અહીં એક હળવી યાદ અપાવવી જરૂરી છે કે આ શ્રેણીનો ઉદ્દેશ ભારતીય દર્શનશાસ્ત્રોનો કે દાર્શનિક પરંપરાઓનો પરિચય આપવાનો નથી, પરંતુ આપણો પીંડ કેવા કેવા વિચારોથી ઘડાયો છે એ તપાસવાનો છે.
દાર્શનિક ચિંતન કરવાનું આ લખનારનું ગજું પણ નથી, પરંતુ જે કોઈ વાચકોને આમાં ઊંડા ઉતરવામાં રસ હોય તેમને માટે કળશીએક ગ્રંથો આપણી ભાષામાં ઉપલબ્ધ છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, પંડિત સુખલાલજી સંઘવી, નંદશંકર દેવશંકર મહેતા, ગાંધીજી, વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી અને બીજા અનેક લોકોએ આપણી પરંપરાનું અન્વેષણ કર્યું છે. સ્વામી વિવેકાનંદ, ડૉ. રાધાકૃષ્ણન્, પંડિત સાતવળેકર, સ્વામી અખંડાનંદ સરસ્વતી જેવા બીજા અનેક લોકોનું ચિંતન અનુવાદિત થઈને આપણી ભાષામાં ઉપલબ્ધ છે.
ગુજરાતીઓ અનુવાદ કરીને બીજાના વિચાર પોતાના કરવામાં સંકુચિતતા ધરાવતા નથી, એ ગુજરાતી પ્રજાની મોટાઈ છે. ગુજરાતીઓએ જેટલું બહારથી આણીને પોતાનું કર્યું છે એટલું ભારતની કોઈ ભગિની ભાષા બોલનારા લોકોએ નહીં કર્યું હોય એમ હું ખોટો પડવાના ડર વિના કહી શકું એમ છું. સાત્ત્વિકતાની ખોજ કરીને આપણી ભાષામાં તેને લઈ આવવાની તેમ જ અપનાવવાની પ્રવૃત્તિ કમનસીબે હમણાંથી ઝાંખી પડવા લાગી છે. આ પણ યુગપ્રભાવ છે. ‘આપણામાં શું ખૂટે છે કે બીજા પાસે માગવા જઈએ કે બીજાનું અપનાવીએ?’ આપણે શ્રેષ્ઠ જ છીએ, શ્રેષ્ઠ નહીં, શ્રેષ્ઠતમ્ છીએ એવી ભાવના દૃઢ થતી જાય છે એટલે આપણે સામે ચાલીને બારી-બારણાં બંધ કરી રહ્યાં છીએ. જે પ્રજા પોતાને સર્વગુણસંપન્ન સંપૂર્ણ માની લે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. પતનની શરૂઆત સંપૂર્ણતાને કારણે નથી થતી, સંપૂર્ણ હોવાના ભ્રમના કારણે થાય છે. અને બીજું સંપૂર્ણ કોઈ હોતું પણ નથી.
આગળના હપ્તામાં કહ્યું એમ વેદ પોતે જ અવેદ થવા માગે છે, એટલે કે વેદમાં જે કહ્યું છે એ પોતાનું કરી લો પછી વેદની શી જરૂર છે? સુજ્ઞ વાચક, જ્યારે આપનાર અને પાલનહાર આપવાના કે પાલન કરવાના ઉપકારનો દાવો કરતા નથી ત્યારે મેળવનાર આવો દાવો કરે? પણ આપણો વ્યવહારજગતનો અનુભવ છે કે વારસદારો જ વારસા માટે ઝઘડતા હોય છે, રળનારા ઝઘડતા નથી. રળનારા હંમેશાં નમ્ર હોવાના અને વારસદારો તારું-મારું કરતા રહે છે. ઝઘડનારાઓને ચડાવનારા પણ મળી રહે છે અને તેમાં તેમનો સ્વાર્થ હોય છે. આજકાલ આપણા દેશમાં આવું જ બની રહ્યું છે. શ્રેષ્ઠત્વની ભાવનાથી આપણે ગ્રસ્ત છીએ અને તેને હવા નાખનારા લોકો તેમનો રોટલો શેકે છે.
આજકાલ ભારતના લોકો કાં શ્રેષ્ઠ છે અને કાં રાંક, બાપડા બીજાના દ્વારા સતાવાયેલા છે. એક જ સમયે યોદ્ધા અને પરાજીત! અંગ્રેજીમાં કહીએ તો વૉરિયર અને વિકટીમ! આવું ક્યારે ય બને? બને જો ગર્જવાથી કે રડવાથી હેતુ સરતો હોય તો. પાછા આપણે એ વિચારતા નથી કે હેતુ કોનો સરે છે; આપણો કે આપણી પાસે ગર્જના કરાવનારા કે ડરાવીને રડાવનારાઓનો? વિચારી જુઓ કોનો હેતુ સરે છે? વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે દેશમાં ગર્જનાતંત્ર અને રુદનતંત્ર વિકસાવવામાં આવ્યું છે. અર્ણવ ગોસ્વામીઓની ચેનલો પર આંટો મારી આવો. તેમાં તમને એક જ સમયે ગર્જના અને રુદન એમ બન્ને જોવા મળશે. આમ છતાં આપણા મનમાં સવાલ જાગતો નથી કે આવું તે કાંઈ એક જ સમયે અને એક સાથે થતું હશે?
મહાભારતના યુદ્ધ વખતે વિષાદગ્રસ્ત તો અર્જુન પણ બની ગયો હતો; પરંતુ કલ્પના કરો કે તે રડતો પણ જાય, કૌરવોને ગાળો દેતો પણ જાય અને મારતો પણ જાય તો અર્જુન અર્જુન તરીકે અમર થયો હોત ખરો? આવા માણસને ભગવાન કૃષ્ણે ગીતા સંભળાવીને વખત ગુમાવ્યો હોત ખરો? ભગવાન કૃષ્ણ આવા માણસના સારથિ બન્યા હોત ખરા? આપણે અભિમાન અર્જુન માટે લઈએ અને તેની દૃષ્ટિ સાફ કરી આપનારા ભગવાન કૃષ્ણ માટે લઈએ અને વર્તન એક નાસમજ માયકાંગલા જેવું કરીએ તો જરૂર આપણામાં કાંઈક ખામી છે.
તમે બાળપણમાં આવા એક જ સમયે રડનારા, ગાળો ભાંડનારા અને મોકો મળે તો મારી લેનારા છોકરાઓ સાથે ગલીમાં રમ્યા હશો અને ઝઘડ્યા હશો. એક નજર પોતાના મિત્રો પર કરી જુઓ; આવા બાળપણના માયકાંગલા મિત્રોમાંથી કેટલા જિંદગીમાં સફળ થઈને આગળ આવ્યા છે? તમે તમારા સંતાનને નમાલા અને માયકાંગલા જોવા માગો છો? ખાસ ઊભું કરવામાં આવેલું ગર્જનાતંત્ર અને રુદનતંત્ર વાસ્તવમાં તમને અને તમારા સંતાનને નમાલા અને માયકાંગલા બનાવવા માટેનું છે. કોઈકના લાભ માટે આ તંત્ર વિકસાવવામાં આવ્યું છે જેની તમને જાણ પણ નથી. ભયભીત નમાલાઓ ઝાલેલી આંગળી જલદી છોડતા નથી એ આવું વિસંગત તંત્ર વિકસાવનારાઓ જાણે છે.
ભાષાવાર પ્રાંતરચનાની માગણી ઊઠી ત્યારે લોકો ભાષાભિમાની અને પ્રાંતવાદી બની ગયા હતા. એ પણ યુગપ્રભાવ હતો. એ માગણી સાવ ખોટી હતી એવું નથી, ગાંધીજીએ તેને અનુમોદન આપ્યું હતું; પરંતુ આઝાદી પછી જ્યારે ભાષાવાર પ્રાંતરચનાની માગણી ઊઠી ત્યારે ધુણાવનારાઓએ તેનો કબજો લઈ લીધો હતો. એ જ; આજે જેમ બની રહ્યું છે એમ ધુણાવનારાઓની પ્રેરણાથી ધુણનારાઓ રડતા જાય, પરપ્રાંતિઓને ગાળો આપતા જાય અને મોકો મળે તો મારતા જાય.
આમ ભાષાવાર પ્રાંતરચનાની માગણી જ્યારે ઊઠી ત્યારે મરાઠીઓ માટે મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની માગણી સાથે આંદોલન શરૂ થયું હતું. આચાર્ય પ્રહલાદ કેશવ અત્રે નામના મોટા ગજાના મરાઠી સાહિત્યકાર ધુણાવવાનું કામ કરતા હતા. કહો કે તેમાં તેઓ અગ્રેસર હતા જેમ અત્યારે કેટલાક લોકો હિંદુઓને ધુણાવી રહ્યા છે. આચાર્ય અત્રે સમાજવાદી નેતા એસ.એમ. જોશી અને સામ્યવાદી નેતા એસ.એ. ડાંગેને લઈને વિનોબા ભાવે પાસે તેમનું સમર્થન મેળવવા ગયા. વિનોબાએ ઘસીને સમર્થન આપવાની ના પાડી દીધી અને તેની પાછળનાં ચાર કારણો આપ્યાં. એ ચાર કારણો સમજવાં જેવાં છે.
તેમણે પહેલું કારણ આપ્યું કે જો મરાઠી અસ્મિતાને નામે મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવશે તો મરાઠાઓનો તેમ જ મહારાષ્ટ્રની મહાનતાનો મધ્યકાલીન પોકળ ઇતિહાસ ઘૂંટીઘૂંટીને સાચો ઠેરવવામાં આવશે. એક દિવસ એવો આવશે કે સત્ય તરફ આંગળી ચિંધનારાની આંગળી તોડી નાખવામાં આવશે અને અસત્યને સત્ય માની લેવામાં આવશે. તેમણે બીજું કારણ એવું આપ્યું કે પરપ્રાંતીય પરત્વેની દ્વેષયુક્ત હિંસાને શૌર્ય તરીકે ખપાવવામાં આવશે. તેમણે ત્રીજું કારણ એવું આપ્યું કે એ પછી જ્ઞાતિકીય પેટા-અસ્મિતાઓ પ્રબળ બનશે અને તેમણે ચોથું કારણ એવું આપ્યું કે મરાઠી મિથ્યાભિમાન પ્રબળ બનશે. આ ચાર મહારાષ્ટ્રની અત્યારે જ જોવા મળતી બીમારી છે મહારાષ્ટ્ર રાજ્ય બનતા વકરશે.
આ ફરક છે ધુણાવનારાઓમાં અને આવેલો ઓતાર ઉતારનારાઓમાં. આ સંદર્ભમાં આપણે આપણી ચિંતન પરંપરાને ચકાસી રહ્યા છીએ. આપણી ચિંતનપરંપરામાં ધુણાવનારા તત્ત્વો ઝડે છે કે પછી ઓતાર ચડે નહીં એવાં કે ઉતારનારાં તત્ત્વો વધુ છે? આમ હેતુ સમાજશાસ્ત્રીય છે; શુદ્ધ દાર્શનિક વિવેચન કરવાનો હેતુ નથી અને એવું મારું ગજું પણ નથી. કેટલાક વાચક મિત્રોની પ્રતિક્રિયા જોતા તેઓ મારી પાસેથી દાર્શનિક ચિંતનની અપેક્ષા રાખે છે એ જોઇને ખુલાસારૂપે આટલું લખવું પડ્યું છે.
[પ્રગટ :’દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019]