ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન ફરીથી એક વખત વિવાદનો મુદ્દો બન્યો છે, ત્યારે સ્વાયત્તતાની થોડી તાત્ત્વિક ચર્ચા પ્રસ્તુત છે.
લોકશાહીનું હાર્દ લોકોના વાણીસ્વાતંત્ર્ય, પોતાના શાસકોની પસંદગી કરવાના લોકોના અધિકાર અને કામદારના શાસનમાં રહેલું છે. તેની સાથે લોકોમાં સત્તાની વહેંચણીમાં પણ રહેલું છે. સત્તાની આ વહેંચણીનું માધ્યમિક વિવિધ સ્વરૂપની કામગીરી બજાવતી સંસ્થાઓની સ્વાયત્તતા છે. લોકશાહી ધરાવતા દેશોમાં આવી વિવિધ સંસ્થાઓ પોતાની રીતે કામ કરતી હોય છે. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા વગેરે દેશોમાં યુનિવર્સિટીઓ તેનું એક ઉદાહરણ છે. ઇંગ્લૅન્ડ આદિ અનેક દેશોમાં રાજ્ય યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપે છે, પણ યુનિવર્સિટીઓની કામગીરીમાં હસ્તક્ષેપ કરતી નથી. બીજા શબ્દોમાં કહીએ, તો યુનિવર્સિટીઓને સ્વાયત્ત રાખવામાં આવી છે.
લોકશાહી દેશોમાં જેમને હવે બિનસરકારી સંસ્થાઓ (NGO) તરીકે ઓળખવામાં આવે છે, તેઓ અનેક સામાજિક કાર્યો કરે છે. આ બધી સંસ્થાઓને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાનું હોય છે, એ ખરું, પણ તેમને પોતાની રીતે સંસ્થાના ઉદ્દેશો પાર પાડવા માટેની મોકળાશ આપવામાં આવે છે. મુદ્દો એ છે કે લોકોમાં નવપ્રવર્તનો (ઇનોવેશન) કરવાની જે ક્ષમતા રહેલી છે, તેમનામાં જે સર્જકતા રહેલી છે, તેને આવી સ્વાયત્ત સંસ્થાઓમાં જરૂરી મોકળાશ મળતાં તે ખીલી ઊઠે છે.
આ મુદ્દાનું બીજું પાસું પાસું પણ નોંધવું જોઈએ. ઉપર નોંધ્યું છે તેમ સત્તા લોકોમાં વહેંચવાની છે, એનો મતલબ રાજ્યની સત્તાને સીમિત કરવાની છે એવો થાય છે. દેશમાં રાજ્યવહીવટના ક્ષેત્રે સભાનું વિકેન્દ્રિકરણ કરીને ગ્રામ પંચાયતો દ્વારા લોકોને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. એ જ રીતે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કાર્યો અને સત્તાની વહેંચણી થયેલી છે. પંચાયતો અને રાજ્ય સ્તરે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, કેન્દ્ર સરકાર વહીવટદારો નીમીને એ સ્તરોની સરકારોનો વહીવટ ચલાવતી નથી. આ જ મુદ્દો રાજ્ય દ્વારા રચવામાં આવતી સંસ્થાઓને (જેમ કે યુનિવર્સિટીઓને) લાગુ પડે છે. આવી પ્રજાકીય સંસ્થાઓનો વહીવટ રાજ્યે વહીવટદારો નીમીને પોતાના હાથમાં રાખવાનો નથી, પણ સંસ્થાઓને આવશ્યક સ્વાયત્તતા આપીને ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓના હાથમાં મૂકવાનો છે. લોકોમાં સત્તા વહેંચવા માટેનો આ એક માર્ગ છે.
અહીં સુધીની ચર્ચાના સૂચિતાર્થો સાહિત્ય અકાદમીના સંદર્ભમાં સ્પષ્ટ કરીએ. પાયાનો પ્રશ્ન તો આ છે : સરકારે સાહિત્ય અકાદમી રચવી જરૂરી હતી? ગુજરાતી સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી, ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજી અનેક સાહિત્યિક સંસ્થાઓ પોતપોતાની રીતે સાહિત્યનાં કાર્યો કરી રહી હતી. તેથી અકાદમીના રૂપમાં સંસ્થા રચીને સરકારે પોતાની સત્તા અને પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાનું પ્રયોજન શું હતું? અસ્તિત્વ ધરાવતી સાહિત્યિક સંસ્થાઓ ન કરતી હોય એવાં કયાં કાર્યો હતાં, જે કરવા માટે સાહિત્યિક અકાદમી રચવાનું અનિવાર્ય હતું? પ્રતિભાશાળી સાહિત્યકારોને ચંદ્રકો, ઍવૉર્ડો આપીને તેમનું ગૌરવ કરવામાં આવતું જ હતું; સારાં પુસ્તકોને પુરસ્કૃત કરવામાં આવતાં હતાં, સાહિત્યિક સામયિકો પ્રગટ થતાં હતાં; સાહિત્યિક પુસ્તકોનું પ્રકાશન ખાનગી પ્રકાશકો ઉપરાંત કેટલીક સંસ્થાઓ કરતી જ હતી. હા, લેખકના પ્રથમ પુસ્તકના પ્રકાશન માટે કોઈ નાણાકીય સહાય(ગ્રાન્ટ)ની વ્યવસ્થા કદાચ નહોતી. મુદ્દો એ છે કે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે સરકારે સાહિત્યિક સંસ્થા રચવી જરૂરી નહોતી. અસ્તિત્વ ધરાવતી સાહિત્યિક સંસ્થાઓનો ઉપયોગ કરીને સરકાર ગુજરાતી ભાષાસાહિત્યના ઉત્કર્ષનું કામ કરી શકી હોત. એનું એક નમૂનારૂપ ઉદાહરણ ગુજરાત વિશ્વકોશનું છે. આરંભમાં સરકારે તેને ગ્રાન્ટ આપી ન હતી, પણ કેટલાક ગ્રંથોના પ્રકાશન પછી સરકારે ગ્રંથ દીઠ સહાય આપીને એ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતીમાં વિશ્વકોશનું પ્રકાશન એક સાહિત્યિક પ્રવૃત્તિ જ છે. ગુજરાતમાં કાર્યરત અન્ય સાહિત્યિક સંસ્થાઓને પણ આ રીતે પ્રોજેક્ટ આધારિત સહાય આપીને સરકાર ગુજરાતી ભાષાસાહિત્યને પ્રોત્સાહન આપી શકી હોત. પણ તત્કાલીન સરકારે વિવિધ ભાષાઓ માટે અકાદમીઓ રચવાનું પસંદ કર્યું. આરંભમાં તેણે અકાદમીઓને સરકારના એક ખાતાની જેમ ચલાવી, પણ ઉમાશંકર જોષી, દર્શક, યશવંત શુક્લ જેવા સાહિત્યકારોની માગણી સ્વીકારીને અકાદમીને એક સ્વાયત્ત સંસ્થા બનાવી. પણ એક સ્વાયત્ત સંસ્થા તરીકે તે પૂરો દસકો પણ કાર્ય કરી શકી નથી. ફરીથી તેને એક સરકારી વિભાગ બનાવી દેવામાં આવી છે.
આના સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ પ્રબળ જણાતી એક દલીલ કરવામાં આવે છે : અકાદમી સરકારી છે એ સાચું, પણ એ પોતાનાં બધાં કાર્યો સાહિત્યકારો દ્વારા જ કરે છે; દા.ત., ઇનામો આપવા માટે ઉત્તમ પુસ્તકોની પસંદગી સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે; ગૌરવ-પુરસ્કાર આપવા માટે સાહિત્યકારની પસંદગી સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે. અકાદમી દ્વારા પ્રગટ કરવામાં આવતા માસિકનું સંપાદન સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં, સાહિત્ય અકાદમી સરકારી હોવા છતાં એનાં કાર્યો તો સાહિત્યકારો દ્વારા જ કરવામાં આવે છે, સ્વાયત્ત અકાદમી પણ આ પૈકીના કોઈ ને કોઈ સાહિત્યકારો દ્વારા જ પોતાનાં કાર્યો કરશે.
દેખીતી રીતે આ દલીલમાં તથ્ય જણાય છે, પણ સહેજ ઊંડા ઊતરીને આ દલીલ તપાસતાં તેમાં રહેલો વિચારદોષ જણાઈ આવે છે. પૂર્વના સામ્યવાદી દેશોમાં યુનિવર્સિટીઓ અને સાહિત્યિક સંસ્થાઓ સ્વાયત્ત નહોતી, પણ તેમનાં કાર્યો તો સરકાર દ્વારા પસંદ કરવામાં આવતા અધ્યાપકો અને સાહિત્યકારો દ્વારા જ કરવામાં આવતાં હતાં. પ્રશ્ન – પસંદગીના અધિકારના છે. પોતાના શાસકોની પસંદગી કરવાનો અધિકાર લોકોનો છે, એ સિદ્ધાંત પર લોકશાહી વ્યવસ્થાને પસંદગી આપવામાં આવી છે. લોકશાહીનો આ સિદ્ધાંત સરકાર રચિત સંસ્થાઓને પણ લાગુ પડે છે. એમાં શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ બધી સંસ્થાઓમાં વિવિધ કામગીરીઓ માટે માણસોની પસંદગી સંસ્થાના બંધારણ પ્રમાણે ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થવી જોઈએ. સંસ્થાની સ્વાયત્તતા અને સરકારીકરણ વચ્ચે આ તફાવત છે. સરકારી સંસ્થામાં વિવિધ કાર્યો માટે વ્યક્તિઓની પસંદગી સરકારનિયુક્ત હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્વાયત્ત સંસ્થાઓમાં એ પસંદગી બંધારણીય રીતે ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે.
સ્વાયત્તતાની ચર્ચામાં એક પ્રશ્ન ઊભો કરવામાં આવે છે : સ્વાયત્ત કે સ્વૈચ્છિક સંગઠન સ્વરૂપની સાહિત્યિક સંસ્થાઓમાં જે પસંદગીઓ થાય છે; દા.ત., પુરસ્કાર આપવા માટે પુસ્તકોની પસંદગી થાય છે, તે વિવાદાસ્પદ હોય છે. લોકશાહી ઢબે ચાલતી સંસ્થાઓમાં જૂથબંધી ચાલે છે અને કોઈ એક જૂથ વાસ્તવમાં સંસ્થાઓનો કબજો લઈ લેતું હોય છે. આ અને એ પ્રકારની દલીલોમાં તથ્ય છે, પણ એના આધાર પર સ્વાયત્તતાનો વિરોધ ન કરી શકાય. ઉપર નોંધવામાં આવી છે, એ બધી જ ટીકાઓ લોકશાહી શાસનપ્રથાને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. લોકશાહી શાસનમાં આપણને મોટી સંખ્યામાં ભ્રષ્ટાચારી શાસકો મળ્યા છે. આમ છતાં આપણે લોકશાહી પ્રથાના વિકલ્પે સરમુખત્યારશાહી જેવી કોઈ શાસનપ્રથા સ્વીકારતા નથી, પણ મતદારોની જાગૃતિ અને ‘નાગરિકસમાજ’ દ્વારા લોકશાહી શાસનને સુધારવાના પ્રયાસો કરીએ છીએ. એ જ અભિગમ સ્વાયત્ત અને અન્ય પ્રજાકીય સંસ્થાઓમાં ચૂંટાઈ આવતા સભ્યો પૂરી લાયકાત કેળવે એ પછી જ સંસ્થાઓને સ્વાયત્ત બનાવવી જોઈએ, એવી દલીલ ન થઈ શકે.
૨૦૨, ઘનશ્યામ એવન્યૂ, જૂના શારદા મંદિર પાસે, પાલડી, અમદાવાદ-૪૦૦ ૦૦૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 01 & 09