વૈકલ્પિક વિચારપડકાર & નવા યુવા મધ્યમવર્ગને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેર દેખાય છે
કહેવાય કે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય, રવિવારે નમો પઠાણકોટ પંથકમાં માધોપુર મુકામે હશે અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મરણ સાથે ૨૦૧૪ને અનુલક્ષીને ટંકાર કરશે. એનડીએના કન્વીનરપદેથી શરદ યાદવ ખસ્યા તે સાથે એમના સંભવિત વિકલ્પરૂપે અકાલી દળના પ્રકાશસિંહ બાદલને સંયોજવાની યે ગણતરી આ કાર્યક્રમમાં બાદલને એમની ઇંગ્લંડની મુલાકાત ટૂંકાવીને ખાસ બરકવા પાછળ હોવાનું સમજાય છે. ગમે તેમ પણ, બિહારમાં જુવારાની વાંસોવાંસ ઓબીસી ઓળખ આગળ કરવાની ચેષ્ટાથી માંડીને માધોપુરના સૂચિત એલાને જંગ સહિતનો તાજેતરના દિવસોનો ઘટનાક્રમ જોતાં જણાઈ આવે છે કે ‘અૉલ હિઝ કન્સન્ર્સ વુડ બી પ્રોપરલી એડ્રેસ્ડ’ – ‘એવણની (અડવાણીની) સઘળી ફિકરચિંતા અગર નિસબતોની વાજબી કાળજી લેવાશે’ એવી હૈયાધારણ વસ્તુત : ઉપરછલ્લી જ છે.
વિવેક કે વાસ્તે કહી શકાય એવો આ ઉપક્રમ ગુરુવારે નવી દિલ્હીના સંઘ સંકુલમાં સરસંઘચાલક ભાગવત સાથેની અડવાણીની રૂબરૂ મુલાકાતમાં પણ જેમનો તેમ જણાઈ આવે છે. મનમોહન વૈદ્યની સત્તાવાર યાદીમાં ‘મળતા રહીએ, વાત કરતા રહીએ’થી ઝાઝી કોઈ ભોં ભાંગી જણાતી નથી. અડવાણીની કથિત સત્તાકાંક્ષા (છેવટે છમાસી વડાપ્રધાનપદની યે વાત) બાજુએ રાખીએ તો પણ એટલું કહેવું જોઇશે કે એમની કોઈ સમાધાનકારી ફોમ્યુંલા સંઘશ્રેષ્ઠીઓને ગ્રાહ્ય નથી. પણ જે ‘નિસબત’ના મુદ્દાઓ છે એનું શું. અહીં નિસબતની તપસીલમાં નહીં જતાં મારતી કલમે એટલું જ કહેવું બસ થશે કે હિંદુત્વરાજનીતિવશ એકાંગી જમાવટને અડવાણીએ એક પરાકાષ્ઠાએ પહોંચાડ્યા પછી, વ્યાપક સ્વીકૃતિની શોધમાં વાજપેયીના નેતૃત્વમાં એનડીએ લગીનું અંતર કાપવાની નોબત આવી હતી.
આ અંતર, જેપી આંદોલન અને જનસંઘના જનતા અવતારના સંસ્કારોના મૂલ્યાત્મક નહીં તો પણ વ્યૂહાત્મક વિનિયોગથી કાપી શકાયું હતું. વાજપેયીની કળા અને અડવાણીની કારીગરી વગર આ શક્ય નહોતું. એમાં રહેલી ગુણાત્મક સંભાવનાઓ એટલે પેલી નિસબતો. પણ ૧૯૯૮-૨૦૦૪નાં છ વરસના શાસનકાળ પછી બબ્બે ચૂંટણીઓ ખોઈ બચેલા પક્ષમાં હવે નામને ખાતર પણ પેલી નિસબતોના કોઈ ખરીદાર બચ્યા નથી.
જેપી આંદોલન – જનતા અવતારમાં વાજપેયી અને અડવાણી જે લોકશાહીપ્રેમી યુવા મધ્યવર્ગને સંબોધતા હતા તેણે વીસમી સદીનાં છેક પાછલાં અને એકવીસમી સદીના શરૂનાં વર્ષોમાં કામ આપ્યું તે આપ્યું. હવે વૈશ્વિકીકરણના માહોલમાં જે નવો એસ્પિરેશનલ યુવા મધ્યમવર્ગ આવ્યો છે એને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેરચોફેર દેખાય છે. સૃષ્ટિના કેન્દ્રમાં એ પોતે અને પોતે જ છે. કદાચ, અભિપ્સુ નહીં એટલો એ ખુદગર્જ છે. આવા વર્ગને એક સિંકદરની ફિરાક હોય છે જે કહી શકે કે હું જ તમારું મુકદ્દર છું. આ સંજોગોમાં અડવાણી વચગાળાના કારીગરી-અને-હુન્નર-સંસ્કારવશ કોઈ વાઈડર કન્સન્ર્સની વાત કરે તો એનું સંઘપરિવારમાં કોઈ ખરીદાર નથી.
ડામણાં, ડાબલા અને ગાજર ત્રણેઉ કોર્પોરેટ, કોર્પોરેટ અને કોર્પોરેટ હોય એવા વર્ગને વિકાસની નરવી પરિભાષા કહેવાનું સાહસ અને સમજ કોની પાસે હોય. દરમિયાન, એનડીએની તૂટ સાથે નવગઠન, પુનર્ગઠનનો દોર ચાલી શકે. યદુરપ્પા જેવાઓ પક્ષમાં પાછા ફરી શકે. ફેડરલ ફ્રન્ટનો પણ પ્રયાસ થઈ શકે. બધું સાચું; પણ આ બધી તૂટતીબનતી રચનાઓના સંદર્ભમાં નીરમ, નીરક્ષીર અને નેજો બનીને કામ આપી શકે એવું વિશ્વદર્શન ક્યાં છે. નીતીશકુમારે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પરના સવિસ્તર વકતવ્યમાં અને તે પછી લાંબી ટીવી મુલાકાતમાં એક વાત ચોક્કસ સારી કહી છે કે નાતજાતકોમમાં વહેંચાયેલ બેસુમાર અર્થનીતિ અને રાજનીતિ જરૂરી છે. પણ સામી ચૂંટણી આવી બધી પાયાની ધીરજ કોની કને હોઈ શકવાની છે.
નાગરિક છેડે કદાચ નમો અને ઈતર પરબિળોની દિલખુલાસ બહસ તેમજ વૈકલ્પિક વિચારપડકાર એ જ મુખ્ય વાત બની રહેશે. આ સંદર્ભમાં ગોવાના ભાજપી મુખ્યમંત્રી મનોહર પરિકરે હજુ હમણે જ એક્સપ્રેસ અડ્ડામાં વ્યક્ત કરેલા કેટલાક ખયાલો તરત લક્ષમાં આવે છે. એમણે કહ્યું છે કે ૨૦૦૨માં જે થયું તે ખોટું થયું હતું, પણ એમાં નરેન્દ્રભાઈનો વાંક એટલો જ હતો કે એ વહીવટમાં બિનઅનુભવી હતા. પણ તે પછી એમનો ગવર્નન્સનો હિસાબ અચ્છો છે. ભાઈ, ૨૦૦૨ની ચર્ચા તમે ધારો કે ઈરાદાને બદલે મર્યાદાના ઈલાકામાં લઈ જાઓ, પણ તે વખતના સઘળા હિંસક કાંડોની તપાસમાં સરકાર તરફથી આવતા અવરોધોને કેવી રીતે સમજાવશો, કહો જોઉં. અને આ પૂચ્છા તો સુવાંગ ગવર્નન્સ અને ગવર્નન્સના જ ઈલાકામાં આવે છે.
તે ઉપરાંતનું યે એક વાનું છેલ્લે સંભારી લઈએ. અડવાણીએ એમના તરતના બ્લોગમાં બ્રિટને જૂના જુલમો માટે કેન્યાની માફી માગ્યાની ખાસ જિકર કરી છે. અડવાણીને પક્ષે બેહદ મોડી પડેલી આ સલાહમાં નમો સહિત કોઈ પણ શાસક જોગ રહેલો સંદેશ વાંચી શકાય છે. ગોવા કલાકોમાં અડવાણીએ બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહને સંભાર્યા હતા. ટાઢો ડામ દેવાની વૃત્તિથી નહીં પણ સમજવાની દ્રષ્ટિએ કોઈકે તો અડવાણીને યાદ આપવું જોઇશે કે બાણશય્યા સુધી પહોંચતા પિતામહ ‘અર્થસ્ય પુરુષો દાસ:’ જેવી જાતસમજમાંથી પણ ગુજર્યા હતા. … સંક્રાન્તિકાળે, આ બેત્રણ કાચાંપાકાં ટીકાટિપ્પણી !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 22 જૂન 2013