Opinion Magazine
Number of visits: 9449007
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સંસ્કૃિત-સૂચિ’ અને ‘સમયરંગ’ વિશે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|8 August 2017

સંસ્કૃિત-સૂચિ

ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્‌ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે.  સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.

‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ  અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે.  તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા  કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્‌પુષ્પમ્‌, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.

છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખ-સૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખ-સૂચિ ઝડપી વાચન (સ્પીડ રીડિંગ) અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ-સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો  શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે, તેવું મૌલિક પ્રદાન છે.

આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગ્રેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહાર પાડેલી આ સૂચિનાં ઊજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની ઝીણવટ, યુઝર-ફ્રૅન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય. એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઇટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.

ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઇઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે : એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.

સમયરંગ

આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ  કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).

બધા સ્તરની મહત્ત્વની રાજકીય ગતિવિધિઓ વિશે ઉમાશંકરે એક દૃષ્ટિપૂર્ણ વિશ્લેષક તરીકે લખ્યું છે. એમણે અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓથી લઈને સંસદની ચૂંટણીઓને આવરી લીધી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ, વિલિનીકરણ, ભાષાવાર પ્રાંતરચના, બંધારણસભા, સમાજવાદી પક્ષની રચના, ગોવામુક્તિ આંદોલન, તેલંગણનો પ્રશ્ન, તાશકંદ-કરાર જેવા જૂજ ઉલ્લેખો જ અહીં કરી શકાય. તે જ પ્રમાણે ભારતના બધા પડોશી દેશો તેમ જ મહાસત્તાઓ સાથેના સંબંધોના મુદ્દે વારંવાર લખવાનું થયું છે. વળી, પ્રજાસમૂહના દેશો, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના, શીતયુદ્ધ, બાંડુંગ-પરિષદ, અણુશસ્ત્ર વિરોધ જેવી સંખ્યાબંધ રાજકીય ઘટનાઓ વિશેનાં સરેરાશ દોઢ-બે પાનાંના અભ્યાસપૂર્ણ લેખો મળે છે.

કવિ-સાંસદનું રાજ્યસભામાંનું પહેલું ભાષણ ‘હરિજનો અને ગિરિજનોની સમસ્યા’ વિષય પરનું છે, નવનિર્માણ આંદોલન પરનાં સંસદીય પ્રવચનો કડક છે. ગુજરાતમાં

પોલીસ અને દિલ્હીથી  ઊતરી આવેલ લશ્કર તેમ જ મુખ્ય પ્રધાનના રેડિયો પરના ભાષણ પરનો ઉલ્લેખ કરીને તે કહે  છે : ‘આપણા મનમાં નાઝી જર્મની સાથે આ જાતની વસ્તુઓ જોડાયેલી છે’ (સમયરંગ, ૩૪૫). નવનિર્માણ આંદોલનને ‘હું ક્રાન્તિથી ઓછું મૂલવતો નથી … એ એક સામાજિક મહાઘટના છે’, એમ પણ લેખક કહે છે. ‘શેષ-સમયરંગ’માં પણ નવનિર્માણને લગતા આઠ ધારદાર લેખો છે. રાષ્ટ્રપતિનિયુક્ત સાંસદ ઉમાશંકર ‘રાષ્ટ્રપતિ મૂર્ધન્ય વ્યક્તિ કે રબરસ્ટૅમ્પ?’ નામનો લેખ આપે છે. ભ્રષ્ટાચાર અને શાસકોની ઓસરતી જતી વિશ્વસનીયતા વિશે તેઓ લખે છે.  કટોકટી સત્રમાંના નિર્ભીક ભાષણ ‘મૂર્તિ ખંડિત થઈ’માં આ સાંસદ કહે છે : ‘ ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં આવી નથી, પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી? …. આજે આ દેશમાં આપણે એવે તબક્કે પહોંચ્યા છીએ, જ્યાં જીવનનું સત્ય ઝપાટાભેર હણાઈ રહ્યું છે’ (સમયરંગ, ૩૯૦).

રાજકારણને લગતા વ્યાપક લેખનના કેન્દ્રસ્થાને લોકશાહીની વિભાવના છે. લેખક લોકશાહીની જે અનેક પ્રસંગો  કે સંદર્ભોમાં વાત કરે છે, તેમાંના કેટલાક આ મુજબ છે : પાઠ્યપુસ્તકો, પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સમાજવાદ, રાજકીય બળોનું ધ્રુવીકરણ, આકાશભારતી, જયપ્રકાશ નારાયણ, બ્રિટિશ અને અમેરિકન સંસ્થાનવાદ – આ યાદી ઘણી લાંબી થઈ શકે. લોકશાહીના ઉછેરના તબક્કે ઉમાશંકરનો સૂર આશા અને અગમચેતીનો છે, વીતતાં વર્ષોની સાથે ક્યારેક દિલાસાનો, પણ મોટે ભાગે ચિંતા અને આક્રોશનો છે.

લોકશાહીના પ્રખર પુરસ્કર્તા ઉમાશંકરને મન નાગરિક સ્વાતંત્ર્ય ખૂબ મહત્ત્વનું છે. જ્યારે-જ્યારે એ હણાવાના પ્રસંગો આવે છે, ત્યારે – ત્યારે ઉમાશંકર લખે છે. તેમાંના કેટલાક છે : ઉત્તરપ્રદેશ સરકારે ખૂબ બીમાર સામ્યવાદી નેતા ભારદ્વાજની કરેલી ધરપકડ અને તેમનું કેદમાં અવસાન, દિનકર મહેતાની સલામતીધારા હેઠળ ધરપકડ, સિવિલ લિબર્ટીઝ માટેની ખાનગી સભા પર મુંબઈ પોલીસનો પ્રતિબંધ, અધ્યાપકોનાં સંશોધનો પર બંધનો, અને બીજા અનેક. સાબરમતી જેલના રાજકીય સામ્યવાદી કેદીઓ પરના ગોળીબારના કિસ્સાની વિગતો નોંધીને પછી ઉમાશંકર લખે છે : ’લોકશાહીનાં અનિવાર્ય ધોરણો અને નાગરિકસ્વાતંત્ર્ય જેવી ચીજો ટકાવી રાખવી હોય, તો આવા બનાવોની તપાસ વિના વિલંબે થવી જોઈએ’ (સમયરંગ, ૮૭).

અગ્રણી ભારતીય સાહિત્યકાર ઉમાશંકરનાં આ બે પુસ્તકોનાં લખાણોમાં સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમે સાહિત્યક્ષેત્ર છે પણ તેને લગતી મોટા ભાગની નોંધો ટૂંકી, તદ્દન પ્રાસંગિક અને ઓછી વિચારપ્રધાન છે. વૈચારિક મહત્ત્વની દૃષ્ટિએ રાજકારણ પછીના ક્રમે કેળવણી આવે છે. તેને લગતાં સવાસો જેટલાં લખાણોના મુખ્ય વિષયો આ મુજબ છે : શાળા અને યુનિવર્સિટી શિક્ષણ, ગામ-ખેતી-હુન્નર-યંત્રવિદ્યાને કેન્દ્રમાં રાખતું શિક્ષણ, શિક્ષણનું માધ્યમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપ, અધ્યાપકોનું સ્વાતંત્ર્ય ઇત્યાદિ. ‘કેળવણીનો કીમિયો’ નામના ઉમાશંકરના બીજા એક ઓછા જાણીતા પુસ્તકમાં છે એવા ચિંતનાત્મક દીર્ઘ લેખો અહીં ઓછા મળે છે. જો કે જે છે એ લખાણોમાં એકંદરે કલ્યાણરાજ્યમાં વંચિત વર્ગો માટેના સાર્વત્રિક સ્વાયત્ત અને સામાજિક જવાબદારી નિભાવનાર શિક્ષણના હિમાયતી ઉમાશંકર મળે છે.

ઉમાશંકરના કેળવણીવિષયક વિચારોમાં વિદ્યાર્થીની વાત વારંવાર આવે છે. તેમને અભિપ્રેત છે ‘ઠેઠ સૂઈ ગામ, રાધનપુર ને બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર, મહીકાંઠા, સાબરકાંઠા … ઠેરઠેરનાં વિદ્યાકાંક્ષી બાળકો’, ‘કેવળ આર્થિક સંકડામણને કારણે વિદ્યાભ્યાસ છોડી દેતાં અકિંચન વિદ્યાર્થીઓ’. એટલા માટે વિસનગર, કોલ્હાપુર કે ગુજરાત કૉલેજમાં ફી-વધારાનો તે વિરોધ કરે છે. નોકરી કરનારા વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા માટે આર્ટ્સ‌ કૉલેજ સવારની કરવાની જોગવાઈને તે આવકારે છે. વિદ્યાર્થીઓમાંનો તેમનો રસ શાળા-કૉલેજનાં કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પરની નોંધોમાં પણ દેખાય છે. 

વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી  રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’

કેટલોક સમય પહેલાં કેન્દ્ર સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ-કમિશન(યુજીસી)એ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ અને સંશોધન ન પોષાય તેવી નીતિ ઘડી ત્યારે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ‘ઑક્યુપાય યુજીસી’ નામે આંદોલન ચલાવ્યું હતું. દેખાવ કરનારા યુવાઓ પર વૉટરકૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો હતો. આવું જ નિર્ભયા પરના અત્યાચારનો વિરોધ કરનાર યુવતીઓ અને યુવકો પર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષના માનીતા એવા અતિસાધારણ અભિનેતાને દેશની મહત્ત્વની ‘ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’(એફ.ટી.આઇ.આઇ.)ના વડા તરીકે નીમવામાં આવ્યા. તેની સામેના ચારેક મહિનાના આંદોલન બાબતે પર સરકાર આપખુદ અને અસંવેદનશીલ જ રહી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના જુદું વિચારતા અને સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર તેણે જુલમ ગુજાર્યો. રોહિત વેમુલાની આત્મહત્યાના મુદ્દે હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર જુલમ વરસાવવામાં આવ્યો. આ બધી વખતે ઉમાશંકર યાદ આવતા રહ્યા.

(કલ્ચરલ એજ્યુકેશન ફોરમના ઉપક્રમે ઉમાશંકર જયંતીની સાંજે, ગુજરાતી સહિત્ય પરિષદના સંકુલમાં, યોજાયેલ ગોષ્ઠીમાં આપેલા વક્તવ્ય માટે કરેલી નોંધ પરથી)                

૨૬ જુલાઈ, ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 09-11

Loading

8 August 2017 admin
← ભારત છોડો આંદોલન એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
કપાસીસાહેબ – એક અનોખા અમદાવાદી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved