Opinion Magazine
Number of visits: 9449258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બચાવ ગમે તેટલો કરો પણ પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 July 2021

સતાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી, એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને માફક એવા એવા સમાજની રચના અમે કરી આપીશું અને તમને માફક ન આવે એવા લોકો ઉપર અમે નજર રાખીશું, બોલો આની સામે અમને શું મળશે. અથવા સામે છેડેથી સત્તાધીશો કહેશે કે તમારે અમને માફક એવા સમાજની રચના કરી આપવાની છે અને માફક ન આવે એવા લોકોની ગતિવિધિની રજેરજ માહિતી આપવાની છે, બોલો શું લેશો? જગત આખામાં આ રીતની ભાગીદારી વિકસી રહી છે અને લોકતંત્ર ક્યારે ય નહોતી અનુભવી એટલી ભીંસ અનુભવી રહ્યું છે.

આવી જ ભાગીદારી ટેકનોલોજી ડેવલપ કરનારાઓ અને પૂંજીપતિઓ વચ્ચે પણ વિકસી રહી છે. પૂંજીપતિઓ ટેકનોલોજીસ્ટોને કહે છે કે તમારે આ ધરતી ઉપર વિચરતા પ્રત્યેક ‘કામના’ માણસના વિચાર, વ્યવહાર, પ્રાથમિકતા, પસંદગી-નાપસંદગી વિશેની માહિતી આપવાની છે. એમાંથી કેટલાક લોકોને નોખા તારવી આપવાના છે અને અમે કહીએ એ મુજબ એ લોકોને એક ખાસ પ્રકારના બીબાંમાં ઢાળવાના છે. તમારે એક મુક્ત રીતે વિચારતા માણસને ખાસ પ્રકારે વિચારતા અને વર્તતા ગ્રાહકમાં ફેરવી આપવાનો છે, બોલો શું લેશો? ‘કામના’ લોકો એ છે જેની પાસે પૈસા છે અને બજારમાં ક્રયશક્તિ ધરાવે છે. તેઓ નાણાં વિનાના ‘નકામા’ માણસોને પણ નોખા તારવી આપે છે કે જેથી તેમને વિકાસના માર્ગમાંથી દૂર હડસેલી શકાય. 

આવા દિવસોની કલ્પના તો ‘૧૯૮૪’ નામની જગવિખ્યાત કૃતિના કર્તા જ્યોર્જ ઓરવેલે પણ નહોતી કરી. માનવીને સુવિધાને નામે મોકળાશ આપવામાં આવી રહી છે અને સામે સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે અને તેને તેનું ભાન પણ નથી! જગતમાં સત્તાધીશો, પૂંજીપતિઓ અને નજર રાખનારી ટેકનોલોજી વિકસાવનારા ટેકનોલોજીસ્ટો વચ્ચે ભાગીદારીનો ત્રિકોણ વિકસ્યો છે અને તેમાં વ્યક્તિગત જીવન અને જાહેરજીવનનો ભોગ લેવાઈ રહ્યો છે.

ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રુપ નામની કંપનીએ પેગેસસ સ્પાઈવેર વિકસાવ્યો છે જે પૈસા લઈને જાસુસી કરી આપવાનું કામ કરે છે. એન્ડ્રોઇડ હોય કે આઈ.ઓ.એસ., કોઈ પણ સીસ્ટમના મોબાઈલમાં આ સ્પાઈવેર પ્રવેશીને જાસૂસી કરી શકે છે. આઈ.ઓ.એસ. સિસ્ટમ વાપરતા એપલના મોબાઈલ પણ પેગેસસ સ્પાઈવેર સામે સુરક્ષિત નથી એની કબૂલાત એપલના સંચાલકોએ કરવી પડી છે. અત્યારે સુધી એપલના માલિકો દાવો કરતા હતા કે એપલના આઈફોન કોઈ પણ સ્પાઈવેર સામે સુરક્ષા આપે છે. હવે વાત બહાર આવી છે કે એન.એસ.ઓ. કંપનીના પેગેસસ સ્પાઈવેર ભારતમાં કેટલાક લોકોના મોબાઈલમાં પ્રવેશીને જાસૂસી કરતા હતા. જગતના બીજા પંદરેક દેશોમાં પણ કંપની તેના સ્પાઈવેર દ્વારા જાસૂસી કરતી હતી. જેમના ઉપર જાસૂસી કરવામાં આવતી હતી એમાં આજી-માજી શાસકો, વિરોધ પક્ષોના નેતાઓ, પત્રકારો, જજો, ચાવીરૂપ જગ્યાએ બેસેલા અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં જેમના ઉપર જાસૂસી કરવામાં આવી હતી એ નામ સૂચક છે. મોટા ભાગના લોકો એવા છે જેનો સીધો સત્તા અને ચૂંટણી સાથે સંબન્ધ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે વર્તમાન સત્તાધીશોના પ્રતિસ્પર્ધી છે. પ્રશાંત કિશોર જે ચૂંટણી જીતાડી આપવાનું કૌશલ ધરાવે છે અને હવે બી.જે.પી.ના વિરોધી હોય એવા પક્ષો માટે કામ કરે છે. ચૂંટણી પંચના ભૂતપૂર્વ આયુક્ત અશોક લવાસા જેમણે ચૂંટણીકીય આચારસંહિતાનો ભંગ કરવા છતાં ય આંખ આડા કાન કરીને બી.જે.પી.નો પક્ષપાત કરવા માટે ચૂંટણી પંચના બીજા બે આયુકતો સામે વાંધો લીધો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની હતી. કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)ના નેતાઓની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જે.ડી.એસ.ની સરકાર તોડવાની હતી. મધ્ય પ્રદેશમાંથી આવતા બી.જે.પી.ના પોતાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ પટેલ, કારણ કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર તોડવાની હતી અને પ્રહ્લાદ પટેલની વફાદારી શંકાસ્પદ હતી. રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પી.એ.ની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વસુંધરા રાજે ગેહલોતની સરકારને તોડવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં હતાં. આ સિવાય સરકારની આલોચના કરનારા પત્રકારો અને બીજા કર્મશીલો. આમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર રીતિકા ચોપરાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી પંચને કવર કરે છે.

જેમના ઉપર જાસૂસી કરવામાં આવી છે એનાં નામ ઉપર નજર કરશો તો એક વાત તરત ધ્યાનમાં આવશે જેના વિષે મેં આ કોલમમાં અનેકવાર કહ્યું છે. દેશના વર્તમાન સત્તાધીશોને માત્ર અને માત્ર સત્તામાં રસ છે, શાસનમાં નથી. કોઈ પણ ભોગે મેળવેલી સત્તા હાથમાંથી ન જવી જોઈએ અને જે રાજ્યોમાં સત્તા નથી તે કોઈ પણ માર્ગે હાથ કરવાની છે. તેમને જાણ છે કે માથાભારે હિંદુ રાષ્ટ્ર તો જ સ્થાપી શકાય અને ટકાવી શકાય જો અમર્યાદિત સત્તા હાથમાં હોય.

અને હા, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને અત્યારે રાજ્ય સભાના સભ્ય રાજન ગોગોઈને કેમ ભૂલાય. ના તેમની જાસૂસી કરવામાં નહોતી આવી, પરંતુ સર્વોચ્ચ અદાલતની એ મહિલા કર્મચારીની જાસૂસી કરવામાં આવી હતી જેણે ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપર શારીરિક છેડછાડ અને બદતમીજીનો આરોપ કર્યો હતો. એ સાધારણ છોકરીની શા માટે જાસૂસી કરવામાં આવી હશે? જરાક અક્કલ દોડાવશો તો જવાબ મળી રહેશે. ન્યાયમૂર્તિ ગોગોઈ સામે જે દારૂગોળો મળવાનો હતો એ પેલી છોકરી પાસેથી અને તેના સગાં તેમ જ સાથી કર્મચારીઓ પાસેથી મળવાનો હતો. ગોગોઈએ તો એ દારૂગોળાથી ડરીને અનુકૂળ ચુકાદો લખી આપવાનો હતો અને લખી પણ આપ્યો!

કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે જાસૂસીની વાત ભારતને, ભારત સરકારને અને ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. કેન્દ્રના નવા નિયુક્ત થયેલા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વિષ્ણૌ સંસદમાં ખુલાસો કરતા હતા ત્યારે એ જ સમયે લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે સમાચાર ફ્લેશ કર્યા હતા કે આ અશ્વિની વૈષ્ણૌ પર પણ જાસૂસી કરવામાં આવી હતી. શા માટે એ સમજાતું નથી. કદાચ તેમની વફાદારી ત્યારે શંકાસ્પદ હશે.

ખુલાસો ગળે ઉતરે એવો નથી અને એનાં કારણો છે. આ જગતમાં લોકતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, મૂલ્યવ્યવસ્થા, વોચડોગ ઇન્સ્ટિટ્યૂશન ભીંસમાં હોવા છતાં હજુ તે ટકી રહ્યાં છે અને સતત ઊહાપોહ કરતાં રહે છે. તેમના પ્રયત્નોના પરિણામે ૨૦૧૩ની સાલમાં વાસેનાર એરેન્જમેન્ટ તરીકે ઓળખાતી સુરક્ષાને લગતી બહુરાષ્ટ્રીય સંધિમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સહિત જગતનાં ૪૦ કરતા વધુ દેશોએ તેના ઉપર સહી કરી છે. એ સુધારો એવો છે કે શસ્ત્રોની સાથે એવી ટેકનોલોજીના વેચાણ ઉપર પણ નિયંત્રણ અને નિયમન લાદવામાં આવે જેનો ભલા અને નિર્દોષ લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. સ્પાઈવેર ટેકનોલોજી આવી છે. તેનો દેશની સુરક્ષા સામે ખતરો પેદા કરનારા ત્રાસવાદીઓ ઉપર જાસૂસી કરવા માટે પણ ઉપયોગ થઈ શકે અને રાજકીય કે વૈચારિક વિરોધી સામે પણ થઈ શકે.

આવો દુરુપયોગ રોકવા માટે ૨૦૧૩માં વાસેનાર સમજુતીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હવે પછી જે કંપનીએ આ રીતની ટેકનોલોજી વિકસાવી હોય તેણે અને જે દેશમાં આ ટેકનોલોજી વિકસી હોય એ દેશની સરકારે જેને આવી ટેકનોલોજી વેચી કે આપી હોય તેની પાસેથી દુરુપયોગ કરવામાં નહીં આવે તેની બાંયધરી લેવી પડશે, એટલું જ નહીં, પણ તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો તેના પર નજર પણ રાખવાની રહેશે. સુધારેલી વાસેનાર સમજુતીમાં જેનો દુરુપયોગ થવાની સંભાવના હોય એવી ટેકનોલોજીને ‘શસ્ત્ર’ તરીકે ઓળખાવમાં આવી છે અને તેને શસ્ત્રની કેટેગરીમાં મુકવામાં આવી છે. માટે પેગેસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે ભારત સરકારને વાસેનાર સમજુતી મુજબ શુભ ઉદ્દેશ માટે ટેકનોલોજી આપી હતી. પણ નિયમનનું શું? કંપનીએ નૈતિક મર્યાદા પાળવામાં એટલી છૂટછાટ લીધી છે અને ઢીલ બતાવી છે કે તે હવે ટકી શકે એમ નથી. કંપની સામે અબજો ડોલર્સના નુકસાન ભરપાઈના કેસ ચાલી રહ્યા છે જેમાં તે  ઊઠી જવાની છે.

ઇઝરાયેલની સરકાર તેની જવાબદારીથી બચી ન શકે. ખબર છે? ૨૦૧૭ના જુલાઈ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા એ પછી તરત એટલે કે એ દિવસથી આ સ્પાઈવેરનો દુરુપયોગ સાથે ઉપયોગ શરૂ થયો. આ યોગાનુયોગ ન હોઈ શકે. હવે ઇઝરાયેલમાં સરકાર બદલાઈ ગઈ છે અને ઇઝરાયેલની સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે.

પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે. ૧૯૭૨માં પ્રમુખપદની ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટીના અમેરિકન પ્રમુખ અને બીજી વખતના ઉમેદવાર રિચર્ડ નિકસને ડેમોક્રેટિક પાર્ટીના વડા મથકમાં જૌસૂસીયંત્રણા ગોઠવી હતી. એ કૌભાંડ સાબિત થયું હતું અને છેવટે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જુલાઈ 2021

Loading

22 July 2021 admin
← મજબૂતીનું નામ મહાત્મા ગાંધી
સરકારને સત્ય સાથે ભાગ્યે જ બને છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved