પદ્મશ્રી સન્માનિત થિમ્માક્કાએ બે દિવસ પહેલાં કર્ણાટકમાં વૃક્ષછેદનનો વિરોધ કર્યો છે, પડધરીના વિજયભાઈએ રાજકોટના લોકોને વિનામૂલ્યે છોડ વાવી આપવાની જાહેરાત કરી છે …
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને દસ લાખ ઝાડ વાવવાની આનંદદાયક જાહેરાત કરી છે. પર્યાવરણ દિને મુખ્યમંત્રીએ તેમ જ કેટલીક સંસ્થાઓએ પણ વૃક્ષારોપણ કર્યું. ચુંવાલીસ અંશ તાપમાનમાં વાવેલાં આ છોડ ટકી રહે તેની તકેદારી રાખવી અલબત્ત જરૂરી બને. જંગી સંખ્યામાં છોડ તો વાવવામાં આવે છે, પણ તેમાંથી ઝાડ તરીકે બહુ ઓછાં ટકે છે.
મસમોટાં વ્યવસ્થાતંત્રોની બેદરકારી અને મોટા ભાગના નાગરિકોની સંવેદનહીનતાની વચ્ચે, એકલા હાથે સેંકડો ઝાડ ઉછેરી પોતાના વિસ્તારોને હરિયાળા રાખનારા એકલવીર વૃક્ષપ્રેમીઓ વિરોધાભાસ અને પ્રેરણા બંને પૂરાં પાડે છે. કર્ણાટકનાં 106 વર્ષનાં થિમ્માકા એમાંનાં જ એક છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમને પદ્મશ્રી સન્માન એનાયત કરવામાં આવ્યું. થિમ્માક્કાએ ગયાં પાંસઠ વર્ષમાં આઠ હજાર ઝાડ ઊછેર્યાં છે, જેમાં 384 જેટલાં વડનાં ઝાડનો પણ સમાવેશ થાય છે. થિમ્માકા બેંગલોરથી સિત્તેરેક કિલોમીટર પર આવેલાં હુલિકલ ગામમાં રહે છે. અહીંથી ચાર કિલોમીટર પર આવેલાં કુદુર ગામની વચ્ચેના રસ્તાની બંને બાજુએ તેમણે વાવેલાં વડથી લીલી કમાન બની ગઈ છે. આ શીતળ રસ્તો ય થોડાંક વર્ષો પહેલાં જેમને આકરો લાગતો હતો તેવા વૃક્ષશત્રુઓએ કેટલાંક વડ કાપવા માટેની હિલચાલ શરૂ કરી, જેનો ગામના સભાન નાગરિકોએ વિરોધ કર્યો, પોલીસ ફરિયાદ થઈ, માધ્યમોમાં વાત ઝળકી અને થિમ્માક્કાનું કામ કર્ણાટકમાં કંઈક જાણીતું થયું. અત્યારે તેઓ દુનિયાભરમાં જાણીતાં છે. બી.બી.સી.એ 2016માં થિમ્માક્કાનો વિશ્વનાં સહુથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી એવી સો મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. ઉપરાંત તેમને દેશ અને દુનિયાનાં અનેક સન્માનો મળી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખે તેમને પદ્મશ્રી સન્માન આપ્યું ત્યારે તેમણે રામનાથ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. દેશના ઇતિહાસમાં આવો આ પહેલો જ કિસ્સો હતો. કોવિંદે તેમની ટ્વિટમાં આ મતલબનું લખ્યું : ‘પદ્મ પુરસ્કારના સમારંભમાં ભારતની સહુથી ઉત્તમ અને સુપાત્ર વ્યક્તિઓને માન આપવાનો વિશેષાધિકાર રાષ્ટ્રપતિને હોય છે. પણ આજે દેશનાં સૌથી મોટી ઉંમરના પદ્મ સન્માનિત વ્યક્તિ એવાં, કર્ણાટકનાં 107 વર્ષનાં પર્યાવરણવિદ્દ સાલુમરદા થિમ્માક્કાએ મને આશીર્વાદ આપવાનું ઉચિત માન્યું તે વાત મને સ્પર્શી ગઈ છે.’ થિમ્માક્કાને કન્નડામાં લોકો ‘સાલુમરદા’ એટલે કે ‘વૃક્ષોની હરોળ વાવનાર’ તરીકે ઓળખે છે. તેમના ગૌરવ માટે વપરાતા બીજા કેટલાક શબ્દો છે ‘વનમિત્ર’, ‘નિસર્ગરત્ન’, ‘વૃક્ષશ્રી’, ‘પરિસરમાતા’ અને ‘વૃક્ષમાતા’.
માતા બનવાની નારીસહજ ઝંખનામાંથી થિમ્મક્કા વૃક્ષમાતા બન્યાં. ગરીબ પશુપાલક પતિ બિક્કાલ્લા ચિક્કૈય્યા સાથે છૂટક મજૂરી કરનાર થિમ્માક્કાને પેટે વર્ષો લગી સંતાનનો જન્મ ન થયો. એટલે આ દંપતીએ છોડને પોતાનાં છોકરાં બનાવ્યાં. પહેલાં વર્ષે ચોમાસામાં પોતાનાં ઘર પાસેના રસ્તે વડની દસ કલમો વાવી અને પછી તો સંખ્યા વધતી જ રહી. વડની સાથે પીપળ, કણજી, આંબા, ઉંબર પણ વાવતાં ગયાં. મહેનત પણ ખૂબ લેતાં. ચિક્કૈય્યા કાવડમાં સાથે થિમ્મક્કા માથે ને કેડે બેડાં લઈને દૂરથી પાણી લાવીને છોડને પીવડાવતાં, એક છોડનો ત્રણ-ચાર દિવસે વારો આવતો. માવજતને કારણે ભાગ્યે જ કોઈ છોડ કરમાય, અને ક્યારેક એમ બને તો ચિક્કૈય્યા નવો રોપો ઊગાડી દેતા.
ચિક્કૈય્યાનું 1994માં અવસાન થયું, પણ થિમ્માક્કાએ કામ ચાલુ જ રાખ્યું. તે કહે છે : ‘દરેક ઝાડ મારા માટે સંતાન સમું છે. તે મોટું થાય ત્યાં સુધી હું તેને ઉછેરું છું.’ ઝાડની દેખભાળ કરવા માટે, નવાં છોડ વાવવા માટે તેમ જ અનેક જગ્યાએ વૃક્ષારોપણના આમંત્રણ નિમિત્તે થિમ્માક્કા દર મહિને સેંકડો કિલોમીટર ફરે છે. ઉંમરને કારણે આવેલી નબળાઈ અને આંખે ઝાંખપ છે. સત્તર વર્ષ પહેલાં દત્તક લીધેલ ઉમેશ તેમની સંભાળ રાખે છે. ટુકડો જમીન છે, રહેવા માટે સાવ નાનું ઘર છે. તેમાં પ્રમાણપત્રો, ચંદ્રકો, સન્માનચિહ્નો ઠીક જગ્યા રોકે છે.
‘આ બધાં સન્માનોને હું ખાઈ નથી શકતી’, એવું કહેવાનો વારો થિમ્માક્કાને આવ્યો તેનું કારણ નજીવી સરકારી સહાય છે. સંસ્થાઓ નાની-મોટી આર્થિક મદદ કરતી રહે છે. તેમાંથી પણ થિમ્માક્કા પોતાનાં અંતરિયાળ અને ગરીબ ગામમાં હૉસ્પિટલ બનાવવાની કોશિશો માટે કંઈક રકમ ખરચી રહ્યાં છે. જો કે ગામ લોકોની મદદથી થિમ્માક્કા વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ઊભી કરી શક્યાં છે. આઘાતજનક વાત તો એ છે કે થિમ્મક્કાનાં ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ન આપનાર સરકાર હવે તેમણે વાવેલાં ઝાડ કાપવા નીકળી છે. આ લખાય છે ત્યારે સમાચાર એ છે કે બેંગલોર પાસેનાં સૂચિત બાગેપલ્લી હલાગુરુ ધોરી માર્ગ યોજના માટે તેમણે વાવેલાં ઝાડ કાપવામાં આવશે એવા સમાચાર મળતાંની સાથે થિમ્મ્માકા મુખ્ય મંત્રીને મળવા ગયાં હતાં. કર્ણાટકના કુદરત પ્રેમીઓ પણ વિરોધની તૈયારીમાં છે ! થિમ્માક્કાએ કહ્યું : ‘મારાં વાવેલાં વડ હું નહીં કપાવાં દઉં ….’
આવો પડકાર થિમક્કાએ હમણાં બે દિવસ પહેલાં જ કર્ણાટકમાં વૃક્ષો બચાવવા માટે ફેંક્યો, તો એ જ અરસામાં,પડધરીના વિજય ડોબરિયાએ રાજકોટના લોકોને વૃક્ષો વાવવાં માટે હાકલ કરી. તેમણે આ મતલબની જાહેરાત કરી છે : ‘તમારે ફક્ત એક ફોન કરવાનો રહેશે, એટલે અમારા સ્વયંસેવકો તમારાં આંગણે તમને મનગમતું વૃક્ષ વાવી જશે. એટલું જ નહીં પણ વૃક્ષનાં રક્ષણ માટેનું લોખંડનું એક પિંજરું પણ આપશે. આ પિંજરાની ફરતે ગ્રીન નેટ પણ બાંધશે. આ તમામ સેવા મફત છે. તમારે બસ આ છોડ વાવ્યાં પછી તેને પાણી જ પાવાનું રહેશે.’
વિજયભાઈ પડધરી તાલુકાના 54 ગામોને 2.62 લાખ વૃક્ષો વાવીને હરિયાળાં બનાવી ચૂક્યા છે. આ તાલુકાનું ફતેપુર ગામ વિજયભાઈનું વતન છે. તેમણે 5 જૂન 2014ના પર્યાવરણદિને નિશ્ચય કર્યો કે તેમનાં પંથકના ગામોને છાંયડા વિનાના નથી રહેવા દેવાં. ત્યારથી તે દિવસરાત એક કરી દરરોજનાં સિત્તેર જેટલાં રોપા ઊગાડતા રહ્યા. આ કામ સહેલું ન હતું. પાણીનો સવાલ તો ખરો જ, પણ જમીને ય કાઠી. એટલે ઊંડા ખાડા ખોદવા પડતા, તેમાં બીજેથી સારી માટી લાવીને નાખવી પડતી. એક છોડ વાવવાનો ખર્ચ ત્રણસો ચાળીસ રૂપિયા જેટલો થતો. કુદરતી ખાતરનો ભાગીદારીમાં વ્યવસાય કરનાર વિજયભાઈને ખેડૂતોની મદદ પણ મળતી રહી છે. કેટલાંકે રોકડ રકમ આપી તો કેટલાકે પોતાના બોરમાંથી પાણી આપ્યું છે. સાડત્રીસ વર્ષના વિજયભાઈ હવે રાજકોટને હરિયાળું બનાવવાનો ઉદ્યમ હાથ પર લીધો છે. માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ વૃક્ષારોપણ કરતાં રહેલા વિજયભાઈનો અભિગમ બહુ હકારાત્મક છે. લોકોને કે તંત્રને દોષ દેવાને બદલે તે કહે છે : ‘ શહેરમાં રહેતા ઘણા લોકોને સમયનો અભાવ હોય છે. વળી તો વૃક્ષના રોપા ક્યાંથી મળે એ બધી બાબતો વિશે કદાચ સામાન્ય માણસને ખ્યાલ પણ ન હોય.’ રાજકોટમાં વૃક્ષારોપણ માટે વિજયભાઈએ જાહેર કરેલો મોબાઈલ નંબર છે 6354802849. તેમણે ખુદ દસ હજાર લોકોને ફોન કરીને હાકલ કરી છે.
ધરતીમાતાને થિમ્માક્કા અને વિજયભાઈ જેવાં સંતાનોની બહુ જરૂર છે.
++++++
06 જૂન 2019
પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 જૂન 2019