Opinion Magazine
Number of visits: 9505703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજની લોકશાહી

મનસુખ સલ્લા|Opinion - Opinion|31 December 2018

લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. એથી લોકમિજાજનો સત્તાધારીઓ અને વિપક્ષોને પરિચય મળે છે.  સૌથી ઉત્તમ તો એ હોય કે ચૂંટણી લોકકેળવણીનું પર્વ બને. લોકોની પીડા, આકાંક્ષા અને પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવાય. આવું-તો જ શક્ય છે, જો રાજકર્તાઓ અને વિપક્ષો પોતાનાં નીતિ અને આયોજન-અમલ અંગે પ્રામાણિક હોય. તો ચૂંટણીમાં પ્રચારની થોડીક ધૂળ ઊડે, પણ ધોરણો છોડીને કોઈ ન વર્તે. આ લોકશાહીની, જવાબદાર નાગરિકત્વની અને લોકાભિમુખ વહીવટની લક્ષ્મણરેખાઓ છે.

આજે આનાથી ઊલટું ચિત્ર જોવા મળે છે. મોટાં સૂત્રો બોલવાનાં, પણ પાળવાનાં નહીં, ધાર્મિક, જ્ઞાતિગત લાગણીઓને ઉશ્કેરી – બહેકાવી પરિણામના આંકડામાં ફેર પાડી દેવાનો. એકાદ મુદ્દો પકડાય તો એને પતંગની જેમ ચગાવવાનો, જેનો દોર પહેલેથી નબળો હોય, કપાઈ શકે. એવાં વચનો આપવાનાં જેમાં એકાંગી લાભ હોય, પણ મૂળ સમસ્યાનો ઉકેલ ન હોય. અને અમે જ રાષ્ટ્રનું ભલું કરવાવાળા છીએ, સામાવાળા તો દેશને નુકસાન કરનારા છે, એવું પ્રજાને ઘૂંટીઘૂંટીને પાવાનું; દારૂ, ભેટસોગાદો, પૈસા, ચોખા, વસ્તુઓ આપીને પ્રજાને તત્કાલ મૂર્છિત કરી દેવાની. પછી પાંચ વર્ષ યથેચ્છ વિહરવાનું – આ અને આવા મુદ્દાઓને સોશ્યલ મીડિયામાં વહેતા મૂકી દેવાના – પણ પછી ભૂતકાળને ભૂલી જવાનો. ભૂતકાળમાં જેમણે દેશ માટે ઉત્તમ પ્રદાન કર્યું, એમને ભૂલી જવાના, કેવળ પોતાને જ ઉપસાવવાના. આ સઘળું ટૂંકનજરિયા રાજકારણની વિકૃતિઓ છે. લોહીની વિકૃતિ શરીર ઉપર ફોલ્લારૂપે દેખાય તેમ આતંકવાદ, ધાર્મિક ઝનૂન, અત્યંત વિષય આર્થિક અસમાનતા રાષ્ટ્ર-શરીર ઉપર દેખાય, ત્યારે આ બધામાં થાગડથીગડ ઉપાયો કરવાના અને બકરાને કૂતરું સાબિત કરતા રહેવાનું. આ આજની ભારતીય રાજકારણની તાસીર છે. ચૂંટાઈ જવું, બહુમતી મેળવી લેવી, સરકાર બનાવી લેવી એમાં જ જાણે ઇતિશ્રી ગણી લેવાની. પછી પ્રજાની કોઈ તમા ન રાખવાની. વચ્ચે પ્રજા કાંઈક બોલે, જાગી છે, એમ દેખાય, ત્યારે લોલીપોપની જેમ એકાદ ગળચટ્ટી યોજના જાહેર કરી દેવાની, પરંતુ એનો અમલ કરવાનું જરૂરી નહીં. આ સઘળું ટૂંકી દૃષ્ટિની પેદાશ છે. સફળતા જ લક્ષ્ય છે. પ્રજાઘડતર, પ્રજાશક્તિનો વિકાસ, પ્રજાકીય પ્રૌઢતા એ જાણે વિચારણાનો મુદ્દો જ નથી. દેશના મુખ્ય પક્ષો કે પ્રાદેશિક પક્ષો આ ધૂન ઉપર નાચી રહ્યા છે.

ગમે તેટલો વૈભવ, ગમે તેટલી સત્તા, ગમે તેટલી નિર્ણાયક તાકાત મળે, પરંતુ એનો ઉપયોગ પ્રજાકીય ઉત્થાનમાં ન યોજાય, તો એ નિરર્થક જાય છે, એ દુનિયાનો ઇતિહાસ કહે છે. વળી, રાજકીય પક્ષો તો આવે-જાય છે, પરંતુ રાષ્ટ્ર તો છે જ, રહેવાનું છે. તો રાષ્ટ્ર શરીર ઉપર ઉજરડા ન પડે એ જોવાનું કર્તવ્ય તમામ પક્ષો અને રાજકર્તાઓનું ગણાય. આ ભૂલીને, આજે તો ધોરણો ભૂલીને અનૈતિકતાને ગૌરવ અપાઈ રહ્યું છે. ગમે તેટલું ખોટું કરો, પણ જીતો – એ સૂત્ર તત્કાળ લાભકર્તા લાગે, લાંબે ગાળે રાષ્ટ્રને ઘસારો પહોંચાડે છે. તમામ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર ગ્રીસ અને રોમની સંસ્કૃતિ કેવળ થોડા પથ્થરોના બાંધકામ રૂપે જ આજે હયાત છે, એ યાદ રાખવા જેવું છે.

શ્રેષ્ઠ રાજકર્તા એ છે જે તત્કાલીન પ્રશ્નોને ઉકેલે છે, સાથે પ્રજાની તાકાત, સમજ અને ઇષ્ટ માટેના આગ્રહને વિકસાવે છે. તો પ્રજા તત્કાલીનતાનાં મોજાં ઉપર ઊઠતી-પછડાતી ન રહે.

આજના કેટલાક મુદ્દાઓને આ નજરે તપાસીએ તે જરૂરી છે :

૧. એનું ખૂબ ગૌરવગાન થાય છે કે ભારત પાસે સૌથી વધુ મોટું યુવાધન છે. જો આટલું મોટું (લગભગ ૪૦ કરોડ) યુવાધન હોય, તો એને કામ કેમ આપવું એ અંગેના આયોજન માટેની વિચારણા દેખાતી નથી. ટેવો અને વલણો એવાં વિકસ્યાં છે કે તમામને બેઠાડુ એવી સરકારી નોકરી જ જોઈએ છે. કોઈ પણ દેશમાં આઠ ટકાથી વધુ સરકારી નોકરી નથી હોતી. પરિશ્રમનાં કામો હજારો હોય છે, પરંતુ ઘર, શાળા, સમાજરચના, વિચારસંક્રમણ ક્યાં ય પરિશ્રમનું ગૌરવ ઊભું કરવામાં આવતું નથી. ઊલટું, શ્રમિક જાણે હલકો, મૂર્ખ, નાસમજ ગણાય છે. એને વળતર ઓછું મળે છે. જો શ્રમિકને વળતર વધુ મળતું હોય, તો સરકારી નોકરી કે બેઠાડુ કામો માટેની આંધળી દોટ નહીં રહે. એથી બાળકના ઘડતરકાળમાં જ પરિશ્રમના ગૌરવ માટેનાં વલણો અને ટેવો વિકસવાં જોઈએ, એ માટેનાં કાર્યક્રમો અભ્યાસક્રમમાં જ હોવા જોઈએ. ‘આટલા લાખ કે કરોડને અમે કામ આપશું’ એમ બોલવું સહેલું છે, પરંતુ એમ ગોઠવવાનું આયોજન શું હશે, તે કોઈ પક્ષ જાહેર કરતો નથી. એવી મનોવૃત્તિ ઊભી કરવા કેવું શિક્ષણ હશે તેની વાત કોઈ કરતું નથી. વચનોની લહાણીથી રાષ્ટ્રનું નિર્માણ નથી થતું.

૨. રાજકીય પક્ષોને લાગે છે કે ધાર્મિક લાગણીઓને વળ ચડાવીને અમે અમારું કામ કાઢી લઈશું. ધાર્મિક હોવાની સાબિતીઓ આપવી, મંદિરો માટે એકદમ શ્રદ્ધા પ્રગટ કરવી, અન્યધર્મીઓ જોખમી છે અને અમે જ સાચા ભારતીયો છીએ, એમ બાળાગોળીની જેમ પ્રજાને સતત પાતા રહેવું એ આજની મુખ્ય રીતો છે. એ ભૂલી જવાય છે કે આ દેશ ઘણો વિશાળ છે, આખાં રાજ્યો વિવિધ ધર્મના લોકોથી વસેલાં છે, ત્યારે સર્વધર્મસમભાવની ગાંધીજીની વાત જ આ રાષ્ટ્રને અખંડ રાખી શકશે. ખરેખર તો ધર્મ વ્યક્તિગત બાબત છે – જેને જે રુચે તે ધર્મ પાળે. લોકશાહી માટે તો નાગરિકધર્મ જ મુખ્ય અને મહત્ત્વનો છે. ધર્મના અમુક બાહ્ય દેખાવો અને વ્યવહારો ધારણ કરીને વ્યક્તિ સામાજિક નિયમોને નિર્લજ્જપણે અવગણે, તોડે કે મરોડે, તો એવી વ્યક્તિને ધાર્મિક નહીં ગણી શકાય. પછી એ ગમે તે ધર્મ પાળતો હોય. આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજકીય પક્ષો પોતાની ફરજ સમજતા નથી. એમને ધાર્મિક તત્ત્વો નહીં, સાંપ્રદાયિક સંકુચિતતા જ વધુ ફાવે છે. સ્વરાજની લડતમાં, સ્વરાજ પછી અને છેલ્લા બે દાયકામાં આ મુદ્દે મુખ્ય-ગૌણનો વિવેક ચુકાઈ ગયો છે. સામાજિક ઉત્તરદાયિત્વ એ જ આજનો રાષ્ટ્રધર્મ હોઈ શકે. તો આપણે સામાજિક સમરસતા, આર્થિક સમાનતા અને સહિષ્ણુતાનો ભાવ કેળવી શકીશું.

૩. પંડિત નેહરુના વખતથી દેશના આર્થિક આયોજન અંગે દ્વિધા રહી છે. ગાંધી-વિનોબાનાં માર્ગ-વિચાર-દર્શન એમને પચ્યાં નથી. ઔદ્યોગિકીકરણનો મહિમા તો ખૂબ થયો, પરંતુ યુરોપ-અમેરિકાની તુલનાએ આ દેશની ૧૩૦ કરોડની વસ્તીને સ્થાનિક-સ્વમાનપૂર્ણ રોજી મળે, એવું આયોજન આપણા રાજકર્તાઓનાં દિલ-દિમાગમાં બેઠું નથી. એને ગંભીરતાથી લેવાતું નથી. એની સમતુલા કેમ સ્થપાય એ અંગે પ્રામાણિકપણે વિચારાતું નથી. સરકારી આંકડા જ બોલે છે કે દેશમાં ૪૦ ટકા વસ્તી (એટલે લગભગ ૫૦ કરોડ લોકો) ગરીબીની રેખા નીચે જીવે છે. એનું જીવનસ્તર ઊંચું લાવવાનું આયોજન શું છે, એ અંગે નામ પાડીને ન કહેવું એમાં રાજકીય કુનેહ ગણાય છે.

જેમ કે ખેડૂતોનાં દેવાં માફ કરવાની હમણાં હોડ ચાલે છે, પરંતુ ખેડૂત દેવાદાર ન થાય એ માટે તેમને જરૂરી ખાતર-બિયારણ-પાણી મળી રહે, એ માટે દેવું ન કરવું પડે, ઉત્પાદનનો વાજબી ભાવ મળે, પાકના રોગનો કુદરતી ઉપચાર થાય, પાક માટેની યોગ્ય સલાહ મળે, ઉત્પાદનનું ગ્રામકક્ષાએ પાકામાલ રૂપે રૂપાંતર, પાકને બજાર મળે, (ઉત્તમ કૃષિવૈજ્ઞાનિક સ્વામિનાથન સમિતિએ આ અંગેની ભલામણો દાયકા પહેલાં કરી છે, પણ એને લોકસભામાં મૂકવાનું પણ જરૂરી ગણાયું નથી.) આ બધું અઘરું, ખૂબ ધ્યાન માગી લે તેવું અને પાયાનું કામ છે.

બૅંકનું લેણું લેવું અને ભરપાઈ ન કરવું એ મોટા ઉદ્યોગપતિથી લઈને નાના ખેડૂત કે કારીગરને ટેવ પાડવામાં આપણે કયો નાગરિકધર્મ કે રાષ્ટ્રધર્મ શિખવાડી રહ્યા છીએ એ પ્રશ્ન છે. ખેડૂતો આત્મહત્યા ન કરે, દેવાં નીચે ન દબાય, એ વધુ ને વધુ સ્વનિર્ભર બને, એ માટેનાં વિગતવાર પગલાં અને આયોજન દરેક રાજકીય પક્ષે જાહેર કરવાં જોઈએ. જેને લોકો બહુમતી આપે તેમણે પાંચ વર્ષમાં એનું ઓછામાં ઓછું ૫૦ ટકા પરિણામ આપવું જોઈએ અને નવી ચૂંટણીમાં એ ચહેરો લઈને પ્રજા સામે જવું જોઈએ.

આજની ટુકડા ફેંકીને તત્કાલ રાજી રાખવાની નીતિ લાંબા ગાળે અજંપો, અસંતોષ અને રોષને જન્મ આપનારી છે.

એટલે પક્ષ આ હોય કે તે, ટૂંકું નહીં, લાંબું જુએ. પ્રજા પણ ટૂંકું નહીં, લાંબું જુએ. ટૂંકા સ્વાર્થો કે સંકુચિત વફાદારીને બદલે રાષ્ટ્રહિતને કેન્દ્રમાં મૂકવામાં આવશે, તો આપણે વિશ્વગુરુ બનવાનું રંગીન સ્વપ્ન જોઈએ છીએ, તેમાં અનુભવને આધારે, ગૌરવભેર નમૂના રૂપે બે-ચાર વાત જગતના ચોકમાં કહી શકીશું. આપણું સૂત્ર આવું હોય : ‘સમગ્રતાથી વિચારીએ, સૌનો વિચાર કરીએ, પાયાના ઉપાયો લઈએ, આપણું લક્ષ્ય સર્વોદયનું હોય,’ તો ગાંધીને ૧૫૦મે વર્ષે યાદ કરવાનું લેખે લાગશે.

E-mail : mansukhsalla@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 08 – 09

Loading

31 December 2018 admin
← એક બે અને ત્રીજી
લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં બંગલાદેશમાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved