Opinion Magazine
Number of visits: 9451494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્માની અરધી જિંદગીનો પૂરો હિસાબ : ગાંધીજીનું પહેલું જીવનચરિત્ર

યોગેન્દ્ર પારેખ|Gandhiana|8 October 2018

ગાંધીજીનું પહેલું ચરિત્ર – લેખક : જોસેફ ડોક; અનુવાદક : બાલુભાઈ પારેખ; પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર, પાનાં 20 + 156; રૂ. 40

મૂળ પોરબંદરના મેમણની દક્ષિણ આફ્રિકા સ્થિત વેપારી પેઢીના એક કેસ માટે વકીલ તરીકે કામ હાથમાં લેતા બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ‘ગાંધીજીનું પહેલું જીવનચરિત્ર’ ૧૯૦૮માં અંગ્રેજ પાદરી જૉસફ ડૉક દ્વારા લખાયું. ગાંધીજીની જીવનસફરનું હજી તો એ ચાલીસમું વર્ષ. જગત જેને મહાત્મા તરીકે બરાબર ઓળખે ને સન્માને એ ઘટના હજી આઠેક વર્ષ દૂર હતી. ત્રણ દાયકા પછી સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રસેવક જેમને રાષ્ટ્રપિતા કહી સંબોધવાના હતા, એવા વિશ્વશાંતિના વકીલને એ પાદરી પામી જાય છે. ૧૯૦૭ના ડિસેમ્બરમાં જૉસફ ડૉકે ગાંધીજીને પહેલી વખત જોયા; તેમનું બૅરિસ્ટર લોકનાયક વિશેનું પૂર્વાનુમાન જુઓ : ‘ઘણું કરીને એ ઊંચો અને દમદાર પુરુષ હશે, એનો ચહેરો જોહાનિસબર્ગમાં એનો જે પ્રભાવ પડતો હતો, તેને જેબ આપે એવો રુઆબદાર અને આંજી નાખે એવો હશે. અને એનો સ્વભાવ ઉગ્ર અને મિજાજી હશે. પણ મારી ધારણા ખોટી પડી.’

૧૮૯૩થી ૧૯૦૭ સુધીના એક તપ જેટલાં વર્ષોમાં દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ માટે, એશિયનો માટે સર્વસ્વ સમર્પણની ભૂમિકાએ લડનાર આ માણસ ભાવિ ભારતનો ભાગ્યવિધાયક બનવાની ક્ષમતા ધરાવે છે, તેવો ચરિત્રલેખકનો સહજપણે નિષ્પન્ન થતો આદર આ ચરિત્રની વિશેષતા છે. ગાંધીજી પાસેથી તેમના જીવનઘડતરની વાતો કઢાવવી આસાન ન હતી. પણ ગાંધી પોતાની વાતો જણાવે, તો તેમના વ્યક્તિત્વને અંગ્રેજો ઓળખી શકે તેવો આ ચરિત્રકારનો ઉમદા આશય હતો; -‘ઇંગ્લૅન્ડના લોકોને તમારા વ્યક્તિત્વ અને ચારિત્ર્યનો સાચો અંતરંગ પરિચય મળી રહે, તો ભવિષ્યમાં આવી પડનારી મહાન લડતમાં એ કાંઈક મદદરૂપ થઈ શકે’ – એમ જણાવી ગાંધીજી પાસેથી જીવનઘડતરની વાતો કઢાવવામાં જૉસફ ડૉકને સફળતા મળે છે. “લડતના ધ્યેયને ખાતર ગમે તે ક્ષણે મરવા તૈયાર છું, ગમે તે કરવા તૈયાર છું,” એવો સમર્પણભાવ રાખનાર યુવાન ક્રાંતિકાર ગાંધી તેમનાથી આઠ વર્ષ મોટા પાદરી સમક્ષ, તે કાળે વીતેલાં ચાર દાયકાની જીવનસફરની વાત માંડે છે.

ગાંધીજીની સત્યાગ્રહી ચળવળના સાક્ષી એવા આ ચરિત્રલેખકને એ વાતની પાકી પ્રતીતિ થઈ ચૂકી હતી કે, “આપણામાંના મોટા ભાગના માણસો કરતાં આપણા આ હિંદી મિત્ર ઉચ્ચ ભૂમિકા પર વસે છે.” જૉસેફ ડૉકના માનસપટ પર બે દૃશ્યોની અવિસ્મરણીય છાપ પડે છે : એક તો પોતાના દુઃખી દેશબાંધવો માટે સ્વેચ્છાએ અને તત્પરતાપૂર્વક જેલની સજા સ્વીકારનાર બૅરિસ્ટર ગાંધી અને બીજું દૃશ્ય; મીરઆલમ અને પઠાણ સાથીઓ ગાંધીજીને જંગલી માર મારી બેહોશ કરી દે છે, ત્યારે તેમના પ્રત્યે ગાંધીજીની ક્ષમાની લાગણી. હાથે કરીને ગરીબ તરીકે રહેવા કૃતસંકલ્પ થયેલા આ યુવાન બૅરિસ્ટરની ‘ગજબની નિઃસ્વાર્થતા’ પ્રત્યે જન્મેલી ગૌરવ અને શ્રદ્ધાની હિંદીઓની લાગણીની સમાંતરે આ ધર્મપુરુષ ચરિત્રલેખકની લાગણી પણ ભાવક પામી શકે છે.

ગાંધીજીના નેતૃત્વમાં આખા ટ્રાન્સવાલના એશિયાઈઓએ આદરેલી લડતથી આ ચરિત્રપુસ્તકનો પ્રારંભ થાય છે. ‘કથાનાયક’ પ્રકરણમાં ગાંધીજીના પ્રથમ દર્શનથી લઈ વ્યક્તિત્વનો વાજબી ગુણાનુવાદ સંયત રીતે લાઘવપૂર્વક વ્યક્ત થયો છે. વતન પોરબંદર, જીવનઘડતર, વ્યસની માંસાહારી સોબતીઓ, ધર્મપરાયણ માતા-પિતા, વિલાયતમાં અભ્યાસ, ઘર્મમંથન આદિની વિશ્વપ્રસિદ્ધ વાતોનું પ્રથમ પ્રાગટ્ય આ નાનકડા પુસ્તકમાં છે, તેથી તેનું ઐતિહાસિક મૂલ્ય અદકેરું છે. ૧૮૯૩માં કેસનું કામ પૂરું થયા પછી વિદાય-મિજબાની ટાણે ‘નાતાલ મર્ક્યુરી’નામના અખબારમાં ‘હિંદીઓના મતાધિકાર ખૂંચવી લેવાના બિલ’ના સમાચારથી જાહેર કાર્યમાં, કોમની લડતમાં પ્રાણપૂર્વક પ્રતિષ્ઠિત થતા આ ક્રાંતિકારની કષ્ટ સહન કરવાની સત્યાગ્રહી ક્ષમતાના પ્રથમદર્શી અહેવાલ સ્વરૂપે તે કાળે પ્રગટ થયેલા આ પુસ્તકની એક પ્રત ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને મોકલી હતી. ટૉલ્સ્ટૉયે પોતાના નિકટના સાથીને લખ્યું હતું કે : ‘તે (ગાંધી) આપણા જેવા છે – મારા જેવા છે.’

૧૯૦૩માં ચોત્રીસની વયે ચાર ભાષા : અંગ્રેજી, તમિલ, ગુજરાતી અને હિંદીમાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કરનાર ગાંધી આ ચરિત્રલેખકને સ્વપ્નદૃષ્ટા જણાય છે. લોકકેળવણીનું મોટું સાધન બનનાર તત્કાલીન ‘મીડિયા’ એવું ‘ઇન્ડિયન ઓપિનિયન’ વગર સત્યાગ્રહ ન જ ચાલી શક્યો હોત, એવું ભારપૂર્વકનું કથન અહીં થયું છે, તે દર્શાવે છે કે ગાંધીજીને સમૂહ-માધ્યમની અસરકારકતા તથા વિવેકપૂર્ણ લોકધર્મી ઉપયોગિતાની કેટલી વહેલી ખબર હતી.

સત્યાગ્રહ વિશેની ૧૯૦૮ સુધીની અપ-ટુ-ડેટ માહિતી ‘તાજાકલમ’ પ્રકરણમાં ઉલ્લેખી છે. સત્યમૂર્તિના સત્યાગ્રહસંગ્રામના સાક્ષી એવા પાદરી ધર્મપુરુષના ગાંધીજી વિશનાં નિરીક્ષણો અને આદરવચનોનું તત્કાલીન મૂલ્ય, સર્વકાલીન સ્વીકૃતિ પામે છે, તેમાં ચરિત્રની મહત્તા જેટલી જ તેના ચરિત્રલેખકની મહત્તા છે. ‘સત્યના પ્રયોગો’ના વાચક માટે આ પુસ્તકનું વાચન અનિવાર્ય છે, તે ભાગ્યેજ કહેવાનું હોય. શ્રીમદ્રાજચંદ્ર, રસ્કિન, થૉરો, ટૉલ્સ્ટૉય આદિ વિશ્વચેેતના અંગે ઊછરતી નિત્ય વિકાસશીલ સ્થિતપ્રજ્ઞ પ્રતિભાના આ સ્વભાવચિત્રનો પ્રથમ અનુવાદ ડૉ. પ્રાણજીવનદાસ મહેતાએ ૧૯૧૨માં કર્યો હતો, પણ ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હોવાની સ્થિતિમાં ગાંધીશતાબ્દી વર્ષે બાલુભાઈ પારેખે કરેલો આ અનુવાદ ૧૯૭૦માં સૌ પ્રથમ પ્રકાશિત થઈ છેક ૨૦૦૪માં પ્રથમ પુનર્મુદ્રણની એક હજાર નકલ પામે છે. ઉમાશંકર જોશીના આમુખ ઉપરાંત ગાંધીજીએ આપેલો લેખક જૉસફ ડૉકનો પરિચય તથા એમ્પ્ટહીલની પ્રસ્તાવનાથી પુસ્તકની ગુણવત્તામાં અભિવૃદ્ધિ થઈ છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 06

Loading

8 October 2018 admin
← આહોનાં શહેર
માલિનીબહેન ગયાં →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved