Opinion Magazine
Number of visits: 9446987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બનારસ હિન્દુ યુનિવર્સિટીની શતાબ્દી : હિન્દુ યુનિવર્સિટી હિન્દુ કેટલી છે ને નથી તો કેમ નથી?


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|22 February 2016

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અને દયાનંદ ઍન્ગ્લો વૈદિક શિક્ષણસંસ્થામાં આધુનિકતા અને પરંપરાનું પ્રમાણ ૯૮:૨નું છે અથવા વધુમાં વધુ એમ કહી શકાય કે ૯૫:૫નું છે. આર્યાવર્તના પ્રવર્તક દયાનંદ સરસ્વતીની અને સનાતન દિગ્વિજયમાં માનનારા મદન મોહન માલવિયાની સંસ્થામાં મૅકોલેનો વિજય થાય એવો આ અનોખો દેશ છે

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય અર્થાત્ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) શતાબ્દી ઊજવી રહી છે. ૧૯૧૬ના ફેબ્રુઆરી મહિનામાં યુનિવર્સિટીનું ઉદ્ઘાટન ભારતના વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગે કર્યું હતું. ઉંદ્ઘાટન સમારંભમાં ગાંધીજી હાજર હતા અને તેમના ઐતિહાસિક ભાષણે ઉદ્ઘાટન સમારંભને ઐતિહાસિક બનાવી દીધો હતો. સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા પછી ગાંધીજીએ ત્યારે પહેલું રાજકીય પ્રવચન આપ્યું હતું જે નમ્રતા અને નિર્ભયતાના સમન્વયરૂપ હતું. તેમણે લૉર્ડ હાર્ડિંગના સુરક્ષા-કાફલાને જોઈને કહ્યું હતું કે વાઇસરૉયને જો ભારતમાં આટલો બધો ડર લાગતો હોય તો તેમણે પોતાના વતનમાં પાછા જતા રહેવું જોઈએ. તેમણે ભારતની પ્રજાને કહ્યું હતું કે જો આપણે કારણે વાઇસરૉય ભયભીત હોય તો એ આપણા માટે શરમની વાત છે. તેમણે મોંઘાં આભૂષણો પહેરીને આવેલા રાજવીઓને કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશમાં આટલાં મોંઘાં આભૂષણો પહેરતાં તમને શરમ આવવી જોઈએ. ૨૦૧૬ની ચોથી ફેબ્રુઆરીએ માત્ર BHUનું ઉદ્ઘાટન નહોતું થયું, ભારતમાં સત્ય અને નિર્ભયતાના જાહેર જીવનનું પણ એ દિવસે ઉદ્ઘાટન થયું હતું.

BHUએ સો વર્ષ પૂરાં કર્યા છે અને અત્યારે એ ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક ગણાય છે, પરંતુ સવાલ એ છે કે BHUમાં હિન્દુ ક્યાં છે અને નથી તો કેમ નથી? બીજા શબ્દોમાં કહીએ તો BHU હિન્દુ યુનિવર્સિટી છે ખરી? અર્થાંતરે સવાલ એમ પણ પૂછી શકાય કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી મુસ્લિમ છે ખરી અને આર્યસમાજીઓની દયાનંદ ઍન્ગ્લો-વૈદિક કૉલેજો વૈદિક છે ખરી? જો નથી તો કેમ નથી?

જવાબ ત્યાંથી ગોતવો પડશે જ્યાંથી એની શરૂઆત થઈ હતી. ૭મી માર્ચ ૧૮૩૫. ભારતનું ભાગ્ય નિર્ધારિત કરનારો એ દિવસ હતો જ્યારે બ્રિટિશ સરકારે લૉર્ડ મૅકોલેની ભલામણ સ્વીકારીને ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ અને અંગ્રેજી માધ્યમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. લૉર્ડ વિલિયમ બેન્ટિકની સરકારે જાહેરાત કરી હતી : The great object of the British Government ought to be the promotion of European Literature and Science among Natives of India. 

આ ઘટનાને અલગ-અલગ લોકો અલગ-અલગ રીતે જુએ છે. સનાતની હિદુઓને અને હિદુત્વવાદીઓને એમ લાગે છે કે ભારતના પરમ પ્રાચીન વૈભવને નકારવાનું આ કાવતરું હતું તો બીજી બાજુ મહાત્મા ફુલે અને ડૉ. આંબેડકરને એમ લાગતું હતું કે પરમ પ્રતાડિત પ્રાચીન સામાજિક વ્યવસ્થાથી મુક્તિ અપાવનારી એ ઘટના હતી. એકને માટે એ પરમ વૈભવી ભારતની ગુલામીની ઘટના હતી તો બીજા માટે પરમ પ્રતાડિત ભારતની આઝાદીની. કૉન્સ્ટિટ્યુશનલ લૉ ઑફ ઇન્ડિયાના લેખક અને મોટા ગજાના કાયદાવિદ એચ. એમ. સીરવાઈ અને બીજા લોકો એને મુક્તિની ઘટના તરીકે નથી ઓળખાવતા તો નવપ્રભાતની ઘટના તરીકે ઓળખાવે છે. સનાતની હિન્દુઓની જેમ રૂઢિચુસ્ત મુસલમાનો અને સિખોને પણ એમ લાગતું હતું કે મૅકોલેની ભલામણનો સ્વીકાર એ તેમની અલાયદી પરંપરા અને ઓળખનો અસ્વીકાર છે.

૧૮૩૫ની ૭ માર્ચના નિર્ણય પછી ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ સંસ્થાઓ સ્થપાવા લાગી અને ૧૮૫૩માં મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં એકસાથે ત્રણ યુનિવર્સિટીઓ પણ સ્થપાઈ. આ બાજુ ત્રણેય ધર્મોના રૂઢિચુસ્તોને એમ લાગતું હતું કે મૅકોલેનો મુકાબલો તો કરવો જ પડશે અને પરંપરાના પરમ વૈભવને બચાવવો પડશે.

પહેલો પ્રયાસ : પાશ્ચાત્ય શિક્ષણનો સદંતર અસ્વીકાર

ત્રણેય ધર્મોના રૂઢિચુસ્તોએ પહેલો પ્રયાસ પાશ્ચાત્ય શિક્ષણનો સંપૂર્ણપણે અસ્વીકાર કરીને એની સામે કે સમાંતરે પૌર્વાત્ય શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હતો. પશ્ચિમનો સદંતર અસ્વીકાર અને પરંપરાની આગ્રહપૂવર્‍કની સ્થાપના. આર્યસમાજીઓએ ગુરુકુળોની સ્થાપના કરી હતી. સનાતની હિન્દુઓએ પાઠશાળાઓ સ્થાપી હતી. સુન્ની મુસલમાનોએ દેવબંદમાં દારુલ ઉલૂમ દેવબંદની સ્થાપના કરી હતી તો શિયા મુસલમાનોએ લખનઉમાં દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની સ્થાપના કરી હતી. સિખોએ ગુરુ સિંઘસભા દ્વારા પરંપરાગત ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. પહેલાંની મેહતાઓની પાઠશાળાઓમાં કે મૌલવીઓના મદરેસાઓમાં વિધિવત્ પાઠ્યક્રમ નહોતો અને સામૂહિક-સાવર્‍જનિક શિક્ષણ નહોતું.  ભારતીય રૂઢિચુસ્તોએ બે વાતે પશ્ચિમનું અનુકરણ કર્યું હતું; એક તો વ્યક્તિગત રીતે ચાલતી પાઠશાળાઓને કે મદરેસાઓને સંસ્થાકીય સ્વરૂપ આપવાનું અને બીજું ક્રમિક પાઠ્યક્રમ નિશ્ચિત કરવાનું.

આ પ્રયોગને ખાસ સફળતા નહોતી મળી. ભારતમાં મોટા ભાગના યુવાનો પાશ્ચાત્ય શિક્ષણ મેળવીને નવા યુગમાં પ્રવેશવા માગતા હતા. અંગ્રેજો આવ્યા પછી માત્ર જૂનો સામાજિક ઢાંચો જ નહોતો તૂટ્યો, એનાથી વધુ તો આર્થિક ઢાંચો તૂટી ગયો હતો. માત્ર પાશ્ચાત્ય શિક્ષણ દ્વારા જ ક્ષિતિજો વિસ્તરતી નજરે પડતી હતી. ૧૯મી સદીના પૂર્વાર્ધના અંતમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણનો પ્રવેશ થયો હતો અને ૧૯મી સદીના ઉત્તરાર્ધના અંત સુધીમાં તો એનો જગન્નાથનો રથ આખા દેશમાં ફરી વળ્યો હતો. આ બાજુ પૌર્વાત્ય શિક્ષણ સંસ્થાઓને જોઈએ એવી સફળતા નહોતી મળી. રૂઢિચુસ્ત પરિવારોને છોડીને બાકીના સરેરાશ ભારતીયો પરંપરાગત શિક્ષણને વહેવારુ વિકલ્પ તરીકે નહોતા જોતા.

બીજો પ્રયાસ : પૂર્વ-પશ્ચિમનો સમન્વય

૧૯મી સદી પૂરી થાય એ પહેલાં સમજાઈ ગયું હતું કે પાશ્ચાત્ય શિક્ષણનો સદંતર અસ્વીકાર કરીને પરંપરાગત શિક્ષણને વિકલ્પ તરીકે સ્થાપિત કરવું અશક્ય છે એટલે બીજો પ્રયાસ સમન્વયનો હતો. પાશ્ચાત્ય શિક્ષણની સાથોસાથ પૌર્વાત્ય શિક્ષણ આપવું જોઈએ. આના દ્વારા હિન્દુ, મુસલમાન અને સિખ પોતપોતાનાં ઓળખ અને સંસ્કાર જાળવી રાખીને આધુનિક બનશે. આવી માન્યતાથી પ્રેરાઈને સર સૈયદ અહમદ ખાને ઍન્ગ્લો ઓરિયેન્ટલ કૉલેજ (સ્થાપના ૧૮૭૫, આગળ જતાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી-AMU) સ્થાપી હતી. ઍની બેસન્ટે સેન્ટ્રલ હિન્દુ કૉલેજ (સ્થાપના ૧૮૯૮, આગળ જતાં બનારસ હિન્દુ યુનિવર્સિટી) સ્થાપી હતી. આર્યસમાજીઓએ દયાનંદ ઍન્ગ્લો વૈદિક એજ્યુકેશન સોસાયટી(DAV)ની ૧૮૮૬માં સ્થાપના કરી હતી. સિખોએ ખાલસા કૉલેજની ૧૮૯૨માં સ્થાપના કરી હતી.

જો કે સમન્વયનું પ્રમાણ અલગ-અલગ નેતાઓનું અલગ-અલગ હતું. સર સૈયદ અહમદ ખાનનો ઝોક પાશ્ચાત્ય શિક્ષણ તરફ વધુ હતો. ઍની બેસન્ટનો અને મદન મોહન માલવિયાનો ઝોક હિન્દુ સનાતન શિક્ષણ તરફ વધુ હતો. આર્યસમાજીઓનો ઝોક ઍન્ગ્લો ઓછો અને વધુ વૈદિક શિક્ષણનો હતો. 

આ પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો હતો. બે મુશ્કેલીઓ હતી. એક તો એ કે વિદ્યાર્થીઓ હવે આધુનિક શિક્ષણ મેળવીને નવા યુગમાં પ્રવેશવા માગતા હતા એટલે તેમને સંસ્કૃિત સંરક્ષકોનો પૌર્વાત્ય પક્ષપાતયુક્ત સમન્વય બહુ અપીલ નહોતો કરતો. બીજી મુશ્કેલી એ હતી કે શુદ્ધ પરંપરાવાદીઓ ધર્મનિષ્ઠ કરતાં સંપ્રદાયનિષ્ઠ વધુ હતા અને સમન્વયમાં નહોતા માનતા. હિન્દુ અને મુસલમાનોમાં સાંપ્રદાયિક આંતરિક વિભાજન એટલું મોટું હતું કે AMU બધા જ ફીરકાઓને સ્વીકાર્ય હોય એવું ઇસ્લામ ધર્મની સમજ આપે એવું પાઠ્યપુસ્તક તૈયાર નહોતી કરી શકી. BHUને પણ એવો જ અનુભવ થયો હતો. બધા જ સંપ્રદાયના હિન્દુઓને સ્વીકાર્ય હોય એવું, હિન્દુ ધર્મની ઓળખ આપે એવું પાઠ્યપુસ્તક BHU તૈયાર નહોતી કરી શકી. એક સમયે જે-તે ફીરકાના મુસ્લિમ ધાર્મિક નેતાઓએ AMUના સંચાલકોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે યુનિવર્સિટીએ કૉમન ઇસ્લામિક ટેક્સ્ટબુકના ફંદામાં નહીં પડવું જોઈએ અને તો જ તેઓ મુસ્લિમ વિદ્યાર્થીઓને અલીગઢ જતાં નહીં રોકે.

આ બાજુ હિન્દુઓ માટે ઍની બેસન્ટે ‘સનાતન ધર્મ : ઍન એલિમેન્ટરી ટેક્સ્ટબુક ઑફ હિન્દુ રિલિજિયન ઍન્ડ એથિક્સ’ અને ‘ઍન ઍડ્વાન્સ ટેક્સ્ટબુક ઑફ હિન્દુ રિલિજિયન ઍન્ડ એથિક્સ’ એમ બે પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા હતાં જે હિન્દુઓના દરેક સંપ્રદાયને સ્વીકાર્ય નહોતાં બન્યાં. મદન મોહન માલવિયાએ ઉમાપતિ દ્વિવેદી નામના એક વિદ્વાનને તમામ સંપ્રદાયના હિન્દુઓને સ્વીકાર્ય બને એવું એક પાઠ્યપુસ્તક તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ‘સનાતન ધર્મોદ્ધાર : બીઇંગ અ સંસ્કૃત ટ્રીટીઝ ઑન ઇટર્નલ રિલિજિયન ઑફ ઇન્ડિયા’ નામનું પુસ્તક શાસ્ત્રીજીએ તૈયાર કર્યું હતું જે માલવિયાજીને પોતાને જ સ્વીકાર્ય નહોતું. તેમણે જાણીતા વિદ્વાન ભગવાન દાસને પણ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કારવારસા વિશે સર્વસ્વીકાર્ય નીવડે એવું પાઠ્યપુસ્તક તૈયાર કરવાનો પ્રયાસ કરવા કહ્યું હતું, પરંતુ એમાં સફળતા મળી નહોતી. AMU અને BHU એમ બન્ને સંસ્થાઓ પાસે આજે સો વર્ષ પછી સર્વસ્વીકાર્ય પાઠ્યપુસ્તક નથી અને હવે તો એવો પ્રયાસ પણ છોડી દીધો છે.

દયાનંદ ઍન્ગ્લો વૈદિક શિક્ષણ સંસ્થામાં તો સંચાલકો વચ્ચે સંસ્થા શરૂ થતાંની સાથે જ ઝઘડો થયો હતો. લાલા હંસરાજ અને લાલા લજપત રાય એમ માનતા હતા કે ઍન્ગ્લો વૈદિકમાં ઍન્ગ્લોનું પ્રમાણ વધુ હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થી નવા યુગમાં પ્રવેશી શકે. પાછળથી સ્વામી શ્રદ્ધાનંદ તરીકે ઓળખાયેલા મહાત્મા મુન્શીરામ માનતા હતા કે ઍન્ગ્લો વૈદિકમાં વૈદિકનું પ્રમાણ વધુ હોવું જોઈએ. જો ઍન્ગ્લોનું મહત્ત્વ આટલું બધું છે તો મૅકોલેનું શિક્ષણ સર્વત્ર ઉપલબ્ધ છે, DAVની જરૂર જ શું છે? મહાત્મા મુન્શીરામે અલગ થઈને કાંગડીમાં ગુરુકુળની સ્થાપના કરી હતી. આજે DAVમાં શુદ્ધ પાશ્ચાત્ય શિક્ષણ આપવામાં આવે છે અને વૈદિકના નામે પ્રાર્થના અને પ્રસંગોપાત્ત યજ્ઞ કરવામાં આવે છે. આર્યસમાજના ગુરુકુળો કાં તો બંધ પડ્યાં છે અને કાં તો નામમાત્ર ગુરુકુળ છે, બાકી એમાં આધુનિક શિક્ષણ આપવામાં આવે છે.

ત્રીજો પ્રયાસ : ઠીક છે, થોડુંક તો આપણું ભણો

મદન મોહન માલવિયાએ બનારસ હિન્દુ યુનિવર્સિટી હિન્દુ બની રહે એ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા જેમાં તેમને એક પણ પ્રયાસમાં સફળતા નહોતી મળી. તેમણે હિન્દુ ધર્મશિક્ષણ માત્ર બ્રાહ્મણ શિક્ષકો આપે એવો આગ્રહ કર્યો હતો જેનો વિરોધ થયો હતો. તેમણે ગીતાનો વર્ગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો વિરોધ થયો હતો. છેવટે તેમણે રવિવારે રજાના દિવસે ગીતાના વર્ગનો પ્રસ્તાવ રાખ્યો હતો જે ફરજિયાત ન હોવાની શરતે માન્ય રાખવામાં આવ્યો હતો. ક્યારેક તો એવું બનતું કે BHUના સ્થાપક માલવિયાજી સહિત માંડ પાંચ જણ હાજર હોય અને ઉપકુલપતિ પોતે જ અનુપસ્થિત હોય. યુનિવર્સિટીના સ્થાપકે હિન્દુ યુનિવર્સિટીમાં નામ પૂરતું થોડું હિન્દુ જળવાઈ રહે એ માટે વિનંતી કરવી પડે અને એમાં પણ નિષ્ફળતા મળે એ કેવી વિડંબના! આમ થોડામાં સંતોષવાળો ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો હતો.

તો વાતનો સાર એ છે કે AMU, BHUમાં અને દયાનંદ ઍન્ગ્લો વૈદિક શિક્ષણ સંસ્થામાં આધુનિકતા અને પરંપરાનું પ્રમાણ ૯૮:૨નું છે અથવા વધુમાં વધુ એમ કહી શકાય કે ૯૫:૫નું છે. હા, એકબીજાને ડરાવવા માટે એ સંસ્થાઓ જરૂર કામમાં આવે છે. જાણે કે અલીગઢમાં ત્રાસવાદીઓ પેદા કરવામાં આવે છે અને બનારસમાં હિન્દુત્વવાદીઓને પેદા કરવામાં આવી રહ્યા છે. વાસ્તવિકતા તો એ છે કે આ ત્રણેય સંસ્થાઓ રિવાઇવલિઝમની નિષ્ફળતાનાં મૂર્તિમંત પ્રતીકો છે. ૧૮૩૫ની ૭ માર્ચે‍ ઘટનાને મુક્તિના અવસર તરીકે જોનારાઓએ આ ત્રણ સંસ્થાઓ વિશેનો કાલ્પનિક ભય છોડી દેવો જોઈએ અને ૧૮૩૫ની ઘટનાને ગુલામીની ઘટના તરીકે જોનારાઓએ પરંપરા અને આધુનિકતા વિશે પુનર્વિચાર કરવો જોઈએ. આ અલગ માટીનો દેશ છે જે ‘મનુસ્મૃિત’, ‘અહલે હદીસ’ અને ‘સત્યાર્થ પ્રકાશ’ના આયનામાં જોશો તો ક્યારે ય હાથ નહીં લાગે. આર્યાવર્તના પ્રવર્તક દયાનંદ સરસ્વતીની અને સનાતન દિગ્વિજયમાં માનનારા મદન મોહન માલવિયાની સંસ્થામાં મૅકોલેનો વિજય થાય એવો આ અનોખો દેશ છે.

એક ચોથો પ્રયાસ પણ હતો જે અંગ્રેજોનો હતો એની વાત આવતા સપ્તાહે [21 ફેબ્રુઆરી 2016].

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 14 ફેબ્રુઆરી 2016

Loading

22 February 2016 admin
← Antinomies of Nationalism and Rabindranath Tagore
Undermining Democracy: Stifling Academic Institutions →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved