Opinion Magazine
Number of visits: 9447902
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આ જાપાની છોકરી અહીં શું કરે છે?’

કાઓરી કુરીહારા|Gandhiana|24 September 2017

સૌને નમસ્કાર.

આજ ગાંધીજીની ૧૫૭મી વરસગાંઠ છે. આ નિમિત્તે હું વિદ્યાપીઠના મારા અનુભવ વિષે થોડી વાત કરવા માંગુ છું. અહીં બેઠેલાં તમે બધાં લોકોએ મને જોઈ છે ને કૈંક અંશે જાણી છે પણ ખરી. પણ મોટા ભાગનાં લોકોના મનમાં કદાચ એવો પ્રશ્ન થતા હશે કે ‘આ જાપાની છોકરી ઘણાંબધાં વર્ષોથી વિદ્યાપીઠમાં છે ને ફર ફર કરતી દેખાય છે. પણ એ અહીં કરે છે શું?’ એટલે સૌથી પહેલાં હું તમને બધાને મારો થોડોક પરિચય કરાવવા માંગું છું. કદાચ કોઈને બડાશ મારવા જેવું લાગે તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું.

મારો પરિચય :

મારું નામ કાઓરી છે. હું જાપાનથી ગાંધીવિચાર ભણવા ૨૦૦૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં આવી છું. જાપાનમાં સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, હું એક કંપનીમાં Human Resource વિભાગમાં ચાર વર્ષો સુધી કામ કરતી હતી. છેલ્લાં બે વર્ષો તો હું કંપનીની મૅનેજર પણ બની. કંપનીની હર્તાકર્તા કહો તો વાંધો ના આવે. મૅનેજર તરીકેનું કામ એ જવાબદારીનું કામ તો હતું જ. પણ એ બહુ રસિક કામ પણ હતું. અલગ અલગ પ્રકારનાં લોકોને સાંભળવાં, એમની પાસે કામ લેવું, એ રસપ્રદ તો ખરું. પણ રોજ રોજ પૈસા ગણ્યા કરવા, કંપનીના નફા પર ધ્યાન રાખવું ને બીજાઓથી આગળ નીકળી જવા રાતદહાડો મથ્યા કરવું. એટલે જેમ જેમ વરસો વીતતાં ગયાં તેમ તેમ હું થાકવા લાગી. આમ તો તે વખતે મને મોટો પગાર મળતો હતો અને મારી પ્રતિષ્ઠા પણ એટલી જ હતી. હું સગવડભર્યું જીવન જીવતી હતી. છતાં મારા મનમાં હંમેશાં અસંતોષ રહેતો હતો. મારા જીવનની બધી જ હાજતો સંતોષાયા છતાં સંતોષ ના મળે તો. કહો કે સંતોષ આઘો ને આઘો જતો જાય. આવું કેમ બને છે? એ હતું મારું મનોમંથન.

‘હિંદ સ્વરાજ’ – મારા જીવનને પલટી નાખી એવી એક ચોપડી :

તે વખતે મારા હાથમાં ગાંધીજીની ‘હિંદ સ્વરાજ’ ચોપડી આવી પડી. મેં વાંચવા માંડી. એમાં સુધારા અંગે એક વાક્યે મારું ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ લખ્યું છે :

‘શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે. એ જ તે આપવા મહેનત કરે છે. છતાં તે સુખ પણ નથી મળી શકતું.’

મને થયું કે :

“હું આવું નથી કરી રહી? હું પૈસા સાંકવ સાંકવ કર્યા સિવાય બીજું શું કરું છું આવા જીવનથી જુદો, એવો વિકલ્પ હોઈ ના શકે?”

એટલે કે મારો ગાંધીજીમાંનો રસ એમના વ્યક્તિત્વનો નહોતો. મારી નવી નવી જીવનદૃષ્ટિની શોધનો હતો. એટલે હું ગાંધીજી ભણી આકર્ષાઈ.

૨૦૦૯ ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ :

મે ૨૦૦૯માં ગાંધીદર્શન વિભાગમાં એમ.એ. માટે પ્રવેશ મેળવ્યો. તે દિવસનો એક પ્રસંગ હજી ય યાદ છે. મારા પ્રવેશ પરીક્ષા તથા ઈન્ટરવ્યૂની લાંબી પ્રક્રિયાઓથી પસાર થવું પડ્યું. એમાં અધ્યક્ષશ્રી પુષ્પાબહેને ઘણી મદદ કરી. છેવટે હું કુલસચિવશ્રી પાસે ગઈ. મારા પ્રવેશ અંગેનો આખરી નિર્ણય તો એમણે લેવાનો હતો. તેઓ જરા ય હસ્યા વિના માત્ર એટલું જ બોલ્યા કે એમ.એ.માં પ્રવેશ આપીશું.’ હું તો એથી એટલી બધી રાજીની રેડ થઈ ગઈ કે એમની સામે જ નાચવા લાગી ! એમને થયું હશે કે :

‘માળું આ’તો વિચિત્ર પ્રાણી છે!’

એ હતો એક વિદ્યાર્થિની તરીકે મારા વિદ્યાપીઠ જીવનનો પ્રારંભ.

પણ ખરું તો હવે શરૂ થતું હતું. પહેલી જ અગ્નિપરીક્ષા હતી. વિદ્યાપીઠનું છાત્રાલય જીવન. હકીકતમાં મને કોઈ ભાઈબહેન નથી. આજ સુધી જાપાનમાં મારા પોતાના ઘરમાં હું રાજકુમારીની પેઠે ઉછરી હતી. આવી છોકરીને વિદ્યાપીઠનું સમૂહજીવન ક્યાંથી અને કેવી રીતે ફાવે?

છતાં આ જ છાત્રાલય જીવને મને નવી દુનિયાનો દરવાજો ખોલી આપ્યો. રોજ મારા ઓરડામાં જાપાનથી આવેલું આ ‘વિચિત્ર પ્રાણી’નાં દર્શન કરવા ૨૦-૩૦ દર્શનાર્થીઓ આવતાં-જતાં રહેતા હતા. ઘણાં બધાં પ્રશ્નો પૂછાતા હતા. એમાં એક રસિક પ્રશ્ન આ હતો. એક છોકરીએ મને આવું પૂછ્યુંઃ

‘કાઓરી, જરાતરા હાથ તો જોવા દે! તને આંગળીઓ કેટલી છે?’

અરે બાપ રે! આ બધાની નજરે હું કેટલી વિચિત્ર પ્રાણી જેવી છું?!

એની આગળ મારા હાથ ધરીને મેં એને જવાબ આપ્યોઃ

“લે! જો! આ રહ્યા, મારા હાથ!”

પછી બિચારી છોકરી તો મારી આંગળીઓ ગણવા લાગી. “એક બે ત્રણ ચાર પાંચ …”

મને પણ ગુજરાતીમાં નંબર ગણતાં આવડી ગયું ને વાત પતી ગઈ.

મારા દેશ જાપાનમાં કદી આવા પ્રશ્નો ના પુછાય. પણ અહીં તો આવા આવા પ્રશ્નોની ઝડી વરસતી. છતાં બીજી ઘણી બધી વાતો પણ અમે છાત્રાલયમાં કરતાં. એમાં કુટુંબની ને પ્રેમની વાતો પણ આવે. અમારો દેશ જુદો. ભાષા અને સંસ્કૃિત જુદાં. સૌ અલગ હોવા છતાં અમારા દિલનો સંબંધ બંધાતો જતો હતો. છાત્રોના સહવાસમાંથી મને ભારતીય લોકોનાં પ્રેમ તથા શ્રદ્ધાનું અમૃત ચાખવા મળ્યું.

સ્વર્ગસ્થ શ્રી નારાયણ દેસાઈ ‘અ ટાસ્ક માસ્ટર' :

એમ.એ. વૈતરણી મેં પાર કરી. પછી એમ. ફિલ. ઝંપલાવવાનું મેં નક્કી કર્યું. હાલના ઉદ્યોગ વિભાગની શિક્ષિકા સંયુક્તા બહેનની દોસ્તીને કારણે મને એ વખતના કુલપતિશ્રી નારાયણ દેસાઈનો પરિચય થયો. મને એમની સાથે ગાંધીકથામાં જવાનો મોકો મળ્યો. મને મળેલ આ એક સુવર્ણ તક હતી. મારા માટે તો નારાયણ દાદા ગાંધીવિચારની જીવતી-જાગતી ને હરતી-ફરતી વિદ્યાપીઠ હતા. એમની સાથે રહીને એમની સેવા થતા એમની સાથે કામ કરતાં કરતાં ગાંધીવિચારનું એક વ્યવહારુ પાસુ મારી આગળ ઉજાગર થઈ ગયું.

દાદાજી, મારા એક ‘ટાસ્ક માસ્ટર’ હતા. એટલે કે તેઓ ઘણા બધા અઘરાં કામો મારી પાસે કરાવ્યા જ કરતા હતા. દા.ત. કસ્તૂરબા નાટકનું કામ, એકાદશવ્રત અંગેની ચોપડી છપાવવાનું કામ, ખાસ કરીને ગાંધીકથાની દોડા દોડીમાં પણ કોઈ પણ કામ સમયસર અને ચોક્કસપણે કરવું, ગમે તે લોકો હોય તો પણ એમની સાથે સારો સંબંધ રાખવાનો પ્રયત્ન કરવો, ગમે તે પરિસ્થિતિ હોય તો પણ છેલ્લી ઘડી સુધી કામ પૂરું કરવા માટે બને તેટલી કોશિશ કરવી વગેરે વગેરે. શિક્ષણ એ ફક્ત વર્ગમાં થતી વસ્તુ નથી. બલકે એક અનુભવી ને પરિપક્વ માણસ સાથેના સહવાસમાં અને એમના જીવનમાંથી આપણને ખૂબ શીખવાનું મળે છે. આ વાત હું સ્પષ્ટ રીતે સમજી ગઈ.

ગાંધીજીના અંતેવાસીઓને પણ આવો જ અનુભવ :

આવો અનુભવ તો ગાંધીજીના અંતેવાસીઓને પણ મળ્યો હતો. દા.ત. મારા અતિપ્રિય ગાંધીજન જુગતરામ દવે. આપણે તેમને જુગતકાકાને નામે ઓળખીએ છીએ. તેમણે ગાંધીજી સાથેના પોતાના અનુભવની આ જ વાત આપણને સમજાય એ જ રીતે કહી છે. જુગતકાકાએ લખ્યું છેઃ “જ્યોતને અડ્યા વિના જ્યોત પ્રગટતી નથી. માત્ર વાચનથી કે ભાષણ સાંભળવાથી કે ચર્ચાઓ કરવાથી એકના હૃદયની શ્રદ્ધા બીજામાં સંચરે નહીં, એકના દિલમાં બળતી આગ બીજામાં ચેતે નહીં. સામાન્ય સ્વાર્થમય જીવનમાંથી આખું જીવન સેવામાં હોમવાની પ્રેરણા ઉત્પન્ન થાય નહીં. સત્યનો અતૂટ આગ્રહ હૃદયમાં બંધાય નહીં. તે માટે તો કોઈ શ્રેષ્ઠ જનનો સહવાસ – અને તે દીર્ઘકાળનો સહવાસ – બહુ જ જરૂરનું છે. આપણાં જીવનમાં લાંબો વખત ઊગવાની ક્રિયા ચાલ્યા કરે એ જરૂરનું છે. આપણાં જીવનમાં પણ કાયમનો પલટો થવા માટે શ્રેષ્ઠ જનનો લાંબો સહવાસ ઘણો જરૂરનો છે. આપણે તેને મોટા પ્રસંગોમાં વર્તતો જોઈએ છીએ. નાના નજીવા પ્રસંગોમાં પણ વર્તતો દેખીએ છીએ. તેની કડકાઈ અનુભવીએ છીએ તેમ કોમળતા પણ અનુભવીએ છીએ. એ બધું જોતાં. તેની દોરવણી નીચે કામ કરતાં કરતાં, તેના સિદ્ધાંતો અને અને કાર્યપદ્ધતિ, તેનું બળ અને તેનું જ્ઞાન આપણે અપનાવી લેતા જઈએ છીએ. તેમાં બુદ્ધિનો પ્રયોગ પણ છે, તેમ જ નકલ અથવા અનુકરણ પણ છે. જોઈ જોઈને તે ઉપર વિચાર કરી કરીને અનુકરણ કરી કરીને, આપણે આપણું જીવન ઘડીએ છીએ.”

ખરેખર! દાદાજીના સાંનિધ્યમાં રહેવું એ મારા વૈકલ્પિક જીવનની શોધમાં અને મારું જીવનઘડતર કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યું છે.

ગાંધીવિકાસના અનુભવે મને ગાંધીવિચારને સમજવા માટેની બીજું દૃષ્ટિબિંદુ પૂરું પાડ્યું. એ દૃષ્ટિબિંદુ હતું સાથીઓનું નિષ્કામ કર્મ અને તેમની સેવાવૃત્તિ. ગાંધીકથામાં કથા શરૂ થાય એના પાંચ દસ દિવસ પહેલાં દાદાજીનાં સાથીઓ કથાના સ્થળે જઈ, કથાના સ્થળનું ગોઠવણ તથા સંગીત, ગીતોના શબ્દોના અર્થ ને ઉચ્ચારણ વગેરે ગામનાં લોકોને શીખવાડતા હતા. આવા નિષ્કામ કર્મીઓ દાદાજીનાં સાથીઓ ના હોત તો ગાંધીકથા શક્ય ના બનત. આ વાત ગાંધીજીને પણ લાગું પડે એવી છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા બાદ અને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના બાદ, જો એમને મહાદેવભાઈ, કાકા કાલેલકર, વિનોબા, મશરૂવાળા, નરહરિ પરીખ, જુગતરામ દવે, પ્યારેલાલ જેવા સાથીઓ મળ્યા ના હોત તો તેઓ ‘મહાત્મા’ બની શકત ખરા? આટલી ઊંચાઈને આંબી શકત ખરા?

હાલમાં હું વિદ્યાવાચસ્પતિનો અભ્યાસ કરી રહી છું. એમાં સત્યાગ્રહ આશ્રમ વિષે ગાંધીજીના અંતેવાસીઓએ આશ્રમજીવન દ્વારા કેવી રીતે પોતાનું જીવનપરિવર્તન કર્યું અને પછી સમાજપરિવર્તન માટે કયાં કયાં કામો કર્યા એ અંગે હું અભ્યાસ કરી રહી છું. ગાંધીકથામાં હું ના ગઈ હોત તો આવું અભ્યાસનું દૃષ્ટિબિંદુ મને લાધ્યું ના હોત.

અનુભવથી શીખી લેવું એ ગાંધીજીના શિક્ષણની મુખ્ય વિશેષતા હતી. એનો લાભ મને ખૂબ જ મળ્યો આમ કહેતાં હું જરા ય ખચકાતી નથી. એક દીકરી બનીને દાદાજી સાથે રહેવાનો મોકો લાંબા સમય સુધી મને મળ્યો. એને માટે હું વિદ્યાપીઠના અધિકારીઓશ્રી તથા અધ્યક્ષશ્રીની ખૂબ આભારી છું.

ગાંધીજી પાસેથી મળ્યો એક પ્રશ્નનો જવાબ :

શરૂઆતમાં મેં કહ્યું તેમ હું  નવજીવનની દૃષ્ટિની શોધમાં ગાંધીજી પાસે આવી હતી. આ સંસ્થામાં મને મળેલ આવા જીવનના અનુભવોને કારણે જે કેવળ પુસ્તકો કરી શક્યાં ના હોત, એવી જીવનની નવી ને સાચી દિશા મને સાંપડી. મારું જીવન કેવું હોવું જોઈએ. આ પ્રશ્નોના જવાબ મને ગાંધીજી પાસેથી મળી ગયો છે. વ્યક્તિ લખે સાદુ જીવન જીવવું અને લોકસેવામાં બાકીનું જીવન અર્પણ કરવું. આ છે એ જવાબ.

મને વિદ્યાપીઠમાં રહેતાં સાત વર્ષ થઈ ગયાં છે. મને વિદ્યાપીઠ ગમે છે. કેમ કે તમે સૌ લોકો મારા પર ખૂબ પ્રેમ કરો છો. મારા પણ ધ્યાન આપો છો અને માન પણ આપો છો. આ સાત વર્ષ દરમિયાન જ્યારે જ્યારે મને કોઈ તકલીફ થઈ, ત્યારે ગરમ ગરમ શાક-રોટલી, ખીચડી-કઢી, ઇડલી-ઢોંસા અને પૈસા સુદ્ધાં પણ ઘણાંબધાં લોકોએ મને મોકલી આપ્યાં હતાં. જો હું દિલ્હી-મુંબઈની મોટી યુનિવર્સિટીઓમાં ગઈ હોત તો આવાં લોકોનો પ્રેમ મને ક્યાંથી મળ્યો હોત?

એટલા માટે જ આ સંસ્થા પ્રત્યે મારી એટલી બધી લાગણી છે કે એ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા બની રહે. ગાંધીવિચારનું ભાથું સૌને પૂરું પાડે ને આડેઅવળે ફાંટ્યા વિના, પોતે ને પછી સૌને ગાંધીજી ભણી દોરતી રહે.

પણ એને માટે આપણે ગાંધીજીનાં મૂલ્યો તથા તેમના આદર્શોને જીવનમાં ઊતરવામાં કાચા પડ્યા છીએ. આજે એ આપણે આટલું સ્વીકારીએ. અહીં આજકાલ માણસ-માણસ વચ્ચેની શ્રદ્ધા ઘટતી જાય છે. આ મને ઘણી વાર જોવા મળ્યું છે. કોઈ પણ બાબત વિષે મતભેદ અથવા ઝઘડો થાય તો પછી આપણે એકબીજા સાથે સીધી વાત નથી કરતાં. એવું કરતાં કરતાં મતભેદ, મનભેદ બની જાય છે. આવા મનભેદને કારણે આ સંસ્થામાં સંપ્રદાયવૃત્તિ વધતી જાય છે. એ જોઈને મને દુઃખ થાય છે.

હા, આપણે માણસ છીએ, એટલે બધાંની સાથે ફાવે એવું તો કદી ના બને. અમુક લોકો સાથે ફાવે પણ અમુક સાથે ના પણ ફાવે. આ તો સ્વાભાવિક છે. પણ, કોઈ પણ માણસની લડાઈમાં શ્રદ્ધા રાખી, આપણે સ્પષ્ટ એની ચોખ્ખી વાત કરી દઈએ. એ ભલે અઘરી વસ્તુ હોય. એકબીજાની શ્રદ્ધા વધારવાની ખૂબ જરૂર છે. કેમ કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શ્રદ્ધા વિના અહિંસક સમાજરચનાનું નિર્માણ અશક્ય છે. ગાંધીજીનો મુખ્ય સંદેશ છે : સત્ય અને અહિંસા. તેને પોતાના જીવનમાં ઉતરવા માટે આપણે શરૂઆત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શ્રદ્ધાથી જ કરવી પડશે. કેમ કે ગાંધીજીનો વિચાર એ ફક્ત અભ્યાસનો વિષય નથી. એ જીવનમાં, આચરણમાં ઊતરવા માટેનું તત્ત્વ છે. એટલે અહિંસાનું પહેલું પગલું વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો શ્રદ્ધા-સેતુ બાંધવો, તે છે. આ સેતુ-બંધ કરવા માટે આપણે આયાસ કરવો પડશે.

બાકી અહિંસા-વિષે, શાંતિ વિષે અને ખુદ ગાંધીજી વિષે પ્રવચનો ગોઠવવા, સેમિનારો ચલાવવા, ચોપડીઓ અથવા લેખો છાપવાં. શિબિરો ગોઠવવી. આ બધાનો મને ખાસ મતલબ દેખાતો નથી. અલબત્ત, શૈક્ષણિક સંસ્થામાં આ બધું જરૂર અવશ્ય છે. પણ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા લેખે અસલ ને જીવંત સંબંધ સૌથી પ્રથમ આવે. આ સંબંધ છે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ ને શ્રદ્ધાનો સંબંધ. આવો સંબંધ બાંધી શકાય એવી કેળવણી ખુદ આપણે પોતે મેળવવી જોઈએ. વિદ્યાપીઠની સ્થાપનાનો મુખ્ય હેતુ આ છે. વિદ્યાપીઠ એટલે સત્યાગ્રહી બનવા માટેની કેળવણીની સંસ્થા. ‘કેળવણી વડે ક્રાંતિ’ એટલે કે અહિંસક ક્રાંતિ ભણી સૌને દોરી જતી સંસ્થા.

આવી વાત કહેવી સહેલી છે. કરવી બહુ જ અઘરી છે. છતાં જો આપણામાં ગાંધીજી પ્રત્યે અત્યંત શ્રદ્ધા હોય તો આવાં સાચાં સત્યાગ્રહીઓ બનવા માટેનો આપણો પ્રયાસ એક વિગત જરૂર સફળ થશે. એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2017; પૃ. 03-04

Loading

24 September 2017 admin
← ચપડચપડ કરતી એ છોકરી …
સરહદે ઇન્સાનો કે લિયે હૈ સોચો તુમને ઔર મૈંને ક્યા પાયા ઇન્સાન હો કે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved