‘શિક્ષણનો અધિકાર’ : 2015માં પાંચ વરસની ઉંમરે પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવનાર બાળકનું 2028માં ભાવિ અંધકારમય હશે!
એક જમાનો હતો જ્યારે, શિક્ષણવિદો અને દાનમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ માનનારા શ્રીમંતો કે ટ્રસ્ટો, શિક્ષણના ઉચ્ચ ધોરણ જાળવતી સંસ્થાઓ સ્થાપતા અને સમાજને શ્રેષ્ઠ શિક્ષણ આપતા. અલબત્ત, એની સંખ્યા ઓછી હતી પણ એમનું ધોરણ ઊંચું રહેતું. આવી સંસ્થઓ, એના સંચાલકો અને એના શિક્ષકો સમાજમાં ઊંચો આદર વણમાગ્યો મેળવતા. સ્વાતંત્ર્ય પછી, રાજ્ય સંચાલિત શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષણનો વ્યાપ વધ્યો પણ એનું ધોરણ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓની તુલનામાં નીચું રહેતું હતું. આજે જ્યારે શિક્ષણ અને આરોગ્યને મૂળભૂત બાબતો તરીકે આર્થિક વિકાસમાં લગભગ સર્વ પ્રકારની સરકારોમાં સ્વિકૃતિ મળી છે ત્યારે ચિત્ર સાવ ઊલટું થઈ રહ્યું છે. ભારતમાં સાક્ષરતા માટે નાણાંની ફાળવણી વધી છે. માળખાકિય સગવડો સતત મોનિટર થઈ રહી છે, પરંતુ ધોરણ બધે જ કથળ્યું છે. નફાના હેતુવગર વિદ્યાદાનના ઈરાદા સાથેની શિક્ષણ સંસ્થાઓની જગા બજારે લીધી છે. સાવ સાદી ભાષામાં વર્ણવીએ તો શિક્ષણની હાટડીઓ પૂરબહારમાં ખૂલી રહી છે.
સાદો હિસાબ માંડીએ તો 2015માં ભારતનો પાંચ વરસનો બાળક શાળા પ્રવેશ કરશે તે 2021માં યુનિવર્સિટી શિક્ષણને પાત્ર બનશે. આ એ જ સમય બનશે જ્યારે, ભારતની જનસંખ્યા 140 કરોડ પર પહોંચી જશે અને ત્યારે 2028માં ભારત વિશ્વનો સૌથી વધુ જનસંખ્યા ધરાવનારો દેશ હશે. એ સમયે આપણી સામે ગંભીર સવાલ એ હશે કે, ભારતની સમૃદ્ધિને સંપૂર્ણ સલામતી આપવા માટેના જરૂરી સ્નાતકો ભારત પાસે હશે ખરા? શિક્ષણના સ્તરની હાલની હાલત અને શિક્ષણ સંચાલનની સ્થિતિ જોતાં સવાલનો જવાબ ઘસીને ‘ના’માં આપવો પડશે. અલબત્ત, છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આ સવાલને બાજુએ અંકબંધ રાખી, બધી રાજ્ય અને કેન્દ્ર સરકારો, સ્કીલ ડેવલપમેન્ટ એટલે કે, ઉદ્યોગો માટે ઉપયોગી થાય એવા કુશળ સ્નાતકો તૈયાર કરવાની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે. કૌશલ્ય વિકાસ કરવો હશે તો પણ, અત્યારના શિક્ષણ-પછી એ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચત્તર હોય, હાલના જેવા જ શિક્ષિતો પેદા કરશે તો એને કૌશલ્યભર્યા કેવી રીતે બનાવી શકાશે?
ભારતમાં 24 કરોડ બાળકોએ શાળાપ્રવેશ મેળવ્યો હોય તો એની રાષ્ટ્રની સાક્ષરતા વધારવામાં ઓછા વધતો લાભ મળશે. એ ખરું! પણ, સવાલોનો સવાલ એ હશે કે, મોટા ભાગનું શિક્ષણ નળબું હશે. શાળાઓ અસંખ્ય હશે, ઉચ્ચ સ્તરના શિક્ષણનો વ્યાપ વધ્યો હશે પણ કોલેજના શિક્ષણનું સ્તર કથળેલું હશે. માધ્યમિકમાંથી ઉચ્ચત્તર શિક્ષણમાં જનાર વિદ્યાર્થીઓનું 2004ની સાલનું 11 ટકા પ્રમાણ 2011માં 23 ટકા પહોંચ્યું હતું. 2015માં, ભારતમાં અંદાજે 35,000 કોલેજો અને 700 યુનિવર્સિટીઓ હોવાનો અંદાજ છે. હજુ વધુ યુનિવર્સિટીઓ ખૂલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી નવી મેનેજમેન્ટ અને ટેકનોલોજીની સંસ્થાઓ સ્થાપવાની ગૌરવભેર જાહેરાતો કરી છે. બીજી નવી 60 યુનિવર્સિટીઓ તેમ જ ઈજનેરી અને મેડિકલ કોલેજો ખોલવા માગે છે. પણ, આમાંથી મોટા ભાગની ખાનગી ક્ષેત્રમાં થનાર છે. ખાનગી ક્ષેત્ર, ઉચ્ચત્તર શિક્ષણના 60 ટકા વિદ્યાર્થીઓને આજે પણ શિક્ષણ પૂરું પાડે છે. અહીં, સવાલ શિક્ષણના સ્તરનો છે. ભારતમાં બહુ જૂજ કોલેજો, શિક્ષણના સ્તરની ચિંતા સેવે છે. આવી સ્થિતિમાં સંશોધનની તો વાત શું કરવી?
આ બધાનું પરિણામ કેવું આવે છે? ઉદ્યોગો કુશળ સ્નાતકોની ભરતી માટે ફાંફા મારે છે તો બીજી તરફ ત્રીજા ભાગના આ સ્નાતકો બેરોજગાર ફરે છે. કેટલાક તજ્જ્ઞોનું આ સ્નાતકોના સ્તર અને શક્તિના પરિક્ષણ પછી એવું તારણ છે કે, યુનિવર્સિટીઓ યોગ્ય રીતે પરીક્ષા લે તો 70 ટકા સ્નાતકો નાપાસ થાય. તજ્જ્ઞો બીજું એવું તારણ કાઢે છે કે, ભારતમાં વર્ષે સાત લાખ ઈજનેરો બહાર પડે છે. એમાં માત્ર 30 ટકા જ નોકરીને પાત્ર છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના સ્નાતકમાં માત્ર 15 ટકાની ભાષા અને સોફ્ટ કોશલ્ય સંતોષજનક હોય છે.
ગુજરાત જેવા ‘મોડલ’ રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે મોદી સાહેબે સરકારી યુનિવર્સિટીની સંખ્યા બાર કરી નાંખી પણ, આમાંથી છમાં કુલપતિ નથી. 11માં રજિસ્ટ્રાર કે લાઈબ્રેરિયન નથી. ગુજરાતની સરકારી ડિગ્રી, ડિપ્લોમા, ઈજનેરી કોલેજોમાં 89 ટકા સ્ટાફ ઓછો છે. 16 સરકારી કોલેજોમાં આચાર્ય, પ્રાધ્યાપક, કમ્પ્યૂટર પ્રોગ્રામર, લેબ આસિસ્ટન્ટ અને હિસાબી અધિકારીની એક હજારથી વધુ જગા ખાલી છે. સરકાર આની ભરતીની મંજૂરી આપતી નથી. બેંકની લોન લઈને, દેવું કરીને કે પેટે પાટા બાંધી મા-બાપો સંતાનોને ભણાવે છે. એનો બદલો સરકાર પોતે જ આપતી ન હોય તો પછી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ શું ન કરે? જ્યાં સરકારી અને તે પણ ઈજનેરી કોલેજોમાં અડધી કોલેજોમાં આચાર્ય, જ્યાં જરૂરી 280 પ્રાધ્યાપકોમાંથી માત્ર 27 પ્રાધ્યાપકો જ નિમ્યા હોય એ તંત્ર, કૌશલ્ય વિકાસની મોટી વાતો કરે એનો અર્થ ખરો! ટૂંકમાં, ગુજરાતના લોકમતે ગુજરાતનાં સંતાનોના ભાવિ માટે ગંભીર વિચાર કરવાની અને અવાજ ઉઠાવવાની જરૂર છે. આમ નહીં થાય તો 2015માં પાંચ વરસની ઉંમરે પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવનાર બાળકનું 2028માં ભાવિ અંધકારમય હશે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19 ફેબ્રુઆરી 2015