શિક્ષણ
સૂચિત યુ.જી.સી. માર્ગદર્શિકા
શિક્ષણ ક્ષેત્રે સમવર્તી યાદીને ધોરણે વિશેષ વિચારણા જરૂરી છે અને અધ્યાપક મંડળોએ આનુષંગિક મુદ્દાઓની ચર્ચામાં વ્યાપક નાગરિક સમાજને પણ સાંકળવાપણું છે

પ્રકાશ ન. શાહ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડલાઈન્સ (2025) કેન્દ્ર સરકારે જાહેર ચર્ચા માટે રમતી મૂકી પણ પ્રજાકીય સ્તરે, કંઈક અંશે ખુદ શૈક્ષણિક મંડળોમાં પણ તે અંગે વિચારવિનિમયની કોઈ હવા બની હોય એવું કશું કમનસીબે ખુલ્લાણમાં તો વરતાતું નથી. તેલંગણ, તામિલનાડુ અને કેરળમાંથી રાજ્ય સરકારો તરફથી સત્તાવાર ધોરણે જરૂર વિરોધલાગણી પ્રગટ થઈ છે, કેમ કે ભા.જ.પ.શાસિત સરકારોની જેમ એ ઓછેવત્તે અંશે ચૂપ રહેવા બંધાયેલ નથી.
હાલનું યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન 1956ના કાયદાની અન્વયે રચાયેલું છે. એન.ડી.એ.-2 દરમિયાન કાયદો બદલવાની કોશિશ થઈ હતી પણ તે પડતો મૂકવાની ફરજ પડી હતી. હવે જરા જુદી રીતે કથિત ‘ગાઇડલાઇન્સ’ ઉર્ફે માર્ગદર્શિકાને ધોરણે સરકારે ફેરકોશિશ હાથ ધરી છે.
1956ના કાયદા પૂર્વે, મૂળે તો, છેક 1946માં યુ.જી.સી. જેવી રચના જરૂર થઈ હતી પણ તે તો કેવળ ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓ – અલીગઢ, બનારસ, દિલ્હી – સંદર્ભે જ હતી. હાલ રાજ્યે રાજ્યે જે સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે તે બધી અલબત્ત કેન્દ્ર સરકારની સીધી પાંખ નીચે છે. પણ શિક્ષણ છેવટે તો રાજ્ય સરકારોનો વિષય છે. આ બંધારણીય વાસ્તવિકતા સ્વીકારી ભારત સરકારે સાતમા શિડ્યુલ અને 246મી કલમને અન્વયે શિક્ષણને ઉભયવર્તી અગર સમવર્તી કહેતાં કન્કરન્ટ લીસ્ટમાં સમાવેલ છે જેથી કેન્દ્ર સરકાર માટે સ્વાભાવિક જ સીધા પ્રવેશની બારી ખૂલી ગઈ છે.
દેખીતી રીતે જ, સમવર્તી યાદીનો પૂરો લિહાજ કર્યા વિના કેન્દ્ર સરકાર એકપક્ષી ધોરણે આગળ જઈ શકે એવી આ શકયતા છે. પોતે આજે વિવિધ રાજ્યોમાં વ્યાપ્ત કેન્દ્રીય યુનિવર્સિટીઓ પર કેવી રીતે ભોગવી શકે, કંઈક એવી મંછા યુ.જી.સી. ગાડઇલાઇન્સ (2025)માં માલૂમ પડે છે.
આજે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂક પ્રમાણમાં સ્વતંત્ર સર્ચ કમિટી મારફતે પસંદગીને ધોરણે થઈ શકે (થાય જ એવું નહીં પણ થઈ શકે) એવી શક્યતા છે. ગુજરાતમાં રાજ્યપાલ ચાન્સેલર હોય એવું મોટા ભાગની યુનિવર્સિટીઓમાં છે. ગૂજરાત વિદ્યાપીઠ જેવામાં એવું અનિવાર્ય નહોતું, પણ ચોક્કસ દબાણ હેઠળ એણે રાજ્યપાલની ‘સ્વાયત્ત પસંદગી’ કરી એ વળી એક જુદો જ કિસ્સો છે. જેમ રાજ્યની સાહિત્ય અકાદમી તેમ આ પણ ‘ગુજરાત મોડેલ’નો એક ઓર નાદર નમૂનો છે.
જો કે, આ જ મોડેલ અન્વયે ગુજરાત સરકારે કાનૂની ફેરફાર કરી રાજ્યપાલને મુકાબલે વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં મંત્રીમંડળની ભૂમિકા વધારી દીધી છે. ભા.જ.પ. સરકારે આવો નિર્ણય કેમ કર્યો હશે, એનો જવાબ શોધવો સહેલ છે. જે દસકો કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારનો હતો તેમાં યુનિવર્સિટી ક્ષેત્રે રાજ્યપાલની સત્તા ઘટાડી રાજ્યના મંત્રીમંડળની સત્તા વધારવી તે વ્યૂહાત્મક રીતે સલાહભર્યું લાગ્યું હશે.
કેન્દ્રનું નેતૃત્વ આજે તત્કાલીન મુખ્ય મંત્રી પાસે જ છે, એ સંજોગોમાં વળી રાજ્યપાલોને આગળ કરવું સલાહભર્યું જણાયું હોય એ સ્વાભાવિક છે. પણ રાજકીય પેચપવિત્રાથી હટીને વિચારીએ તો પણ ચર્ચા માટે રમતી મુકાયેલ ગાઇડલાઇન્સ (2025) સામે રાજ્ય સરકારોની વિરોધલાગણી એ મુદ્દે ચોક્કસ હોઈ શકે કે સૂચિત ગાઇડલાઇન્સ મુજબ વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્યપાલનો હિસ્સો સર્વાધિક મહત્ત્વનો હોઈ રાજ્યપાલ મારફતે કેન્દ્ર સરકાર સીધી ચિત્રમાં આવે છે અને એ રીતે આપણું સમવાયી માળખું કાગળ પર રહી એકતંત્રી વલણ ભણી ઢળે છે. હાલની કેન્દ્રસ્થ વિચારધારા ‘વન નેશન’ એ તરજ પર સર્વ ક્ષેત્રે ‘વન’-‘વન’ની રીતે વિચારવાની વરતાય છે એ લક્ષમાં લઈએ તો સઘળી યુનિવર્સિટીઓમાં રાજ્યપાલની ભૂમિકા વધારી દઈ કેન્દ્રની સીધી દરમિયાનગીરી શક્ય બને તે એના માનસિક ઢાંચા જો કે પણ બંધબેસતું આવે છે.
સૂચિત ગાઇડલાઇન્સ મુજબનાં બીજાં ભયસ્થાનો વિશે ઝડપથી થોડી નુક્તેચીની કરી લઈએ તો ફંડિગ માટે કેન્દ્ર સરકાર પરનો આધાર, અંદાજપત્રમાં શિક્ષણખર્ચ પરનો કાપ, કંત્રાટી શિક્ષકોની બેંછૂટ ભરતી, શૈક્ષણિક ક્ષેત્રનાં નહીં એવા ઉદ્યોગકર્મી ને સરકારી વહીવટદારો માટે વાઇસ ચાન્સેલર તરીકે ખૂલતો રસ્તો, તરત સાંભળે છે. ગમે તેમ પણ વધુ ચર્ચા જરૂરી હતી અને છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 જાન્યુઆરી 2025