હાલમાં દેશમાં આસામ, તામિલનાડુ, કેરળ અને બંગાળ એમ ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ, પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે બંગાળ જ સર કરવું હોય એમ દિલ્હી-કોલકાતા વિમાનની ઊડાઊડ ચાલી! સામે મમતાની વ્હિલચૅરની હરીફાઈ : પરિણામ આવતાં જ સસલા-કાચબાની વાર્તા યાદ આવી ગઈ !
પરિણામો આગોતરાં જાહેર કરનાર તમામેતમામ ખોટાં ઠર્યાં. કોરોનાકાળમાં આ ચૂંટણી એક રાષ્ટ્રીય ઉત્સવ બની ચૂકી હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનની ગરિમા બાજુએ મૂકીને અઢાર રેલીઓ કરીને, રણશિંગુ ફૂંકીને એક યુદ્ધનું એલાન કર્યું હોય એવો માહોલ હતો. રાજ્યની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણીમાં પરિવર્તિર્ત થઈ ચૂકી હતી. આખી કૅબિનેટ, ઢગલો સાંસદ, ભા.જ.પ.ના મુખ્ય મંત્રીઓ અને સેંકડો કાર્યકરોએ બંગાળ ઘમરોળી નાખ્યું હતું. શુભેન્દુ જેવા ઘણા વિપક્ષી નેતાઓને ભા.જ.પ.માં સામેલ કરવા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં નહોતો કર્યો એટલો સાતથી આઠ હજાર કરોડનો ખર્ચ કર્યો. ચૂંટણી આયોગને ય આગોતરું કામે લગાડ્યું હતું. લોકસભામાં ઈ.સ. ૨૦૧૯માં જે વિસ્તારોમાંથી ભા.જ.પ. ચૂંટાયેલું ત્યાની ચૂંટણી પહેલા યોજવાની. ટી.એમ.સી. પ્રભાવિત જિલ્લાઓને બે-ત્રણ-ચાર ભાગમાં વિભાજિત કરી નાખવાના, ચૂંટણી આઠ તબક્કામાં જેવા નાના-મોટા ખેલ પણ પડ્યા, છતાં ય પરિણામ ન મળ્યું.
બસોથી વધુ બેઠકોનો હુંકાર અમિત શાહે કરેલો એ તો ક્યાં ય દૂર રહી ગયો. રાષ્ટ્રીય ચૂંટણીમાં સેનાસમેત પધારેલ રાષ્ટ્રીય નાયકે દીદી … ઓ … દીદીનો વરવો અભિનય કરેલો. ‘અમે હાથપગ ચલાવીશું તો બૅન્ડેજ પણ ઓછાં પડશે’ … જેવી દિલીપ ઘોષની કે ‘બીજી મે પછી ટી.એમ.સી.ના કાર્યકરોએ જાનની ભીખ માંગવી પડશે,’ એવી યોગીજીની ધમકીઓ. આમ સામ, દામ, દંડ, ભેદ બધું ય ચાલ્યું, છતાં ય ભા.જ.પ.ને લોકસભા કરતાં ૩% વોટ ઓછા મળ્યા. લોકસભામાં ૪૧% મળ્યાં હતા. આ વખતે ૩૮% જ મળ્યા.
મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ એનાં કારણો અને એની આગામી અસરો ખૂબ જ મહત્ત્વની બની રહેવાની. ચારમાંથી ત્રણ રાજ્યોમાં સમાંતરે મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ થયો. તરત જ ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં પણ એનો પ્રભાવ દેખાય છે. મોદી બ્રાંડ રાજનીતિની લોકપ્રિયતામાં આવેલી ઓટનું આ સીધું પરિણામ છે. જે લોકસભાના વિસ્તારો ભા.જ.પે. જીતેલા એ વિસ્તારોમાંથી ૧૨૨ ધારાસભ્યો જીતવા જોઈએ. જેમાંથી પચાસ જેટલા ઓછા છે, તેથી એવું આશ્વાસન લેવાનું કે અમે ત્રણમાંથી આટલે પહોંચ્યા એ મન મનાવવાની વાત છે, તોતિંગ ભીડ મતમાં પરિવર્તિત ન થઈ.
બંગાળ જ મોદીજીની ચિંતાનું કારણ કેમ હતું એ સમજી શકાય તેમ છે. બંગાળ રાજા રામમોહનરૉયથી આજ લગી સર્વધર્મસમભાવની નીતિવાળું છે. એ જીતી બહુસંખ્યક રાજનીતિનો દબદબો કરવાનો મોદીજીનો મનોરથ હતો. એમની લડાઈ મમતા સામે નહીં, વિકાસ માટે નહીં, પણ પરિવર્તન માટે હતી. પરિવર્તન એટલે સર્વધર્મસમભાવમાંથી બહુસંખ્યક રાજનીતિનું પરિવર્તન, પણ ધ્રુવીકરણની લડાઈ પ્રજામિજાજને અનુકૂળ ન આવી. હિંદુબહુલ વિસ્તારમાંથી ટી.એમ.સી.ને ખૂબ મત મળ્યા છે; મુસ્લિમોના વોટ ઓવૈસીને, કૉંગ્રેસને નથી મળ્યાઃ આ પરિવર્તન થયું. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે જરૂરી પરિણામ આવ્યું.
મમતાને અગાઉ વિધાનસભામાં કે લોકસભામાં ન મળ્યા હોય એટલા મત મળ્યા ! એનો અર્થ એ થાય કે શાહીનબાગ અને કિસાનઆંદોલને ઊભી કરેલી હવા એમને ફળી. ૬૨% મત ભા.જ.પ.વિરોધમાં પડ્યા છે. જો રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યથી રાજ્યની ચૂંટણીને જોઈએ તો વિપક્ષને આટલા બધા મત મળવા એ રાષ્ટ્રીય નાયકનો પરાભવ છે. સ્થાનિક અસ્મિતા અને હિંદુત્વનું રંગીન શરબત ત્રિપુરાને માફક આવી ગયું અને ડાબેરી સરકાર ગઈ હતી. અહીં પણ એ જ નીતિ અખત્યાર થઈ. બંગાળમાં એક કરોડ લોકો હિન્દીભાષી છે. આ હિન્દીભાષી લોકોને બંગાળના નવજાગરણનો એટલો પરિચય નથી, તેથી એ સાંપ્રદાયિક સૂત્રોચ્ચારમાં ફસાઈ જાય પણ ખરા. તેથી ‘જય શ્રીરામ’નું ચાલ્યું. ‘જય શ્રીરામ’ અવશ્ય બોલવું જોઈએ. મંદિરમાં જઈ બોલો, ધર્મનું સંમેલન હોય ત્યાં બોલો, જ્યાં હનુમાનચાલીસા કે રામાયણનો પાઠ ચાલે ત્યાં બોલો, પણ ચૂંટણીની સભામાં ‘જય શ્રીરામ’? આ તો લોકતંત્રમાં સંવિધાનને બાજુએ મૂકીને ધર્મને કેન્દ્રમાં મૂકવાની જ મોદી બ્રાંડ રાજનીતિ થઈ. જો ધર્મ આટલો જ પ્રિય હોય તો સંત બની જાવ, સંકીર્તન કરો. રાજનીતિને પ્રદૂષિત ન કરો. ‘કસમ રામ કી ખાતે હૈં, વિધાનસભા હમ બનાયેંગે’ … આવાં સૂત્રો આ પ્રદૂષણનો જ ભાગ છે. ‘હિન્દુ હિન્દુ ભાઈભાઈ, દૂસરી જાતિ કહાઁ સે આઈ?’ જેવા સૂત્રોચ્ચાર માટે ચૂંટણીઆયોગે હરફ સરખો ય ઉચ્ચાર્યો નથી.
મોદી બ્રાંડ રાજનીતિમાં ધર્મ રાજનીતિથી મોટો છે, તેથી કોરોના ગમે તેટલો વકરે પણ કુંભનો મેળો તો થવો જ જોઈએ. ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ બહુસંખ્યક સાંપ્રદાયિક રાજનીતિમાં આ ધર્મનિરપેક્ષતાનો વિજય છે બંગાળનું પરિણામ. અહીં મમતાનો વિજય મહત્ત્વનો નથી, કૉંગ્રેસ-ડાબેરીની હાર મહત્ત્વની નથી. મોદી બ્રાંડની ‘મિશન બંગાલ’ની રાજનીતિનો પરાભવ મહત્ત્વનો છે. ભા.જ.પે., ભા.જ.પ.માં ભળી ગયેલાએ આ મોદીબ્રાંડમાંથી બહાર નીકળવું જરૂરી છે. કિસાન-આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે બંગાળની ચૂંટણી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, મોદી સરકાર કોરોનામાં સરિયામ નિષ્ફળ ગઈ છે ત્યારે બંગાળની ચૂંટણી ખુદ ભા.જ.પ.ને પુનઃ વિચાર કરવાની તક આપે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 06
![]()


જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”
માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”
આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”