કવિ હૃદયની ભાષા વ્યક્ત કરતો હોય છે અને એટલે જ તેના શબ્દો સીધા હૃદયને સ્પર્શતા હોય છે. કવિ માત્ર શબ્દોનો ઇજનેર નથી હોતો, પણ તે ભાવનાઓનો ભગીરથ હોય છે અને આપણા દિલમાં પડેલી અનેક ઉર્મિઓને વહાવવા માટે નિમિત્ત બનતો હોય છે.
શબ્દ રમત કરીને જોડકણાં જોડનારા કવિઓ જ્યારે લોકોના હૃદય સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ લોકોના મનોરંજનના રવાડે ચડતા હોય છે. પ્રલોભનો અને પ્રસિદ્ધિની લાયમાં આ મનોરંજક કવિઓ ક્યારે પપેટ કવિ બની જતા હોય છે, તેમને અંદાજ પણ રહેતો નથી. મનોરંજક કવિતાઓ કરનારાને પદ અને પ્રસિદ્ધિ જરૂર મળે છે, પણ ન તો તેમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે કે ન ઇતિહાસ તેમને લાંબો સમય યાદ રાખવાની તસદી લે છે. ભારતે વાલ્મીકિ-વ્યાસ-કાલીદાસ જેવા મહાકવિઓ જોયા છે તો આધુનિક યુગમાં ટાગોર, ગાલિબ જેવા વિશ્વકવિથી માંડીને દિનકરથી લઈને આપણા ગુજરાતી નર્મદ-મેઘાણી-ઉમાશંકર જેવા કવિઓ પણ જોયા છે. આ કવિઓ અમર થઈ ગયા છે, કારણ કે તેમના સર્જનમાં રોજિંદી સંવેદનાઓ ઉપરાંત વિશ્વચેતનાના ચમકારા હતા, હદયના ભાવોની સાથે જનસમુદાયની સંવેદનાઓનો સમન્વય પણ સધાયો હતો. એમનાં સર્જનોમાં 'સ્વ'ની જ નહિ, 'સર્વ'ની નિસબત હતી. શબ્દરમતો થકી સત્તાધીશોના ગુણગાન ગાનારા કવિઓ પણ આદિ કાળથી જોવા મળે છે. આવા પપેટ કવિઓને હંમેશાં માન-પાન-અકરામ મળતાં હોય છે, જ્યારે સત્તાધીશોને ગમે એવું નહીં પણ જે સાચું હોય એ સંભળાવી દેનારા કવિઓ આંખના કણાની જેમ ખટકતા હોય છે. કવિતાને જ્યારે હૃદયની વાણી કહેવામાં આવે છે ત્યારે તેમાં સો ટચના સત્યની શુદ્ધતા અનિવાર્ય હોય. જે કવિઓ સત્યનિષ્ઠા-મૂલ્યનિષ્ઠામાં માનતા હોય છે, તેમણે ખાંડાની ધારે ચાલવા તૈયાર રહેવું પડે છે.
દુનિયાએ એવા કવિઓ પણ જોયા છે, જેમણે સત્યનિષ્ઠા ખાતર સત્તાધીશોના સીતમ સહ્યા છે. આજે કવિઓ અને કાવ્યનિષ્ઠાની પારાયણ માંડવાનું નિમિત્ત છે – ૨૦મી સદીના મહાન કવિ પાબ્લો નેરુદાનો જન્મ દિવસ. ૧૨ જુલાઈ, ૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા સામ્યવાદી વિચારસરણી ધરાવતા ચિલીના એક એવા કવિ છે, જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક તો મળ્યું જ હતું, તો સામે ચિલીના સત્તાધીશ દ્વારા મોત મળ્યાનું પણ કહેવાય છે! થોડા દિવસ પહેલાં એટલે કે ૫ જૂન, ૨૦૧૫ના રોજ 'ધ ગાર્ડિયન' નામના પ્રતિષ્ઠિત અખબારે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં ખુલાસો કરાયો છે કે ચિલીના જનરલ ઓગસ્ટો પિનોચેટે બળવો કરીને સત્તાને આંચકી લીધા પછી થોડા દિવસોમાં જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કવિ પાબ્લો નેરુદાના શરીરમાં એવા બેક્ટેિરયાનું ઇન્જેક્શન અપાયું, જેને કારણે તેમનું મોત ૨૩ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ થયું હતું. પાબ્લો નેરુદાને ઝેર આપીને મારી નખાયાનો મુદ્દો દાયકાઓ સુધી ચર્ચામાં રહ્યો છે. કવિના મોતનું સાચું કારણ જાણવા માટે તેમની કબરમાંથી મૃતદેહને પાછો કાઢીને ફરી પોસ્ટમોર્ટમ કરાયું હતું. ચિલી ઉપરાંત અમેરિકા, સ્પેન અને છેલ્લે સ્વિટ્ઝર્લેન્ડમાં તેમના મૃતદેહના અંશોનું પરીક્ષણ કરવામાં આવ્યું. મોટા ભાગનાં પરીક્ષણમાં તેમને ઝેર અપાયું હોવાની કોઈ સાબિતી મળતી નથી, પરંતુ છેલ્લે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા પરીક્ષણમાંથી એવું બહાર આવ્યું છે કે તેમના શરીરમાં એવા કોઈ બેક્ટેિરયાને ઘૂસાડવામાં આવ્યા હતા, જે તેમના મોત માટે જવાબદાર બન્યા હતા.
વીસ વર્ષની વયે રોમેન્ટિક કવિ તરીકે જાણીતા થનારા પાબ્લો નેરુદાએ એવું તે શું લખી નાખ્યું કે લશ્કરી શાસકે તેમના અવાજને કાયમ માટે બંધ કરી દેવો પડયો, એ જાણવા-વિચારવા જેવી વાત છે. જો કે, પિનોચેટ પહેલાં પણ ચિલીમાં જ્યારે ગોન્ઝાલીસ વિડેલાનું સરમુખત્યાર શાસન આવ્યું ત્યારે તેમના વિરુદ્ધ વોરન્ટ નીકળેલું અને મહિનાઓ સુધી અજ્ઞાતવાસમાં રહીને પછી છાનામાના દેશ બહાર ભાગી જવું પડયું હતું. સરમુખત્યાર પ્રકૃતિના શાસકોને મુક્તગાન ગાતા, સત્યગાન ગાતા કવિ ક્યારે ય સહન થતા નથી. શાસક ઇચ્છે છે કે કવિએ તો એવી જ કવિતા લખવી, જેનાથી તેની પ્રશંસા થાય. જે કવિ સત્તાધીશની નહિ સત્યની આરતી ઉતારે છે, તે શાસકને જોખમી લાગે છે અને આંખના કણાની જેમ ખટકવા લાગે છે. આશા અને હરિયાળી લાગણીઓના પ્રતીક સમા લીલા રંગની પેનથી જ લખવાનું પસંદ કરનારા પાબ્લો નેરુદા જેવા કવિએ 'લાલ' શહીદી વહોરવી પડે છે.
તમને પાબ્લો જેવા કવિ ગમે કે પપેટ કવિ?
સૌજન્ય ‘સમય સંકેત’, નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જુલાઈ 2015
e.mail : divyeshvyas.amd@gmail.com