Opinion Magazine
Number of visits: 9448841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમર કહાની

રજની પી. શાહ|Opinion - Short Stories|19 July 2013

પાર્ક સાઇડ ફ્યુનરલના મેદાનમાં કારની સંખ્યાથી જ લાગ્યું કે સમાજનું કોઈ અાગળ પડતું માણસ અાજે ગયું. થોડા દેશીઅો સફેદ કપડાંમાં એશ અારામથી ચાલતા હતા. મનમાં શાંતિ હતી કે પાર્કિંગ સરસ મળી ગયું હતું. બે ત્રણ બ્લૅક બાઈઅો પણ નેતરની ગૂંથેલી હૅટ અને કોણી સુધીના સફેદ મોંજા પહેરીને અાવેલી. વસંતની લીલી વૅલવેટી લૉનને અડકીને એ ત્રણેવ એવી રીતે ચાલતી હતી કે જાણે ગૉન વીથ ધી વિન્ડ મુવીની હાઇ ડેફીનેશન અાવૃત્તિ જોતાં હોઇએ. એમની પાછળ પાછળ ચાલીએ તો ફ્યુનરલ હોમની વૈભવી ઊંચી સધર્ન કોલમ્સ દેખાવા લાગે. મકાનના મથાળે રુફના િત્રકોણ પર ક્રોસ કરેલી દાંડીઅો પર બે ફ્લેગ્સ, એક ન્યુ યૉર્ક રાજ્યનો અને બીજો ખુદ અમેરિકા દેશનો પોતાનો લાલ, ભૂરો ને સફેદ વીથ સ્ટાર્સ. વ્યૂઇંગ ટાઇમ ખાસ્સો લાંબો રાખેલો જેથી અાઉટ અૉફ સ્ટેટથી પણ હર એક લાગતા વળગતા સંબંધીઅો અાવીને મિસિસ રેશમાબહેન હીરજી સરૈયાના લાસ્ટ દર્શન કરી લે.

યસ. અાજથી એ અોળખાશે સ્વર્ગસ્થ, રેશમા હીરજી સરૈયા.

હૉલ ચિક્કાર થઈ ગયેલો ને લોકો હજુ અાવ્યે જ જતા હતા. એટલે કાળી બૉ ટાઇ પહેરેલો, હૅન્ડલબાર મૂછોવાળો ફ્યૂનરલ ડિરેક્ટર ઊંચોનીચો થતો હતો કારણ ફાયર ડિપાર્ટમેન્ટના રેગ્યુલેશન કરતાં માણસોની સંખ્યા એ હૉલમાં વધી ગઈ હતી. પણ અા સેન્સીટીવ પ્રસંગે કોઇને બહાર તો કાઢી ના શકાય. દરેક પ્રસંગે હોય છે તેમ અહીં પણ અોટલા પર ચારપાંચ સિગરેટ પિનારા હતા જેમનો એક માત્ર પેશૉ હતો ડર્ટી જોક્સ.

અંદર જે હૉલમાં બૉડી સ્વર્ગસ્થનું રાખેલું ત્યાં થોડી બહેનોએ કોઈના હુકમ વગર  હથેળીમાં સ્પંજની થેપલી દાબતાં હોય તેમ હળવી રીધમમાં રઘુપતિની ધૂન શરુ કરી દીધી. એ ધૂન ચંદ મિનિટોમાં પ્રસરી અને એક સામૂહિક રૅલી થઈ ગઈ. ફૅલિનીના મુવી જેવું દૃશ્ય થઈ ગયું કારણ હવે લોકોને ખબર જ નહતી કે પોતે કયા અવસર પર તાળી પાડ્યે જતા હતા. કેટલાંક ડોસાઅો તો વળી અાંખો મીંચીને એ રીતની તાળી પાડતા હતા કે એમને ચિત્તમાં એક જમાનાની મિસ રેશમાનો કથ્થક ડાન્સ અને વિંગમાં બિરજૂ મહારાજ  દેખાતા હતા. જાણે ફૂદડી ફરતી રેશમા સરૈયા લટ સમારતી ગાતી હોય, સમથીંગ લાઇક મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો .. રે !

પેલી ત્રણે ફોરેન બ્લૅક બાઈઅોએ પણ બૅકઅપ સીંગરની જેમ રીધમ અાપવા માંડી.  પ્રોગ્રામ જેવું કશું હતું નહીં માટે અા કવાયતનો અંત ન હતો. બલકે પેલું સંતો કહીને ગયા છે તેમ અા એક અનંત યાત્રા હતી. ફ્યૂનરલ હૉમમાંથી કોઈ ઊઠવાનું નામ જ લેતું ન હતું. બધાં એમ ને એમ જ બેસી રહેલાં જાણે કશો ચમત્કાર થવાનો હોય. કરવતથી કપાયેલી અોરતની જેમ હમણાં રેશમાબે’ન જાદુના ખેલની એ કાળી કાસ્કેટમાંથી બેઠાં થઈ જશે ને ને પછી સૌ ઘોરુ વળેલું અૉડિયન્સ હર્ષોલ્લાસથી ઘોંઘાટ કરીને, માથે કાગળની શંકુ-ટોપીઅો પહેરી, પીપૂડાં વગાડશે ને ચીકન ડાન્સ કરશે.

કેટલાંક લોકો કાસ્કેટની અાગળ મુકેલા ફોટાને જોઈને પોતાની સ્મૃિતના પેલા ચાર દાયકા પહેલાંના મિસિસ રેશમાના ચહેરાને અને અા સામે દેખાતા ડિજીટલ ફોટાના ચહેરા જોવા માંડ્યા. એ બે ચહેરાંમાં કેવો કદરૂપો ચેન્જ થયેલો ! મનોમન સૌ પોતપોતાના ચહેરાપરની કરચલીઅો પણ જોવા માંડ્યા. સાલ્લી મનહૂસ અાપણી લાઇફ ! ચારે તરફ નજર ફેરવી જુઅો તો. અરરર્ ! યે સબ લોગ .. ક્યા સે ક્યા હો ગયે .. દેવાનંદ સે .. મૂકરી મેં ટ્રાંસફોર્મ હો ગયે ! એક જમાનાની ટાગોરની પેલી બાલિકા બધુ જેવી તારિકાઅો હવે અૅન્ડ્રોઇડ .. શંખણીઅો જેવી દેખાતી હતી. દિમાગમાં ઘંટી ચાલે છે કે કંબખ્ત અા સવાર પડે કે એની એ જ રોજની લોથ જ અાપણાં લોહી-માંસ-ચરબીને ઝબ્બે કરી નાંખે છે. એ જ અાપણાં ડાચાં બગાડી નાંખે છે ! સાલ્લી અા રોજની બાર કલ્લાકની મજૂરી .. મોર્ગેજની ખેંચમતાણ, ઇન્કમ ટૅક્સ .. ને ટૃાફિક ટીકેટ્સ, ઉપરથી ધુમાડો અોકતી કાર ! અધૂરામાં પૂરું અા માધુરી પણ પરણી ગઈ ને અા ઐશ્વરિયા પણ જાડી ભોલ થઈ ગઈ તે બી એક સદમો. પ્લસ બીજા પ્રોબલેમ્સ તો હજુ એવા ને એવા જ અડીખમ. અા મહમદ રફીને, એક પવિત્ર ઇન્સાનને સા’લુ પંચાવનમાં વર્ષે મોત અાપી દેવાનું ? યે અલ્લા બી કૈસા નિષ્ઠુર ?  અા રેશમા સરૈયાના કેસમાં બી ભગવાને ઊંધુ જ માર્યું ને ? ભગવાન કે અલ્લા બધું સેઇમ. એ બન્નેવ ગિલીંડરો છે. માણસ જાત પર સિતમ ગુજારવાના પરમીટ હોલ્ડરો છે ! એ બન્ને માફિયાઅોની જો મુવી બનાવીએ તો પેલું બ્રાન્ડોનું મુવી ‘ગૉડ ફ઼ાધર’ તો એની અાગળ ક્યાં ય ધૂળ ચાટતું થઈ જાય. સૉરી, ગાડી બીજે પાટે ચઢી ગઈ.

પતિ શ્રીમાન હીરજી સરૈયા અાગલી રૉમાં બેઠેલા. બલરાજ સહાની જેવા સ્વસ્થ હતા, ક્લીનશેવન. અગરબત્તીની ધુમ્રસેરમાંથી કેવડાની સુવાસમાં રેશમાબે’નના બોડી પરના ગુલાબની સુગંધ મિક્સ થતી હતી, અદ્દલ રેશમા-હીરજીના બેડરુમની શ્રૃંગાર સ્મેલ. એમની અાસપાસ બીજા સગાં બેઠાં હતાં તે બધાંની અાંખો લાલ હતી ને પોંપચાં ફુલેલાં હતાં. હીરજીને થયું બસ પત્નીને હવે દાહ દઈ દે તો બધું ફિનિશ થાય. એ પતે તો પોતે ન્હાઈને, લૂસ કપડાં પહેરી સોફા પર ઘુંટણ વાળીને બેસે. ઘરનું બારણુ વાસી, ડોરબેલ અૉફ કરીને ફોનનું રિસીવર નીચે મુકી, અાંખો પર બે હાથે અોશિકું દાબી અાડા પડે.

રામધૂનવાળી બ્હેનો ય હવે શાંત થઈ ગઈ હતી. બધાને હવે એમ કે બૉડીને એકવાર ઈલેક્ટ્રીક અગ્નિસંસ્કાર માટે અંદર લઈ જાય તો જલદી ઘર ભેગાં થવાય, નહીં તો વીક એન્ડનું બધું હોમકમિંગ ટ્રાફિક નડશે. અને જો એમ થશે તો કાર ચલાવતા હસ્બન્ડ જોડે નાહકની કલાક બે કલાક વાતો કરવી પડશે. પણ સમય ખસતો જ નહતો. અડિંગો .. જાણે સ્ટૉપ સિગ્નલની જેમ મશીન બંધ કરીને, પગ ટેકવીને ખડો રહી ગયો હતો.

ત્યાં એક અજાણ્યા માણસે હૉલમાં ધ્રુસકું મુક્યું.  એને કોઈ અોળખતું ન હતું. ફિલ્મમાં જેમ તાનસેનની ખીચોખીચ સંગીત બેઠકમાં બૈજુ બાવરાની અૅન્ટ્રીથી લોકોએ રસ્તો મોકળો કરી અાપેલો તેમ બધાં ઊભી રૉમાં સળવળ સળવળ કરતા ખસતા ગયા. એણે કાળો ટક્સીડો સૂટ પહેરેલો ને ગળે ડિઝાઇનર પીળી બૉ ટાઇ પહેરેલી. અા ડ્રામેટિક સીનથી સોંપો પડી ગયો. એ અનામી બાવરાના હાથમાં એક જાંબલી દાંડીવાળું કાળું ગુલાબ હતું. એણે કાસ્કેટ પાસે જઈ નમીને એ સ્વ. રેશમાની છાતી પર મુક્યું. પછી ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું થયું. એણે નીચા વળી રેશમાબે’નના હોઠ પર સાચુકની કિસ કરી. કોલ્ડ સ્ટોરેજના બૉડીના હોઠ પર કિસ! ફ્રોઝન કિસ! અો માય ગૉડ ! સૌ અાંખો પહોળી કરી જોઈ રહ્યા. પ્રલંબ કિસ !

કળિયુગમાં હવેથી અા બધું જોવાનું ? પણ હૂ ધ હેલ ! અા પીળી બૉ વાળો માણસ છે કોણ ?

રેશમા સરૈયાનો લવર? સમ અાશિક. લફંગો. એક્સ બૉયફ્રેન્ડ, કે ફેસબુકનો સ્ટૉકર.

સૌને હવે તાશિરો જોવો હતો. પ્રેક્ષકોના ખભા વચ્ચેની ખાલી જગ્યાઅોમાંથી ડોકાં અાડાં-ઊભાં-ત્રાસાં થવાં લાગ્યાં. હીરજી સરૈયાને તો અાવાં નાટકી દૃશ્યો પર એક અણગમો જ હતો કારણ એમના સ્વયં ઊછેરમાં સીનેમા નાટકમાં કામ કરવું એ ‘હલકી વરણ’ના લોકોમાં ગણાતું. છતાં સૌની જેમ એમને પણ એ જ જાણવું હતું હૂ ધ હેલ ઈઝ ધીસ મૅન ? એ પેલા બાવરાની પાસે ગયા. એના ખભે હાથ મુકી પહેલાં તો સાંત્વના અાપવા માંડ્યા.

‘સૉરી. અાપ રેશમાને કેવી રીતે જાણો?’

હજુ એ માણસ જવાબ અાપે તે જ ક્ષણે મિસિસ સરૈયાની કાસ્કેટને કોઈએ ગરગડીવાળી ચાલણગાડીથી અંદર ધકેલવા માંડ્યું. બૉડી નેપથ્યમાં ક્રમશ: અદૃશ્ય થયું. બે મિનિટ પછી એ એક સી-થ્રુ વીન્ડોમાં દેખાશે એવી સૂચના અપાઈ.

દસબાર ઇમીડીએટ ફેમિલી મેમ્બરો ક્રીમેશન વીન્ડો અાગળ જઇને ઊભા. ત્યાં બંબૈયા પાંડુ જેવો એક મેક્સીકન અાવ્યો ને બોલ્યો, ‘હૂઝ સીન્યૉર .. સારીયા .. !’

હીરજી સરૈયા અાગળ અાવ્યા. પેલાએ એમને ભઠ્ઠાનું એક લાલ બટન ચીંધીને બતાવ્યું. પછી માઇમ ઈશારો કર્યો કે  ‘એને દબાવવાનું. અોકે ?’

હીરજીને ખરો ગભરાટ હવે થયો. એમને સહસા વિચાર અાવી ગયો કે બસ હવે નક્કી કોઈ વીર ઘટોત્કચ ફિલ્મ જેવી સ્પેિશયલ ઇફેક્ટથી રેશમા સરૈયા ભપ્ કરતીકને ભડકો થઈ જશે ને એવ્રીથીંગ વીલ ફિનિશ ! પછી ક્રીમેશન ચેંબરમાં રેશમા એક રાખોડીનો ઢગલો થઈ જશે ને એ ઢગલાની અંદર ખોપડી, હાડકાં .. ને પેલાં મોહેન-જો-દડોના ખોદકામમાં મળી અાવે તેવાં કરોડના મણકાં બધાં કૂકા થઈ જશે.

ત્યાં પેલા બાવરાએ માનપૂર્વક નીચા વળીને હીરજીને પૂછ્યું, ‘શું હું એ બટન દાબી શકું ? મે અાઇ?’ કહીને એણે પેલા અગ્નિદાહના લાલ બટન તરફ હાથ લંબાવ્યો. હીરજી હા કે ના કહે તે પહેલાં એણે લાલ બટન દાબી દીધું.

ભપ્ કરતાંક બધા બર્નર લાલ હિંગળોક થઈને પ્રગટ્યાં. કાચની બારી પર અૉટોમેટીક ઈલેક્ટૃીક શટર ઊતર્યું અને થોડી વારમાં તો એ બંધ બારી તરફથી ગરમ લૂ વાવા લાગી. એટલે પેલાએ હીરજીને વાંકા વળી કહ્યું,  ‘થેંક્યુ સર !’  એણે ચશ્માંના કેસમાંથી લીલી ઝાંયવાળા મરક્યુરી સનગ્લાસીસ કાઢીને પહેર્યાં.

‘રેશમાને તમે … હાઉ ડુ યુ નો હર ?’ હીરજી સરૈયાએ પૂછ્યું.

એટલે પેલાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને હીરજીના હાથમાં અાપ્યો. ‘વાંચી જજો. એમાં બધુ જ છે.’ કહી એ એક્ઝીટ તરફ ચાલવા માંડ્યો ને બોલ્યો, ‘ગુડ ડે ! .. ટાયગર !’ એ સાથે જ એ અદૃશ્ય થઈ ગયો. કયા નંબરની લિફ્ટ, કયો માળ, કઈ કાર, કયો હાઇવૅ .. કયું રાજ્ય .. કયો દેશ.  ટ્રીક ફોટોગ્રાફી જેવો એ માણસ અલોપ થઈ ગયો.

ગુડ ડે ! ટાયગર ! એવું એ બોલેલો. ટાયગર. ટાયગર. ટાયગર?

અા ‘ટાયગર’ સંબોધન અા માણસને ક્યાંથી ખબર? હીરજી સરૈયાના બદનમાં સહસ્ત્ર કાનખજૂરા ચાલતા હોય તેમ થઈ ગયું, કારણ અા શબ્દ તો અાખી પૃથ્વી પર માત્ર બે જ જણાં જાણે .. એક અા બળીને ખાખ થઈ રહી છે તે રેશમા ને બીજો જણ તે પોતે. એક જમાનામાં જે કાંઈ કરતાં હતાં તે ગાંડાતૂર સંભોગ સ્તંભનોના અશ્વલયોની હાંફ વખતે રેશમા એમને કાનમાં કહેતી, ‘માય ટાયગર ! સ્લો ડાઉન !’ એ શબ્દની કોણે ચાડી કરી ?

અાજુબાજુનો વિચાર કર્યા વગર એમણે ત્યાંને ત્યાં જ એ કાગળ વાંચવા માંડ્યો.

‘શ્રીમાન હીરજી,

તમે મને ક્યારે ય જોયો નથી. રેશમાનાં મૃત્યુની મને અાજે સવારે ખબર પડી માટે ચાલ્યો અાવ્યો. તમે એના પતિ છો. તમારા લગ્નના સોગંદની ભાષામાં શું છે, અાઇ થીંક કાંઇક એવું છે .. till death do us apart .. માટે હવે રેશમા હવે તમારી મેરેજની ડેફિનેશનની બહાર છે. એ હવે મારી પણ હોઈ શકે. દર વર્ષે તમારી બર્થ ડેના દિવસે અમે બન્ને ટેલિફોન પર મન ઠાલવીને તમારી વાતો કરતા. કેવી કેવી વાતો હતી અમારી! રેશમા તો જાણે સેક્રેટરીને ડિક્ટેશન અાપતી હોય તેમ બોલ્યે જતી. તમારી રજેરજ વાતો મને કહેતી. તમારી બેડરુમની ‘ટાયગર મૉમેન્ટસ’ની વાતો ઉપરથી તો મેં કેટલાં ય જોક્સ બનાવ્યાં ને રેશમાની મશ્કરીઅો કરી છે ! તમારા લગ્નને અાટલાં વર્ષો સુધી અકબંધ રાખવામાં યૉર્સ ટ્રુલી .. અર્થાત્ મારો ફાળો છે. બાકી દરેક પુરુષની ડાયરીનાં પત્તાં વર્ષો સુધી થોડાં કોરાં રહ્યાં હોય ? એકાદ મીની છમકલું તો થયું જ હોય. બસ. અા અાપણો છેલ્લો સંવાદ.  ટાયગર !  રેશમાની ચિતા સાથે હું પણ જાણે બળીને ખાખ થઈ ગયો છું. અહીં અાપણા ત્રણેવની સ્ટોરીનો ધી એન્ડ.’ 

* * *

488 Old Courthouse Road, New Hyde Park, NY 11040 : E-mail: rpshah37@hotmail.com

Loading

19 July 2013 admin
← જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ : શરીફા વીજળીવાળા
સવાલ, લોકશાહીની લક્ષ્મણરેખાઓનો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved