જગતમાં ફકત એક જીવનને માટે ગુનાહો કર્યા છે અમે તો હજારો !
ના તસબીહ પઢી છે, ના સજદો કર્યો છે, છતાં પણ ગણાયો છું હું તો તમારો !
ના ચાહું અમીરી, ના ચાહું ફકીરી, ના ચાહું જીવનમાં હું કંઈ પણ સુધારો,
અમારા પગો પર ઊભા રાખ અમને, હું માંગુ ફકત એક તારો સહારો.
નથી પાદરી હું, ન હું મૌલવી છું, ન હું કોઈ સાધુ, ન જોગી- ધુતારો,
હું આદમનો વંશજ ફકત આદમી છું, નથી કાંઈ શયતાનનો વંશ મારો!
જગતની મુસીબતથી બીકણ બનીને, ના હિંમત મેં હારી કદીએ જીવનમાં,
અંધારા, અગોચર ખૂણામાં પડ્યો હું, ખુશીથી સહું છું સમયના પ્રહારો.
અરે, શેખજી! કેમ દોઝખની અગ્નિથી અમને ડરાવે છે ભાષણ કરીને ?
તને શું ખબર કે વિરહ અગ્નિમાં હું બળીને ગુજારું છું સાંજો-સવારો !
સનમ થૈને ક્યારેક તડપાવે અમને, રહમ પણ કરે છે અમારા ઉપર તું,
કદી બાગને તું જ પલટાવે રણમાં, કદી તું જ રણમાં ખીલાવે બહારો!
આ જંગલમાં તું છો ને તું છો ચમનમાં, તું છો બુલબુલોમાં ને તું છો સુમનમાં,
ધરા પર, ગગન પર, શશીમાં, સૂરજમાં – બધે બસ મેં જોયા છે તારા વિહારો.
સુરાલયમાં આવીને સાકી બનીને, તું પીવડાવે અમને મદિરા ભરીને,
અને કો'દી 'ખય્યામ'ના દિલમાં આવી, તું આપે છે એને કવનમાં વિચારો.
સૌજન્ય : "સુરાલય", પૃ: 114-115, ઑક્ટોબર 1966, ગુજરાતી સાહિત્ય મંડળ, બ્લેન્ટાયર (મલાવી).
કવિના સ્વમુખે : https://youtu.be/IhlFbuwYheg