Opinion Magazine
Number of visits: 9567711
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીના સૌથી નજીકના છતાં સૌથી ઓછા જાણીતા રહેલા મિત્ર પ્રાણજીવન મહેતા

ઉર્વીશ કોઠારી|Gandhiana|26 March 2017

એક માણસ જીવનમાં કેટકેટલું બની શકે? ડૉક્ટર? વકીલ? દેશહિતચિંતક? વિદેશમાં રહીને ત્યાંના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર? કોઇ યુગસર્જકનો અંગત મિત્ર? તેની અંગત તેમ જ જાહેર બાબતોની આર્થિક જવાબદારી ચૂપચાપ ઉપાડી લેનાર દાનેશ્વરી? એક મહાન પુસ્તકનું પાત્ર?  આ યાદીમાંથી એકાદ ભૂમિકા મળે તો સરેરાશ માણસનું જીવન સફળ થઈ જાય. વ્યવસાય સિવાયની ભૂમિકાઓમાંથી કોઈ એક મળે તો જીવન સફળ જ નહીં, ધન્ય થઈ જાય. પરંતુ કોઈ માણસ આ તમામ ભૂમિકાઓ એકસરખી કાબેલિયતથી અદા કરે, છતાં તે મહદંશે ગુમનામ રહે, તે શક્ય છે? શક્ય-અશક્યનો સવાલ નથી. આમ જ બન્યું છે અને એવું જેની સાથે બન્યું તેમનું નામ છેઃ પ્રાણજીવન મહેતા.

ગૂજરાત વિદ્યાપીઠમાં ભણનારા તેમને ‘પ્રાણજીવન છાત્રાલય' અને તેમાં એમણે 1920ના દાયકામાં આપેલા રૂ. અઢી લાખના દાનથી કદાચ જાણતા હોય. ગાંધીજીની સૌથી મૌલિક અને પ્રભાવશાળી કૃતિ ‘હિંદ સ્વરાજ'ના વાચકો તેમને સવાલ પૂછનાર મિત્ર તરીકે કદાચ ઓળખતા હોય. મુંબઇના મણિભવનથી પરિચિત લોકો પ્રાણજીવન મહેતા અને તેમના ભાઈ રેવાશંકર મહેતા (ઝવેરી)-ને એ મકાનના માલિક તરીકે જાણતા હોઈ શકે અને શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનોએ તેમનું નામ રાજચંદ્રના કાકાસસરા તરીકે સાંભળ્યું હોય.

આ બધી હકીકતમાં એક લીટીના પરિચય છે. ઓળખ જેવી ઓળખ નથી. ડૉ. પ્રાણજીવન મહેતાના પ્રતાપી વ્યક્તિત્વને ન્યાય આપી શકે એવી તો બિલકુલ નહીં. પરંતુ હમણાં સુધી ડૉ. મહેતા આવી જ રીતે ઓળખાતા રહ્યા. ચીવટપૂર્વકનું દસ્તાવેજીકરણ ધરાવતા ગાંધીસાહિત્ય અને તેના આનુષંગિક અનેક પુસ્તકોમાં પણ ડૉક્ટરના ઉલ્લેખ અલપઝલપથી વધારે ન રહ્યા. એટલે પૂરા કદના ચરિત્રનો નાયક બે-પાંચ લીટીઓમાં આવજા કરતો રહ્યો ને થોડા જિજ્ઞાસુઓને વધુની તલપ લગાડતો રહ્યો.

આખરે એ મહેણું ભાંગ્યું ઇતિહાસના વિદ્વાન અધ્યાપક શ્રીરામ મહેરોત્રાએ. ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રાણજીવન મહેતાનું બૃહદ્દ ચરિત્ર, દુર્લભ તસવીરો અને તેમનાં લખાણોના અંશ ‘ધ મહાત્મા એન્ડ ધ ડૉક્ટર’ શીર્ષક હેઠળ તૈયાર કર્યા. ગાંધીમાં કે ગુજરાતની અસ્મિતામાં કે ગુજરાતે પેદા કરેલાં મહાન વ્યક્તિત્વોમાં રસ હોય એ સૌ માટે અનિવાર્ય ગણાય એવું આ પુસ્તક ડૉ. મહેતાની ત્રીજી પેઢીના અરુણભાઈ મહેતાએ તેમના વકીલ્સ પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત કર્યું. ગયા વર્ષે તેની ગુજરાતી આવૃત્તિ થઈ છે. અલબત્ત, જિજ્ઞાસુ વાચકો અનેક દસ્તાવેજો અને ભૂલચૂક વગરનું મૂળ લખાણ ધરાવતી અંગ્રેજી આવૃત્તિ જુએ તે જ ઇચ્છનીય છે.

મોરબીમાં જન્મેલા પ્રાણજીવન મહેતા(1864-1932)ની કારકિર્દી કોઈ પણ ધોરણે અને ભણતરનો આટલો મહિમા ધરાવતા અત્યારના યુગમાં પણ અસાધારણ લાગે એવી હતી. ફક્ત 22 વર્ષની ઉંમરે તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તે સમયે મળતી LM&S(લાયસન્સીએટ ઇન મેડિસિન એન્ડ સર્જરી)ની ડિગ્રી સાથે ડૉક્ટર બન્યા. તેમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. પછી મોરબી રાજ્યની સ્કોલરશિપ પર યુરોપ ભણવા ગયા અને બ્રસેલ્સમાંથી બે જ વર્ષમાં એમ.ડી. થયા.

એ વર્ષ હતું 1889નું. કમાલની વાત એ છે કે બેલ્જિયમમાં એમ.ડી.નો અભ્યાસ કરતાં કરતાં પ્રાણજીવન મહેતાએ લંડનની મિડલ ટેમ્પલ કૉલેજમાં બેરિસ્ટર તરીકે અભ્યાસ શરૂ કર્યો અને જે વર્ષે એમ.ડી. થયા એ જ વર્ષે બેરિસ્ટર (બાર-એટ-લૉ) પણ થયા.  ગાંધીજી સાથેનો તેમનો પરિચય પણ યુરોપમાં અભ્યાસ દરમિયાન થયો. ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે તેમ, લંડનમાં તેમને મળનાર પહેલા જણ પ્રાણજીવન મહેતા હતા. ઉંમરમાં તે ગાંધીજી કરતાં પાંચ વર્ષ  અને તેજસ્વિતામાં-દુનિયાદારીમાં તો ગાંધીજી કરતાં તે વખતે ઘણા મોટા. 19 વર્ષની કાચી ઉંમરે બેરિસ્ટર બનવા બ્રિટન ગયેલા શરમાળ મોહનદાસ પાસે ચાર-ચાર તો ભલામણચિઠ્ઠી હતી અને એ બધી એક જ માણસ પર લખાયેલીઃ

ડૉક્ટર પી.જે. (પ્રાણજીવન) મહેતા અને ડૉ. મહેતા પર ભલામણચિઠ્ઠી લખનારા કોણ હતા? સ્ટીમરમાં ગાંધીજીને મળી ગયેલા આગલી પેઢીના દેશનેતા દાદાભાઈ નવરોજી, ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જામનગરના પ્રિન્સ રણજિતસિંહ ઉપરાંત ગાંધીજીના સહયાત્રી, જૂનાગઢના વકીલ ત્ર્યંબકરાય ત્રિ. મજુમદાર અને દલપતરામ શુક્લ. લંડન પહોંચીને મોહનદાસ પહેલા દિવસે તો મોંઘીદાટ વિક્ટોરિયા હોટેલમાં ઊતર્યા. સાંજે જ ડૉ. પ્રાણજીવન મહેતા તેમને મળવા આવી ગયા. ડૉ. મહેતાએ ટેબલ પર મૂકેલી ફરની ટોપી પર કાઠિયાવાડી યુવાન મોહનદાસે હાથ ફેરવ્યો એટલે તેનાં રૂંછાં વેરવિખેર થયાં.

ત્યારે ડૉ. મહેતાએ ગાંધીજીને પહેલી સલાહ તો એ આપી કે ‘બીજાની વસ્તુને અડવું નહીં અને ભારતમાં પૂછીએ છીએ એવા અંગત સવાલ પૂછવા નહીં.’ એ સિવાય આપેલી ઘણી શિખામણોમાં હોટેલને બદલે કોઇના ઘરે રહેવાની અને લોકોને સર નહીં કહેવાની શિખામણો ગાંધીજીએ ખાસ નોંધી છે. ડૉ. મહેતાએ તેમને કહ્યું હતું, ‘હિંદમાં નોકરો સાહેબને સર કહે, તેવું કરવાની અહીં જરૂર નથી.’ ભૂગોળના સીમાડા અતિક્રમીને આજીવન ટકનારી વિશિષ્ટ મૈત્રીની આ શરૂઆત હતી. ડૉ. મહેતા ડૉક્ટર-કમ-બેરિસ્ટર થઇને 1889માં મુંબઈ પાછા ફર્યા અને મુંબઇમાં પોતાના ભાઈ રેવાશંકર ઝવેરી સાથે રહેવા લાગ્યા.

(ડૉ. મહેતા ઝવેરાતની પરખમાં પણ અત્યંત કુશળ ગણાતા હતા.) પરદેશની ભૂમિ પર શરૂ થયેલી ગાંધી-મહેતાની દોસ્તી બે વર્ષ પછી મોહનદાસની ભારતમુલાકાત વખતે કાયમી બની. એ વખતે મોહનદાસ અને તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ પ્રાણજીવન મહેતાના ઘરે રોકાયા. આ જ મુલાકાત દરમિયાન તે શ્રીમદ્ રાજચંદ્રને પહેલી વાર મળ્યા. પચીસ વર્ષના રાજચંદ્ર આમ તો કાકાસસરા રેવાશંકર ઝવેરીની પેઢીના ભાગીદાર હતા, પણ ગાંધી તેમના ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાનથી બહુ પ્રભાવિત થયા. આત્મકથામાં તેમણે લખ્યું છે કે ‘વિવિધ ધર્મોના જ્ઞાનવેત્તાઓને પણ હું મળ્યો છું.

પણ મારે કબૂલ કરવું જોઇએ કે શ્રીમદ્ રાજચંદ્ર જેટલા પ્રભાવશાળી વ્યક્તિઓ મારા જીવનમાં મેં બહુ ઓછા જોયા છે. એમની આધ્યાત્મિક પ્રતિભાની મારા ઉપર જે અસર પડી છે તે અન્ય કોઈ નથી કરી શક્યું … મારા અંતરમાં એક વાત દૃઢ થઇ કે આધ્યાત્મિક મૂંઝવણ પ્રસંગે તેઓ મારા આશ્રયદાતા અને માર્ગદર્શક બની રહેશે.’  

પરંતુ શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય એ તો ડૉ. મહેતા તરફથી ગાંધીજીને મળેલી સૌથી મોટી આડકતરી ભેટ હતી. ગાંધીમાં રહેલું વિત્ત બહુ પહેલાંથી પારખી ગયેલા તેમના આદિમિત્ર ડૉ. મહેતાની બીજી ભેટો ગાંધીજીના યુગકાર્યમાં મોટો ટેકો પૂરો પાડનારી બની રહી.

•

ગાંધીજીના પાંચેક દાયકા જેટલા લાંબા જાહેર જીવનમાં તેમને અનેક સક્ષમ સાથીદારો, અનુયાયીઓ મળ્યા, પણ જેમની સાથે ‘મહાત્મા’ બન્યા પહેલાંથી દોસ્તીનો સંબંધ હોય અને તે આજીવન ટક્યો હોય એવા તો એક જઃ પ્રાણજીવન મહેતા. અભ્યાસે ડૉક્ટર અને વકીલ, વ્યાવસાયિક આવડતથી ઝવેરી, દેશ અને દેશવાસીઓના સક્રિય હિતચિંતક, રંગૂન(તે વખતના બર્મા)માં 1906માં ‘યુનાઇટેડ બર્મા’ નામનું સાપ્તાહિક શરૂ કરનાર, ગાંધીજીમાં રહેલા ગુણ બહુ વહેલા પારખી જનાર અને તેમને આજીવન ગરિમાપૂર્ણ ઉદારતાથી મદદ કરનાર એટલે પ્રાણજીવન મહેતા.

ગાંધીજી વિશે કેટલીક વાર કુતૂહલથી કે શંકાથી એવો સવાલ કરવામાં આવે છે કે ભારતમાં એ કમાતા ન હતા, તો તેમનું ઘર અને પ્રવૃત્તિ કેવી રીતે ચાલતાં હતાં? તેમનું મોટું તંત્ર અને દફતર કેવી રીતે નભતું હતું? આ સવાલો પુછાય અને તેના જવાબ લોકોને ખબર ન હોય, તે સમાજની વિસ્મૃિત છે ને ડૉ. પ્રાણજીવન મહેતાની ખાનદાની છે. કેમ કે, 1909માં દક્ષિણ આફ્રિકાથી બ્રિટન ગયેલા ગાંધીજીને ડૉ. મહેતા મળ્યા ત્યારે બન્ને વચ્ચે નક્કી થયું હતું કે ગાંધીજી 1911માં ભારત પહોંચી જાય. ત્યાર પહેલાં દક્ષિણ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ બંધ કરે અને તેમના બહોળા સંયુક્ત પરિવારની આર્થિક જવાબદારી ડૉ. મહેતા ઉપાડી લે.

1911માં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમના ચાલુ ખર્ચ ઉપરાંત બીજા એક હજાર પાઉન્ડની મદદ ડૉક્ટર પાસે માગી. જવાબમાં ડૉક્ટરે પંદરસો પાઉન્ડનો ચેક મોકલી આપ્યો. ભારત આવ્યા પછી પણ એ ગોઠવણ યથાવત્ રહી. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ માટે ડૉ. મહેતાએ ફક્ત ઉદારતાથી જ નહીં, આત્મીયતાથી અને ગાંધીજીના-દેશના કામને પોતાનું કામ ગણીને, કીર્તિનો લોભ રાખ્યા વિના અવિરત મદદ કરી. ડૉ. મહેતાના જીવનકાર્યને પ્રકાશમાં આણતા તેમના જીવનચરિત્ર ‘ધ મહાત્મા એન્ડ ધ ડૉક્ટર’માં ઇતિહાસકાર શ્રીરામ મહેરોત્રાએ નોંધ્યું છેઃ અમદાવાદમાં આશ્રમ સ્થાપવા માટે જરૂરી તમામ આર્થિક મદદની વ્યવસ્થા કરવાની ડૉ. મહેતાએ ખાતરી આપી હતી. ગાંધીજી કહેતા હતા કે ડૉ. મહેતા સાબરમતી આશ્રમના ‘ફક્ત સ્તંભ જ નથી. તેમના વિના આશ્રમ અસ્તિત્વમાં જ ન આવ્યો હોત.’ 1 જુલાઇ, 1917ના રોજ મગનલાલ ગાંધી પરના એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ડૉક્ટરસાહેબ દર વર્ષે આપણને બે હજાર રૂપિયા મોકલશે.’ (રૂપિયાના આંકડા વાંચતી વખતે યાદ કરી લેવું કે સો વર્ષ પહેલાંની વાત ચાલે છે.)

છેક 1912માં ડૉ. મહેતાએ ગોખલેને ગાંધીની ભલામણ કરતો પત્ર લખ્યો હતો. ગોખલે ત્યારે દક્ષિણ આફ્રિકા જવાના હતા. એટલે ડૉક્ટરે તેમને લખ્યું, ‘ટૂંક સમયમાં તમારે એમને (ગાંધીને) મળવાનું અને તેમની સાથે વાત કરવાનું બનશે. તેમના વિશે આપણી વચ્ચે જે કંઇ થોડીઘણી વાત થઈ તેના પરથી મને લાગ્યું કે તમે એમનો બરાબર અભ્યાસ કર્યો નથી. મારા નમ્ર મત પ્રમાણે આવા માણસ ભાગ્યે જ પેદા થાય છે અને થાય તો પણ ભારતમાં જ. મને લાગે છે કે તેમની બરાબરીનો દીર્ઘદૃષ્ટા રાજકીય પયગંબર છેલ્લી પાંચ-છ સદીમાં જન્મ્યો નથી. તે અઢારમી સદીમાં આવ્યા હોત તો ભારતની ભૂમિ અત્યારે છે તેના કરતાં સાવ જુદી હોત અને તેનો ઇતિહાસ પણ સાવ જુદો લખાયો હોત. તેમના વ્યક્તિગત પરિચયમાં આવ્યા પછી તેમની ક્ષમતા વિશેનો તમારો હાલનો અભિપ્રાય ઘણો બદલાયો છે, એવું તમારા મોઢે સાંભળવા હું આતુર રહીશ. તેમને અંગત રીતે જાણ્યા પછી તમને તેમનામાં એવા માણસના ગુણ દેખાશે, જે પોતાની જન્મભૂમિના લોકોને ઉપર લઇ જવા માટે ક્યારેક જ અવતરે છે.’

દેશની સેવા કરનારા આવા મિત્ર અને નેતા માટે ડૉ. મહેતાએ પોતાની નાણાંકોથળી કેવી ખુલ્લી મૂકી દીધી હતી, તેનો ખ્યાલ આપતો ગાંધીજીનો (મગનલાલ ગાંધી પરનો) વધુ એક પત્રઃ ડૉ.મહેતાએ આપણને આશ્રમ માટે રૂ. દોઢ લાખ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રૂપિયા બે વર્ષના અરસામાં જરૂર મુજબ ઉપાડી શકાશે. તે બાંધકામ માટેના છે. તેમાંથી રૂપિયા વીસ હજાર તમે તત્કાળ રેવાશંકરભાઈ (ડૉ. મહેતાના ભાઈ) પાસેથી ઉપાડી શકો છો … રૂપિયા દોઢ લાખની આ રકમ આપણા આત્માની પ્રાર્થનાનો જવાબ છે, એ તમારે જાણવું જોઇએ.’

ગાંધીજીના શબ્દો-અભિવ્યક્તિમાં કહી શકાય કે ફક્ત રૂપિયા દોઢ લાખ નહીં, આખેઆખા પ્રાણજીવન મહેતા અને તેમની દોસ્તી આત્માએ કરેલી પ્રાર્થનાનાં ફળ જેવાં હતાં. આજીવન સમૃદ્ધિ ભોગવનાર ડૉ. મહેતાના છેલ્લા દિવસો બીમારી અને આર્થિક ખેંચમાં વીત્યા હતા. ત્યારે પણ વસિયતનામું કર્યું તેમાં સાબરમતી આશ્રમ માટે રૂ. 6,500ની રકમ એ મૂકીને ગયા હતા. મહાદેવભાઈએ તેમના માટે પ્રયોજેલું વિશેષણ ‘પ્રિન્સ ઑફ ફિલાન્થ્રોપિસ્ટ્સ’ (દિલદાર દાનેશ્વરી) ભવ્ય હોવા છતાં, ડૉ. મહેતાની ગુપ્ત મદદનો અને ખાસ તો તેમની દેશભાવનાનો પૂરેપૂરો ખ્યાલ આપનારું નથી. ગાંધીજીની જેમ જ ડૉ. મહેતા માટે પણ દેશ એટલે દેશના સામાન્ય લોકો.

એટલે ગ્રામવિકાસ, ગૃહઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે એક સ્વદેશી ફંડ હોવું જોઇએ, એવો તેમનો વિચાર હતો. તેમણે ગાંધીજીને ‘ગુજરાત સ્વદેશી શરાફ મંડળ’ની યોજના મોકલી હતી, જે ગરીબોને રાહત દરે નાણાં ધીરે અને બેન્ક જેવું કામ કરે. (એ સમયે ગરીબો પાસે લોહીચૂસ શરાફો સિવાય બીજા કોઈ વિકલ્પ ન હતા.) રૂપિયા એક લાખનું દાન આપવાની તૈયારી સાથે તેમણે સૂચવેલી આ યોજનામાં ભૂખમરો ટાળવા માટે અનાજ ભરવાનાં ગોડાઉનની પણ વ્યવસ્થા કરવાનું આયોજન હતું. પરંતુ એ યોજના કોઈ કારણસર આગળ વધી શકી નહીં.

ડૉ. મહેતાએ રંગૂનની જનરલ હોસ્પિટલમાં 3 ઑગસ્ટ, 1932ના રોજ દેહ છોડ્યો. એ વખતે ગાંધીજી યરવડા જેલમાં હતા, પણ તેમને રોજ ટેલિગ્રામથી તેમના એકમાત્ર પરમ મિત્રની તબિયતના સમાચાર મોકલવામાં આવતા હતા. ડૉક્ટરના અવસાનના સમાચાર મળતાં ગાંધીજીએ જેલમાંથી તેમના પરિવારજનોને ટેલિગ્રામ કર્યો અને લાંબા પત્ર પણ લખ્યા. પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દેશસેવામાં ખર્ચી નાખનાર ડૉ. પ્રાણજીવન મહેતાનું નામ ગુજરાતની દાનપરંપરામાં કે ગાંધીપરંપરામાં ક્યાં ય ઝળહળતું ન જણાય, તો તેમાં નુકસાન સમાજનું છે.

સૌજન્ય : ‘નવાજૂની’, નામની લેખકની સાપ્તાહિક કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 19 માર્ચ 2017 તેમ જ 26 માર્ચ 2017

Loading

26 March 2017 admin
← સ્ત્રીભ્રૂણ હત્યા, બળાત્કાર, ઘરેલુ હિંસાની જેમ ટ્રિપલ તલાક પણ સ્ત્રીઓ પરનો અત્યાચાર છે, તે નાબૂદ થવો જોઈએ
સંન્યાસ, સંસદ અને સી. એમ. : આગે આગે ગોરખ જાગે →

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved