Opinion Magazine
Number of visits: 9448282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધાર ….

અનિલ વ્યાસ|Opinion - Short Stories|6 January 2018

બિપિનચંદ્ર હવે સ્વસ્થ થઈ ગયા હતા. ગ્રેસ હળવા અવાજે બોલતી હતી. એ ચૂપચાપ સાંભળતા રહ્યા.  એમને બધું સંભળાતું હતું પણ સમજાતું ન  હતું. આવી છેતરપિંડી?

સ્કોટલેન્ડમાં રહેતી ગુજરાતી મા નંદિની અને સ્કોટિશ પિતા ગ્લેન રૉસની દીકરી ગ્રેસ રૉસ, સરલા બનીને છેલ્લાં બે વર્ષથી એમની સાથે ફેસબુક પર ચર્ચાઓ કરતી હતી. સોશિયલ મીડિયામાં આવી ચાલાકીઓ થતી હોય છે એની એમને ખબર છે, પણ એમના મિત્રવર્તુળમાં કોઇ એવું નહોતું કે આવું બનશે એવો વિચાર સુદ્ધાં આવે. એ થોડી વાર ગ્રેસ સામે જોઇ રહ્યા. ‘આવું શું કામ કર્યું તેં?’

‘હું શું કરું તો તમે મને માફ કરી દો?’

‘તું …. તને શું કહેવાનું? તારા જેવડી મારે બે પૌત્રીઓ છે એ ખબર છે તને?’

‘હા.’ એટલું બોલતાં એની આંખો ભરાઈ આવી. એ રડતી નહોતી પણ એના હોઠ બિડાયેલા હતા. એ ચૂપચાપ સામે હિલ્લોળાતા ગુલમહોરને જોઈ રહી. એનો લાલચટ્ટક અંબાર એની આંખોમાં છવાયો. ખાસ્સીવાર એ સૂનમૂન બેસી રહી હતી. બિપિનચંદ્રને લાગ્યું, એ હવે કશો જવાબ આપશે પણ એ બાંકડાની ધારે હાથ ટેકવી ઊભી થઈ. ફિક્કું હસવા મથતાં બોલી,  ‘સૉરી’. એણે ચાલવા પગ ઉપાડ્યો ત્યારે બિપિનચંદ્ર રોકવાની ઘણી ઇચ્છા હોવા છતાં રોકી ન શક્યા.  આ છોકરીએ એની અહીં અમદાવાદમાં રહેતી  એની નાની  સરલાનો એમની સાથે પરિચય વધારવા જે યોજના ઘડી હતી એ જાણ્યા પછી એને રોકવાનું મન થતું નહોતું. ગ્રેસે પીઠ ફેરવી બગીચાના મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું હતું.

ગ્રેસના ગયા પછી બિપિનચંદ્ર વિચારતા રહ્યા. બે વરસમાં એ છોકરી સાથે કેવી કેવી વાતોની આપ લે થઈ છે! એને વિવિધ રૂપે જોવાનું બન્યું એમાંનું કશું ય ક્યાં યાદ કરવું પડે એમ છે? ઈકબાલના એક શેર નીચે ઉતાવળમાં ઝરખેજનો અર્થ સમજાવવાનો રહી ગયો હતો. બની બેઠેલી સરલાએ એમને એનો અર્થ પૂછ્યો હતો. એમણે લખેલા ગઝલના ગુજરાતી ભાષાંતરના જવાબમાં સરલાની મૈત્રી વિનંતી આવી હતી.  એ પછી ઉર્દૂ શાયરી, ગઝલ અને ગમતી વાર્તાઓની ચર્ચા ચાલી હતી. સરલા જ્યાં સમજણ ન પડે ત્યાં એમને પ્રશ્નો લખતી. વિનંતી વીંટ્યા એ શબ્દોએ  એમનો  અંદર ઊતરી ગયેલો શિક્ષક ખેંચાઈ આવ્યો હતો. 

એ ઉર્દૂ ગઝલો સમજાવતા તો સામે પક્ષે સરલા ગદ્યનો મહિમા વર્ણવતી. એ જે રીતે વાર્તા ખોલી આપતી એ વાંચી બિપિનચંદ્રને થતું નક્કી સરલા પણ મારી જેમ ગુજરાતીની અભ્યાસી હોવી જોઈએ. એ વગર પાત્રલેખન, સંકેતો, વ્યંજના કે અભિધાની ચર્ચા કોણ કરે? એવા કેટલાય સંદર્ભો અનાયાસ ખૂલતાં ગયાં જે વર્ષોથી એમની પત્ની રંજનાની નરી ભૌતિકવાદી વિચારસરણીના વજન નીચે દબાઈ રહેલા. સરલાનાં લખાણોથી અંતર પ્રફુલ્લિત થઈ ઊઠતું. તાજાં ફૂલો જેમ શબ્દો આખી રાત મહેકતા રહેતા.

અચાનક સમજાયું એ સઘળું પોકળ હતું. ગ્રેસ પરદેશમાં બેઠી બેઠી એની સરલાનાની સાથે ચર્ચાઓ કરી એમના મેસેજ બોક્સમાં એ બધું લખતી હતી. સરલાને તો આ ફેસબુક વાર્તાલાપની કશી ખબર જ નહોતી. શું થશે આ પેઢીનું? એમને જે સૂઝ્યું એ સવાવીશ?

અરે! ગ્રેસે પૂછ્યું હોત કે તમને મારાં નાની સાથે ઓળખાણ કરવી ગમશે? તો એ ક્યાં ના પાડવાના હતા. રોજ સાંજે બગીચામાં ચાલવા જાય છે ત્યારે ઘણીવાર બે એક સરખી ઉમ્મરની બહેનો સાથે કશા ય ભાર વગર નિરાંતે વાતો થતી હોય છે. પણ ગ્રેસે પહેલાં એમનું લાગણીતંત્ર કબજે કરી લીધું ને હવે માફા માફી? ના, આવી કોઇ વરવી નીતિ એ નહિ ચલાવી લે.

*  *  *

પહેલાં સરલાબહેનને પરદેશથી એમની દોહિત્રી ગ્રેસ ગુજરાતી વાર્તાઓ વિષે પૂછે, વાંચે અને મર્મ સમજવા મથામણ કરે એની નવાઇ લાગી હતી, પરતું  સથવારે સિંચાયેલ સંસ્કાર આમ પાંગરીને વિકસતા જોઈ રોમે રોમે અનહદ સુખ અનુભવાતું હતું. એમની દીકરી નંદિની કલાસાયુજ્ય અને નૃત્યમંડપ સંસ્થાઓના ઉપક્રમે યુરોપના પ્રવાસે જવાની હતી ત્યારે આવો જ અકથ્ય આનંદ અનુભવાતો હતો. પણ એકાએક ભૂસ્ખલન થાય એમ સમસ્ત સુખ અપાર પીડામાં કેરવાઈ ગયું હતું. એ પળનું સ્મરણ સુધ્ધાં કમકમાવી મૂકે છે. એકની એક દીકરી ફોન કરીને જણાવે કે એણે કોઇ વિદેશી સાથે લગ્ન કરી લીધાં છે ત્યારે કેવો અસહ્ય ધક્કો લાગે? સરલાબહેનના પતિ રાજેન્દ્ર પ્રકાંડ પંડિત અને રાજ્યગુરુ શંભુપ્રસાદનો દીકરો. પૂજા કર્યા સિવાય પાણી પણ ન પીવે. બ્રહ્મ સંસ્કારમાં ઊછરેલી દીકરી આ રીતે એક મ્લેચ્છની ભાર્યા બની?

એ સમાચારથી નંદવાયેલું રાજેન્દ્રનું મન અંતિમ ક્ષણ સુધી ઉદ્દવેગમય જ રહ્યું. ચારેક મહિના પછી અચાનક નંદિની અને ગ્લેન આશીર્વાદ લેવા બારણે આવીને ઊભાં ત્યારે  મા કે બાપ કોઇને ય વહાલસોયી દીકરીને “આવ” કહેવાંની ય હામ ન હતી. જે સંસ્કાર વારસાનું એ ગૌરવ કરતાં હતાં એ એમની આસપાસ વિખરાયેલો પડ્યો હતો. એ જોઈ શરીરમાં આગ ભભૂકતી હતી. રાજેન્દ્ર ચૂપચાપ હીંચકાનો સળિયો પકડી ખોડાઇ ગયેલા. પારાવાર પીડાથી એમનો ચહેરો નિર્જીવ લાગતો હતો. દીકરી જમાઈને પગમાં નમેલાં જોઈ તટસ્થભાવે જોવા સિવાય એમનાથી કંઈ જ થઈ ન શક્યું. હાથ કંપીને ઊંચો થતો સ્થિર. એટલાં પૂરતું કશુંક કરી શકાયાનો સંતોષ અનુભવાયો હતો.  નંદિની ઊભી થઈ રાજેન્દ્રને વળગી પડતી હતી. ‘પપ્પા, પપ્પા …. હું તો વહાલી છુંને તમારી પપ્પા …’

એ ધીમી પીડા, અસંતોષ ક્યારેક સંતાપે ત્યારે એ બન્ને એકમેકથી છાનાં દીકરીનો ફોટો જોઈ રહેતાં.

ત્રણ વર્ષ ને પાંચ મહિના પછી, નંદિની સ્કોટલેન્ડથી  માતા પિતાને મળવા આવી હતી. પોતે આપેલાં દુ:ખનું ઋણ ચૂકવવું હોય એમ એ  એની અગિયાર મહિનાની દીકરી ગ્રેસને  સરલાના ખોળામાં મૂકતાં બોલેલી, ‘મા’. એક જ શબ્દ પછી ગ્રેસના માથા પરથી હાથ સેરવી લેતાં ઘ્રુસકે ધ્રુસકે  રડી  પડી હતી. કશું જ ન સમજતી ગ્રેસે રડતાં રડતાં પગ પછાડવાનું શરૂ કર્યું હતું.  એને માથે હાથ ફેરવતાં વહાલથી છાતી સરસી ભીંસી તો ય એ છાની ન રહી.

જાણી જોઈને અંદરના ખંડમાં ભરાઈ રહેલા રાજેન્દ્રે ઉતાવળી ચાલે આવી એમના હાથમાંથી ગ્રેસને લગભગ આંચકી લેતાં કહેલું, ‘મારી દીકરી … મારી લાડકી …’ નંદિની રડવું ભૂલી પિતાના હાથે હવામાં ઊછળતી ખડખડાટ હસતી ગ્રેસ અને રાજેન્દ્રને ઓશીંગણભાવે જોઈ રહી.

નંદિની વિઝિટર વીઝા પર ઇંગ્લેન્ડ ગઈ હતી એટલે એ ભારત પાછી આવે તો ગ્લેનને પણ નંદિની સાથે લગ્ન કરવા માટે ભારત આવવું પડે. ઇમિગ્રેશન સોલિસિટરે એમ કરવું ડહાપણભર્યુ નહિ ગણાય એવી સલાહ આપી હતી, એટલે ચર્ચમાં  રજિસ્ટર્ડ લગ્ન કરી ત્યાં જ સ્થાયી થવાનો ટૂંકો રસ્તો અપનાવ્યો. ગ્લેન પાસે તો પાસપોર્ટ પણ નહોતો. એનો ખુલાસો સાંભળી સરલાબહેન કશું બોલ્યાં નહોતાં. ગ્લેનની જાતિ, ધર્મ કુટુંબ બધું જ વિઘાતક હતું. નંદિનીના પ્રેમનો વિરોધ નહોતો કરવો પણ પોતાની ભીતર જે તસોતસ ધરબાયેલું છે એનો વિરોધ થઈ શકતો નહોતો. એ વિટંબણા વચ્ચે નંદિની જે રીતે ગ્લેન સાથે ફટાફટ પરણી ગઈ એમાં એનો સ્વાર્થ વરતાતો હતો. ક્યાં ગઈ એની ભારતીયતા જેનો પ્રચાર કરવા એ ત્યાં ગઈ હતી? કુટુંબ નામનો શબ્દ એના હૈયે ઊગ્યો જ નહોતો?

* * *

ગ્રેસને કોઈ અજાણ્યા પુરુષ સાથે ઘરમાં આવતી જોઈ સરલાબહેન રસોડામાં જતાં અટકી ગયાં. અનાયાસ પાલવ સરખો કરતાં એ નજીક આવ્યાં.

‘મા, આવ ઓળખાણ કરાવું. આ બિપિનચંદ્ર યાજ્ઞિક, આઇ મીન બિપિન દાદા .. મારા અંગત મિત્ર છે, મા.’

‘આવો, બેસો.’

બિપિનચંદ્ર નમસ્કારની મુદ્રા રચતા બેઠા.

‘બિપિનજી, આ મારી નાનીમા સરલા, હું એને મા જ કહું છું.’

બિપિનચંદ્ર આ વયે પણ સુંદર દેહાકૃતિ અને મોહક સ્મિતથી આવકારતી સ્ત્રીને જોઈ રહ્યા.

ગ્રેસ દેખાતી બંધ થઈ પછી એ ઊઠ્યા હતા. ઘેર આવીને સતત એમને ગ્રેસના જ વિચારો આવતા હતા. બે વરસથી લાંબી લાંબી ડહાપણભરી વાતો લખનાર સાવ વીસ બાવીસ વર્ષની છોકરી હતી?

સાચે જ એ છેતરાયા હતા? જો કે નામ ને વ્યક્તિ સિવાય એવું શું હતું જેમાં એમને કશું હોય? એણે આવું શું કામ કર્યું હશે? પછી ગ્રેસના બચાવ પક્ષે બેઠેલું મન ભાત ભાતની વાતો માં ડી બેઠું.

કંટાળીને એમણે લેપટોપ ચાલું કર્યું. સરલાના નામ સામે લીલું ટપકું હતું. એણે લખ્યું ‘સરલા કે ગ્રેઇસ?’

‘ઓબ્વિયસલી, ગ્રેસ. તમારી સાથે વાત કરવી છે, ફોન નંબર આપશો?’

એણે ફોન નંબર લખ્યો, વળતી પળે ફોન રણક્યો.

‘બોલો.’

‘સો સૉરી હું અચાનક ચાલી આવી’થી શરૂ થયેલી વાતોનો સાર એટલો કે સરલામા ગ્રેન્પાના ગયાં પછી એકલાં પડી ગયાં છે. ગ્રેસને માથે એના સાસુની જવાબદારી નક્કી છે એટલે એમને છોડીને ગ્રેસ ભારત આવી શકે એમ નથી. બીજી તરફ સરલામા કોઈ પણ સંજોગોમાં એમની દીકરી નંદિનીના ઘેર રહેવા આવવાનાં નથી. આ સંજોગોમાં સરલામાની સાવ મંથર ગતિએ ચાલતી જિંદગીથી જન્મતા કંટાળાની એ સાક્ષી છે. બિપિનજી પાસેથી ફોન નંબર ન મળ્યો હોત તો ય એ ફોન કરી શકત. ગયા વર્ષે જુલાઇમાં એ એક મહિના માટે ભારત આવી ત્યારે બિપિન યાજ્ઞિકના ફ્રેન્ડ લીસ્ટમાંથી એણે એમના દીકરા જય યાજ્ઞિકને શોધી એનો સમ્પર્ક કર્યો હતો. જય સાથે મૈત્રી સાધી એણે બિપિનચંદ્ર વિષે ખાસ્સી માહિતી મેળવી હતી. એકાદ વર્ષના સંબધ અને સમ્પર્ક પછી એને લાગ્યું કે સરલામા અને બિપિનચંદ્ર જોડાય અથવા સારા મિત્રો બની શકે તો એકલાં એકલાં લાંબું ચાલતાં થાકેલી  જિંદગીને એક વિસામો મળી રહે. એથી અદકું કે સાથે ચાલનારનો સથવારો સારા જીવનનો આધાર બને. એને વિશ્વાસ છે.

મા આવી કોઈ વાત ભાગ્યે જ માને … એટલે જો બિપિનજી એક ડગલું માંડવા ઇચ્છે તો ….. બાકીના શબ્દો એના રુંધાયેલા ગળામાં અટકી ગયા હતા.

ફોન મૂક્યા પછી બિપિનચંદ્ર સ્વસ્થ ન રહી શક્યા. સંતાનોને વિશ્વાસમાં લીધા વગર હા પાડી બેઠાનો વસવસો આખી રાત પજવતો રહ્યો.

સાથે ચાલનાર કેવું હશે એવું ચાલીસ વર્ષ પહેલાં વિચારેલું. આજે ફરીથી એ વિચાર સાથે કોઈ સ્ત્રીને જોવાનો રોમાંચ થતો હતો. વડીલોએ ગોઠવેલી મિલન મુલાકાત વેળા છોકરો ઘડી ઘડી છાની નજરે છોકરીને જોઈ લે એમ એ સરલાને જોતા રહ્યા. આટલી ઉમ્મરે ય આ સ્ત્રી કેટલી સુકોમળ લાગે છે. કદાવ વય એને અડકવાનું ચૂકી ગઈ હશે. સરલાબહેનને એમની એ નજર પમાઈ હોય કે કેમ પણ એમણે માથે ઓઢી લીધું. એ જોઈ બિપિનચંદ્રને પોતા પર શરમ અનુભવાઈ.

થોડી આડી અવળી વાતો કરી એ ઊઠ્યા.

એ ત્રીજી વાર આવ્યા ત્યારે સરલાબહેન સહેજ મોકળાશથી વર્ત્યાં હતાં.

એ ખાસ્સાં સશક્ત છે. રાજેન્દ્રભાઈના મૃત્યુ પછી સામાજિક કાર્યોમાં રસ પડે છે. મોટાભાગે શૈક્ષણિક. સોમથી શુક્ર બપોરે મજૂર મહાજનના સીવણ, ગૂંથણ વર્ગો લે અને રોજ સાંજે  સોસાયટીના પાંચ છોકરાંઓને ગુજરાતી શીખવે છે. ‘હવે અંગ્રેજી મહિમા વધ્યો છે.’ કહેતાં એમણે ગ્રેસ સામે જોયું હતું.

‘હું તો ગુજરાતીમાં જ ભણી છું મા .. ડોન્ટ લુક એટ મી પ્લીઝ.’

’જોયું ને, એ ગુજરાતીમાં ભણી છે.’ કહી એમણે ગ્રેસનો ખભો થાબડ્યો. ‘એ બાળકો મને મારી છોકરીની ખોટ સાલવા નથી દેતાં. રોજ સાંજે ભાત ભાતના અવાજો ઘરમાં છવાયેલી શાંતિ તોડે ને હું મને છણકાવીને એ સન્નાટો પાછો સ્થાપું.’

‘બહું એકલાં લાગતું હશે, નહિ?’ બિપિનચંદ્રએ પૂછ્યું.

‘ના. આના આવવાની રાહ જોવામાં કદી લાગ્યું જ નહિ કે હું એકલી છું. રોજ ફોન કરીને માથું ખાય.’

‘એ તો હું પરણી નથી ત્યાં સુધી જ મા, પછી તું ને તારો એકલતાનો ઓઢો. આ બિપિનજી કદાચ કંપની આપે તો આપે.’

સાંભળી સરલાબહેનનો ચહેરો  લેવાઈ ગયો હતો. એ પછી  ગ્રેસ મા આમ ને મા તેમ નો દોર લંબાવીને વાત વણ્યે રાખી છતાં એમ લાગતું હતું  કે કોઇ કશું બોલે નહિ તો કેવું સારું!

એ પછી ય બે વખત બિપિનચંદ્રની પધરામણી થઇ હતી. સરલાબહેનને એ દિવસથી જ અંદેશો હતો કે નક્કી ગ્રેસ કશી ગોઠવણમાં પડી છે. એ એમના સંબધે હશે એવું વિચાર્યું સુધ્ધાં નહોતું.

એક રાત્રે માથામાં તેલ સીંચતાં એણે પૂછ્યું હતું. ‘મા, ગ્રેન્પા વગર એકલાં તમને ફાવે છે?’

‘હાસ્તો, ન ફાવવા જેવું શું છે?’

‘ખાલીપો’ પછી નિસાસો ઉતારતી હોય એમ ઊંડો શ્વાસ લઈ થોડીવાર એમ જ સરલાબહેનનું માથું થપથપાવતી રહી. અચાનક મનમાં બોલતી હોય એમ બોલી હતી, ‘કોઈ આપણી અડખે પડખે ન હોવાની અળખામણી પ્રતીતિ મા.’

કશોક વાંધો પડતાં બાળપણમાં ગ્રેસ જેમ રમકડાં કે નોટ પેન્સિલ પછાડીને ઊભી થઇ જતી એમ એ હાથ પછાડતાં ઊભાં થઈ ગયાં.

એક પળમાં સઘળું સ્પષ્ટ થઈ ગયું. પેલા માણસનું આવવું, બેસવું, ‘નીકળું ત્યારે’ બોલ્યા પછી સહેજ અટકીને અપેક્ષાથી એમની સામે જોવું. …. સઘળું. ગ્રેસ ઘવાઈને તેલવાળી આંગળીઓ લૂછવા એમનો પાલવ શોધતી નજરે એમને જોઈ રહી.

‘તું મોટી થઈ ગઈ, સોના. ખરેખર મોટી થઈ ગઈ.’

‘પણ થયું શું એ તો બોલ.’

‘તું મને પૂછે છે શું થયું?’  એમને ભાર દઈને પૂછવું હતું સાચે જ તને ખબર પડતી નથી તું શું કરે છે એની?’ પણ બોલી ન શક્યાં. ગ્રેસ સામે ઊભાં રહેશે તો ફાટ ફાટ ગુસ્સાથી કશું ન ધારેલું વર્તી બેસશે એવા ડરથી એ દૂર જઈને ઊભાં રહ્યાં. બહાર અંધારામાં હિલ્લોળાતા લીમડાને તાકી રહ્યાં. કાળું લીલું ડોલતા આકારો આવીને એમને ખેંચી જશે એવું લાગતું હતું.

ગ્રેસે નજીક આવી એમના હાથ પકડી લીધા. એમણે ચહરો ન ફેરવ્યો.

‘ગુસ્સો કરવો હોય તો કરી લે, મારવું હોય તો માર પણ આમ મોઢું ના ફેરવી લે.’

સાવ પોમલી રોતડી છોકરી આમ …. એમણે સામે જોયું. ગ્રેસની ગંભીર આંખોમાં ક્ષમા ઉપરાંત બીજું કશું હતું એ અસર ન વેઠાતી હોય એમ એમણે ફરીથી બારી બહાર જોવા માંડ્યું.

‘હું ઇચ્છું છું મા … ’ એ અટકીને બોલી, ‘તમારા સુખ દુ:ખમાં તમે એકલાં ન રહો. કોઈ પડખે હોય. મા તમે હકથી વર્તો … ખૂલીને જીવી શકો એટલું માંગુ છું, એનાથી વધારે કંઈ નહિ. બસ એટલું જ.’

‘એટલે મને પૂછ્યા વગર કોઈ પારકાને આમ આંગણું દેખાડી દેવાનું?’

‘હું એવી નાદાન છું? તમારી દીકરી છું રજ જેટલું ય અહિત દેખાય તો ..’ એ સરલાબહેનને સામે જોઈ રહી.

‘બિલીવ મી, હું તને બધું કહેવાની હતી.’

એ ગ્રેસ સામે જોઈ રહ્યાં. એમને કશું સમજાતું નહોતું. ઊંડો શ્વાસ મૂકતાં એમણે પૂછ્યું.

‘મારી વાત છોડ, મૂરખ, પહેલાં એ કહે એ માણસને તેં શું શું કહ્યું છે મારા વિષે?‘

‘કંઇ નહિ, બસ હું સરલા બનીને જે લખતી હતી એ બધું તેં જ કહ્યું હતું એમ.’

‘સરલા બનીને એટલે? તું કેવી રીતે સરલા …’ પવનનો એક હિલોળો આવ્યો. સોસાયટીના મંદિરની ધજાનો ફરફરાટ વાતાવરણમાં ગુંજ્યો. એમણે બારી બંધ કરી. ગ્રેસ બોલતી હતી, મા મેં તારા નામથી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. સરલા ત્રિવેદી નહિ પણ સરલા આશર બનીને. પહેલાં બિપિનદાદા વિષે જાણ્યું પછી …

‘દાદા?’

‘વૅલ, બિપિનચંદ્ર. મને એ અચાનક જ સ્વાતિના ફ્રેન્ડ લીસ્ટમાંથી મળી ગયેલા. એમની ટાઈમ લાઈન અને મિત્રોની યાદી તપાસતાં મને લાગ્યુ કે આ માણસ એકદમ ક્લીન હોવો જોઇએ.

‘ક્લીન?’ સરલાબહેનના અવાજમાં આશ્ચર્ય હતું.

‘ક્લીન એટલે ભરોસાને લાયક. તું બહુ ચૂં ચા ના કર, સાંભળ. સો આઇ જસ્ટ લાઈક હિમ. એ તારી ટાઇપના છે. પપ્પામાં તું જે શોધતી હતી એ બધું એમનામાં મને દેખાયું. સાહિત્ય, કવિતા પ્રેમાળ સોફ્ટ પર્સનાલિટી …’

સરલાબહેનથી ન ઇચ્છવા છતાં મલકાઈ જવાયું. એમણે એને દોરીને સોફામાં બેસાડી પોતે એની અડોઅડ ગોઠવાયાં. હળવાશથી ગ્રેસના માથે હાથ ફેરવતાં કહ્યું.

‘તું તો મને મારા કરતાં ય વધારે ઓળખે છે, બેટા, પણ તેં હજી દુનિયા જોઈ નથી. સર્જક હોય સારી ભાષામાં વાત કરતા હોય એ બધા સારા જ હોય એવા ભ્રમમાં નહિ રહેવાનું. જવા દે એ ચર્ચાની અત્યારે જરૂર નથી. જો, મારી એકલતા મને ફાવે છે. મન હવે ઠરી ગયું છે. તારા ગ્રેન્પા વગરના વરસોએ મને મારી રીતે જીવતાં શીખવી દીધું છે.’

‘મને સમજ છે પણ તમે આમ એલોન .. એકલા જીવો … તને કંઈ થાય તો તમારું કોણ? કોઈ આપણી સાથે હોય, પોતાનું કહેવાય એની હૂંફ બહુ જ મોટી વાત છે.’ કહેતાં એણે સરલાબહેનના બન્ને હાથ હાથમાં લઈ લીધા.

‘હું જાણું છું દીકરા પણ ઘણીવાર આપણે સાચ જૂઠ કે ફાયદો-ગેરફાયદો કોરાણે રાખીને કોઈ એકનો પક્ષ લેવો પડતો હોય છે. ખોટું થઈ ગયાનો વસવસો આખી જિંદગી જંપવા ના દે એનાં કરતાં જે છે એનું સુખ મોટી વાત છે.’

‘હા, એટલે જ કહું છું, તપાસી લે. એમની સાથે વાત તો કરી જો. ગમે, સારું લાગે તો આગળ વિચાર કરજે નહિતર …. તને યાદ છે ને નાંદીમોમે મને સુલય માટે સજેસ્ટ કર્યું ત્યારે હું આમ તારી જેમ જ ના પાડતી હતી. એ ટાઈમે તેં મને આ જ શબ્દો કીધા હતા.’

સરલાબહેન આડું જોઈ ગયાં એટલે ગ્રેસે એમના બન્ને ખભા દબાવતાં કહ્યું, ‘મારા માટે તું આટલું ય નહિ કરે?

‘હું મળી જ છું ને, ચાર વખત તો ઘરમાં લઈ આવી.’

‘એને મળવું નહિ  સામ સામે બેસવું કહેવાય, ટ્રેનના ડબામાં બેસીએ એવું.’

‘મારી આટલી બધી ચિંતા છે તો તું  અહીં રહેવા આવી જા.’

‘તને ખબર છે હું સુલયને ચાહું છું એનાં કરતાં એના પરિવારને વધારે ચાહું છું. તેં જ મને શિખવ્યું છે સાસરામાં કેવી રીતે રહેવાનું. તારે ત્યાં આવવું નથી ને મને તારી પાસે રાખવી છે. બોલ, સુલુને ના પાડી દઉં પરણવાની?’ 

‘બેસ છાનીમાની, ધમકી આપે છે કે બ્લૅકમેઈલ કરે છે?’

‘તો તું  હા પાડી દે, પસ્તાવું નહિ પડે.’

ગ્રેસે અડબોથ મારી દીધી હોય એમ એમણે  ગ્રેસ સામે  જોયું. પણ વળતી જ પળે થયું.  એ જે સંસ્કૃતિમાં રહે છે ત્યાં એની આસપાસ બીજી કે ત્રીજીવાર પરણવું એમાં કશી નવાઈ નથી. બન્નેએ ચૂપચાપ જમી લીધું, બે દિવસ એમ જ વીત્યા. સરલાબહેનના મનમાં એક અજંપો વિસ્તરતો હતો. આંખ સામે પડછંદ લાગતી, ટી શર્ટ અને શોર્ટમાં યુવાન ભાસતી આકૃતિ આવી ઊભી. ગ્રેસ પાસેથી પાસવર્ડ લઈ બે દિવસમાં બિપિનચંદ્ર યાજ્ઞિકનો ગ્રેસ સાથેનો બધો જ સંવાદ વાંચી લીધા પછી એમની સંવેદનશીલતા પમાઈ પણ એથી કશો ઉમળકો ન અનુભવાયો.

રાત્રે ટૂંટિયું વળીને સૂતેલી ગ્રેસને એ ચૂપચાપ જોઈ રહ્યાં. એ પહેલી વાર સ્કૉટલેન્ડ ગયાં  ત્યારે ગ્રેસ એણે આપેલા મોબાઈલ પર વાંર વાર ફોન કરતી હતી. મા, બધું બરાબર છે ને? ફોર્મ ભરાઈ ગયું?  ચેક ઈન થઇ ગયું? ઇમિગ્રેશનમાંથી પસાર  થઈ ગયાં? સિક્યુરિટીમાં કશી તકલીફ નથી પડી ને? બોર્ડિંગ પાસ હાથમાં જ રાખજે. તારી સીટ બારી પાસે છે. સાંભળ મા. સીટબેલ્ટ બાંધી લેજે … તને બીક નથી લાગતીને? એમને મન હતું કે યાદ કરાવે એ કંઈ પહેલીવાર વિમાનમાં નથી બેસતી. તારા ગ્રેન્પા સાથે એકવાર સિંગાપોર ને એક વાર  બેંગ્લોર જઇ આવી છું. પણ ગ્રેસનું એ રીતે ચિંતા કરવું એટલું ગમતું હતું કે માત્ર હા બેટા, હા દીકરા સિવાય કશું બોલાતું જ નહોતું.

નાની હતી  ત્યારે  ચાલતાં પડી જાય ને નહિ જેવો ઘૂંટણ છોલાય કે લાલ  ટશર ઊપસે તો એ કલાક સુધી લાંબો ભેંકડો તાણતી. ઘરમાં જે કોઈ આવે એની પાસે રડતાં સાદે ‘આગ્યું   આગ્યું, પરી જઈ … પરી જઈ …’ બોલી સામો પગ ધરી કહેતી …. ફૂંક … ફૂંક. કહી ફૂંકો મરાવતી. એવી પોમલી હતી કે બીજે દિવસે ભૂલથી લેંઘી પહેરવવાની રહી જાય તો તરત  શરૂ ….‘ગૅત ભમ્ … ફૂંક … ગૅત ફૂંક ..’. આજુબાજુના સહુ એને જાણી જોઈને યાદ કરાવે  ‘ગ્રેસ તને વાગ્યું, બેટા?’ સાંભળતાં જ ચહેરો રડમસ થઈ જાય, આંસુ ઊમટે ….. ‘ગૅત ભમ્ … ભમ.’

એમનાથી નજીક જઈ એના વાળમાં હથેળી પસવાર્યા વગર ન રહેવાયું. એક દિવસ ફોનમાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડેલી.

‘પહેલાં શાંત થઈ જા, બેટા, મને કે‘ શું થયું?

તું વિશ્વાસ નહિ કરે મા … પણ હવે મને ગુજરાતીમાં વિચારો નથી આવતાં … હું શું કરું મા … આ અંગ્રેજીએ મારી આખી સિસ્ટમ ખોરવી નાંખી.’ બોલી ફરીથી રડવા માંડેલી … ફોનમાં ડૂસકાં ભરતી મોટી ગેતને એ કઈ ફૂંક મારે તો બધું મટી જાય?

એમના માટે એણે આટલી બધી ગુજરાતી વાર્તાઓ વાંચી. પહેલાં એમની સાથે  લાંબી લાંબી વાતો  કરી  સમજી ને પછી બિપિનચંદ્રની ટાઇમલાઈન પર બધું લખી લખીને સાથે ચર્ચાઓ કરી. ચપ ચપ અંગ્રજી બોલતી એ વાતાવરણમાં જ રહેતી છોકરીને આ બધું કરતાં કેટલી મુશકેલી પડી હશે?

એમને યાદ આવ્યું: ગ્રેસે બિપિનચંદ્રને પૂછ્યું હતું. ‘આપણે ત્યાં પશ્ચિમની જેમ એકલાં પડી ગયેલાં આધેડ કે વૃદ્ધ સ્ત્રી કે પુરુષ પુર્નલગ્ન કરે છે?’

એમણે જવાબમાં લખ્યું હતું, હા, એવા છૂટા છવાયા કિસ્સાઓ જાણમાં છે પણ હું નથી માનતો એ બધું સામાન્ય હોય. કારણ એ વયે સહુથી વધારે અગત્યનો છે પરસ્પરનો વિશ્વાસ અને સમજણ. મરતાં સુધી બેમાંથી એક થઈને એક-મેકના સથવારે  જીવવા જોડાવું  એ એક અનેરું તપ છે. એમનો જીવનપથ સમાંતર બનવો જોઈએ. આજે આ લખું છું ત્યારે યાદ આવે છે મેં મારી દીકરીનો સંબંધ જોડ્યો ત્યારે આવું કશું જ નહોતું વિચાર્યું. કદાચ મનીષકુમાર અને એમના પરિવાર પરનો મારો વિશ્વાસ જ એમાં કારણરૂપ હશે.

નિરાંતે સૂતેલી ગ્રેસને એ ક્યાં ય સુધી જોઈ રહ્યાં. એ ક્ષણે આંખ મીંચાતાં પહેલાં નિર્ણય લેવાયો: એ બિપિનચંદ્રને મળશે.

બીજે દિવસે સરલાબહેને ગ્રેસને કહ્યું, ‘તારા સોશિયલ ફ્રેન્ડને મળવામાં મને વાંધો નથી.’

ગ્રેસ કૂદકો મારીને એમની ડોકે વળગી પડી, ‘થેન્કયૂ મા.’ પછી થોડીવાર એમ જ વળગેલી રહી.

*       *        *

આ ગ્રેસે મને કેવી વસમી સ્થિતિમાં મૂકી છે? વ્યક્તિ વ્યક્તિને મળે એ નાની સૂની વાત નહોતી  કે નહોતું કોઈ શિષ્ટાચાર કે મૈત્રીમાં મળવા જેવું આસાન. આટલાં વર્ષે આમ … જાત શરમ અને સંકોચથી વીંટાઈ ગઈ હોય એમ અનુભવાતું હતું. અચાનક એમને પતિની યાદ આવી ગઈ. કટોકટીની એકે એક પળે એ એમની સાથે રહ્યા હતા. એને બિરદાવતા, હિમ્મત આપતા ખભો થપથપાવી એકે ય શબ્દ વગર ઉત્સાહ વધારતા … એવા પ્રેમાળ વ્યક્તિત્વનું સ્થાન કોઈ કેમ લઈ શકે? એ સૂક્ષ્મ મૃદુ સ્પર્શ, લાગણીભર્યું વાત્સલ્ય પુન: ક્યાંથી પગટશે? આત્માના મિલન વગરનો સંગ પરિચયથી કદાચ નિકટતામાં ફેરવાય તો ભલે. હવે, આત્મીયતામાં ઊતરવાનું બળ બચ્યું નથી. રાજુને કદાચ ચોપડીઓ વાંચતા નહોતું આવડતું પણ એ હૃદય કેવું સરળતાથી વાંચી લેતા?

એ ચૂપચાપ સામે બેઠેલા બિપિનચંદ્રને જોઇ રહ્યાં. શું વાત કરવી? સામે બેઠેલા માણસમાં કઈ રીતે રસ દાખવવો એ સૂઝતું નહોતું. ગ્રેસે સ્કોટલેન્ડની, પરિવારની વાતો ખોલી એ બન્નેને રસ્તે લાવી મૂક્યાં પણ એ હું હમણાં આવી મા એમ બોલી બીજા કમરામાં ગઈ કે સરલાબહેનને થયું એ ભૂલા પડી ગયાં છે. એક વાર ઈસ્ટ લંડનના એક પરગણામાં ખોવાઈ ગયાં હતાં. કોઇ કોઠાર ભરવાની કોઠીમાં પુરાઈ ગયાં હોય એમ! 

બિપિનના શબ્દો સાવ સૂકી હકીકતો —ખાલી વાતો ચાલતી રહી. એક ક્ષણે એમ લાગ્યું કદાચ બિપિન ધારી બેઠાં છે કે આમાં એમની મરજી છે. એ જે હોવાપણાના ભાવથી વાત કરે છે એ બરાબર નથી. એમણે કહ્યું.

‘બિપિનજી, મને લાગે છે મારે તમને સ્પષ્ટ જણાવવું જોઈએ. હું મારી દીકરીની જીદથી જ આપને આ રીતે મળવા સંમત થઈ છું પણ સાચું કહું તો હું મારી એકલતાથી ટેવાઈ ગઈ છું. એકલા હોવું તમે હમણાં બોલી ગયા એમ કોઈને કદાચ નિરસ લાગતું હશે પણ મને તો એનો સધિયારો છે.’

‘સારી વાત છે. જો કે મારે બહોળો પરિવાર છે. દીકરા દીકરી અને એમનાં સંતાનો, સહુ મને મારે ત્યાં આવતા જતા હોય છે એટલે મને  ક્યારે ય હું એકલો છું એમ લાગ્યું નથી. હા તમારી સાથે લાંબી લાંબી વાતો લખતાં વાંચતાં એક પોતાપણું ક્યારે સ્થપાઈ ગયું એની ખબર જ ન રહી. તમને મળ્યો ત્યારે આપણે પહેલાં મળ્યાં નહોતાં …. બસ પેલી કોઈ મારા જેવું જ છે એ લાગણી બેવડાતી ગઈ.’

‘એ બધું સાવ ખોટું છે .. મારું બોલેલું જ છે પણ એ તો … તમને ખબર નથી મારી છોકરીએ મારા બદલે આવું બધું લખ્યું છે. હું તો કશું જાણતી નહોતી …’ એવું ચીસ પાડી ને બોલતાં એમની જાત ને એમણે માંડ માંડ રોકી. ના. આમાં ગ્રેસનો શો વાંક? એણે તો મારું ભલું તાક્યું હતું. મનોમન બબડી એમણે સ્હેજ ટટ્ટાર થતાં કહ્યું.

‘એ ખરું પણ નંદાયેલા વાસણની જાત સાચવવી પડે બિપિનજી. ક્યારે ઘસરકો થઈ જાય ને ઘા બની બેસે એનું કશું નક્કી નહિ. તમને તો મારાથી ય સારી મળશે.’ કહી એ ઊભાં થયાં પણ વિચાર આવ્યો આ માણસને તો ગ્રેસે ભરમાવ્યો છે. જે કંઈ બન્યું એમાં એ તો એમ જ સમજીને વર્ત્યા હશેને કે એ મારી સાથે વાતો કરે છે. એમણે ઝડપથી બીજા પગે જાતને રોકી લીધી.

‘કંઈ વાંધો નહિ, આપણે એક બીજાને ઓળખીએ છીએ તો સારા મિત્રો બનીશું.’

પહેલી વાર સરલાબહેને બિપિનચંદ્રની આંખમાં જોયું.

બિપિનચંદ્રને થયું સરલાબહેનની સજળ આંખોમાં અપેક્ષા છે. ક્યાંક હક જેવું …પણ તરત થયું ના. એ અધિકાર એમ સહેલાઈથી કોઈને આપે એવાં નથી. તો શું રોકે છે એમને? કદાચ એમનું અતિ જાગ્રત આત્મજ્ઞાન! એથી આગળ જવાનું શક્ય નહિ હોય.

ભક્તિપૂર્વક સરલાબહેન સામે જોતાં ‘કશો ભાર ન રાખશો.’ કહેતાં એમનાથી હાથ જોડાઈ ગયા.  હવે કદાચ મળાય કે ન મળાય  પણ યાદ રાખજો જરૂર પડ્યે હું બસ એક ફોન કોલ જેટલો જ દૂર હોઈશ.’ એ વાક્ય જીભની ટેરવે હતું પણ સંકોચવશ બોલી ન શક્યા.

કોઇ પુરુષમાં આટલી પ્રમાણબદ્ધતા? એમની આંખમાં તરવરતો આદરભાવ જોતાં સરલાબહેનથી ડગલું પાછળ ખસતાં કહેવાઈ ગયું, ‘માફી માગું છું. તમારી લાગણી દુભાઈ હોય તો ….’ એ પાછા સોફા પર બેસી ગયાં. એ થોડી વાર કશું જ બોલ્યાં ન હતાં કદાચ કહેવું હતું એ કહી શક્યા નહોતાં.

ગ્રેસ અંદર આવી કે તરત સરલાબહેન ઊઠ્યાં. એમને પાણી પીવું હશે ધારી ગ્રેસ બોલી, ‘મા, તું બેસ હું  પાણી આપું છું.’

કશા કારણ વગર રસોડામાં વસ્તુઓ આમ તેમ કરતાં સરલાબહેન તરફ હથેળી દર્શાવતાં બિપિનચંદ્ર બોલ્યા, ‘તું બહુ જ નસીબદાર છે, ગ્રેસ.’

સાંભળી ગ્રેસને થયું નક્કી આમ બોલીને એ કશું ક ઢાંકવા મથે છે. એ કશું બોલી નહિ. ચૂપચાપ રસોડામાં હરફર કરતાં સરલાબહેનને જોઇ રહી. થોડીવારમાં બારણાં અને દીવાલ  વચ્ચેના ગોખલાની આડશે એ દેખાતાં બંધ થઈ ગયાં.  બિપિનભાઇએ કહ્યું, ‘હું નીકળું, બેટા.’

‘બેસો ને, ઉતાવળ છે?’

એ ખમચાયા. પછી ધીમેથી કહે, ‘સરલાજી સાથેના સંવાંદનું સુખ કાયમનું સંભારણું બન્યું એ વાતનો આનંદ છે.

સાંભળી ગ્રેસને નિર્ણય સમજાઈ ગયો. એને મલકાવું હતું પણ મલકાટને સ્થાને ફિક્કું સ્મિત આવી ગયું. દરવાજો વટાવી ગયેલા બિપિનચંદ્ર પગથિયાં ઊતરે એનો અવાજ સાંભળવા એણે કાન માંડ્યા પણ હવાની ફરફર સિવાય કશું જ ન સંભળાયું.

આમ કોઈની ઉપેક્ષા થાય એ એને બહુ જ કઠ્યું. ઉપેક્ષાએ ક્યારે ચિંતાનું સ્વરૂપ લઈ લીધું  એની સરત ન રહી. કદાચ ચિંતા થઈ એથી ઉપેક્ષાનું દુ:ખ ઓસરી ગયું.

સરલાબહેન ખુલ્લા બારણાં વચ્ચે ઊભાં હતાં. એમનો બારસાખ ઝાલવા ઊંચકાયેલો હાથ જોઈ ગ્રેસને થયું એક જિંદગીમાં કેટકેટલું થઈ શકે?

પછી ઊંડો શ્વાસ લઈ, ઉતાવળે પગલે જઈ એણે માનો આધાર ખોળતો હાથ હાથમાં લઈ લીધો.

*         *         *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR [U.K.] • e.mail : anilnvyas@yahoo.co.uk

(પ્રગટ : "નવનીત સમર્પણ", જાન્યુઆરી 2018; પૃ. 46 – 56)

Loading

6 January 2018 admin
← આવનારા દિવસોમાં દેશમાં જાતીય વિગ્રહ થાય તો આશ્ચર્ય ન પામતા
ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહેવાઇ છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved