બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે.

ચિરંતના ભટ્ટ
પાકિસ્તાનની સરકાર અને બલોચ રાષ્ટ્રવાદી ચળવળોનાં કેન્દ્રમાં બહુ લાંબા સમયથી બલૂચિસ્તાન અટવાયેલો છે. રાજકારણને મામેલ હાંસિયામાં ધકેલાતો બલૂચિસ્તાન આર્થિક શોષણ અને રાજ્યનાં દબાણનો ભોગ બનતો આવ્યો છે. અહીં ઘણા કુદરતી સ્રોત છે, ભૌગોલિક રીતે અગત્યનાં કહી શકાય તેવાં સ્થળ છે – છતાં પણ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ છે.
11મી માર્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના (બી.એલ.એ.) આંતકીઓએ ચારસો મુસાફરોથી ભરાયેલી એક ટ્રેનનું અપહરણ કર્યું. ટ્રેન ક્વેટ્ટા અને સીબી વચ્ચેના પહાડી પ્રદેશમાં હતી. સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધાં પછી આ આંતંકીઓએ બાકીના મુસાફરોને એ શરતે મુક્ત કરવાની ખાતરી આપી કે પાકિસ્તાની જેલમાં રહેલા તેમના સાથીદારોને છોડી દેવામાં આવે, પાકિસ્તાનની સરકારે કોઇપણ વાટાઘાટ કરવાની ના પાડી અને બાંદી બનાવેલા મુસાફરોને છોડાવવા લશ્કરી ઑપરેશન મોકલ્યું અને છત્રીસ કલાકની મથામણ પછી બળવાખોરોથી મુક્તિ મળી. આ સંઘર્ષમાં એકવીસ નાગરિકો અને ચાર ફ્રન્ટીયર કોર્પ્સના માણસોએ જીવ ગુમાવ્યો. જો કે વિવિધ મીડિયા સૂત્રોના મતે પાકિસ્તાની સૈન્યમાં વધુ જાનહાનિ થઈ હોઈ શકે છે. પાકિસ્તાનના સુરક્ષા દળો પર બલૂચિસ્તાનના વિવિધ હિસ્સાઓમાંથી હુમલા કરવામાં આવ્યા. પાકિસ્તાને ભારત અને અફઘાન હેન્ડલર્સ પર અલગાવવાદી બલૂચી બળવાખોરોને ઉશ્કેરવાનો આરોપ મૂકી દીધો છે. જો કે આ આક્ષેપબાજી પાછળ પાકિસ્તાનમાં દિવસો દિવસ આંતરિક સુરક્ષાને લઇને વધી રહેલી સંવેદનશીલતા છે.
બલૂચિસ્તાનનો ઇતિહાસ પણ જટિલ છે. ભારતને આઝાદી મળી પછી સ્ટેટ ઑફ કલાત – બલૂચિસ્તાન બસ્સોથી વધારે દિવસ સુધી અલગ રાજ્ય રહ્યું હતું. બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભળવું નહોતું. અત્યારે પણ બલૂચિસ્તાનનો પ્રદેશ ત્રણ હિસ્સામાં વહેંચાયેલો છે. અમુક ભાગ પાકિસ્તાનમાં છે, ઈરાનમાં સિસ્તાનમાં છે તો અફઘાનિસ્તાનમાં – નિમરૂઝ, હેલબંધ અને કાંધાર બલૂચનો ભાગ છે. બલૂચિસ્તાનમાં મોટે ભાગે સુન્ની મુસલમાનો હોય છે, આ કારણે શિયા બહુમતિ ધરાવતા ઈરાનમાં જ બલૂચીઓ છે તે સુન્ની જ છે. પાકિસ્તાન બન્યા પછી બલૂચિસ્તાનમાં વિદ્રોહ કોઈ નવી વાત નથી. ચીને પોતાના સ્વાર્થ અને વ્યાપાર માટે બલૂચિસ્તાનમાં ઘૂસ મારી અને પછી સંજોગો વકર્યા છે. પાકિસ્તાને બલૂચિસ્તાનનો ગ્વાદર પોર્ટ ચીનને આપ્યો પણ બલૂચિસ્તાનને એ ગમ્યું નથી.
જ્યારે ભારતના ભગાલા થયા, ત્યારે સ્વતંત્ર રજવાડા કલાતને પાકિસ્તાનમાં ભળવું નહોતું, એ જ રીતે જે રીતે હૈદરાબાદને ભારતમાં ભળવામાં રસ નહોતો. કલાતને સ્વાયત્ત પ્રદેશ રહેવું હતું અને આ માટે અફઘાનિસ્તાન અને ભારતની મદદ જોઈતી હતી પણ એ મદદ ન મળી. ઝીણાની મુસ્લિમ લીગે બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાનો કરાર કર્યો હતો પણ તેના થોડા મહિનાઓ બાદ માર્ચ 1948માં ઝીણાએ પાકિસ્તાની સેનાને સ્ટેટ ઑફ કલાતમાં ઘુસવાનો હુકમ આપ્યો અને તેને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવવાનો હુકમ આપ્યો હતો. આ થયું તેના બીજા જ દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો પરના એક સમાચારમા જાહેરાત થઈ હતી કે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં નહોતું ભળવું અને તેઓ ભારતમાં એક થવા ઇચ્છતા હતા, પણ કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ નહોતો સ્વીકાર્યો. જો કે આ આ ચર્ચાથી વડા પ્રધાન નહેરુ અને ગૃહ મંત્રી સરદાર પટેલે છેટું રાખ્યું હતું.
બલૂચિસ્તાને પાકિસ્તાન સામે હંમેશાં બળવા પોકાર્યા છે. 1948માં પહેલો બળવો થયો તેને કચડી નંખાયો, પણ તે પછી બલૂચોએ પચાસ, સાંઈઠ અને 2000ની મધ્યે આવા વિદ્રોહ કર્યા જ છે.
બલૂચિસ્તાનમાં સમાજ આદિવાસી જૂથમાં વહેંચાયલો છે અને અલગ અલગ વિરોધીઓના કે બળવાખોરોના જૂથો આ સમુદાયોની ફરિયાદોનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તમાન સમયમાં મધ્યમ વર્ગીય શિક્ષિત યુવાનો આ જૂથોમાં જોડાવા માંડ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી જેને અમેરિકા અને પાકિસ્તાને આતંકી જૂથ તરીકે ઓળખાવ્યું છે તે ઉપરાંત બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્ઝ, સિંધુદેશ રિવોલ્યૂશનરી આર્મી, બલૂચ રાજી આજોઇ સાંગર પણ એવા ગ્રૂપ્સ છે જે પાકિસ્તાનના સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સી પર પૂર્વનિયોજિત હુમલા કરે છે.
ટ્રેનનું અપહરણ થયું તે પહેલાં બલૂચિસ્તાનમાં તંગ થઇ રહેલા સંજોગો અંગે ચિંતા ખડી થઇ જ હતી, પણ કોઈએ આટલી મોટી દુર્ઘટના બનશે તેવી કલ્પના નહોતી કરી. ટ્રેનના અપહરણ પરથી કળી શકાય છે કે આ બળવો પોકારનારાઓ પાસે એટલો શસ્ત્ર સરંજામ અને તાકાત છે જેનો ઉપયોગ કરીને તે પાકિસ્તાની સૈન્યની સામે થઈ શકે, તેમની પર હુમલા કરી શકે અને ચોવીસ કલાક સુધી તેને હંફાવી શકે. વધી આ સંઘર્ષમાં સ્ટેન્ડ ઑફ દરમિયાન બલૂચી બળવાખોરોએ અસરકારક રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના તરફની વાત દુનિયા સુધી પહોંચાડવામાં કંઇ બાકી ન રાખ્યું. બલૂચિસ્તાનમાં એકથી વધુ બળવો કરનારા જૂથો છે અને તેઓ બધા એકબીજા સાથે સંકળાઈને, જોડાઈને સહકારથી પોતાની યોજનાઓ પાર પાડે છે.
વાસ્તવિક્તા એ પણ છે કે બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે. અહીં વર્ષો સુધી સેનાનું અને કેન્દ્રીય સરકારનું શાસન ચાલ્યું છે અને રાજકીય રીતે બલૂચિસ્તાનનું સશક્તિકરણ નથી થયું. અહીં કોલસો, કાંસુ, સોનું અને કુદરતી ગેસ જેવા કુદરતી સ્રોતો સારા એવા પ્રમાણમાં છે, તેનો ઉપયોગ પણ થાય છે પણ તેનાથી ત્યાં વસનારા લોકોની જિંદગીમાં કોઈ ફેર નથી પડ્યો. પીવાનાં પાણીના તેમને ફાંફાં છે તો દવાઓ અને પેટ્રોલ જેવી ચીજોના ભાવ સતત વધતા રહે છે. વળી ચાઇનિઝ ફિશિંગ ટ્રૉલર્સની હાજરીને કારણે બલૂચના સ્થાનિક નાના માછીમારોની રોજગારી પર સતત તવાઈ આવી હોય એવી હાલત હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લાં પંદર વર્ષમાં પાકિસ્તાની સેના પાંચ હજારથી વધૂ બલૂચોને ગાયબ કર્યા છે, તેઓ માર્યા ગયા છે કે ક્યાંક કેદ કરાયા છે તે અંગે કશી જ ભાળ નથી. બલૂચી સ્ત્રીઓએ ગયા વર્ષે કસ્ટડીમાં થતી હત્યાઓ અને ખોટા એન્કાઉન્ટરની સામે જબ્બર વિરોધ નોંધાવ્યો હતો. સૈન્યની બળજબરીને કારણે બલૂચીસ્તાનમાં અપહરણ અને ખોટી રીતે થતી અટકાયતોનો પણ પાર નથી.
બલૂચોને મૂળ અકળામણ તો ત્યારની છે જ્યારથી પાકિસ્તાન સૈન્યએ બળજબરીથી તેમની સ્વાયતત્તા છીનવીને બલૂચિસ્તાનને બળજબરીથી પાકિસ્તાનનો હિસ્સો બનાવ્યો હતો. ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોર(CPEC)માં બલૂચિસ્તાન એક મોટો હિસ્સો છે – બલૂચિસ્તાનને એ થવામાં રસ છે કે નહીં એવું તેને કોઈએ પૂછ્યું નથી. ચીને પોતાની રીતે માળખાંકીય સવલતો, રસ્તાઓ વગેરે પાછળ 46 બિલિયન ડૉલર્સ ખર્ચ્યા છે. આમાં બલૂચોના વિકાસની કોઈ ગણતરી નથી, આ માળખાંકીય સવલતોથી તેમને કોઈ સીધો લાભ નથી થતો. તેમને આ બહારી તત્ત્વોની પોતાના પ્રદેશ પરની પકડ પર સખત રોષ છે કારણ કે સ્થાનિકોને કોઈએ કંઇ પૂછ્યું નથી. આ તરફ ચીન હવે પાકિસ્તાનને સવાલ કરે છે તે બલૂચિસ્તાની બળવાખોરોથી ચીનને સલામત રાખવા માટે સક્ષમ છે કે પછી ચીને પોતાની ટૂકડીને સુરક્ષા માટે તૈનાત કરવી?
બલૂચિસ્તાનના સ્થાનિક લોકોને દિશાહીન લાગે છે કારણ કે તેમની આ અલગાવવાદી ચળવળ કે બળવાને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટેકો નથી. તે ભારતથી દૂર હોવાને નાતે તેમને ભારત પણ કોઈ મદદ કરી શકે તેમ નથી. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો ઇરાનમાં પહોંચેલો છે એટલે ઈરાનને એવી કોઈ ઇચ્છા નથી કે આ બળવાની ઝાળ તેની સરહદ પાર કરીને ત્યાં અશાંતિ કરે. ઇરાનને બલૂચિસ્તાનમાં ઈરાન વિરોધી આતંકવાદીઓ બેઠા થાય તેની પણ ચિંતા છે.
બીજી બાજુ પાકિસ્તાન અને અફધાનિસ્તાનની તાલીબાની સરકાર વચ્ચે તાણ વધી રહી છે. તાલીબાની સત્તા પાકિસ્તાન-અફધાનિસ્તાન સરહદને માન્યતા જ નથી આપતી અને તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટી.ટી.પી.) જૂથ દ્વારા પાકિસ્તાનમાં થતા હુમલાઓ કે વિરોધો પર કોઈ પગલાં નથી લઇ રહી. એવું મનાય છે કે ટી.ટી.પી. અને બી.એલ.એ. ભેગાં મળીને કામ કરે છે જેને લીધે પાકિસ્તાન માટે મોટો પડકાર ખડો થાય તેમ છે.
બલૂચિસ્તાન સંજોગોના પાયામાં અવિશ્વાસ છે અને તે દૂર કરવાની જવાબદારી મહદંશે પાકિસ્તાન પર છે. વાટાઘાટ માટે સારો માહોલ ખડો થાય તે માટે પહેલાં તો પાકિસ્તાને સેનાની ઉગ્ર કામગીરી પર નિયંત્રણ લાદવું પડશે અને વિકાસ, પ્રાદેશિક અધિકારો અને લોકશાહીને કેન્દ્રમાં રાખવા પડશે. વળી બલૂચિસ્તાનને પોતાના જ સ્રોતોનો ઉપયોગ કરવા અને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપનારા અઢારમા સુધારાને અમલમાં મુકવો જોઇએ.
બલૂચિસ્તાનના સંજોગો પાકિસ્તાનના આંતરિક રાજકારણનું પરિણામ છે. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પાકિસ્તાની સૈન્યએ જે વહેવાર કર્યો તેને કારણે જનતાને પાકિસ્તાની સૈન્ય પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. અત્યારે જે સરકાર છે તે સૈન્ય પર સારો એવો આધાર રાખીને બેઠી છે. લાંબા ગાળાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને બલૂચિસ્તાનના લોકોને તેમના કુદરતી ધન, વ્યવસ્થા વગેરેથી ફાયદા થાય. જ્યાં સુધી સૈન્ય અને નાગરિકોના અગ્રણી પ્રતિનિધિઓ આ અંગે સારા ઈરાદાથી સંવાદ સાધવાનો પ્રયાસ નહીં કરે ત્યાં સુધી બલૂચિસ્તાનમાં સંઘર્ષનો અંત આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી.
બાય ધી વેઃ
પાકિસ્તાની સૈન્યનો વહેવાર અરાજકતા ફેલાવનારો છે. બલૂચિસ્તાનમાં શાંતિ સ્થપાય એ માટે સૌથી પહેલાં તો આ સૈન્યની પકડમાંથી તેને છૂટકારો આપવો પડશે. લોકશાહીને નામે બલૂચિસ્તાનમાં કંઇ નથી. વિકાસ અટક્યો છે, પ્રાથમિક સગવડના વાંધા છે તો લોકોના અપહરણ અને હત્યાઓનો પાર નથી. પહેલાં તો પાકિસ્તાની સૈન્યએ જે કર્યું છે તેની જવાબદારી સ્વીકાર્યા બાદ પાકિસ્તાને લોકશાહી અને સલામતીનું વાતાવરણ ખડું કરીને બલૂચી લોકોને ખાતરી આપવી પડશે તે સૈન્ય ત્યાંની સ્થાનિક વ્યવસ્થામાં ચંચુપાત નહીં કરે તો જ કદાચ આ સંઘર્ષોનો અંત આવશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025