ભારતનાં અન્ય રાજ્યોની સ્થિતિ વિષેની તો મને ખબર નથી, પરંતુ ગુજરાતમાં અને તેમાંયે સૌરાષ્ટ્રમાં તો મજૂરોને અભાવે પૂરું ખેતઉત્પાદન લઈ શકાતું નથી. એક ખેડૂત તરીકે મેં આ અનુભવ્યું છે.
અહીંનાં ગામડાંઓના ખેડૂતોનો મોટો ભાગ ૩થી ૭ એકર જમીન ધરાવનારાઓનો હોય છે. જળ અને જમીન મધ્યમ પ્રકારનાં હોવા છતાં સૌથી વધુ શરીરશ્રમ જોડીને ભારતભરમાં સૌથી મહત્તમ ઉત્પાદન સૌરાષ્ટ્રનો ખેડૂત મેળવે છે. આર્થિક હાલત સામાન્ય ખેતમજૂરની સમકક્ષ છતાં ખેતીકામમાં તેમને ય મજૂરોની જરૂર પડતી હોય છે. સરકારી મનરેગા અને બી.પી.એલ.વાળાને મફત અનાજ પૂરું પાડવાનો વ્યાપ આટલો બધો નહોતો, ત્યારે ખેડૂતોને મજૂરો મળ્યા કરતા હતા. ખેતસુધારણાનાં કામો ગણીએ તો મજૂરોની જરૂર આખું વરસ રહેતી હોય છે. તે મળ્યા કરે, તો ખેડૂતો શક્ય તેટલું વધુ ઉત્પાદન લેવા પ્રોત્સાહિત રહે.
ખેતીમાં પાક તૈયાર થાય તે અવસ્થા કટોકટીભરી ગણાય છે. કપાસ બરાબરનો તરડ્યો હોય, વીણ્યા વિના બગડી જતો હોય ત્યારે મજૂરીના દરો ચૂકવવામાં ખેડૂત પાછું વાળીને જોતો નથી. ૨૦ કિલો (૧ મણ) કપાસની વિણાઈના રૂપિયા ૨૦૦થી ઉપર, સહેજે ત્રણ મણ વિણાઈ શકાતા કપાસની રોજમદારી રૂ. ૬૦૦ની ઉપર ચુકવાય છે, કે જેનું વળતર ખેડૂતને પોતાને પણ મળતું હોતું નથી. પણ પાક બગડવો પોસાતો નથી. આનાથી તેણે મંડળી-બૅંકોની લોનો ચૂકવવી પડતી હોય છે. સામાજિક પ્રસંગો પાર પાડવાના હોય છે.
ઘઉંનો પાક તૈયાર થયો હોય ત્યારે તેને વાઢવાની અને થ્રેશરની ખળું લેવાની અવસ્થા કટોકટીભરી હોય છે. આ વખતે મજૂરીના દૈનિક સારા ઘઉં ૧ મણ ભરી આપવા હોય છે, પણ મજૂરો આવતા નથી. કારણ કે તેમણે મનરેગામાં નામ નોંધાવ્યાં છે જેથી વગર મહેનતે પૈસાનાં ચુકવણાં થાય છે. ઉપરાંત સરકાર મફત અનાજ આપે છે જે ખાઈને હાડકાં હરામનાં બનાવી દીધાં છે. કંઈ જ કામ ન કરીએ તોયે સરકાર નિભાવશે જ તેવી તેમને ખાતરી છે. અરે, ફ્રીઝ, પંખા, ટી.વી., મોટરસાઈકલો રાખવી એ તેમને પોસાય છે. કારણ કે મનરેગાવાળાને તેમનો હિસ્સો આપી દેવાય તો ખોટાં નામો ય ચાલી જાય છે.
ઘઉંનું ખળું થ્રેશર વડે લેવાય તો પરાળનો બનતો ઝીણો ભુક્કો ‘કુંવળ’ સેન્દ્રિય ખાતર તરીકે અણમોલ છે, પણ થ્રેશરમાં મજૂરોની જરૂર પડે છે. હવે તે ન મળતાં ખેડૂતોએ પોતાનાં થ્રેશર ભંગારમાં કાઢી નાંખ્યાં છે. અને ૫-૧૦-૨૦ એકરના ઘઉં હોય તોયે પંજાબથી આવતાં હાર્વેસ્ટરો થોડા કલાકોમાં કામ પૂરું કરી આપે છે. થ્રેશરની તુલનાએ તે ખૂબ મોંઘાં પડે છે, ઘઉંની ડૂંડીઓ ખેતરમાં વેરાઈ જતી હોય છે. મહામૂલું કુંવળ બનતું નથી અને ખેતરોને ચોખ્ખાં કરવા ઊભા પરાળમાં અનિચ્છાએ દીવાસળી ચાંપવી પડે છે. આ રીતે મનરેગાએ અને મફત અનાજના વિતરણે સૌરાષ્ટ્રની ખેતીને અને મજૂરોનાં માનસને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. બેકારીનો બહુ મોટો ઉકેલ લાવનારી ખેતીમાંના નાના ખેડૂતો નષ્ટ થઈ રહ્યા છે અને મોટા ખેડૂતો, નાછૂટકે પ્રદૂષક યાંત્રિક ખેતી તરફ વળી ગયા છે.
ખેડૂતો ભલે ગરજના માર્યા, પણ મજૂરો સાથે શેઠાઈ નથી કરતા. ભાઈ-બાપા કહીને, પગે લાગીને, વીનવીને કામ આપે છે. તેમની અજુગતી શરતોયે સ્વીકારે છે અને તેમનાથી દોઢી મહેનત કરતા હોય છે, પરંતુ સરકારને એટલે કે તેને ચલાવનાર નોકરિયાતી જગતને મજૂરોનો શરીરશ્રમ અનાવશ્યક જુલમ જણાય છે. કારણ કે તેમની પોતાની રહેણીકરણ બેઠાડુ છતાં બહુ ઊંચા પગારોવાળી ગોઠવાઈ છે. આવક અને પરિશ્રમ તેમને માટે વિરોધાભાસી શબ્દો છે. તેથી જ નવા નાગરિકોને તૈયાર કરતું શિક્ષણ શરીરશ્રમ પ્રત્યે તિરસ્કાર શીખવે છે. હરકોઈ સમાજની સમૃદ્ધિ માટે શરીરશ્રમ બીજો વિકલ્પ નથી. એ તેને ક્યારે સમજાશે ? ખેતીમજૂરીમાં સ્વમાનભર્યું જીવન છે, કશુંયે મફત મેળવવવામાં નહીં.
મુ. પો. માલપરા, ઢસા, જિ. બોટાદ – ૩૬૪ ૭૩૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 07