Opinion Magazine
Number of visits: 9446687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૃંગારવહુની ટૂંકી કહાણીઓ

દીપક મહેતા|Opinion - Literature|16 August 2018

કાળચક્રની ફેરીએ

અગાઉ પાર્વતીકુંવર આખ્યાન વિષે લખતી વખતે તેમાંના ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક વિશેના ઉલ્લેખ તરફ ધ્યાન ગયેલું. પણ એ વખતે તો પાર્વતીકુંવર આખ્યાનની પહેલી આવૃત્તિની સાલ અંગે અંદાજ બાંધવા પૂરતો જ તેનો ઉપયોગ કરેલો. પણ ખાંખાખોળાની ટેવ. અને પડી ટેવ તે તો ટળે કેમ ટાળી? એટલે શોધ શરૂ કરી. મુંબઈમાં સફળતા મળી નહિ, એટલે ચાલો અમદાવાદ. અને અહો આશ્ચર્યમ્‌! ટૂંકી કહાણીઓ પુસ્તકના તો બે ભાગ પ્રગટ થયેલા. ગુજરાત વિદ્યાસભાના પુસ્તકાલયમાંના બંને ભાગની ઝેરોક્સ નકલ પણ ખાંખાખોળા-મિત્ર, જાણીતાં ગ્રંથપાલ અને સૂચી-નિષ્ણાત તોરલબહેન પટેલે તાબડતોબ મોકલી આપી. અને મન ગણગણવા લાગ્યું: ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું.’

હા, પહેલા ભાગની તો છેક છઠ્ઠી આવૃત્તિની નકલ જોવા મળી. ટાઈટલ પેજનો ઉપરનો ભાગ અંગ્રેજીમાં છે, નીચલો ગુજરાતીમાં. બન્નેની માહિતી એકસરખી નથી. પણ ૧૯૦૮માં એ આવૃત્તિ પ્રગટ થયેલી. તેના ટાઈટલ પેજ પર છાપ્યું છે: “ઇંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારી મીસ એલ.આર. કાલેટે ભણાવેલી એક તરૂણી નામે શૃંગાર.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) પાર્વતીકુંવર આખ્યાનમાં જેનો ઉલ્લેખ ‘શણગાર’ તરીકે થયો છે, એ જ આ ‘શૃંગાર.’ મહીપતરામ નીલકંઠની પુત્રવધૂ. અને મિસ કોલેટ હતાં અમદાવાદની ફીમેલ ટ્રેનિંગ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ.

મહીપતરામનું તો ૧૮૯૧માં અવસાન થયું, એટલે આ આવૃત્તિ તેમના કોઈ વારસદારે (રમણભાઈ નીલકંઠે?) પ્રગટ કરી હોવી જોઈએ. કોણે પ્રગટ કરેલી તે પુસ્તકમાંથી જાણવા મળતું નથી, પણ તે અમદાવાદના ધ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું. આ આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ (મહીપતરામની હયાતિમાં છપાયેલી છેલ્લી આવૃત્તિ?)ની એક પાનાની પ્રસ્તાવના ફરી છાપી છે. ઉપરાંત ‘બાઈ શૃંગાર’નો પરિચય આઠ પાનાંમાં છાપ્યો છે. ૧૮૬૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે સુરતમાં તેમનો જન્મ. કેશવરાય અને મહામાયાગૌરીનાં તેઓ દીકરી. તેમના પહેલાં જન્મેલાં બધાં સંતાનો મૃત્યુ પામેલાં એટલે મોતની ભૂંડી નજરથી બચાવવા આ દીકરીનું નામ તેની દાદીએ ‘ગાંડી’ પાડ્યું! આ દીકરીના જન્મ પછી જન્મેલાં બાળકો જીવી ગયાં તેથી ‘ગાંડી’ સારાં પગલાંની ગણાઈ અને ઘરમાં તેનું માન વધ્યું.

આઠ વર્ષની ઉંમર સુધી તે નિશાળે ગઈ નહોતી. પણ એક વાર તેની નાની બહેન નિશાળેથી ઇનામ લઇ આવી તે જોઈ તેણે નિશાળે જવાનું નક્કી કર્યું. સુરતની રાયચંદ દીપચંદ કન્યાશાળામાં ભણીને સુવર્ણચંદ્રક મેળવ્યો. અગિયાર વર્ષની ઉંમરે ૧૮૭૫ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે મહીપતરામના મોટા દીકરા અનુભાઈ સાથે ગાંડીગૌરીનાં લગ્ન થયાં. સુરતના નાગરોના રિવાજ પ્રમાણે લગ્ન પછી તેનું નામ બદલાઈને ‘શૃંગારવહુ’ પડ્યું. લગ્ન પહેલાં તેનાં મા-બાપે પણ ગાંડીને બદલે તેનું નામ નર્મદાગૌરી પાડેલું. લગ્ન પછી તેણે મિસ કોલેટ પાસે ભણવાનું શરૂ કર્યું. અંગ્રેજીનો અભ્યાસ વધાર્યો. ભણતર ઉપરાંત ઘરકામમાં પણ તે ખૂબ પાવરધી હતી. પછીથી સસરા મહીપતરામ પાસે ભણવા લાગી. તેમની સૂચનાથી ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’માંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું. તો ‘રોયલ રીડર’માંના કેટલાક પાઠોના અનુવાદ તેણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે કર્યા હતા. ૧૮૭૯માં માંદી માતા અને સાસુ બંનેની સેવા કરી. ૧૮૮૦ના જુલાઈની ૧૪મી તારીખે સાસુ પાર્વતીકુંવરનું અવસાન થયા પછી ઘરનો બધો કારભાર શૃંગારને માથે આવ્યો, જે તેણે સહજતાથી ઉપાડી લીધો. સોળ વર્ષની ઉંમરે પહેલી સુવાવડ માટે શૃંગાર સુરત ગઈ. ત્યાં માંદી પડી અને ૧૮૮૧ના મે મહિનાની ૯મી તારીખે તેનું અવસાન થયું. ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક તેની હયાતીમાં પ્રગટ થઇ શક્યું નહિ. પણ તેમાંથી જે આવક થાય તે બધી ગરીબોને અન્ન અને દવા આપવા પાછળ અને વિદ્યાને ઉત્તેજન આપવા માટે વાપરવી એવો તેનો ઈરાદો હતો. પુસ્તક પ્રગટ કરતી વખતે મહીપતરામે તે પ્રમાણે કરવાનું ઠરાવેલું.

પુસ્તકમાંની ઘણીખરી વાર્તાઓ સાવ ટૂંકી છે. ૯૨ પાનાંના પુસ્તકમાં ૧૧૮ વાર્તાઓ છે. અનુવાદની ભાષા સાદી, સરળ અને સ્વચ્છ છે. અલબત, ૧૬ વર્ષની તરુણીએ આ અનુવાદ કર્યો છે એ યાદ રાખવું ઘટે. નમૂના તરીકે ૩૫મી વાર્તા ‘દેવ અને ગાડીવાન’ જોઈએ:

“એક દિવસે કોઈ ગામડીઓ કાદવવાળે રસ્તે ગાડું હાંકતો હતો. ગાડીનાં પૈડાં કાદવમાં એટલાં દટાયાં કે બળદ ખેંચી શક્યા નહિ. ગાડીવાને પૈડાં કાઢવાનો કંઈ પ્રયત્ન ન કરતાં પ્રાર્થના કરી દેવને મદદે બોલાવ્યા. દેવે આવી કહ્યું ખભો દેઈ પૈડાંને ધકેલ ને બળદને હાંક; જેઓ જાતે મહેનત કરે છે તેમને જ હું સહાય કરું છું. ગાડીવાને તે પ્રમાણે કર્યું એટલે પૈડાં કાદવમાંથી નીકળ્યાં ને તેની અડચણ દૂર થઇ. આપણે પ્રાર્થના કરીએ અને મહેનત ન કરીએ તો આપણી પ્રાર્થના ફળવાની આશા રાખીએ તે ફોકટ છે.”   

અવસાન પહેલાં શૃંગાર આખા પુસ્તકનો અનુવાદ કરી શક્યાં નહોતાં. જેટલી વાર્તા કરી હતી તેટલી તો છાપી, પણ બાકીની વાર્તાઓનું શું? એ જમાનાના ચાલ પ્રમાણે મહીપતરામે ‘શૃંગાર સ્મારક ઇનામ’ માટે હરીફાઈ યોજી. અનુવાદ માટે સાઠ રૂપિયાનું માતબર ઇનામ આપવાની જાહેરાત કરી. મુંબઈનાં પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆનો અનુવાદ ઇનામને પાત્ર ઠર્યો અને તે ‘ટૂંકી કહાણીઓ’ના બીજા ભાગ તરીકે ૧૮૮૩માં પ્રગટ થયો. તેનું ટાઈટલ પેજ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપર-નીચે છાપ્યું છે. બન્નેમાંની માહિતી એકસરખી નથી. ગુજરાતીમાં બે વિગત વધારે છે: ૧. “ઇનામ આપનારે એ પુસ્તકને સુધારી પ્રગટ કર્યું છે.” ૨. “ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક આ ચોપડી પ્રગટ કરનારે રાખ્યા છે.” જો કે પુસ્તક પ્રગટ કરનારનું નામ પુસ્તકમાં ક્યાં ય છાપ્યું નથી. અમદાવાદમાં યુનાઈટેડ પ્રિન્ટિંગ અને જનરલ એજન્સી કંપની લિમિટેડના પ્રેસમાં તે છપાયું હતું એટલી માહિતી મળે છે. આરંભે મહીપતરામે એક પાનાની પ્રસ્તાવના લખી છે. તેમાંથી એક વિગત જાણવા મળે છે: શૃંગારે અનુવાદ કરેલો તે પહેલો ભાગ પ્રગટ થયા પછી “તેનો ખપ ઝાઝો માલૂમ પડ્યો. એક હજાર પ્રત સરકારે ખરીદ કરી અને લોકોમાં પુષ્કળ પ્રતો વેચાઈ.”

પહેલા ભાગમાંની વાર્તાઓની સરખામણીમાં બીજા ભાગમાંની વાર્તાઓ વધુ લાંબી છે. તેને ૧૧૯થી ૧૬૭ સુધીનો ક્રમ આપ્યો છે. આ વાર્તાઓ ૧૧૯ પાનાં રોકે છે. અનુવાદ સાફ-સુથરો છે. પારસી બોલીની છાંટ લગભગ જોવા મળતી નથી. ૧૨૮મી વાર્તા ‘સાત શિલિંગનો સિક્કો’નો થોડો ભાગ જોઈએ:

“ઇંગલાંડમાં ઈ.સ. ૧૮૨૬માં નાણા બજારમાં ગભરાટ ચાલતો હતો તે વખતે એક ગૃહસ્થ ઉદાસી મુખે બેસી પોતાના ગુમાસ્તા લોકોને દર કલાકે હજારો રૂપિયા ગણી આપતા હતા તે જોતો હતો. એ ગૃહસ્થ સારી સાખવાળો નાણાવટી હતો, પણ તે વેળાએ વ્યાપાર મંડલ ઉપરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગએલો હોવાથી દરેક જણ નાણાવટીની પેઢીમાં પોતે મૂકેલી રકમ ઊપાડી લઇ જવાની ઉતાવળમાં પડ્યો હતો. દરેકને એવી બીક હતી કે રાખે થોડાં વખતમાં તે પેઢી દેવાળું કાઢે અને તેનાં નાણાં ડૂબી જાય. વાણોતરો નાણાંની થેલીઓ ખાલી કરતા હતા તથા લોકો ખજાનચી પાસે અધીરા થઇ પોતપોતાનું નાણું માગતા હતા; તે સઘળું તે પૈસાદાર શરાફ ગંભીર હાસ્ય સહિત જોતો હતો. તેની થાપણ ખૂટી પડશે એવી તો તેને કાંઈ જ ધાસ્તી નહોતી, પણ જેમને તે પોતાના અતિવહાલા મિત્રો ગણતો હતો તેઓ જ તેની પેઢી નબળી પાડવામાં આતુરતાથી મદદ કરતા હતા, એ જોઈ તેને ખેદ લાગ્યા વગર રહ્યો નહિ.” 

બીજા ભાગની પ્રસ્તાવનામાં મહીપતરામે મૂળ અંગ્રેજી પુસ્તકને ‘ચેમ્બર્સકૃત’ તરીકે ઓળખાવ્યું છે, પણ હકીકતમાં ‘ચેમ્બર્સ’ એ આ પુસ્તકના લેખકનું નામ નથી, તેના પ્રકાશકનું નામ છે. વિલિયમ અને રોબર્ટ ચેમ્બર્સ નામના બે ભાઈઓએ ૧૮૩૨માં ડબલ્યુ એન્ડ આર ચેમ્બર્સની સ્થાપના કરેલી. ૧૯મી સદીના અંતે અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરતી આખી દુનિયાની સૌથી મોટી પ્રકાશન સંસ્થા એ બની ગઈ હતી. ૧૯૮૯ પછી ચેમ્બર્સ કુટુંબ તેનું માલિક ન રહ્યું. નામ પણ થોડું બદલાયું: ચેમ્બર્સ હાર્પ પબ્લિશર્સ લિમિટેડ. એડિનબરાની ચેમ્બર્સ સ્ટ્રીટ પર આજે ય વિલિયમ ચેમ્બર્સનું પૂતળું ઊભું છે.

૧૯મી સદીના લેખકો અને તેમનાં પુસ્તકો વિશેની આપણી પાસેની માહિતી એટલી આછી અને ઓછી છે કે આ તો આમ જ છે કે આ તો આમ ન જ હોય એમ છાતી ઠોકીને કહેવું કોઈને માટે શક્ય નથી, યોગ્ય પણ નથી. પણ પૂરેપૂરો સંભવ છે કે આ ગાંડીગૌરી કે નર્મદાગૌરી કે શૃંગારવહુ એ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પુસ્તકનો અનુવાદ કરનારી પહેલી ગુજરાતી સ્ત્રી હતી. અને ‘ટૂંકી કહાણીઓ’નો પહેલો ભાગ એ કોઈ સ્ત્રી દ્વારા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલું પહેલું પુસ્તક છે તેમ માનવું રહ્યું.

XXX XXX XXX

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, અૉગસ્ટ 2018]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

Loading

16 August 2018 admin
← સુઝન અને વિવેક
વાજપેયી વહાલનો દરિયો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved