદુઓ અને લધુમતીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. કહેનારા તો એમ પણ કહે છે કે જેમ આવામી લીગના નેતાઓ પર હુમલા થયા એમ હિંદુ નેતાઓને પણ નિશાન બનાવાયા. હિંદુ નેતાની હત્યા થઇ, એક હિંદુ સંગીતકારના ઘરને રાખ કરી દેવાયું. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને તેમની ધાર્મિક ઓળખને કારણે જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશના મીડિયાના અહેવાલો અનુસાર ત્યાં અત્યારે એકેય એવો વિસ્તાર નથી જ્યાં કોમવાદી હુમલા ન થતા હોય. ભારત સરકાર કે બાંગ્લાદેશ સરકાર એ ચોખવટ નથી કરી રહી કે કેટલા હિંદુઓ માર્યા ગયા છે, કેટલા ઘાયલ થયા છે કારણ કે કદાચ તેમને માટે પણ આ સ્પષ્ટ આંકડો મેળવવો શક્ય નહીં હોય.
બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાવનારા ટોળાં એટલા મોટાં છે કે એમ કહેવું કે આ ટોળાંમાં કોણ કયા પક્ષનું હશે મુશ્કેલ નહીં અશક્ય છે. કટ્ટરવાદી પક્ષ જેમ કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામી પર તો કોમવાદી હુમલાના આરોપ છે જ પણ સાથે કેટલાક લોકો આવામી લીગ પર પણ આવા હુમલાનો આક્ષેપ લગાડે છે. આમ કહેવામાં તેમનો તર્ક છે કે આવામી લીગ હિંદુઓનું દમન કરીને એમ સાબિત કરવા માગે છે કે જ્યાં સુધી શેખ હસીના ત્યાં હતાં ત્યાં સુધી લઘુમતી સુરક્ષિત હતી. આવામાં બાંગ્લાદેશનું સૈન્ય એક માત્ર ત્યાં વસતા હિંદુઓને બચાવે છે, તેમને સુરક્ષા પૂરી પાડે છે પણ છતાં ય આર્મી માટે બધે પહોંચી વળવું મુશ્કેલ છે. એક હિંદુને ઘરે થયેલા હુમલામાં જ્યારે આર્મીની મદદ માંગવામાં આવી ત્યારે આર્મી સાથે બી.એન.પી. અને જમાતના કાર્યકરોએ પણ ત્યાં પહોંચી મદદ કરી. બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓની હાલત ખૂબ જ ખરાબ છે, પણ સોશ્યલ મીડિયા પર આવનારા દરેક વીડિયોને માની લેવાની જરૂર નથી, કારણ કે ધ્રુવીકરણ કરનારાઓને અત્યારે લોકોની લાગણીઓ સાથે રમવાની મજા આવી ગઇ છે. હિંદુ ક્રિકેટરનું ઘર બાળવાના સમાચાર ખોટા છે – એ મુસલમાન ક્રિકેટર મશર્ફે મુર્તઝાનું ઘર હતું (તે આવામી લીગ સાથે જોડાયેલા ક્રિકેટર છે) તો એક ભડકે બળતા રેસ્ટોરાંને હિંદુ મંદિર કહીને પણ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ફેક ન્યૂઝને કારણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની સ્થિતિ છે એના કરતાં બદતર બતાડાઇ છે. ભારતમાં થયેલું અપહરણ, બેંગલુરુમાં થયેલા માસ-રેપ અને એક મુસલમાન પરિવારની કતલને બાંગ્લાદેશમાં થયેલી હિંદુઓ સાથેની ઘટના તરીકે સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવ્યા અને લોકોએ માની લીધા. આવામી લીગના સભ્ય એવા એક સ્થળના મેયરને તળાવમાં પથ્થર મારીને મારવાના પ્રયાસને પણ હિંદુ પરિવારની સ્ત્રીઓના હુમલા તરીકે ખપાવવાનો પ્રયાસ કરાયો. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવનારાઓ કરતાં વધારે જોખમી છે આ ડિજિટલ આતંકવાદીઓ જેની ખોટી માહિતીને પગલે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓની હાલત છે એના કરતાં વધુ બદતર બનાવી દેશે. જો ખરેખર બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત આટલી ખરાબ હોત તો કેન્દ્ર સરકાર – ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એસ. જયશંકર ચૂપચાપ બેસી ન રહેત. સોશ્યલ મીડિયા પર ચાલનારી બાબતને ડિપ્લોમેટિક જુઠ્ઠાણું બનાવીને ચલાવવાની ભૂલ તો કેન્દ્ર સરકાર કોઇ કાળે નહીં કરે. સરકારને ટેકો આપનારા જમણેરીઓનો આગ ફેલાવવાનો ઉત્સાહ તેમને ભારે પડી શકે છે એ કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે. ભારતમાં બદલાની આગને ઉગ્ર કરવાની દાનતને કારણકે કટ્ટરવાદીઓ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે જે કહે તે માની ન લેવામાં જ સાર છે. વળી ભારત સરકાર જે આટલા લાંબા સમયથી શેખ હસીનાને ટેકો આપતી આવી છે તેણે અત્યારે બાંગ્લાદેશનું સુકાન સંભાળનાર બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સરકારનો વિશ્વાસ જીતવો પડશે, એટલું જ નહીં તેમને ટેકો પણ આપવો પડશે.
અત્યારે મોહંમદ યુનૂસે જે સભ્યોની ટીમ બનાવીને બાંગ્લાદેશની સરકાર ચલાવવાનું નક્કી કર્યું છે તેમાં હિંદુ સલાહકાર પણ છે અને આદિવાસી સલાહકાર પણ છે. તેઓ ચિવટપૂર્વક લોકતાંત્રિક અને બિનસાંપ્રદાયિક રીતે પરિસ્થિતિ સંભાળવા માગે છે. મહમંદ યુનૂસે પોતાના વક્તવ્યમાં હિંસા અટકાવવા અને ખાસ કરીને હિંદુઓ સહિતની અન્ય લધુમતિઓને હાનિ ન પહોંચે એ માટે તાકીદ કરી છે. આ ચોક્કસ એક હકારાત્મક બાબત છે પણ નક્કર લોકશાહી, કાયદો અને વ્યવસ્થા વિના બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા સરળ નથી. વળી ભૂતકાળમાં વેસ્ટેડ પ્રોપર્ટી એક્ટ જેવા કાયદાઓને કારણે હિંદુઓ ત્યાં હેરાન પણ થયા છે. નવી સરકારે તટસ્થતાથી ધરમૂળથી બદલાવ કરવા પડશે. એક સમયે બાંગ્લાદેશની વસ્તીનો 30 ટકા હિસ્સો હિંદુઓ હતા અને હવે તે માત્ર 8 ટકા છે.
બાય ધી વેઃ
ભારતે શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલી દેવા જોઇએ. એમને માટે તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે તો પોતાનાં કર્મોનાં ફળ એમણે ભોગવવાં જ જોઇએ. ભારત તેમને લાંબો સમય આશરો આપશે તો ભારત-બાંગ્લાદેશના સંબંધો પર અસર પડવાની પૂરી શક્યતા છે. ત્યાંના હિંદુઓ કંઇ ભારત આવી જઇને અહીં ભળી જાય તો ચાલે એમ શક્ય નથી. આ કંઇ એવો વખત નથી કે સાકર જેમ દૂધમાં ભળી ગઇ વાળી વાર્તાની માફક બધું પાર પડી જાય. આપણો દેશમાં ઘણા પ્રશ્નો છે, સંકુલ સંજોગો છે અને તેમાં વસ્તીનો પ્રશ્ન સૌથી મોટો છે. આ સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને ચીનના પ્રભાવ સામે ટકી જઇ બાંગ્લાદેશના હિંદુઓને ત્યાંની વચગાળાની સરકાર સાચવી લે તે રીતે રાજદ્વારી સંબંધો વિકસાવવાની જરૂર છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2024