૧૯૪૭માં દેશના ભાગલા વખતે જે મહા-હિજરત થઈ તેને નજરે નિહાળનાર પેઢીનો મોટો ભાગ ચિરવિદાય લઇ ચૂક્યો છે. આ હિજરતનાં દૃશ્યોની કે વાતોની યાદ અપાવે એવાં દૃશ્યો હાલની પેઢીને આ વર્ષે જોવા મળ્યાં. એકાએક ઠોકી બેસાડેલા અણઘડ લૉક ડાઉનથી લાખો બલકે કરોડો લોકો અટવાઈ ગયા અને મજૂરોએ ભૂખમરાથી જીવ બચાવવા પોતાના વતન તરફ દોટ મૂકી તેનાં દૃશ્યો અને વૃત્તાંતો કંપારી ઉપજાવે તેવાં છે.
મતદારોએ ચૂંટી મોકલેલા રાજકારણીઓ તો અર્ધશિક્ષિત કે અપરિપક્વ હોઈ શકે, પરંતુ તેઓ જેના જોર પર આખું તંત્ર ચલાવે છે તે અધિકારીઓ એટલે બ્યુરોક્રસી પાસેથી તો સૂઝ અને વિવેકબુદ્ધિની અપેક્ષા રહે છે. આ બ્યુરોક્રસી પર આધાર રાખવો કેટલો બોદો છે તે છેલ્લાં કેટલાંક વર્ષોના અનુભવે સાબિત કરી આપ્યું છે.
કોરોનાકાળમાં જડ વલણની પરંપરા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, મ્યુનિસિપલ કક્ષાએ અને પોલીસતંત્રમાં સર્વત્ર ઊતરી આવી. કોરોનાનું વાઇરસ તો સજીવ હતો નહીં. તેથી તેને હાનિ પહોંચાડી શકાય તેમ ન હતી. રહ્યા માણસો. આખું તંત્ર માણસોને દબાવવા ઊતરી પડ્યું. ફક્ત લૉક ડાઉનમાં બ્યુરોક્રસી અણઘડ સાબિત થઈ છે એવું નથી. નોટબંધી વખતે પણ રોજેરોજ જુદાજુદા નિયમો બહાર પડતા હતા. જી.એસ.ટી.માં પણ સતત સંખ્યાબંધ ફેરફાર કરવામાં આવ્યા. હવે તાળાબંધીમાં પણ એ જ સ્થિતિ છે. બહુ થોડા અધિકારીઓ એવા છે, જે વિવેકબુદ્ધિથી અને ઠરેલપણે નિર્ણયો લે છે. તાળાબંધીનું ઓપરેશન તો એનેસ્થેસિયા વગર કર્યું. હવે તેનું ડ્રેસિંગ શરૂ થશે ત્યારે તો કોણ જાણે કેવું વીતશે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020