Opinion Magazine
Number of visits: 9448841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રિવાયુ

સુરેશ જાની|Opinion - Opinion|22 July 2013

નાઈટ્રોજન

ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓ ય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

વાતાવરણમાં નાઈટ્રોજનની તો બહુમતિ હતી. બીજા બધા તો દસ પંદર ટકામાં! કોઈ તેમને અવિચળ કરી શકે તેમ ન હતું. એ તો બધાથી અળગા અને અતડા રહેતા. કોઈ વિજભાર તેમની નજીક ફરકી શકે તેમ ન હતું. કોઈની પણ સાથે તેમના જેવા ઉચ્ચ ખાનદાનવાળાથી કાંઈ ભળાય? ‘અમે તો જો આ કોલર ઊંચા રાખીને ફરીએ!’ નાઈટ્રોજન મહાશય આમ પોતાની મગરૂરીમાં મહાલી રહ્યા હતા.

ત્યાં જ કાન ફાડી નાંખે તેવો કડાકો અને ભડાકો થયો. બે વાદળાં ટકરાઈ ગયાં હતાં અને વિદ્યુતનો પ્રચંડ કડાકો ક્ષણાર્ધમાં પ્રગટી ગયો હતો. પાણીની બધી નિર્માલ્યતાઓમાંથી તડિતની તાતી તલવાર વિંઝાઈ ચુકી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એની પાતળી રેખામાં સપડાયેલા બધા વાયુઓ લાખો અંશ આગમાં શેકાવા માંડ્યા હતા.

નાઈટ્રોજન મહાશયે પણ આ બળબળતા અગ્નિ સામે  ઝૂકી જવું પડ્યું. ઓરમાયા ઓક્સિજન સાથે ભળી જવું પડ્યું. અને એ જ ક્ષુદ્ર પાણીનાં ટીપાંઓમાં ઓગળી જવું પડ્યું. બળબળતા નાઈટ્રિક એસિડનો હવે તે એક અંશ માત્ર બની ગયા હતા.

ઉત્તુંગ ગગનમાંથી તે તો સીધા ભોંય પર પટકાયા. ચુના અને માટી જેવા બીજા ક્ષુદ્ર જીવો સાથે સંયોજાયા.  બેક્ટેરિયા, અમિબા, લીલ, શેવાળ, કદરૂપા જીવજંતુના કોશે કોશમાં બિચારા ભરાઈ ગયા; અને એક જીવમાંથી બીજા જીવમાં ભક્ષાતા રહ્યા. નાઈટ્રોજન મહાશયની આ દુર્ગતિનો કોઈ અંત ન હતો. એક પ્રોટીનમાંથી બીજા પ્રોટીનમાં બદલાતા રહેવાનું. એક જીવમાંથી બીજા જીવમાં. કોઈ છુટકારો જ નહીં. અનંત જેલ. બધી ગગનયાત્રાઓ ભૂતકાળની ઘટના બની ચૂકી હતી. હવે તે કદી પાછી આવવાની ન હતી.

આ જ તો હવે તેનું જીવન બની ગયું હતું. પહેલાં તો અક્કડ બનીને ઊડતા હતા. પણ જે ક્ષુદ્ર જીવોનો પહેલાં તિરસ્કાર કરતાં હતા, તેમનો જ તે આધાર બની બેઠા હતા. જે જીવન(પાણી)ની હાંસી ઉડાવતા હતા તે જ જીવનનું પાયાનું તત્ત્વ બનવાનું મહાત્મ્ય તેમને સાંપડ્યું હતું. મોક્ષની દશામાંથી હવે તે અનેકાનેક જન્મોની ભરમાળમાં ફસાયા હતા.

હવે નાઈટ્રોજનને મોક્ષની કોઈ ખેવના રહી ન હતી.  હવે જ તો નાઈટ્રોજનનું જીવન સાર્થક બન્યું હતું.

હાઈડ્રોજન

લાખો અંશ ઉષ્ણતામાનવાળો, સૂર્યમાંથી છુટો પડેલો ગોળો ધીરે ધીરે ઠંડો પડી રહ્યો હતો. ઉજ્વળ સફેદમાંથી પીળો, પછી નારંગી, પછી તપ્ત લાલ અને હવે એ ધીમે ધીમે આછા રતુમડા રંગનો ગોળો બની ગયો હતો. બધા ભારે પદાર્થો ધીમે ધીમે તેના મધ્યભાગમાં ઉતરી ગયા હતા. તેના બહારના ભાગમાં માત્ર વાયુઓ જ રહ્યા હતા. નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, હાઈડ્રોજન અને બીજા ઘણા બધા વાયરાઓ હેઠા બેસવાનું નામ જ ન લેતા હતા. વાયરા જેનું નામ! બીજા બધા તરવરિયા વાયરા – ક્લોરિન, ફ્લોરિન વિ. તો ક્યારના ય મસ મોટી વજનવાળી ધાતુઓ સાથે ઘર માંડીને બેસી ગયા હતા!  ઓક્સિજનભાઈ પણ આમ તો આવા જ તરવરિયા હતા. તેમણે ય ઘણા સાથે સહચાર કરી લીધો હતો. પણ તેમની વસ્તી ઝાઝી એટલે હજુ વાતાવરણ જોડે ય પોતાનો સંબંધ થોડો ઘણો  જાળવી રાખ્યો હતો.

આ હંધાય વાયરાઓમાં સૌથી નાના બચોળિયા જેવો હાઈડ્રોજન હતો, પણ એનું ઠેકાણું કોઈની ય જોડે પડતું ન હતું. આવા હલકા ફૂલ જેવાની હારે કોણ ઘર માંડે? બચાડો આ નાનકડો જીવ હિજરાતો રહ્યો. ખૂણે બેસીને આંસુડાં સારતો રહ્યો. એવામાં પ્રાણથી ભરેલા ઓક્સિજનને થોડી દયા આવી. એમાંના થોડાક આ નાનકાની પાસે ગયા. અને બાપુ! જો પ્રીતડી બંધાણી છે. જેવી ગરમી ઓછી થઈ કે તરત ફટાફટ આમની જોડીઓ બંધાવા લાગી. હાઈડ્રોજન અને ઓક્સિજનની જોડી બની અને પાણીમાં ફેરવાઈ ગઈ. અને લો! બધી ગરમી શોષાવા લાગી. પેલો ગોળો થવા માંડ્યો ઠંડોગાર. પ્રેમમાંથી પ્રગટેલા પાણીનો આ તે કેવો નવીનતમ સ્વભાવ કે જ્યાં જાય ત્યાં સૌની ગરમી શોષી લે, અને ઠંડક જ ઠંડક ફેલાવે.

અને બાપુ, એ ગરમાગરમ ધરતીના ગોળા પર પહેલવહેલો વરસાદ ટૂટી પડ્યો. મૂશળધાર કે સાંબેલાધાર શબ્દ તો એને માટે ઓછો પડે. આ બેઉની જોડીઓએ તો વરસવા જ માંડ્યું. વરસ્યા વરસ્યા તે એટલું વરસ્યાં, કે ન ગણાય એટલાં વરહ વરસ્યાં. ધરતીમાતા હાથ જોડીને વિનવે, ‘બાપુ! હવે ખમૈયા કરો.’ પણ આ નાનકો તો જબરો લોંઠકો નીકળ્યો. પેલી બધી ય ભારેખમ ધાતુઓના બધાં જ ઘર ડુબડુબાં! આખી ધરતી ડુબાણી, એટલી આ નાનકાની જોડીઓ બંધાણી. લાલચોળ ધરતી હવે પાણીની નીલા રંગની ચાદર ઓઢી, ઠંડીગાર બનીને મલપતી રહી. અવકાશમાં મોટો મસ ભૂરા રંગનો જાણે લખોટો.

દશે દિશાયું પાણીના આ તાંડવથી નહાતી રહી. નાનો નાનો પણ હાઈડ્રોજનનો દાણો ! બધાંય વાયુનાં વાદળાં વિખેરાયાં અને સૂરજદાદા પોતાના આ બચોળિયાના નવા નવલા, નીલવર્ણા રૂપને ભાળી હરખાણા. એમના હરખનો તાપ જેવો પાણીને અડક્યો; તીં એ તો ચંચળ જીવ – પાછો પોતાના પિયર, ગગન તરફ હેંડવા માંડ્યો. પાછાં વાદળ બંધાણાં, ને વાયરે ખેંચાણા, ને પહાડ પર ભટકાણા, ને બન્ને ધ્રુવ પર વિંઝાણા.

અને લે કર વાત! કદી ય નો’તું બન્યું એવું બન્યું. મારો વ્હાલો, ઠંડોગાર પાણીડો ઝગમગવા લાગ્યો. ઈનાં નાનાં નાનાં ફોરાં ઠરીને રૂપાળાં ધોળાં ફૂલ બની ગ્યાં. જાતજાતનાં ફૂલડાં. ઝરતાં જ જાય ને ઠરતાં જ જાય. ને ઈ ફૂલડાં બન્ને ધ્રુવ પર જે વરસ્યાં, જે વરસ્યાં તે ધરતીમાને બન્ને કોર ધોળીબખ્ખ ટોપિયું ઓઢાડી દીધી. અને ઈ ટોપિયું કાંઈ નાની અમથી નહીં હોં!  જોજનોના જોજન ફેલાયેલી મોટી મસ અને આભને અડે એવડી ઊંચી જ તો.

અને નીલા સાગરના નીર ઓસર્યાં. થોડી થોડી ધરતી ખુલ્લી થઈ. અને લો! પાણીનું નવું જીવન શરૂ થયું. સૂરજ તાપે તપી આભે ચડવાનું; ધરતી પર ઠંડા પડી વરસવાનું; અને સૂરજ તાપે તપેલી ધરતીને ભિંજવતા, શાતા આપતા રહેવાનું. પાણી જેનું નામ. એ તો વહેતું જ રહે. ધરતીનો બધો કચરો પોતાનામાં ભેળવી પાછા એ તો પોતાના સ્વસ્થાન ભણી વહેતાં જ રહ્યાં. રસ્તામાં તેમની જાતરાની નદિયું ને નદિયું વહેવા લાગી. ક્યાંક ધરતીના ખાડાઓમાં ય પાણી ભેરવાણાં અને મસ મોટાં, નાના નીલ સાગર જેવાં સરોવરો ય સરજાણાં. નદિયુંનાં બધાં નીર પાછા સાગરમાં સમાઈ ગયાં.  અને બસ આ જ ચક્કર. દિન રાત ધરતીને પખાળતા રહેવાનું. તેની લાખો વરસથી તપી તપીને ભેગી થયેલી પ્યાસને બુઝાવતા રહેવાનું. અને ફરી પાછા સાગરમાં સમાઈ જવાનું.

અને લો! ધીમે ધીમે સાગર તો ખારો થવા માંડ્યો. ધરતીમાંથી લાવેલા અને વીજળીની ચાબૂકે સર્જાયેલા જાતજાતના પદાર્થો એમાં સમ્મેલનો ભરવા લાગ્યા, સંયોજાવા લાગ્યા! અને કો’ક પળે આ બધાયથી અળગા રહેતા ચૈત્ય તત્ત્વને ય મન થઈ ગયું – આમની સાથે દોસ્તી કરવાનું. ચપટિક ખારની ચીકાશ, અને આ નવા આગંતુક. અને માળું કૌતુક તો જુઓ! એ જીવ તો હાલવા ચાલવા મંડ્યો;  મોટો થવા માંડ્યો. એટલો મોટો થયો, એટલો મોટો થયો  કે,  પોતાની મોટાઈ ન જીરવાણી અને એકમાંથી બે અને બેમાંથી ચાર, અને આઠ અને એમ એ તો વધવા જ માંડ્યા. પાણીના ઘરમાં નવા ભાડવાત આવી પૂગ્યા. પાણી જેનું નામ. આમને ય વ્હાલ જ વ્હાલ. આ નવા મહેમાનને પાણી તો જાતજાતના પકવાન જમાડે. એ તો બાપુ! વકર્યા. અવનવાં રૂપ ધારણ કરવા માંડ્યા. અને પાણીના ઘરમાં અવનવી સજીવ સૃષ્ટિ સરજાવા લાગી.

અને બાપુ, આમ પાણીનું જીવન, નવા અને નવા જીવોને પોશતું રહ્યું, પાળતું રહ્યું. માટે તો તે પોતે જીવન કહેવાયું! અને એનો બાપ કોણ? હાઈડ્રોજન જ ને?

ઓક્સિજન

ઓક્સિજન, આમ તો તું બહુમતિ ધરાવતો જણ નથી. એ બહુમાનના અધિકારી તો નાઈટ્રોજન મહાશય છે. એમનો વ્યાપ વાતાવરણના ૭૮%  જેટલો ફેલાયેલો; એમના વજનની કની જ તો! પણ એમનો કોઈને સીધો ખપ ન પડે. એ તો ભારેખમ જણ.

પણ તારા વિના તો કોઈને ક્ષણ ભર પણ ના ચાલે. નજરે ન દેખાય તેવા બેક્ટેિરયાથી માંડીને મદમસ્ત પહાડ જેવા હાથી અને ગંદી ગોબરી શેવાળથી માંડીને એની ઉપર મલપતા અમે મ્હાલતાં કમળનાં ફૂલ કે એ જળાશયને કાંઠે આસમાનને આંબતા નાળિયેરીના મહાકાય પાન – સૌને તારી પનાહ લેવી જ પડે. એટલે જ તો ભલે ને, તારું  વિલાયતી નામ ભલે ને ઓક્સિજન હોય; અમે તો તને પ્રાણવાયુ જ કહેવાના!

અને ઘરની રસોઈ પકાવવાના ચૂલા પણ તારા વિના તો ઠંડા જ પડી જાય. કોઈક ગર્વ લઈને ઈલેક્ટ્રિક સ્ટવ વાપરતા હોય; તો પણ શું? એમનો વીજ પૂરવઠો પૂરો પાડનાર પાવર સ્ટેશનનાં બોઈલરો પણ તારા વિના શેં ભખભખ કરવાના? અને કારો, સ્ટીમરો, પ્લેનો, ટ્રેનોમાં મ્હાલવાના ધખારા પણ તારા વિના ઠંડાગાર જ ને?

વીજળીનો ચાબખો વાગે અને ઓલ્યા ભારેખમ જનાબ નાઈટ્રોજનને પણ તારી હારે જોડાવું જ પડે. અને પછી તો એ ભાઈ વાઈરસ, બેક્ટેિરયા, અને બધા જીવ માત્રની સેવામાં લાગી પડે – બધું માન બાજુએ મેલીને! 

બધા જીવતરની પાયાની ઈંટ જેવા કાર્બનલાલા પણ તારા વિના તો ગ્રેફાઈટની ખાણમાં જ સડતા રહેવાના ને? ભાઈલા! તું તો  ખરો બળૂકો નીકળ્યો  હોં!

પણ એમ બહુ અભિમાનમાં ના રાચીએ હોં. લીલીછમ વનરાઈ ના હોત ને; તો તારો વસ્તાર ક્યાંથી એમનો એમ રહેવાનો? એ તો શેરને માથે સવાશેર હોય, હોય ને હોય જ! એમને તારા વિના ના હાલે અને તારે એમના વિના નો હાલે!

હેં ભાઈલા? મને એક વાત ખાનગીમાં કહી દે ને – ઓલ્યો હજાર હાથવાળો, આખી દુનિયા ચલાવનારો અને બધી માતાઓ અને યમરાજા – એ બધાંને તારા વિના ચાલે છે ખરું કે, એમને ય તું સપાટામાં લઈ નાંખ છ?! એ કાઠિયાવાડી બાપુના હુક્કા પણ તારા વિના ગુડ ગુડ ક્યાંથી કરવાના?

લે! તારી આટલી બધી ખુશામત કરી; હવે થોડોક પોરો ખાઈ લઉં; અને બે ચાર ઊંડા શ્વાસ લઈ લઉં.

પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्……. सोsहम्……. सोsहम्……. सोsहम्…….

રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાચતો શીદ ભાળું? હા! હવે ગેડ બેસી. તારો વાયરો બધે ય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથવાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.

મેન્સફિલ્ડ, યુ.એસ. e.mail : sbjani2006@gmail.com

Loading

22 July 2013 admin
← Freedom, faith and 1492
એક સ્વ-ટિપ્પણી ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved