હાલમાં છત્તીસગઢમાં બસ્તરના આઈ.જી. એસ.આર.પી. કલ્લૂરી પર એ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે બસ્તરમાં રહીને કાર્ય કરતાં સામાજિક કાર્યકર્તા બેલા ભાટિયાની મદદની માગણી કરતી અરજીના જવાબમાં કેટલાક અભદ્ર સંદેશ મોકલ્યા છે.
બી.બી.સી. સાથેની વાતચીતમાં આઈ.જી. કલ્લૂરીએ આ અભદ્ર સંદેશ મોકલવાની વાતને ચોક્કસપણે નહિ નકારતા કહ્યું હતું કે, શું કોઈ ઓફિસર આવું કરી શકે અને અમારા ફોનમાં પણ ઘણા સંદેશાઓ રહેલા હોય છે, અમે પણ રિપોર્ટ કરી રહ્યા છીએ, તેઓને પણ રિપોર્ટ કરવા દો. અમે સાયબર એક્સપર્ટ સાથે પૂરતી તપાસ કરાવી રહ્યા છીએ. આ ઘટના બાદ અત્યારે રજાઓ પર જતાં પહેલાં શિવરામ પ્રસાદ કલ્લૂરીએ કહ્યું છે કે મારા તરફથી તમામ લોકોને વિનંતી છે કે મારા પોસ્ટિંગની ચર્ચાઓનો અંત લાવો અને ભવિષ્યમાં માઓવાદની સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી તેના પર ચર્ચા શરુ કરો, અને તે આધારિત એક્શન પ્લાન તૈયાર કરો.
તો આખરે કોણ છે આ આઈ.જી. એસ.આર.પી. કલ્લૂરી ઉર્ફે શિવરામ પ્રસાદ કલ્લૂરી.
તેની હવે વિગતે વાત કરીએ. મધ્ય પ્રદેશથી અલગ થઈ અને છત્તીસગઢ જ્યારે એક અલગ રાજ્ય બન્યું, ત્યારે અજીત જોગી તેના મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે છત્તીસગઢ રાજ્યના ઘણાં ઓફિસરો ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેઓ અજીત જોગીને ‘ડેડી’ના નામથી બોલાવતા હતા. ભારતીય પોલીસ સેવાની ૧૯૯૪ની બેચના ઓફિસર શિવરામ પ્રસાદ કલ્લૂરી પણ તે સમયે જ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે શિવરામ પ્રસાદ કલ્લૂરી એ અજીત જોગીની ખાસ વ્યક્તિ છે. બિલાસપુર શહેરમાં એક પોલીસ અધિકારી રહેતા તેઓની ઉપર એવા આરોપ લગાવવામાં આવ્યા હતાં કે તેઓ (શિવરામ પ્રસાદ કલ્લૂરી) મુખ્યમંત્રી અજીત જોગીની કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર દબાણ કરી રહ્યાં છે. ‘પ્લાનિંગ’ના માસ્ટર તરીકે ઓળખાતા શિવરામ પ્રસાદ કલ્લૂરીએ સરગુજા(છત્તીસગઢનો એક જિલ્લો)માં જાતિ અને ધર્મમાં વહેંચાયેલા માઓવાદીના સંગઠનમાં ફાંટા પાડ્યા હતા. ત્યાં એક પછી એક ઘણાં ધીંગાણા થયા જેમાં માઓવાદીઓ મરવા લાગ્યા અને પકડાવા લાગ્યા, અને તેમાં જે માઓવાદીઓ બચી ગયા, તેઓ હંમેશાં માટે ઝારખંડ અને બિહાર સ્થાયી થઇ ગયા.
છત્તીસગઢ રાજ્યના ગૃહમંત્રી રામસેવક પેંકરા જણાવે છે કે શિવરામ પ્રસાદ કલ્લૂરીએ માઓવાદીને માત આપી હતી અને સરગુજા જિલ્લામાં માઓવાદીનો સંપૂર્ણ રીતે સફાયો કરી નાખ્યો હતો અને માઓવાદીના આતંકથી મુક્તિ અપાવી હતી. શિવરામ પ્રસાદ કલ્લૂરીને વર્ષ ૨૦૦૬માં ભારત સરકારે તેમની વીરતા બદલ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. પરંતુ આ જ સમયગાળામાં શિવરામ પ્રસાદ કલ્લૂરી પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ રમેશ નગેશિયા નામના એક કથિત માઓવાદીને સમર્પણ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને ત્યાર બાદ નકલી ધીંગાણામાં તેને મારી નાખ્યો હતો. નગેશિયાની પત્ની લેધાની સાથે કલ્લૂરી અને અન્ય પોલીસ કર્મચારીઓ થકી કથિત બળાત્કારનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પણ બાદમાં આ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
શિવરામ પ્રસાદ કલ્લૂરી રમણસિંહ સરકારની પણ પ્રથમ પસંદ બની રહ્યા અને તેઓને જ્યારે નક્સલ ઓપરેશન માટે ડી.આઈ.જી. તરીકે દાંતેવાડામાં નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે સરકારને કલ્લૂરી પાસેથી ઘણી આશાઓ હતી. પણ જ્યારે ૬ એપ્રિલ ૨૦૧૦ના રોજ તાડમેટલામાં માઓવાદીઓએ સી.આર.પી.એફ.ના ૭૬ જવાનોને મારી નાખ્યા હતા ત્યારે ત્યાંની પોલીસ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલ્લૂરીએ ગામેગામમાં પોતાની મુલાકાતો શરુ કરી દીધી હતી. તે સમયે દાંતેવાડાના પોલીસ અધિકારી અને બાદમાં ડી.આઈ.જી.ના પદ પર બિરાજતા કલ્લૂરીની ત્યાંના જંગલ વિસ્તારોમાં દખલગીરી વધી ગઈ હતી. કલ્લૂરીએ ત્યાંના ગામડાંઓમાં પોતાના સમર્થકોનું નેટવર્ક ફેલાવી દીધું હતું અને સલવા જૂડુમ(શાંતિયાત્રા)માં જૂના લોકોને એકઠા કરી અને તેમની સાથે કાર્ય કરવાની રણનીતિથી કલ્લૂરીએ માઓવાદી પર કાબૂ મેળવી લીધો હતો.
આ કહેવું તો કઠિન છે પણ તે સમયમાં તાડમેટલા, મોરપલ્લી અને તિમ્માપુરમમાં સુરક્ષાબળ થકી ત્રણ મહિલાઓની હત્યા, બળાત્કાર અને ૨૫૨ ઘરોને સળગાવવાની ઘટનામાં ફરી એક વખત કલ્લૂરીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પરંતુ, તે સમયે કલ્લૂરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં માઓવાદીનો હાથ છે, પણ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર કરવામાં આવેલી તપાસ બાદ સી.બી.આઈ.એ તેઓના રિપોર્ટમાં સુરક્ષા બળના લોકોને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા હતા. તાડમેટલા, મોરપલ્લી અને તિમ્માપુરમના આદિવાસીઓ માટે રાહતની સામગ્રી લઈને પહોંચેલા સ્વામી અગ્નિવેશ પર જ્યારે દોરનાપાલમાં સલવા જૂડુમના સમર્થકોએ હુમલો કર્યો, ત્યારે ફરી એક વખત આ ઘટના માટે કલ્લૂરી પર નિશાન સાધવામાં આવ્યું હતું. ત્યાર બાદ આખરે કલ્લૂરીની બદલી કરવામાં આવી હતી અને પોલીસ મુખ્યાલયમાં આઈ.જી. પદ દરમિયાન માત્ર જૂના કેસના આધારે જ તેમની ચર્ચા થતી રહી.
વર્ષ ૨૦૧૪માં ફરી એક વખત કલ્લૂરીને બસ્તરની કમાન સોંપવામાં આવી. તેઓને આ વખતે બસ્તરના આઈ.જી. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને આ વખતે જમીનસ્તરથી જ બસ્તરને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું, જેમાં ફરી એક વખત આત્મસમર્પણ અને ધીંગાણાઓની શરૂઆત થઇ ગઈ હતી. બીજી બાજુ બસ્તરમાં સામાજિક સંગઠનોનો સમૂહ રચી અને પ્રોપેગેંડા સેલ તૈયાર કરીને માઓવાદીઓ વિરુદ્ધ મોરચો શરુ કરવામાં આવ્યો. સામાજિક કાર્યકર્તા ડી. સુરેશ જણાવે છે કે આ સલવા જૂડુમનું શહેરી સંસ્કરણ હતું જેમાં ધીરે-ધીરે સામાજિક લોકોની જગ્યાએ આરોપીઓએ પોતાની જગ્યા લઇ લીધી. તે સમયે જેમણે પણ પોલીસની બર્બરતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેઓ પર આઈ.જી. કલ્લૂરીના સંરક્ષણવાળા સંગઠનોએ હલ્લો બોલાવી દીધો. પત્રકારો અને વકીલો પર હુમલો, પત્રકારોની ધરપકડ, માનવઅધિકારના કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ, નંદિની સુંદર સહિત અન્ય લોકો પર કેસ, સામાજિક કાર્યકર્તા બેલા ભાટિયાના ઘર પર હુમલો, સુપ્રીમ કોર્ટમાં સી.બી.આઈ.ના રિપોર્ટ બાદ પોલીસ કર્મચારીઓનું રસ્તા પર ઊતરી આવી અને સામાજિક કાર્યકર્તાઓનાં પૂતળાઓનું દહન કરવું, માનવઅધિકાર આયોગનો પોલીસ વિરુદ્ધ યૌન શોષણનો રિપોર્ટ, હાઈકોર્ટમાં એક પછી એક પોલીસ એન્કાઉન્ટરને નકલી સાબિત કરતા કેસ વગેરે … શિવરામ પ્રસાદ કલ્લૂરીનું લિસ્ટ લાંબુ છે.
થોડા દિવસો પહેલાં, બેલા ભાટિયાના ઘર પર લગભગ ૩૦ જેટલાં અજાણ્યા લોકોએ હુમલો કરી અને તેમને બસ્તર છોડવાની ધમકી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર બેલા ભાટિયાના સમર્થનમાં લખ્યું હતું કે ‘હિંસા ક્યારે ય પણ સત્યનું મુખ બંધ કરી શકે નહિ. હું બેલા ભાટિયા અને એ તમામ લોકોની સાથે છું કે જેઓ છત્તીસગઢમાં આદિવાસીઓના ન્યાય માટે લડત ચલાવી રહ્યાં છે.’ દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલા વકીલો અને સમાજ સેવકોએ આઈ.જી. કલ્લૂરીને આ મુદ્દે મદદની અરજી કરતા સંદેશાઓ મોકલ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ પ્યોલી સ્વાતિજાના કહેવા પ્રમાણે તેઓએ મોકલેલા સંદેશના જવાબમાં આઈ.જી. કલ્લૂરીએ લખ્યું હતું કે નક્સલીઓને બસ્તરમાંથી હાંકી કાઢવામાં આવશે. પ્યોલીનું વધુમાં કહેવું છે કે આ ઉત્તર અંગે જ્યારે તેમણે આઈ.જી. કલ્લૂરીને પૂછ્યું કે તમારા ઉત્તર સાથે મારા પ્રશ્નને શું લેવા-દેવા છે. મહેરબાની કરીને આદિવાસીઓ, એક્ટીવિસ્ટ્સ, શિક્ષણવિદ અને પત્રકારોનું ઉત્પીડન બંધ કરો. ત્યારબાદ આઈ્.જી. કલ્લૂરીનો જવાબ આવ્યો કે ‘એફ યૂ’.
બી.બી.સી. સાથેની વાતચીતમાં પ્યોલીએ કહ્યું કે ‘હું સુપ્રીમ કોર્ટમાં વકીલ છું અને દિલ્હીમાં મારા સુરક્ષિત ખંડમાં બેસીને આ સંદેશ મોકલી રહી હતી, જો તેઓ (કલ્લૂરી) મારી સાથે આટલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી શકે છે તો આ ખૂબ ખતરનાક છે. ગત વર્ષે બસ્તરમાં ‘જગદલપુર લીગલ એડ ગ્રૂપ’ના નામથી કાર્ય કરી રહેલી મહિલા વકીલોને પણ વિસ્તાર છોડવા માટે ધમકી આપવામાં આવી હતી. આ સંગઠન સાથે હજુ પણ છત્તીસગઢમાં કાર્ય કરી રહેલી ઈશા ખંડેલવાલે બી.બી.સી. સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધમકીઓ મળી રહી છે તેમ છતાં બસ્તરમાં હું મારું કાર્ય ચાલું રાખીશ. બેલા ભાટિયાની સુરક્ષાના મુદ્દે ઈશાએ પણ અરજીનો સંદેશ આઈ.જી. કલ્લૂરીને મોકલ્યો હતો, અને આ સંદેશના જવાબમાં આઈ.જી. કલ્લૂરીએ જણાવ્યું હતું કે ‘બહુ જ જલદી માઓવાદી અને તેમના કૂતરાઓને બસ્તરની બહાર ફેંકી દેવામાં આવશે. અમે આકરાં પગલાં ઉઠાવીશું. ઈશાના કહેવા પ્રમાણે આઈ.જી. કલ્લૂરીના આ સંદેશ થકી સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે ‘શર્મનાક ઘટના તો છે જ, પણ આઈ.જી. સ્તરના પોલીસ અધિકારીઓની મહિલાઓની સાથે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરવાનો મતલબ છે કે હવે તેઓને કોઈનો ડર નથી, અને આ તેઓની તાકાતનો પરચો છે.’
[બી.બી.સી. હિન્દીમાંની વિવિધ સામગ્રીને આધારે]
Email: nbhavsarsafri@gmail.com