કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને એક વાતે તો અભિનંદન આપવા જ જોઈએ કે તેમણે મારી નાખવામાં આવેલા ચૂંટણીઢંઢેરાને પાછો જીવતો કર્યો છે. દાયકાઓથી ચૂંટણીઢંઢેરો એક ઔપચારિકતા બની ગઈ છે અને મોટા ભાગે આગલા ઢંઢેરાની વાતો કાનોમાત્ર પણ બદલ્યા વિના એમને એમ એક પછી એક ચૂંટણીઢંઢેરામાં રજૂ કરવામાં આવે છે. લોકો અને મીડિયા પણ ખાસ તેની નોંધ લેતા નથી, કારણ કે કરવામાં આવેલી વાતોને અને કરવામાં આવતા કામની વચ્ચે કોઈ સંગતિ હોતી નથી.
જગતના સૌથી જૂના સંસદીય લોકશાહી દેશ બ્રિટનમાં મુખ્યત્વે બે પક્ષ અસ્તિત્વ ધરાવે છે એટલે જ્યારે એક પક્ષ સરકારમાં હોય ત્યારે બીજા પક્ષનું વડા પ્રધાન સહિત છાયા પ્રધાનમંડળ રચાઈ જતું હોય છે. વિરોધ પક્ષના સૂચિત વડા પ્રધાન અને તેમના પ્રધાનો વખતો વખત જે તે વખતે વૈકલ્પિક વિચારો રાખતા હોય છે. આને કારણે ત્યાં ચૂંટણીઢંઢેરાની ખાસ જરૂર હોતી નથી. વિરોધ પક્ષ સત્તામાં આવશે તો શું કરશે એ લોકો પહેલાંથી જ જાણતા હોય છે. એમ તો આપણે ત્યાં પણ રાજકીય પક્ષોના વરસે-બે વરસે ખુલ્લાં અધિવેશનો મળતા હોય છે અને જે તે વિષયે ઠરાવો કરવામાં આવતા હોય છે, પરંતુ એ માત્ર ઔપચારિકતા હોય છે. છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી એવું જોવા મળ્યું નથી કે કોઈ રાજકીય પક્ષે ચર્ચાને અંતે ઠરાવમાં બહુ મોટા ફેરફાર કર્યા હોય કે મહાઅધિવેશનમાં ઠરાવ સમૂળગો ફેંકાઈ ગયો હોત. સામ્યવાદી પક્ષો આમાં અપવાદ છે.
આ સ્થિતિમાં ચૂંટણીઢંઢેરાની કિંમત છે, પણ તેને પણ રાજકીય પક્ષોએ ઔપચારિકતા બનાવી દીધી છે. કૉન્ગ્રેસના ખાતે અનેક પાપ જમા થયેલાં છે એમાં એક આ પાપ પણ છે. પણ હવે રાહુલ ગાંધીને એમ લાગે છે કે બી.જે.પી.ના છદ્મ રાષ્ટ્રવાદ અને અવ્યાખ્યાયીત વિકાસની પરિભાષા સામે વિકાસને વ્યાખ્યાયીત કરવો જોઈએ. નરેન્દ્ર મોદીના નજરબંધીના રાજકારણ સામે ગંભીર રાજકીય મુદ્દા છેડવા જોઈએ. સ્ત્રીઓ સહિત સમજના દરેક વર્ગના લોકોને ફુગ્ગાઓ છોડીને નહીં, પણ તેમના પ્રશ્નોના ઉકેલ બતાવવા જોઈએ. આને માટે કૉન્ગ્રેસે પ્રામાણિકતાપૂર્વક જહેમત લઈને ચૂંટણીઢંઢેરો તૈયાર કર્યો છે અને માટે બી.જે.પી.એ તેની નોંધ લેવી પડી છે. પ્રતિસ્પર્ધી પક્ષના ચૂંટણીઢંઢેરાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોય એવું ઘણા દાયકાઓ પછી જોવા મળ્યું છે. ૨૦૧૪ અને ૨૦૧૫માં આમ આદમી પાર્ટી વ્યવસ્થા પરિવર્તનના એજન્ડા સાથે આવી હોવા છતાં તેના ચૂંટણીઢંઢેરાને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. કારણ બહુ સ્પષ્ટ હતું, ચૂટકી વગાડતા ઉકેલ લાવવાની વાત. વ્યવસ્થા પરિવર્તન જાદુગરીથી થતું નથી.
કૉન્ગ્રેસનો ચૂંટણીઢંઢેરો તૈયાર કરનારી ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો હતો. ખુદ રાહુલ ગાંધીએ સ્ત્રીઓ, યુવાનો, વિચારકો અને ખેડૂતો સાથે ડાયલોગ કર્યા હતા. સમાજના જુદા જુદા વર્ગો પાસેથી જે સૂચનો આવ્યાં તેને વ્યવહારની એરણે તપાસીને ચૂંટણીઢંઢેરામાં લેવામાં આવ્યા છે. જેમ કે બજેટની કુલ ફાળવણીમાંથી કેળવણી માટે છ ટકા રકમ ફાળવવામાં આવશે એ બેંગ્લોર ખાતે રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કરવામાં આવેલા સંવાદનું પરિણામ છે. ખેડૂતો માટે અલગ બજેટ તૈયાર કરવાની વાત યોગેન્દ્ર યાદવ અને સ્વરાજ અભિયાનની માગણીનું પરિણામ છે. ગરીબીની રેખા નીચે જીવતાં પરિવારોની સ્ત્રીઓના ખાતામાં દર મહિને છ હજાર રૂપિયા જમા કરવાની ન્યાય નામની યોજના તો રાહુલ ગાંધી આ પહેલાં જ જાહેર કરી ચુક્યા છે. આ ઉપરાંત મનરેગાને ફરી પાછો તેના જૂના સ્વરૂપમાં લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું છે. પહેલા વરસમાં ઓછામાં ઓછું ૧૫૦ દિવસ કામ આપવામાં આવતું હતું જે મોદી સરકારે ઘટાડીને સો દિવસ કરી નાખ્યું છે.
લોકતંત્રને પાછું સજીવન કરવા કેટલાક વ્યવસ્થાકીય સુધારાઓ કરવાનાં પણ વચન આપવામાં આવ્યાં છે જેનું મહત્ત્વ છે. નરેન્દ્ર મોદીની સરકારે બજેટ પ્રોપોઝલના ભાગરૂપે પાછલે બારણેથી ઘુસાડેલા ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમનો અંત આવશે. આ ભ્રષ્ટાચાર માટેનો ઊઘાડો દરવાજો છે. કોર્પોરેટ કંપનીઓ બૅન્કો પાસેથી બૉન્ડ ખરીદીને જોઈએ એટલા બૉન્ડ પોતાની પસંદગીના રાજકીય પક્ષને આપી શકે. બૅન્ક પાસેથી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને આપનાર વ્યક્તિ કે કંપનીનું નામ જાહેર કરવામાં નહીં આવે. બી.જે.પી. અત્યારે રાજકીય પક્ષોને આપવામાં આવેલા ભંડોળમાં ૮૦ ટકા હિસ્સો ધરાવે છે એ આ ભ્રષ્ટ રમતનું પરિણામ છે. મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા એ જેમ આજે કૉન્ગ્રેસને સમજાઈ રહ્યું છે એમ આવતીકાલે બી.જે.પી.ને પણ સમજાશે, પરંતુ સત્તાનો મદ એવો હોય છે કે લોકો સમજતા નથી. કૉન્ગ્રેસે આ ઉપરાંત નેશનલ ઈલેકશન ફંડની જોગવાઈ કરવાની પણ જાહેરાત કરી છે.
બીજું મહત્ત્વનું સૂચન છે સર્વોચ્ચ અદાલતને માત્ર બંધારણીય અદાલત બનાવવાનું અર્થાત્ સર્વોચ્ચ અદાલત કાયદા અને બંધારણનું અર્થઘટન કરવાનું જ કામ કરશે અને વડી અદાલતોના ચુકાદાઓ સામેની અપીલ સાંભળવા કોર્ટ ઓફ અપીલ સ્થાપવામાં આવશે. આને કારણે સર્વોચ્ચ અદાલત પરનું ભારણ ઓછું થશે અને નાગરિકોના નાગરિક અધિકારોને બંધારણીય સંસ્થાઓને સર્વોચ્ચ અદાલત દ્વારા ઝડપી રક્ષણ મળશે. ઢંઢેરામાં જ્યુડીશિયલ કંપલેંટ્સ કમિશન સ્થાપવાનું વચન આપવામાં આવ્યું છે. ખાસ મહત્ત્વ એ વાતનું છે કે બદનક્ષી સહિત જે કેટલાક કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવે છે તેને કાયદાપોથીમાંથી રદ્દ કરવાનું કહેવામાં આવ્યું છે.
કૉન્ગ્રેસના ચૂંટણીઢંઢેરામાં નીતિ આયોગને ખતમ કરીને જૂના આયોજન પંચને પાછું સજીવન કરવાનું કહેવામાં આવ્યું છે. નીતિ આયોગનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે એ વર્તમાન શાસકોએ પણ પ્રમાણિકતાપૂર્વક સ્વીકારી લેવું જોઈએ. દેશના વિકાસનું કોઈ એક વિઝન સ્ટેટમેન્ટ નીતિ આયોગ તરફથી નથી આવ્યું જેના વિષે રાજકીય ચર્ચા થાય. વિચાર્યા વિના કાંઈક અનોખું અને જુદું કરવાના અભરખાનું પરિણામ નીતિ આયોગ છે. એક રાહત વેપારીઓને આપવામાં આવી છે. જી.એસ.ટી. માત્ર બે સ્લેબવાળું સરળ બનાવવામાં આવશે. આ પણ કાંઈક અનોખું કરવાના અભરખાનું પરિણામ છે. વર્ષો દરમિયાન સેંકડો બેઠકો પછી જી.એસ.ટી.નું જે પેકેજ બન્યું હતું તેની સાથે છેડછાડ કરવાની જરૂર શું હતી? પ્રતિભાસંપન્ન દ્રષ્ટાવાન ગણાવું હોય તો નોખો ચીલો તો પાડવો પડે ને! પછી ભલે વમળમાં ફસાઈ જઈએ.
કૉન્ગ્રેસ રફાલ સોદાને ચૂકે એ તો શક્ય જ નથી. ચૂંટણીઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો પહેલે જ દિવસે રફાલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
કુલ ૫૩ પાનાનાં કૉન્ગ્રેસના ચૂંટણીઢંઢેરાના મુખપૃષ્ઠ પર કહેવામાં આવ્યું છે; ‘કૉન્ગ્રેસ વિલ ડીલિવર.’ અને અંદરના તરતના બીજા પાને કહેવામાં આવ્યું છે; આય હેવ નેવર બ્રોકન અ પ્રોમિસ ધેટ આય હેવ મેઈડ.” રાહુલ ગાંધી દાવા સાથે કહે છે કે તેમણે આપેલું વચન પાળ્યું ન હોય એવું તેમની જિંદગીમાં ક્યારે ય બન્યું નથી. આ ચૂંટણીઢંઢેરામાં એવું ઘણું છે જે હોવું જોઈતું હતું, પણ મુખરપણે નથી અને એ છે લોકતાંત્રિક-સર્વસમાવેશક-સેક્યુલર ભારતની શબ્દો ચોર્યા વિનાની સ્પષ્ટ અવધારણા.
કૉન્ગ્રેસ સત્તામાં આવશે કે નહીં એ જુદો પ્રશ્ન છે. ચૂંટણીઢંઢેરાને જ્યાં કેવળ એક ઔપચારિકતા બનાવી દેવામાં આવી છે એવી સ્થિતિમાં દેશની જરૂરિયાત સમજવી, તેને શબ્દબદ્ધ કરવી, તેના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી એટલું ઘણું છે. એટલું તો સ્વીકારવું પડશે કે રાહુલ ગાંધી ગંભીર રાજકારણ કરી રહ્યા છે અને માટે તેમની નોંધ લેવી પડે છે.
03 ઍપ્રિલ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2019