ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે.
૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સર્વોચ્ચ નેતાઓની હાજરીમાં, તેમના માર્ગદર્શન હેઠળ, તેમની નજર સામે અને તેમના રાજીપા વચ્ચે હિન્દુત્વવાદીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી. ગુજરાતનાં તોફાનો વખતે જીવ બચાવવા કાકલૂદી કરતો મુસ્લિમ યુવક અને બાબરી મસ્જિદ તોડી પડાઈ એ પછી ખુશીથી છલકાતી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની તસવીર જોઈને કોઈ પણ સાચો માનવતાવાદી ભારતીય શરમ અનુભવશે. આ એ જમાત છે જેનું દેશને આઝાદી અપાવવામાં શૂન્યવત્ યોગદાન છે અને આધુનિક ભારતના નિર્માણમાં નેગેટિવ યોગદાન છે.
દેશ અને વિદેશમાં સતત સવાલ પુછાઈ રહ્યો હતો કે શું માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે આવડો મોટો અપરાધ તેમ જ વિશ્વાસઘાત કરનારા લોકોને કોઈ સજા કરવામાં નહીં આવે? શું ભારતીય રાજ્ય એટલી હદે દુર્બળ છે અને ભારતમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલી હદે ખોખલી થઈ ગઈ છે કે કોઈનો વાળ પણ વાંકો નહીં થાય? સ્થિતિ તો એવી જ છે. ૧૯૮૪માં દિલ્હી અને અન્યત્ર સિખોનો નરસંહાર કરવામાં આવ્યો એના અપરાધીઓને કોઈ સજા નથી થઈ. ૧૯૮૪માં ભોપાલની ગૅસદુર્ઘટનાના આરોપીઓને કોઈ સજા નથી થઈ અને માર્યા ગયેલા લોકોના વંશજોને સરખું વળતર પણ નથી મળ્યું. ૧૯૯૩માં મુંબઈમાં કરવામાં આવેલાં આયોજનબદ્ધ હુલ્લડોના અપરાધીઓને કોઈ સજા કરવામાં નથી આવી. ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના કરવામાં આવેલા નરસંહારના મુખ્ય આરોપીઓને કોઈ સજા નથી થઈ. ઊલટું છેલ્લા એક મહિનાથી તો માનવસભ્યતા અને ભારતીય રાષ્ટ્ર સાથે અપરાધ અને વિશ્વાસઘાત કરનારા લોકોમાંથી બે વ્યક્તિઓનાં નામ રાષ્ટ્રપતિપદ માટે ચર્ચાતાં હતાં.
લાલ કૃષ્ણ અડવાણી માટે મને દિલસોજી છે. પહેલાં હોઠ સુધી આવી ગયેલું વડા પ્રધાનપદ છીનવાઈ ગયું અને હવે હોઠ નજીક દેખાતું રાષ્ટ્રપતિપદ છીનવાઈ રહ્યું છે. આ એ માણસ છે જેણે BJPને રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે શાસક પક્ષ બનાવ્યો છે. જે પક્ષ ભારતીય રાજકારણમાં હાંસિયામાં માંડ સ્થાન ધરાવતો હતો એ પક્ષ આજે સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં શાસન કરે છે. એ ન ભૂલવું જોઈએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અડવાણીના ખભા પર ચડીને દિલ્હી પહોંચ્યા છે. જે માણસે પક્ષને હાંસિયામાંથી કાઢીને કેન્દ્રમાં સ્થાન અપાવ્યું હતું એ માણસને નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચ્યા પછી હાંસિયામાં ધકેલી દીધા હતા. વાત તો એવી પણ થઈ રહી છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કેન્દ્ર સરકારનો હાથ છે. કોઈનું સપનું રોળાઈ જાય તો આપણને દુ:ખ થવું જોઈએ, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે રામજન્મભૂમિ આંદોલને પેદા કરેલા કોમવાદી ઉન્માદે હજારો માતાઓની કૂખ ઉજાડી નાખી હતી અને સપનાં રોળી નાખ્યાં હતાં. પ્રારંભમાં જ કહ્યું એમ એ માનવતા સામેનો અપરાધ હતો અને ભારતીય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત હતો.
વિશ્વાસઘાત એ અર્થમાં કે આંદોલનકારોએ અને આંદોલનના નેતાઓએ કહીને બાબરી મસ્જિદ નહોતી પાડી, જે રીતે ગાંધીજીએ સો વરસ પહેલાં ચંપારણમાં કહીને કાયદો તોડ્યો હતો. ગળીની ખેતી અમે નથી કરવાના; એમાં જો કાયદાનો ભંગ થતો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ, પણ ખેતી તો અમે નહીં જ કરીએ અથવા અમારી શરતે કરીશું એમ ગાંધીજીએ અંગ્રેજ સરકારને મોઢામોઢ કહી દીધું હતું. ગાંધીજીની માફક સંઘપરિવાર પણ એમ કહી શક્યો હોત કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને અમને હિન્દુઓને એમ લાગે છે કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હતું એટલે અમે મસ્જિદ તોડીને એ જગ્યાએ મંદિર બાંધીને જંપીશું. સરકારને અમારી સાથે જે કરવું હોય એ કરી શકે છે. જે ખુમારી માટે હિન્દુઓ ગવર્ લે છે અને એ જો અસ્તિત્વ ધરાવતી હોય તો એ આવી હોય. ગાંધીજીમાં આવી ખુમારી આપણને જોવા મળી હતી.
ગાંધીજીથી ઊલટું સંઘપરિવારના નેતાઓએ દેશની જનતાને કહ્યું હતું કે આદોલન પ્રતીકાત્મક હશે. આંદોલનનો હેતુ હિન્દુઓની એકતા, અપેક્ષા અને હતાશાનું પ્રદર્શન કરવાનો છે. સંઘના નેતાઓએ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને મળીને કહ્યું હતું કે ચિંતા ન કરતા, અમે મર્યાદા જાણીએ છીએ અને એ ઓળંગવામાં નહીં આવે. એ સમયે ઉત્તર પ્રદેશની BJPની સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કરીને બાંયધરી આપી હતી કે મસ્જિદનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે અને એનું વહન કરવામાં આવશે. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું એના પર કેન્દ્ર સરકારે ભરોસો મૂક્યો હતો અને સરકારને બરતરફ કરવાનું પગલું નહોતું લીધું. એ પછી જે બન્યું એ રાષ્ટ્રીય શરમનો ઇતિહાસ છે. મસ્જિદ તોડી નાખવામાં આવી હતી. સંઘપરિવારના કેટલાક નેતાઓ એક ધક્કા ઔર દો કહીને ઉશ્કેરતા હતા, કેટલાકે મોં ફેરવી લીધું હતું અને બીજા કેટલાક હરખાતા હતા. સંઘપરિવારના કોઈ નેતા ટોળાંને વારતા હોય એવી એક પણ તસવીર જોવા નથી મળી, ઊલટું મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી હરખાતાં હોય એવી તસવીર જોવા મળે છે.
બે સંભાવના છે. જૂઠું બોલીને, ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલતને સુધ્ધાં ગેરમાર્ગે દોરીને મસ્જિદ તોડી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું હોય અથવા સંઘપરિવારના નેતાઓના હાથમાંથી અંકુશ છૂટી ગયો હોય. બીજી સંભાવનાને નકારી ન શકાય; પરંતુ એના માટે આઘાતના, આશ્ચર્યના, હતપ્રભતાના ભાવ સાથે ટોળાને રોકવાની કોશિશ કરતા હોય એવી તસવીરો અને વીડિયો-ફુટેજ હાથ લાગવા જોઈતાં હતાં. જે તસવીરો સંગ્રહાયેલી છે એ ઉશ્કેરવાની અને રાજીપાની છે. તો આનો અર્થ એ થયો કે પહેલી સંભાવનાને નકારી શકાય એમ નથી અને બીજી સંભાવનાને નકારે એવા કોઈ પુરાવાઓ નથી.
તો શું એ કાવતરું હતું? જે લોકો સામે સર્વોચ્ચ અદાલતે આદેશ બહાર પાડ્યો છે તેઓ કાવતરાખોર હતા? જો એ કાવતરું હતું તો એનો અર્થ એવો ન થયો કે કાવતરું રાજ્ય અને કાયદાના રાજ્ય વિરુદ્ધ હતું? એ જ તો પ્રશ્ન છે અને સર્વોચ્ચ અદાલતે એની ગંભીર નોંધ લીધી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 22 અૅપ્રિલ 2017