તાળીથી ત્રણ લોક ઊજળા
ત્રિવિધ તાપ હરનારી
તાળી બસ જીવતી રહેવાની
મંચ ભર્યો કે ખાલી.
*
પડે તાળીઓ
થોકબંધ ને લગાતાર બસ
નકરી લાગટ તાળી ….
એક તાલમાં, એક ઢાળમાં, એક સૂરમાં
પડતી રહેતી
અથક અવિરત
તાળી.
કોણ શું બોલ્યું?
કર્યું શું કોણે ?
કોણે કંઈ પણ કર્યા વગર કે કહ્યા વગર પણ
કઈ મોથ છે મારી ?
બધું ગૌણ છે અને બદલતું
બસ નિશ્ચલ છે તાળી.
તાલીમાં રમમાણ ગુણીજન
તોડ કરે ત્રેવડનો
ક્ષણમાં નભને આંબી આપે
કરે વધારો વડમાં તાળી
તાળીનાં પૂર ધસી રહ્યાં છે
ધસમસ-ધસમસ
નગરનગરમાં
ચોરેચૌટે
ઘરમાં, ઘટમાં.
સહુનાં મનમાં તોર ચડ્યો તાળીનો.
તાળી ઝરતી તાડી
તાળી ધીમું ઝેર
ઊધઈ થઈ કરકોલે મૂળને
ખબર પડે ના થડને.
તાળીનાં આ ધસમસ વ્હેણે ડૂબી રહ્યાં છે
કૈંક કિતાઓ, કૈંક પોથીઓ, કૈકં ધૂંધળાં ચશ્માં
કૈંક જીવન-અત્તરની શીશી ખૂલ્યા વગરની રહી ગઈ છે
કૈંક ખૂણાના દીવડાનાં ઘી ખૂટી રહ્યાં છે
ડૂબી રહ્યાં છે
પગભર થાવા મથતાં
એકલ અજવાળાંઓ કૈંક ગોખલે …
ડૂબી રહ્યાં છે ?
ડૂબી ગયાં છે !
તરી રહ્યાં છે ફક્ત તુંબડાં
વેલે ચોટ્યાં
અડધાં કાચાં,
અને સાથમાં વહી રહ્યું છે
એક તાલમાં, એક ઢાળમાં, એક સૂરમાં
ધસમસ વહેતું
તાળીનું આ પૂર
*
સભાખંડની બહાર ઊભી છે
એક દુભાયેલ કન્યા
નામ ખેવના, ઓછાબોલી
પાળે બસ આમન્યા
'હૃદયકુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ, રાજ ડેરી પાસે, વેરાવળ (ગીર-સોમનાથ) ૩૬૨ ૨૬૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 15