પિતાએ પુત્રીને પૂછ્યું :
તારે ભણવું છે? પણ શા માટે?
મારા દીકરાઓ છે તે ભણશે.
તારે ભણીને કઈ પટલાઈ કરવાની છે?
મારાં સપનાંની ઉડાન માટે, હું ભણીશ જ,
જ્ઞાનનો દીપક ઝળહળ રહે એટલે,
જીવન સમરાંગણમાં ટકવા માટે પણ,
ને વળી હું છોકરી છું તેથી તો ખાસ !
માણસોના અત્યાચારોથી બચવા,
મારાં મૌનના સંસ્કારના અંત માટે,
પિતૃસત્તાને પડકારવી છે તેથી,
બધા ભેદભાવ મિટાવી દેવા છે,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
જાત વગરની જાત્રા ખોટી તે અનુભવવા માટે,
સામાજિક ન્યાય માટે કાયદા ઘડી શકાય એટલે,
સદીઓ પુરાણી ધૂળ ખંખેરી નંખાય તેથી,
પડકારોને પહોંચી વળવા કાજ હું ભણીશ જ,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
સાચુંખોટું શું તેનો ભેદભરમ ભંગાય જાય તેથી,
મારો અવાજ બુલંદ બનાવવા ખાતર,
નારીમુક્તિ ગીતગુંજન કાજ તો હું ભણીશ જ,
દીકરીઓ માટે વસવાટ લાયક દુનિયાનું સર્જન કરવાં માટે,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
પિતા બોલ્યા:
જાગી છે તો ઊઠ ને થા ઊભી!
દોડતી રહેજે ….
ડરીશ નહીં
પડીશ આખડીશ તો છે ખમતીધર છે માબાપ તારાં
ને ભાઈલા છે પ્યારા
ધરપત રાખજે, મંડી રહેજે
ભણીગણીને પગભર રહેજે
જીવન છે તારું, ઘડતર કરીશ ન્યારું
કરી દેખાડજે મંઝિલ પાર,
ડરીશ નહીં ખમતીધર છે માબાપ તારાં ……
(અહીં છેવટે પિતાનો જવાબ મેં ઉમેર્યો છે.)