Opinion Magazine
Number of visits: 9449541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેરો સાહિત્ય

સુમન શાહ|Opinion - Literature|12 January 2019

સોની દાગીનો ઘડતો હોય ત્યારે કેટલીક બારીક કરચો અહીં તહીં પડી જતી હોય છે. એને 'ખેરો' કે 'ગેરો' કહેવાય છે. હાથ નવરો પડે ત્યારે એ સાવચેતીથી પહેલી આંગળીનો દાબ આપીને કે નાની ચીપૂડી વડે કરચોને અંકે કરી લેતો હોય છે. કોઇ કોઇ સાહિત્યકારો એમ કરે છે અને હું પણ એમ કરતો હોઉં છું. લખવા દરમ્યાન કોઇ વિચાર કે વિચારને રજૂ કરતું વાક્ય સરકી ગયું હોય કે કાચુંપાકું લાગ્યું હોય તો એને ત્યાં ને ત્યાં પડી રહેવા દઉં છું. ક્યારેક તો આખા ને આખા ફકરા પણ એમ જ પડી રહેતા હોય છે. ન વપરાતી રેલવે લાઈનના કટાઈને વરવા દીસતા પાટા જેવી એ લીટીઓને અવારનવાર દયાળુ નજરે જોતો હોઉં છું. કાગળ પર લખતો'તો ત્યારે તો ફટ કરતોક ને ડૂચો કરી ફગાવી દેતો. પણ કમ્પ્યૂટર પર જન્મેલા એ સુન્દર અક્ષરોનાં રૂપરૂપાળાં વાક્યોને ડીલીટ કરવાનો જીવ નથી ચાલતો. એટલે, 'ખેરો' નામના એક આર્કાઇવ્ઝ-બૉક્સમાં કાળજીપૂર્વક સંઘરી રાખું છે.

જેમ સોની જતે દિવસે એ કરચોના સંગ્રહમાંથી ઘરેણું ઘડી કાઢે છે એમ ઘણા સાહિત્યકારો એમાંથી વાર્તાઓ કાવ્યો નાનાં નાનાં ગદ્ય-ટુકડાઓ પદ્ય-પંક્તિઓ ચાટૂક્તિઓ ટુચકા કે ભીંતે લટકાવી શકાય એવાં સૂત્રો કે ચિન્તનકણિકાઓ રચી કાઢે છે. પણ મારાથી એમ નથી થતું. હું તો એને હોય એમ જ રજૂ કરવામાં માનું છું. ત્યારે મારી મહેચ્છા તો એવી હોય છે કે મારો કોઇ વાચક ભલે એમાંથી કાવ્ય વાર્તા નિબન્ધ વિવેચન કે એને જે ઠીક પડે એ ભલે ને બનાવી લે. અને એનાથી એમ ન પણ થાય તો એ ટુકડાઓને એ ક્રોધભરી નજરે વિલોકે અવલોકે તો એ ય ખોટું નથી.

તો આટલી પ્રસ્તાવના પછી હું એમને રજૂ કરીને વચ્ચેથી ખસી જઉં છું. આ રહ્યા એ બધા :

===

આપણે ત્યાં ઉમાશંકરની 'સમગ્ર કવિતા'-ની જેમ પોતાનું સમગ્ર છપાવવાનો ચાલ છે. લોકપ્રિય થયા પછી એમ કરી શકાય. પણ એમ કરવાથી લોકપ્રિય ન થવાય એ સમજાય એવું છે. મેં એવા એક સમગ્ર કવિતાકારને પૂછેલું, તરત ને તરત તમારા છસ્સો પાનના આટલા મોટા સંગ્રહની બે જ મહિનામાં બીજી આવૃત્તિ શી રીતે થઇ ગઇ? એ શાણા હતા, મૂછમાં હસતાં બોલેલા – લાઇબ્રેરીઓ, લાઇબ્રેરીઓ ! હું એમની એ સાહિત્યેતર ચતુરાઇ સમજી ગયેલો. આમે ય, કેટલાક સમગ્રો તો લાઈબ્રેરીઓમાં કેદ થવાને લાયક જ હોય છે.

= = =

પોતાને લોકપ્રિય માનતા એક કવિએ તેમછતાં પણ કહ્યું – હું કવિ છું. તો પેલાએ કહ્યું, હું બહેરો છું. આ જોકનો મેં વળી વિસ્તાર કર્યો છે. કવિએ કહ્યું, મને એનો વાંધો નથી ! પેલાએ કહ્યું, હું તો ચાલ્યો, ઘરે કામ છે. કવિ કહે, તો તમારે ઘરે બેસશું, ગમશે મને. પેલાને થયું, ઘરે આવે તો તો આવી જ બન્યું ! એટલે કહ્યું, ભલે સંભળાવો : ત્યાં બેસીએ : ભલે : કવિએ એક ઑર, એક ઑર, આ છેલ્લું, કરીને નવ કાવ્યો સંભળાવ્યાં ! પેલો વચ્ચે વચ્ચે ઊઠું ઊઠું થયા કરે. નવે નવ કાવ્યો ઉત્તરોત્તર લાંબાં હતાં : પેલાએ આવજો કહ્યું : પણ કવિએ વિવેકે પૂછ્યું : કાલે અહીં જ મળશું? : ના-ના, મારે તો કાલે દિલ્હી થઇને હિમાલય જવાનું છે, સૉરિ : એ ઘાયલચિત્ત છિન્નવદન માણસને મેં જોયેલો, કાવ્યરસસિક્ત માથું નીચું રાખીને ચાલતો'તો તોપણ મને તો દોડતો લાગતો'તો.

= = =

વાચકો પર દબાણ નાખવું એવી પણ એક સાહિત્યહઠ છે; જેમ કે, લેખકો કહેતા હોય છે : આ નવલકથા માટે મેં ઘણાં સંશોધન કર્યાં છે -આ કાવ્યે તો મારો બહુ કસ કાઢ્યો છે – આ નાટક લખતાં મને દસ વર્ષ લાગ્યાં છે. જાણે એ વર્ષોમાં આ બધાઓએ બીજું કશું કર્યું જ ન હોય ! અરે, નોકરીધંધો દિલ દઇને કર્યો હોય. સાંજે લગ્ન-સમારમ્ભોમાં ગયા હોય, સવારે કોઈના બેસણામાં હાજરી આપી આવ્યા હોય. આપણને વાચકોને થાય, વ્હાલા, અમે તો તમને કશી અરજી ન્હૉતી કરી કે લખો ને છપાવો !

= = =

હું મારી કારકિર્દી દરમ્યાન બે જ સાહિત્યકારોની વ્યાખ્યાનશૈલી માણી શક્યો છું : સુરેશ જોષી -જોસ્સો એમના રમૂજી પણ ધારદાર કટાક્ષમાં રસાઇને ઑગળી જાય ને અનોખા વિચાર-સંવેદનની આસ્વાદ્ય કશી લહર વારે વારે માણવા મળે. થાય, આ માણસ બોલ્યા જ કરે તો કેવું સારું. ઉમાશંકર કશા જોસ્સા વિના હસતા રહીને ભોમિયાની માફક શ્રોતાને પોતાની જોડે જોડે લાંબો વિહાર કરાવે ને એમ વક્તવ્યને વિકસાવતા જાય. છેલ્લે આપણે હાથ આવે, ચમકતું વિચાર-મોતી.

= = =

સાહિત્યને સ્વહિતાર્થે કીર્તિવન્તો પણ ઑજાર તરીકે વાપરતા હોય છે. મેં બહુ જોયા છે. હું રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની ઍડવાઇઝરી કમિટિમાં હતો. મીટિન્ગમાં કાવ્યસમ્પાદનની વાત આવી. સમ્પાદિત થનારાં કાવ્યોની અમુક વર્ષમર્યાદા હતી. એ દરમ્યાન નિરંજનભાઇનું એકેય કાવ્ય પ્રગટેલું નહીં. છતાં સમ્પાદક હઠ લઇ બેઠેલા; કહે, નિરંજન ભગત વિનાનું કોઇ કાવ્ય-સમ્પાદન હોય જ નહીં. મીટિન્ગમાં રાજેન્દ્ર શાહ પણ હતા. એમણે કહેલું, નિરંજન આ સમ્પાદનમાં નહીં જ હશે. એનું જૂનું કાવ્ય છાપીને શિસ્તભંગ નથી કરવો અને ખાસ તો આપણે મારા પરમ મિત્રની આબરૂ નથી લેવી. છેલ્લાં વરસોમાં નિરંજનભાઈનાં નબળાં કાવ્યો છાપનારાઓએ એમના ટીકાકારોને તકો પૂરી પાડેલી. ગુજરાતી સાહિત્યની આ બધી બલિહારી છે.

= = =

એક વાર હું નિરંજન ભગતને મળવા ગયેલો ત્યારે એમના 'જલદર્શન' ફ્લૅટની નદી તરફની બારી બંધ હતી. કાચ પર અગણિત જિવાત ચૉંટેલી. કાચ જેવું કશું બચેલું જ નહીં. કહે, આ અમારું જિવાતદર્શન છે. કૉર્પોરેશન આ સાબરમતીનું કંઇ સરખું ઑપરેશન નહીં કરે તો એક દિવસ આ જિવાત અમદાવાદીઓને ખાઇ જશે ! કવિના આવા તો કેટલા ય પુણ્યપ્રકોપ હૅવમોરનાં ટેબલ પરથી અમદાવાદના ટાઉનહૉલની ટોચે પ્હૉંચેલા. હવે એવો પ્રકોપ કરનારો સાહિત્યકાર કોઇ છે નથી.

= = =

આપણે ત્યાં વિવેકહીનો કાં તો અધોભાવથી અથવા અહોભાવથી વિવેચનો કરતા હોય છે. એવા વિવેચકો ઝટ પરખાય કેમ કે અમુક પર હમેશાં વરસી પડતા હોય ને અમુકને ઉતારી પાડવાની મળે એટલી તકો ઝડપી લેતા હોય. કૃતિ-કર્તાનું ખરેખરું મૂલ્ય શું છે એ નથી કહી શકતા. બલકે, નથી કહેવા માગતા. આને વિવેચન ન કહેવાય, સામાના કાર્યને નુક્સાન કરનારો રંજાડ કહેવાય.

= = =

આ 'કટ ઍન્ડ પેસ્ટ'-નો જમાનો છે. એ સગવડનો લાભ લેનારને ઉન્નતભ્રૂઓ નીચી નજરે જુએ છે. વર્લ્ડ વાઇડ વેબ્સ માહિતીનો નિત્યવર્ધમાન અખૂટ ભંડાર છે. પહેલેથી જેવાં આવડ્યાં હોય એવાં વાક્યોની મર્યાદામાં એ-ની-એ લઢણમાં લખ્યા કરતા પરમ્પરાપ્રાપ્ત વિદ્વાનો ઇન્ટરનેટ-યુગમાં પ્રવેશતાં ભડકે, એ સમજી શકાય એવું છે. બાકી, કોઇપણ લેખકે, કૉલમનવીસે તો ખાસ, એ માહિતીભંડારોનો ભરપૂર લાભ લેવો જોઇએ. અલબત્ત, મળેલાં માહિતી-પુષ્પોને એણે પોતાના આગવા વિચાર-દોરાથી પરોવીને નાનકડો હાર રચવાનો હોય છે. નહીં તો એની 'ફલાણા કટ ઍન્ડ પેસ્ટવાલા' અટક પડી જાય !

= = =

સોમવારે કામે ચડવાનું. સોમ નહીં સારો. મંગળ જરાક સારો. બુધ વધારે સારો કેમ કે એથીયે વધારે સારો ગુરુ દેખાવા લાગ્યો હોય. ને શુક્ર તો છેલ્લો એટલે મજા મજા, કેમ કે શનિ અને રવિ રજા રજા !

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખક્રમાંક : 225 : તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૧૯

https://www.facebook.com/suman.shah.94/posts/2293206120710288

Loading

12 January 2019 admin
← કમલ વોરા-સર્જિત અનેકએક વિશે
15 લાખ રૂપિયા જમા કરાવવાના શાબ્દિક જુમલામાં અને 10 ટકા અનામત આપવાના કાનૂની જુમલામાં કોઈ ફરક નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved