= = = = કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે = = = =
= = = = મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ = = = =
‘કોરોના’, ‘કોવિડ-૧૯’, ‘માસ્ક’, ‘લૉકડાઉન’ – આ ૪ શબ્દોમાંથી બને કે ‘માસ્ક’ અને ‘લૉકડાઉન’ માટે કોઈ કોઈ ભાષામાં તેના અનુવાદો થઈ શક્યા હોય. પણ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’ તો ઘણા હઠીલા તે દુનિયાની એકોએક ભાષામાં એવા ને એવા ચૉંટી ગયા છે. સાવ અનનુવાદ્ય. અનુવાદ કરવાની ચેષ્ટા પણ ન કરવી જોઈએ.
આ ક્ષણે મને યાદ આવે છે એક પ્રસંગ. આપણા એક હૉંશીલા વિવેચક ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ વિશે વ્યાખ્યાન આપી રહ્યા’તા. એમણે એ શીર્ષકનો અનુવાદ કરી નાખેલો – ‘બૂઢો અને સાગર’. વ્યાખ્યાન દરમ્યાન કંઈ કેટલીયે વાર બોલેલા, ‘બૂઢો અને સાગર’. એમને ‘અર્નેસ્ટ હૅમિન્ગ્વે’-માંના ‘અર્નેસ્ટ’-નો અનુવાદ જડ્યો તો હશે – ‘ગમ્ભીર’, ‘નિષ્ઠાવાન’, ‘આગ્રહી’, પણ ખંચકાયા હશે, અને ‘હૅમિન્ગ્વે’-નો તો નહીં જ આવડ્યો હોય, બીજું શું ! એમને જો વ્યાખ્યાનમાં ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ વર્જિનિયા વૂલ્ફ’ બોલવાની જરૂર પડી હોય તો તેઓ તેનું શું કરે? ‘કોણ ડરે છે વર્જિનિયા વૂઉલ્ફ…’ ‘વૂલ્ફ’ પાસે અટકી ગયા હોત કેમ કે, એમને ખબર કે એટલે તો, ‘વરુ’ ! એમની રસવૃત્તિ કેળવાયેલી એટલે સમજે કે વર્જિનિયા વરુ ન હોય, ન હોવી જોઈએ. શીર્ષકનો અનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત થાય ત્યારે આ બરાબર કહેવાય, વ્યાખ્યાન કે વાતચીતમાં જરૂરી નથી.
દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો અનેક કારણોસર, આ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’-ની જેમ, ઘૂસી જાય અથવા કહો કે પ્રવેશ પામે, એ એક સ્વાભાવિક ઘટના છે. આપણી ગુજરાતી ભાષામાં જ સંસ્કૃત અને અરબી-ફારસી મૂળના તો ખરા જ પણ અગણિત અંગ્રેજી શબ્દો ઘૂસીને એટલા તો ઓળઘોળ થઈ ગયા છે કે એમ બોલવું ય વ્યર્થ ભાસે છે. આપણે ‘ટેબલ’ માટે ‘મેજ’ શોધી તો કાઢ્યો પણ એ યે પર-ભાષા, ફારસીમાંથી આવેલો છે ! ‘યુનિવર્સિટી’ માટે ‘વિદ્યાપીઠ’ ‘કૉલેજ’ માટે ‘મહાશાળા’ સારા અનુવાદો છે, સંસ્કૃત છે, પણ વપરાય છે કેટલા? કોઈ વાપરવા જાય તો ભૉંઠો પડી જાય છે. આ ‘કોરોના-કોવિડ’-નું કશું ન કરશો, પ્લીઝ.
કોઈ માતા-પિતાએ પોતાની દીકરીને ‘કોરોના’ નામ આપ્યું ને કોઈ બીજાં મા-બાપે પોતાના દીકરાને ‘કોવિડ’ -એ રીતે બને કે કોરોના-આફ્ટરમાથમાં એ બન્ને શબ્દોને વ્હાલ કરવાનું આપણને સૌને મન થઈ આવે. માનવજાત એ અર્થમાં ઘણી સ્થિતિસ્થાપક છે.
એક વાત ઉમેરું. અમારી દશાલાડ વાણિયાની નાત. આમ તો અમે બધા ‘શાહ’, પણ લગભગ દરેક કુટુમ્બની એક વિશિષ્ટ, વધારાની અટક છે. સાંભળો, બહુ રમૂજ થશે : ઘાઘરીવાળા. હાથપગવાળા. ઉંદેડીવાળા. બે-માથાંવાળા. ટૂંકાવાળા. અમારી અટક, દીવાસળીવાળા. એટલે એવું બને કે ભવિષ્યમાં અમુક કુટુમ્બો પોતાને ‘કોરોનાવાળા’ કે ‘કોવિડવાળા’ કહેવરાવે – બચી ગયા હોય, એટલે … આ મુશ્કેલ સમયમાં આવી રમૂજને ભલે બ્લૅક હ્યુમર કહેવાય પણ ન કરવી જોઈએ …
પર-ભાષાના એવા પ્રવેશથી કોઈની માતૃભાષાનો નાશ નથી થતો. અંગ્રેજી જેવી પર-ભાષાના શબ્દો વપરાય કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલે, તેથી ગભરાઈને ભાષા ‘મરવા પડી છે, મરવા પડી છે’ એમ કકલાણ કરવાનો કોઈ સાર નથી. થોડાંક શ્હૅરોનાં થોડાંક પરિવારોને અને એમનાં બાળકોને ગૉટપિટ કરવાથી સારું લાગે છે, તો ભલે કરે. પોતાની પ્રગતિ માટે એમને અંગ્રેજીની જરૂરત પડી છે. એમની સમજ બંધાઈ છે કે અંગ્રેજીના જ્ઞાનને સહારે દુનિયાભરમાં પ્હૉંચી જવાય છે. તો ભલે. પણ એ સિવાયનાં શ્હૅરો જિલ્લા કસબા ગામો અને ગામડાંથી જે 'અસલી' ગુજરાત બન્યું છે ત્યાંનાં મનુષ્યો તો બધો જ જીવનવ્યહાર ગુજરાતીમાં કરે છે. ૭.૦૪ કરોડના ગુજરાતમાં કોની ગુજરાતી ક્યાં ને શેને મરી ગઈ? કોઈ સમજાવો તો …
A girl finding the definitions of 'Man' and 'Woman' in the dictionary. [Courtesy: Latestly]
મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ.
પોતાને પૂછવાનું કે મને કેટલાં ક્રિયાપદો કે ક્રિયાવાચી પદો આવડે છે. જો આવડતાં હોય તો ચિન્તા નહીં કરવાની ને સમજી લેવાનું કે ગુજરાતી ભાષા જીવે છે, મરી નથી. જાતને કહેવાનું કે હું પણ છું, પતી નથી ગયો.
મને કેટલાંક વાક્યો સૂઝ્યાં (તમને પણ સૂઝી શકે) ને વિશ્વાસ બેઠો (તમને પણ બેસી શકે) કે મને (તમને પણ) ભાષા જોડે અને ભાષાને મારી જોડે (તમારી જોડે પણ) બનતર છે, બન્નેનું સ્વાસ્થ્ય સારું છે, બન્ને જીવે છે.
આ રહ્યાં એ વાક્યો :
જગુએ ચૂંટણી જીતવા બહુ ‘દાવપેચ કર્યા’ પણ ‘પાસા પોબારા ન પડ્યા’.
રમા-રમેશ એકમેકમાં એવાં ‘ઓળઘોળ થઈ ગયાં છે’, શું ક્હૅવું …
એ ટોળકીએ સામાવાળાઓની ખાસ્સી ‘મારપીટ કરી’.
તમે પશાભૈ, નાહકની ‘હડિયાદોટ કરો છો’, કશું ‘લાભવાના નથી’.
એને તો આપણી દરેક વાતમાં ‘છીંડાં શોધવાની’ કટેવ છે.
સોહને રમણને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ત્યારથી ખોટું કરવાની ‘ખો ભૂલી ગયો’.
પછી રમાએ ‘મને-કમને સ્વીકારી લીધું’ કે જે છે, એ બરોબર છે.
છગન જોઈને ન્હૉતો ચાલતો તે ‘અડવડિયું ખાઈને પડ્યો’.
મગનને મંગુ ક્યાંયે દેખાઈ નહીં તે ‘રઘવાયો થૈ જ્યો’.
પોતાને એમ પણ પૂછવાનું કે મને (તમને પણ) કેટલા શબ્દો આવડે છે – મારું (તમારું પણ) શબ્દભંડોળ કેવુંક છે.
મને કેટલાક શબ્દો સૂઝ્યા ને ભરોસો બેઠો કે વાંધો આવે એમ નથી, ચાલશે.
આ રહ્યા એ શબ્દો :
અલ્લડ. કામુક. ઘૅલો. લૂગડું. બળદિયો. સુપરત. મલગોબો. ફોદું. પાણિયારી. ઝડતી. રકઝક. ઝાકમઝોળ. ઢેફું. રાતવાસો. આંગણું. મહેતાગીરી. રોકકળ. લાપરવાહી.
થયું કે વગેરે વગેરે મને ઘણા આવડે છે, ચાલશે.
કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે. હા, છાપામાં ‘કોરોના’ ને ‘કોવિડ-૧૯’ વારે ઘડીએ જરૂર ભટકાશે, પણ જોડણીકોશમાં કદાચ હવે પછીનાં વરસોમાં…
= = =
(December 14, 2020: USA)