સામે ઊભેલ છે તે ગુલમ્હોરી ઝાડ છે કે,
તારું ગાયેલ કોઇ ગીત !
ઝીલાયું ગીત તારું પંખીના ટહુકામાં,
કોયલને કંઠથી રેલાયું;
સચવાયું સ્મિત તારું રંગ રંગી કળીઓમાં,
ડાળ-ડાળ જઇને ફેલાયું;
પાણીની જેમ હું તો વ્હેતો થયો છું,
કે તારી તે કેવી આ પ્રીત !
હોઠે આવીને બેઠું હૈયું આ સામટું,
કે તારા તે વેણ માંહે જાદુ !
આવી વેળા માંહે સાંભરતું જન્મોનું
આછેરું સ્મરણ એકાʼદુ;
તૂટી પડતી જ પછી વચ્ચેથી સામટી;
એક એક જન્મોની ભીંત.
૦૪/૦૫/૧૯૯૧
•
* આણલાં
આણલાં આવ્યા મધરાતના,
હું તો નીંદર હડસેલતીક જાગી.
પાંપણ પર આવીને બેઠાં પતંગિયાં,
આંબાને ફૂટ્યો કલશોર;
પાંદડાને ફરકાટે વેલડિયું દોડે;
ને ઝળુંબે છે છાતીએ મોર.
મારો અવાજ મારા સુધી ન પ્હોંચે,
કે; શરણાયું સાગમટી વાગી.
કેવડિયો કેવડિયો કેવો કેવડિયો,
કે; આખું આકાશ મને ભેટે !
કંકુવરણી આખી કીધી છે જાણે કે;
એના લાલમલાલ ફેંટે
– એની પાસેથી તે બીજું શું માંગુ ?
મેં માંગી, તો પ્રીત થોડી માંગી.
૨૯/૦૧/૧૯૯૦
•
* છોડ પ્રણયનો શાને વાવ્યો ?
વનમાં કોયલ બોલ વહે છે સઘળે મીઠાં,
પર્ણે-પર્ણે રૂપ રૂપાળાં ગાતાં દીઠાં.
પી ને કૅફ અમાપ; પવન પાગલ થઇ વ્હેતો,
મસ્તીની છોળો છલકાવી; સહુને ક્હેતો.
સહુને ક્હેતો : ‘આજ મજાની વેળા આવી;
પળ બે પળ તો જીવન લ્યો રંગીન બનાવી’.
નીરવ છે મધ્યાહ્ન; અને રાતો રણઝણતી,
સૂની સેજે રાત વહે; પળ પળ હું ગણતી.
થાકી મારી આંગળીઓ, પણ તું ના આવ્યો,
મેં ભૂંડીએ છોડ પ્રણયનો; શાને વાવ્યો ?
૦૯/૦૩/૨૦૦૧
(“અખંડ આનંદ"માં પ્રકાશિત)