Opinion Magazine
Number of visits: 9449073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરંપરાગત વ્યવસાય પર જીવતા અને રઝળતા લોકોના અધિકારો ચૂંટણી ઢંઢેરાઓમાં આવશે ?

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|4 November 2017

ગુજરાતમાં ચાળીસથી વધુ વિચરતી-વિમુક્ત જાતિઓના ચાળીસ લાખ લોકો વંચિત દશામાં છે

આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર ભાઈઓ સરાણિયા નામની કોમના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર મદારી અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર કાંગસિયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા,  દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનાર ભરથરી, લોબાન લઈને ફરનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનનારા ડફેર.

આ કોમોને બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને  વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણાં શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. તેઓ આપણી આજુબાજુ જ હોય છે. આ સમૂહો વિશે સુરેન્દ્રનગરના સમર્પિત દિવંગત ધારાસભ્ય અરવિંદ આચાર્યે ‘સરનામાં વિનાના માનવીઓ’ નામનું પુસ્તક લખ્યું  છે. આજે  તેમની સંખ્યા ચાળીસ લાખ છે. પણ  રાજ્યની સવા છ કરોડ જનતાના હિસ્સા તરીકે  તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવી છે.

એમ છતાં ગયાં દસેક વર્ષથી આ સમૂહોની બેહાલી પર સમાજનું થોડુંક ધ્યાન પડવા લાગ્યું છે. તેનો કેટલોક શ્રેય ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સંસ્થાએ મહેનતપૂર્વક કરેલી કામગીરીને  આપી શકાય. સંસ્થાએ તેના યુવા કર્મશીલ સ્થાપક મિત્તલ પટેલનાં સંવેદનશીલ નેતૃત્વ  હેઠળ,  વિચરતા સમુદાયના પાંચ હજાર પરિવારોને રેશન કાર્ડ અને હજારને ઘર અપાવવા ઉપરાંત આજીવિકા અને શિક્ષણ માટે પણ નોંધપાત્ર કામ કર્યું છે. મંચે ચૌદમી ઑક્ટોબરે વિચરતા  સમુદાયોનું સહુ પ્રથમ સંમેલન પાલનપુરના પરામાં યોજ્યું હતું. આ વિશાળ સંમેલનમાં વંચિતો માટે અન્ન, આવક, આવાસ, આરોગ્ય, અને ઓળખ સાથેના ભારતીય નાગરિકો તરીકેનું ધોરણસરનું જીવન જીવવા મળે તેને લગતી બાવીસ માગણીઓ કરવામાં આવી. સંમેલનમાં વારંવાર સંભળાતો નારો હતો – ‘અમે છીએ, અમે પણ છીએ.’

વ્યવસાયને કારણે જે કેટલીક વિચરતી જાતિઓના લોકો જોવા મળતા અને ઓળખાતાં હોય છે તેનો ઉલ્લેખ લેખની શરૂઆતમાં છે. તે સિવાયની જાતિઓ છે : વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગર. વિમુક્ત જાતિઓ આ મુજબ છે : બાફણ, સંધી, ઠેબા (ત્રણેય મુસ્લિમ), છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર, હિંગોરા, રાપર અને ભચાઉ તાલુકાના કોળી. ઘણી જાતિઓનાં  લાક્ષણિક નાનકડાં ચિત્રો અને નામ સંમેલનના મંચ પરનાં મોટા બૅનરમાં જોવા મળતાં હતાં. સંમેલનમાં જે માગણીઓ કરવામાં આવી તેમાંથી કેટલીક બધા સમુદાયો માટેની હતી. જેમ કે  : ઘર બાંધવા માટે જમીન અને આર્થિક સહાય; બી.પી.એલ./અંત્યોદય, આધાર, અમૃતમ જેવાં કાર્ડ; જાતિ તેમ જ વ્યવસાય પ્રમાણપત્ર, અનામતની જોગવાઈ, અલગ નિગમ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બજેટ ફાળવણી અને તેનો ઉપયોગ, પડતર કે ખરાબાની જમીનની ફાળવણી, પાક વીમા યોજનાનો લાભ. આ ઉપરાંતની કેટલીક માગણીઓ જે-તે કોમ સંબંધિત હતી. જેમ કે, શાકભાજી કે અન્ય વેચાણ કરતી કોમો માટે જગ્યા, ઓડ અને વણઝારાને નદીના પટમાં રેતી ખોદવાની મંજૂરીમાં અગ્રતા, દેવીપૂજક અને રાવળ કોમને નદીના પટમાં શાકભાજી ઊગાડવા માટેની મંજૂરી, ભવાઈ ભજવનાર તરગાળા અને અંગકસરતના ખેલ બતાવનાર નટ સમુદાયો માટે તાલીમી સંસ્થા, વાદી-મદારી લોકોને સાપનું ઝેર કાઢવા માટેનું લાયસન્સ અને તેમનું ઝેર બૅન્ક સાથે જોડાણ, ડફેર પરિવારો પોલીસ દ્વારા થતા જુલમનો કાયમી અટકાવ.

સંમેલનના વિશાળ રંગબેરંગી મંડપમાં સજાવટ હતી, લાચારી કે ગરીબીની નિશાનીઓ ન હતી. અનેક શારિરીક ક્ષતિઓને કારણે ઊભા પણ ન રહી શકનારા ગંગારામ રાવળ બનાસકાંઠાના થરા પાસેના ખાખલગામના હતા. વાલીબહેન વિકલાંગતાને ઓળંગીને વીરમગામથી આવ્યાં હતાં. સંખ્યાબંધ સ્ત્રી-પુરુષો, યુવાનો, બાળકો, આધેડો અને ઘરડેરાં મેલાંઘેલાં કે થિગડાંવાળાં કપડાંમાં હતાં. પણ તે વરણવેશમાં ક્યાંક તેમની ઓળખનો ઇશારો હતો – લાલ કે પીળી  પાઘડી, ક્યાંક છૂંદણાં તો વળી ક્યાંક બલોયાં, કોઈકની પાસે રાવણહથ્થો તો કોઈકની પાસે પુંગી. આ બંને વાદ્યો બિલકુલ તળના કલાકારો પાસેથી સાંભળવાનો મોકો સંમેલનની શરૂઆતમાં મળ્યો. ત્યારબાદ ડીજેના તાલે ગરબા થયા. મિત્તલબહેન સહિત કેટલાંક ભાઈ-બહેનો હાથમાં નાના પ્લેકાર્ડસ લઈને ગરબા કરી રહ્યાં હતાં. તેની પરનાં સૂત્રો હતાં, ‘અમે છીએ’, ‘નામ ઉમેરો’ , ‘અનાજ મળે તેવાં રેશન કાર્ડ આપો’.

સંગઠનના બહુ સક્રિય ટેકેદાર અને રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પ્રવીણ લહેરીએ વિચરતા સમુદાયના લોકો સામે પાંચ મહત્ત્વનાં ધ્યેયો મૂકી આપ્યાં : મળવાપત્ર  અધિકાર ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મેળવીને જંપવું, બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા પાકી કરવી, રોજગારલક્ષી કૌશલની તાલીમ મેળવવી, વ્યસનો તેમ જ  અન્ય બદીઓમાંથી મુક્ત થવું અને કાર્યકર્તાઓનું વ્યવસ્થિત માળખું ગોઠવવું.

સમુદાયોની માગણીઓ મિત્તલબહેને તેમનાં હંમેશ મુજબનાં જુસ્સાદાર ભાષણમાં વર્ણવી. ‘માથેથી આ કાળા કલરનું પ્લાસ્ટિક ક્યારે જશે ?’, એમ પૂછીને એમણે જણાવ્યું કે ઘર માટેનો ઠરાવ સરકારમાં થઈ ચૂક્યો છે. ચોકાવનારી માહિતી પણ તેમના ભાષણમાં હતી. જેમ કે, ધાર કાઢવાનું કામ કરતાં કરતાં સરાણિયાઓના અંગુઠા એવા થઈ ગયા છે કે આધાર કાર્ડ માટે પાંચ-પાંચ વાર લાઈનમાં ઊભા રહેવા છતાં તેમની છાપ જ નથી આવતી. ચાળીસ જાતિઓ સરકારની યાદીમાં છે, અને હજુ બેતાળીસ સમાવાઈ નથી ! વિમુક્ત જાતિઓ માટે 2003 સુધી અનામત હતી. વિચરતા સમુદાયો માટે વિજાપુર પાસે બનેલી વસાહતમાં આઠેક વર્ષથી વીજળી અને પાણી નથી. સરાણિયાઓના એક જૂથને માગણીઓ માટે મહેસાણા કલેક્ટરને મળવા લઈ ગયેલા એક કાર્યકર્તાને અધિકારીના મદદનીશે છણકો કર્યો : ‘તમે ઉકરડો લઈને આવી ગયા!’ મિત્તલબહેને કહ્યું કે અધિકારીઓને મળીએ ત્યારે તેઓ કહે છે કે ‘મંચની માગણીઓમાંથી ૭૦% માગણીઓ તો એવી છે કે જે ચપટીમાં પૂરી થઈ જાય’. પ્રમાણપત્ર આપવા માટે જાતિ અને પરંપરાગત વ્યવસાય પિછાણવા માટે તંત્રએ કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ તેના માટેનાં, અનુભવ અધારિત સૂચનો પણ મિત્તલબહેને જણાવ્યાં. સંગઠનનાં નિષ્ઠાવાન કાર્યકરો વર્ષોથી રખડપટ્ટી અને લખાપટ્ટી કરતાં રહ્યાં છે.  છતાં પણ તંત્ર ખાસ હલતું નથી. આવાં જડ તંત્રને સક્રિય કરવા, ગમે તેટલી મુશ્કેલીઓની વચ્ચે પણ ગાંધીનગર અને દિલ્હી તરફ આગળ વધવાનો નિર્ધાર પણ તેમણે પ્રકટ કર્યો.

‘જે પક્ષ આપણું કામ કરશે તેને આપણે ટેકો આપીશું … અમે પણ છીએ એ સમજીને રાજકીય પક્ષોએ અમારા અધિકારોને ચૂંટણી ઢંઢેરામાં સમાવવા જોઈએ … ’ મિત્તલબહેનની તાજેતરની ફેઇસબુક પોસ્ટ જણાવે છે કે એક પક્ષે ચોથી તારીખ પછીનો સમય આપ્યો છે. બીજાએ હજુ ધ્યાન આપ્યું નથી. જોઈએ આ સરનામાં વિનાના માનવીઓનાં મતોની કોને પડી છે ?

+++++++

૦૧ નવેમ્બર  ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 નવેમ્બર 2017

છબિ સૌજન્ય : મિત્તલબહેન પટેલની ફેઇસબૂક વૉલથી સાભાર

Loading

4 November 2017 admin
← છોંતેર વર્ષની છોકરી –
જોસેફ જે. ડોક →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved