થોડા દિવસ પહેલાં શુભ પ્રસંગે એક કુટુંબ મેળામાં હાજર રહેવાનું બન્યું. ત્યાં અમારા એક પરિચિત કુટુંબીનો ભેટો થઈ ગયો. પરિવારનાં વડીલ દાદીમા મુકતાબહેન તેમના પુત્ર વિમલ, પુત્રવધૂ દક્ષા, પૌત્ર ક્રાંતિ અને પૌત્રી શાંતિ સાથે આવેલ અને તેમાં એ સંતાનોની નાનીમા રમાબહેન અને નાનાજી ગુણવંતભાઈનો સંગાથ પણ ભળ્યો (પાત્રોનાં નામ કાલ્પનિક છે, જે નોંધવા વિનંતી). એ પ્રસંગની અને બીજી અલક મલકની વાતોને અંતે હંમેશ બને છે તેમ ‘આ જુઓને નવી પેઢી …. નથી કરતી’ એવા મુકતાબહેનના ઉદ્દગારો પર વાત આવીને ઊભી રહી, એટલે મને પણ ચાનક ચડી, અને મેં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ‘ગેલપ’ સર્વેક્ષણના તારણના સમાચાર વિષે વાત છેડી.
વિશ્વની ધાર્મિકતા અને નાસ્તિકતા વિષે કરેલ અભ્યાસ મુજબ જાણવા મળે છે કે ભારતમાં ૨૦૦૫માં ૮૭% લોકો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હતા જેનો આંક હવે ૮૧% પર ઉતર્યો છે. સમગ્ર વિશ્વમાં ધાર્મિકતાનું પ્રમાણ ૯% ઘટ્યું, જ્યારે નાસ્તિકતામાં ૩%નો વધારો થયો છે. પાકિસ્તાનમાં ધર્મ પ્રત્યેની રુચિ ૬% જેટલી વધી છે, એ રસપ્રદ હકીકત છે. સહેજે ચર્ચા જગાવે એવા આ સમાચાર જાણતાં જ નીચે મુજબનો સંવાદ થયો તે વાચકો સમક્ષ રજૂ કરું છું.
મુકતાબહેન : આ તે કેવો જમાનો આવ્યો ? માણસ હવે ‘હું ભગવાનમાં નથી માનતો, ધરમમાં નથી માનતો’ એમ કહેતાં શરમાતો ય નથી !
દક્ષા : બા, સાવ એવું નથી. નવી પેઢી હવે મંદિરે ન જાય, ઘરમાં પૂજા ન કરે એટલે સાવ નાસ્તિક છે, એમ ન કહેવાય.
ગુણવંતભાઈ : હવે રહેવા દો, પૂજા ન કરે તે ઠીક, પણ પ્રાર્થના બોલતાં શું મોઢામાં કાંટા વાગે છે ? આજનાં છોકરા છોકરીઓને એક પણ શ્લોક કે ધૂન આવડતી હોય તો આશ્ચર્ય થાય.
રમાબહેન : એટલું જ નહીં, કોઈ પ્રસંગે સાડી કે લેંઘો ઝભ્ભો તો ન પહેરે અને ‘ઇન્ડિયન આઉટફીટ’ પણ ન પહેરે ‘ને વળી સાવ બ્લુ કે કાળું જીન્સ પહેરીને આવે. રેસ્ટોરાંમાં અંગ્રેજી મિત્રો સાથે જાય ત્યારે પરોઠા શાક ખાય અને ખવડાવે, પણ આપણા પ્રસંગે ‘મને ઇન્ડિયન ફૂડ બહુ ન ભાવે’ કહીને ચકલીની જેમ ચણીને ઊભા થઈ જાય.
વિમલ : આ બધી વાતને ધર્મ કે ભગવાનમાં ન માનવા સાથે શું લેવા દેવા છે ?
આ સંવેદનશીલ મુદ્દા વિષે મારે યુવાનોનો અભિપ્રાય જાણવો હતો કેમ કે ધર્મથી વિમુખ થઈ જવાનો આરોપ તેમના પર છે એટલે મેં પેલાં બંને ભાઈ-બહેનને આ ચર્ચામાં જોડવા માટે તેમને પૂછ્યું, ‘તમે અને તમારા મિત્રો ખરેખર પોતપોતાના ધર્મમાં શ્રદ્ધા ધરાવો છો ?’
ક્રાંતિ : જો ભગવાન માત્ર મંદિરમાં રહેતો હોય તો ના, કેમ કે હું મંદિર ખાસ જતો નથી, પ્રાર્થના-પૂજા જાણું છું પણ જાતે કદી કરી નથી. પણ દાદીમા તો કહેતાં હતાં કે ભગવાન તો ઘટ ઘટમાં વસે છે અને જો એ સાચું હોય તો હા હું ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવું છું.
વિમલ : સાચું છે બેટા, મારું પણ માનવું છે કે ધર્મ કોને કહેવો ? મંદિરોમાં જઈને કે ઘેર પૂજા-પાઠ કરવામાં અને તહેવારો તથા પ્રસંગોની ઉજવણી જાતજાતના ક્રિયાકાન્ડોમાં સીમિત થઈ છે, એ ખરો હિંદુ ધર્મ છે કે ઉચ્ચ કક્ષાના ધાર્મિક પુસ્તકોનું વાચન કરવું કે જે આપણને નીતિમત્તાના પથનું નિદર્શન કરે છે અને તમામ માનવ જાતને સમાવિષ્ટ કરે તેવા શ્લોક, ભજન, ધૂનનું સમયાનુસાર પઠન કરવું એ યોગ્ય છે ?
ગુણવંતભાઈ : હું અહીં એક વાતનું ધ્યાન દોરવા માગું છું. દરેક ધર્મના મૂળ ધાર્મિક પુસ્તકો મૂળભૂત સિદ્ધાંતો અને સનાતન સત્યોનું પ્રતિપાદન કરે છે તથા ઉત્તમ સાહિત્ય પૂરું પાડે છે, તેથી એ ખસૂસ વાંચવું અને નવી પેઢીને પણ વાંચતા કરવા. બાકી કેટલુંક ધાર્મિક સાહિત્ય પોતાના ધર્મની બડાઈ હાંકે, બીજાના ધર્મની વગોવણી કરે એવું હોવાથી વાડાબંધી અને કોમવાદને પોષનારું હોય છે, જેનાથી ચેતતા રહેવા જેવું છે.
મુકતાબહેન : મારી જોડે કથામાં આવતાં આપણાં પાડોશી દંપતી યાત્રાએ જવાના છે પણ તેમના બે પૌત્ર કહે, ‘અમે તો ધરમ, કથા, ભગવાન કશામાં નથી માનતા તો પછી એવા પૈસાનો વ્યય કરવા શા માટે આવીએ ? લો કરો વાત !
દક્ષા : ખરેખર તો હવેનાં બાળકોને યાત્રાના સ્થળો ચોખ્ખાઈ અને વ્યવસ્થા જાળવે છે કે નહીં, તે ખાતરી કરીને જ લઈ જવાં જોઈએ. ખરું જોતાં આપણા ઉત્સવો અને તહેવારોની ઉજવણી તથા ધર્મસ્થાનોની અને યાત્રાસ્થળની મુલાકાતથી સંગીત-નૃત્ય જેવી કલાઓની જાળવણી થતી, લોકો એકબીજા સાથે હળીમળીને કામ કરતાં તેથી સહિષ્ણુતા કેળવાતી, જુદા જુદા નાત-જાતના લોકો વચ્ચે સુમેળ રહેતો, પ્રવાસ ખેડવાનું એક કારણ મળી રહેતું, સાહસ કરવાની તક મળતી અને એ રીતે પૂરા દેશની ભાવનાત્મક એકતા અખંડ રહેવા પામતી એ વાત નવી પેઢીને સમજાવવી જરૂરી છે. આ વાત જો એમને ગળે ઉતરે તો મને ખાતરી છે કે તેઓ પ્રવાસી તરીકે નવાં નવાં સ્થળો જોવા જાય ત્યારે શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકલાના અદ્દભુત નમૂનાઓ જોવા જરૂર યાત્રાધામમાં પણ આવશે.
શાંતિ : મમ્મી, તમે ભૂલી ગયાં આપણે એક વખત વાંચેલું કે મોટા મોટા મંદિરો, ચર્ચ અને ગુરુદ્વારાઓમાં લોકો પુષ્કળ ભેટ ચડાવે છે જે એ ધર્મસ્થાનોની તિજોરીમાં પડી રહે છે. કોઈ કોઈ ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ તેનો સ્વાર્થે દુરુપયોગ પણ કરે છે. ભોળા ભક્તજનો પોતે ઈચ્છેલી વસ્તુ મળે કે મેળવવા માટે માનતા માનીને ખુશ થઈને કે પ્રાર્થના રૂપે મોંઘી મોંઘી વસ્તુઓ ભેટ ધરે ત્યારે એ ‘સર્વ શક્તિમાન ભગવાનને’ પહોંચે છે એમ માને અને ખરું જોતાં પેલા ધર્માધિકારીઓ પોતાના એશઆરામી જીવન પાછળ વેડફી નાખે છે એના જેવું બીજું મોટું પાપ કયું? અને એ કરવા દેવા આપણા જેવા લોકોએ સાથ ન આપવો જોઇએ અને બીજાને પણ રોકવા જોઇએ. દાદીમા, મને ભગવાનમાં શ્રદ્ધા છે એટલે જો ગરીબ બાળકોને દૂધ પહોંચાડવાનું કામ હોય તો કહેજો, કરીશ, બાકી મંદિરમાં શિવલીંગને દૂધથી નવડાવવાનું કામ મારું નહીં.
ક્રાંતિ : બહેન, તું તો મંદિરોની માલ-મિલ્કતની વાત કરે છે. બાકી કેથલિક ચર્ચના પાદરીઓ, કાર્ડીનલ અને પોપ સુધ્ધાં બાળકો અને શ્રદ્ધાળુઓનાં જાતીય શોષણ કરવાના આરોપસર ભારે નામોશીનો ભોગ બન્યા છે, એ વાત જાણે છે ? હું તો માનું છું કે મુલ્લાઓ અને ધર્મગુરુઓના સંતાનોની સંખ્યા પણ ઓછી નહીં હોય. ભારતના પ્રખ્યાત મંદિરોમાં પોતાની પુત્રીને ‘દેવદાસી’ બનાવી દેવાથી તેની કેવી દુર્દશા થતી એ પણ જાણીએ છીએ. જો દુનિયાનો કોઈ ધર્મ આવું પાપાચરણ કરવાનું ન શીખવતો હોય તો જાહેર છે કે ધર્મ સંસ્થાનો જ આવો સડો ફેલાવે છે. હું તે એ કારણસર પ્રખ્યાત ધર્મસ્થાનોની મુલાકાત લેવાનું ટાળું.
વિમલ : હાસ્તો વળી. જે ધર્મ તેના અનુયાયીઓને કુદરતી વૃત્તિઓને અમર્યાદિત રીતે ભોગવવાને બદલે તેનું શમન કરવાની રીત બતાવે છે તે માનવીને ઉત્કૃષ્ટ કક્ષા પર લઈ જાય છે અને જે ધર્મ તેના ધર્માધિકારીઓ અને અનુયાયીઓ પાસે વૃત્તિઓના દમનની અપેક્ષા રાખે છે તેમની વૃત્તિઓમાં વિકૃતિ આવવાથી આવું અનિષ્ટ પરિણામ આવે.
દક્ષા : આ પુરોહિતો, કહેવાતા બાપુઓ, સાધુ-સંતો અને ફકીરોની ચુંગાલમાંથી છૂટવું મુશ્કેલ જણાય છે. આમ જુઓ તો ઈશ્વરે આપણને પેદા કર્યા, તો આપણે એની સાથે સીધી વાત કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ. મા-બાપ સાથે વાત કરવા બાળકને કોઈ મધ્યસ્થીની જરૂર પડે છે ? સમય જતાં કેટલીક ધાર્મિક ક્રિયાઓ જડ બની અને રુઢિઓનું પાલન કરવા રિવાજો પ્રચલિત થયા. સંસ્કૃતના શ્લોક હું ન જાણું, કોઈ સંસ્કારની વિધિ ન જાણું તેથી પુરોહિતને બોલાવું. લોકોના અજ્ઞાનનો ગેરલાભ લઈને તેઓ પ્રજાને ભોળવે, ભરમાવે અને પૈસા પડાવે. હજુ એ ઓછું હોય તેમ સ્ત્રીઓની લાચાર સ્થિતિનો ગેરલાભ લઈને તેના શીલ અને ચારિત્ર્યને પણ લૂંટે અને આ બધું જ પાછું આપણા ‘મહાન ધર્મ’ને નામે થાય ! હરિ હરિ.
ગુણવંતભાઈ : એક બાજુ જુવાનિયાઓ ‘અમે આધુનિક છીએ, ભગવાન કે ધર્મમાં નથી માનતા’ એમ કહીને પોતાના જ કુટુંબના સારા વિધિ-વિધાનોથી દૂર ભાગે છે તો બીજી બાજુ વિવિધ તરેહના દેવ-દેવીઓના સ્થાપના કરવા, મૂર્તિઓ શણગારીને યાત્રાઓ કાઢવી અને નાના-મોટા અનેક દેવી-દેવતા, ગુરુઓ અને સાધુઓની જયંતીઓ ઉજવવાને નામે ઘોંઘાટ વધારનારા ભજનો, મોંઘીદાટ વેશભૂષા અને ખાણીપીણીના અતિરેક પાછળ પૈસાનો ધુમાડો કરવાની પ્રથા જોર પકડતી જાય છે.
રમાબહેન : કોઈ ધર્મ ન પાળતી હવે પછીની પેઢી કોણ જાણે કેવો ય સમાજ રચશે ?
વિમલ : એમ સાવ નિરાશ ન થાઓ. આજની ભણેલી પ્રજાને ધર્મને નામે ચાલતા પાખંડ અને શોષણની નફરત છે, ધર્મના મૂળ શિક્ષણ સામે નહીં. આપણે પાખંડ અને શોષણને તડીપાર કરવા જોઇએ. ધાર્મિક સંસ્થાઓના નેજા નીચે ચાલતી ગેરરીતિઓ સામે તેમનો આક્રોશ છે, તેમના દ્વારા થતી સામાજિક પ્રવૃત્તિઓ સામે નહીં. તો એ ગેરરીતિઓ બંધ કરાવવી જોઇએ. ભગવાનને રાજી રાખવા માટે કરાતા બુદ્ધિહીન ક્રિયાકાંડોમાં તેમને દિલચસ્પી નથી, તેની સાથે પોષાતા કળા અને સંસ્કૃિતનું તેમને ઘણું મૂલ્ય છે. તો એ બુદ્ધિહીન ક્રિયાકાંડોને સદંતર દેશવટો આપવો રહ્યો. ધર્મને નામે અંતિમવાદી વિચારધારાઓના પ્રચાર અને આતંકવાદના પ્રસારનો તેમને ભય છે, બોધક અને નીતિપ્રેરક કથાઓ નવી પેઢીને પણ આકર્ષે છે. તો રાજકીય કે વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે આતંકવાદના આચરણ માટે ધર્મનું ઓઠું લેવાનો નિષેધ ફરમાવવો જોઇએ. મને તો આશા છે કે ભવિષ્યમાં દરેક ધર્મ એક નવલું રૂપ ધારણ કરીને વધુ સ્વસ્થ સમાજને ઘડશે. જરૂર છે ધર્મની વ્યાખ્યા સમજવાની અને સમજાવવાની. નવા આકાર પામેલ ધર્મનું પાલન કેવી રીતે થાય, ઈશ્વર ક્યાં છે અને તેને કેમ મેળવી શકાય, સંસ્કૃિત કોને કહેવી અને તે શાને આધારે ટકી રહે એનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે.
આ વિધાન સાથે ત્રણેય પેઢીના સભ્યો જાણ્યે અજાણ્યે કબૂલ થયાં અને બરાબર તેવે સમયે મુકતાબહેન, ‘હે ભગવાન, તારું ભલું થાજો!’ કહેતાં ઊભાં થતાં આ વાર્તાલાપ પર પૂર્ણવિરામ આવ્યો.
e.mail : 71abuch@gmail.com