Opinion Magazine
Number of visits:
10132145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ મરે, તો જ કોર્પોરેશન કામ કરે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 August 2026

રવીન્દ્ર પારેખ

શીતલ રેસ્ટોરન્ટની કાજુ લસણીયા સબ્જી ખાતાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઇઝનિન્ગ થયું ને તેમાં 4 વર્ષની એક દીકરીનું સતત ઊલટીઓ થવાને કારણે સારવાર દરમિયાન જ મોત થયું. સ્થિતિ એવી દારુણ હતી કે દીકરીનાં અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા, કારણ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ હતા. વાત તો એવી પણ છે કે દીકરીને ટાઈફોઈડ હતો. પરિવારના અન્ય સભ્યોની સ્થિતિ સુધારા પર છે. દીકરીનું મોત ભોજનને લીધે થયું કે ટાઈફોઈડથી થયું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહેશે, પણ શીતલ રેસ્ટોરાંમાં ગંદકી હતી, વાસી ખોરાક હતો ને ચોખ્ખાઈની જરા પણ ચિંતા કરવામાં આવી ન હતી એ હકીકત છે. એટલે ફૂડ પોઈઝન હતું જ નહીં એમ કહી શકાશે નહીં. એ હોટેલને તાત્કાલિક તાળું મારવાનું હતું, પણ તેમાં ય અખાડા થયા ને તેને માટે જવાબદાર એસ.એમ.સી.ના બે અધિકારીઓને નોટિસ પણ આપવામાં આવી. નાજુક પરિસ્થિતિમાં એસ.એમ.સી.ની ને તેના અધિકારીઓની સ્થિતિ નાજુક જ રહે છે. આવું એકથી વધુ વખત ક્યાંકને ક્યાંક બનતું જ રહે છે.

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, ખાડીપૂર રેલ દુર્ઘટના જેવી ઢગલો દુર્ઘટનાઓ ઘટતી હોવા છતાં આપણે બહુ જલદી આશ્વસ્ત થઈ જઈએ છીએ ને એમાં પછી ભીનું સંકેલાતું રહે છે. મોટાભાગની વસ્તીને કોઈ વાતની બહુ પડી જ નથી. જીવવાનું આવ્યું છે તો જીવી જાય છે ને મરવાનું આવ્યું છે તો મરી જાય છે. કોઈને મન જેવું જ ખાસ રહ્યું નથી કે કોઈ વાત મન સુધી પહોંચે.

ભાવનગરનાં ખરકડી ગામમાં લઠ્ઠો પીવાથી 9 લોકોનાં મોત થયાં છે. આવામાં રાજકારણ શરૂ થઈ જતું હોય છે. કાઁગ્રેસે આ મામલે મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને જવાબદાર ઠેરવ્યા છે. આમાં આંદોલન પણ લાગુ પડી જાય ને આની સામે બચાવ પણ આવે એમ બને. એ પંચાતમાં મૂળ પ્રશ્ન ટલ્લે ચડી જતો હોય છે ને બધું પછી ભુલાઈ જતું હોય છે. આ બધું ભોળાભાવે થતું નથી, તે હેતુપૂર્વક થાય છે. હવે પછી આવી દુર્ઘટના બને તો તંત્રો નવા શીખાઉ માણસની જેમ જ એકડે એકથી શરૂ કરતાં હોય છે.

જો કે, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બૂટલેગરો ડિટેઈન થયા છે. દારૂમાં પોઈઝન હોવાનું પણ બહાર આવ્યું છે. નકલી દારુએ 9 જીવ લીધા પછી સરકાર હરકતમાં આવી છે. આ પહેલો લઠ્ઠાકાંડ નથી. આ અગાઉ પણ અમદાવાદ, ઓઢવ, બોટાદ વગેરે પણ લઠ્ઠાથી ખરડાયેલાં છે. ત્યારે જેટલાં નવાં હતાં એટલાં જ તંત્રો આજે પણ શીખાઉ છે. આગલા અનુભવમાંથી સરકારે કે તંત્રોએ ખાસ કંઇ શીખવાનું હોતું  નથી. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે એટલે દારૂ સરળતાથી મળી રહે છે. નાયબ મુખ્ય મંત્રીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. હજી તો નિર્ણય જ કર્યો છે, કાર્યવાહી તો થતાં થશે. માત્ર ખરકડીમાં જ નહીં, આ નકલી દારૂ અનેક જગ્યાએ પહોંચ્યો છે. તેમાં ય તે સુરત સુધી તો પહોંચ્યો જ છે. મૂળ ભાવનગરનો ને વરાછામાં રહેતો એક યુવાન સુરતમાં અત્યારે હોસ્પિટલમાં લઠ્ઠા નિમિત્તે સારવાર હેઠળ છે, એટલે પોલીસ તંત્ર સુરતમાં પણ દોડતું થયું છે. રાતોરાત દરોડા પાડીને સુરત પોલીસે બધા અડ્ડા બંધ કરાવ્યા છે. આવો કાંડ થાય તો બંધ થાય, થોડા દિવસ, પછી હતું તેવું થઇ જાય છે. જે અડ્ડા પોલીસે બંધ કરાવ્યા તે કાંડ ન થયો હોત તો ચાલ્યા જ હોત ને ! એ પછી પણ અનેક સ્થળોએ પોલીસ ફરી વળી છે, પણ એ બધું ખાતર પર દિવેલ જેવું છે. આશા રાખીએ કે વાત આટલેથી જ પતે ને બહુ ચોળાચોળ ન થાય. અત્યારે તો તંત્રો અળસિયાંની જેમ આમથી તેમ દોડે છે, પણ આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે. આપણાં તંત્રો જાગ્યા ત્યારથી સવારમાં માને છે ને દરેક ઘટના વખતે નવેસરથી ‘જાગ્યા ત્યારથી સવાર’માં જ માને છે.

શીતલ હોટેલ કાંડમાં પણ રાતો રાત પોલીસમાં ગરમી આવી ગઈ છે. આરોગ્ય વિભાગે તમામ 9 ઝોનમાં સઘન ચેકિંગ હાથ પર લીધું છે. છેલ્લે આવું ચેકિંગ ક્યારે થયું હતું તે નથી ખબર, પણ આવી જ કોઈ ઘટના બની હશે ને પોલીસ સક્રિય થઇ હશે, તે સિવાય તો સક્રિય થવાની જરૂર જ ક્યાં છે? સાધારણ રીતે મૃત્યુ આંક વધતો જોઇને તંત્ર સક્રિય થતું હોય છે. અનેક દુર્ઘટનાઓ વખતે તંત્ર જાગે તો છે, પણ તે બીજી ઘટના વખતે એટલું જ ફ્રેશ હોય છે જેટલું પહેલી ઘટના વખતે હતું. એક દીકરીનાં મોત પછી બે દિવસમાં 540 હોટેલોમાં ચેકિંગ થયું છે. 417ને નોટિસ અપાઈ છે ને 60 હોટેલોને બંધ કરાવાઈ છે. વરાછા વિસ્તારની 10 સહિત 43 સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે. તેમાં પણ બે હોટેલોને રાત્રે સીલ લાગ્યું હતું, છતાં બે હોટેલો સાફસફાઈ કરવાને નામે સીલની ઐસી તૈસી કરીને સવારે જ શરૂ કરી દેવાઈ હતી. હોટેલમાં કિચનની સફાઈ, વાસી ખોરાક, પેસ્ટ કન્ટ્રોલ, પાણી, ફ્રીઝ, સ્ટોરેજ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આટલું બધું બે દિવસમાં કર્યું તેને બદલે ઘટના અગાઉ થોડું થોડું થયું હોત તો દીકરીનો જીવ ગયો ન હોત !

ખોરાકી ઝેર ચડતાં પરિવારને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ખોરાકી ઝેરનો મામલો હોય તો હોસ્પિટલે એસ.એમ.સી.ને જાણ કરવાની રહે છે, પણ હોસ્પિટલે તેની દરકાર રાખી ન હતી. આ બેદરકારી બદલ સુરત મ.ન.પા.એ આરોગ્ય વિભાગને રજિસ્ટ્રેશન એકટ હેઠળ કાનૂની પગલાં ભરવા જાણ કરી હતી.

આ કાર્યવાહી જોઇને આનંદ થાય કે કોર્પોરેશન કેવી તીવ્રતાથી તપાસ વગેરેમાં એક્ટિવ થઈ જાય છે. મીડિયા પણ સઘન તપાસ, લાઈસન્સ રદ્દ, અખાદ્ય ખોરાકનો નાશ જેવી પ્રવૃત્તિને બઢાવી ચઢાવીને પેશ કરતું હોય છે. છેલ્લું ચેકિંગ, રબડીથી ફૂડ પોઈઝનિંગ થતાં, 2023માં થયું હતું ને 140 હોટેલો પર દરોડા પડયા હતા, તે પછી 5 સભ્યોના પરિવારને ખોરાકી ઝેરની ઘટના બની તો તેનું સંકીર્તન મીડિયાએ કર્યું. ફટાફટ દરોડા પડ્યા કે ધરપકડ કરી કે બધું સીલ કર્યું – જેવી કામગીરીને બિરદાવવામાં આવે છે ને બિરદાવવી પણ જોઈએ, પણ આ બધું કોઈ દુર્ઘટના થયા પછી જ કેમ શરૂ થાય છે? સક્રિય રહેવા તંત્રોએ કોઈ દુર્ઘટનાની રાહ કેમ જોવી પડે છે? આ તપાસ ને એવું બધું અઠવાડિયે, પંદર દિવસે થાય તો નવી દુર્ઘટના થતી અટકે એવું ખરું કે કેમ?

હોટેલમાં સમયે સમયે ચેકિંગ થતું રહ્યું હોત તો પાંચ વ્યક્તિ જોડે ખોરાકી ઝેરની ઘટના ન થઈ હોત, નકલી દારૂની તપાસ થઇ હોત તો 9 જણાના જીવ બચી ગયા હોત !

 એ અત્યંત દુ:ખદ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કોઈની જવાબદારી નથી, પણ એક પ્રકારની ફોર્માલિટી છે. એવું ન હોય તો ગુજરાતમાં અસલી-નકલી દારૂનું ખરીદ-વેચાણ ઉઘાડેછોગ થાય કઈ રીતે? એનો સાદો અર્થ એવો પણ થાય કે પોલીસની હાજરી હોવા છતાં, તે બૂટલેગરોને નડતી નથી. તે એટલી હદ સુધી કે રાજ્ય ગૃહમંત્રી/ ડેપ્યુટી સી.એમ.એ કહેવું પડે કે પોલીસકર્મીઓના બૂટલેગર સાથેના સંપર્કો સાંખી લેવાશે નહીં, એનો અર્થ એ છે કે પોલીસના બૂટલેગરો સાથેના સંબંધો છે, એટલું જ નહિ, ડેપ્યુટી સી.એમ. સુધીની વ્યક્તિઓ તે જાણે છે, છતાં સંબંધોમાં ફેર પડતો નથી. આટલી હદે દારૂબંધી નિષ્ફળ એટલા માટે છે કે સરકાર પોતે થાકીને દારૂબંધી જતી કરે. આ એવી વાત છે કે પેટમાં દુખે છે તો તેનો ઈલાજ કરવાને બદલે પેટ જ કાપી નાખવું. બૂટલેગરો તો ઇચ્છે જ છે કે દારૂબંધી હટે. એ હટે તો પોલીસની હોજરી ભરવાનું મટે. બીજી તરફ પોલીસ એટલે દારૂબંધી ઇચ્છે છે કે એને નામે બૂટલેગરોને સગવડ પ્રમાણે ખંખેરી શકાય.

આજના સમયની સૌથી મોટી મર્યાદા એ છે કે બધા જ સંબંધો સંવેદન હીન થઈ ગયા છે. બધા જ સંબંધો ફોર્માલિટી થઈને રહી ગયા છે. બધા જ એકબીજાને નભાવે છે કે વેંઢારે છે. એમાં જીવ નથી, પણ જીવ લેનારી નિર્દયતા છે. ખોરાક એવો વેચાય છે કે ખોરાકી ઝેર થાય તો કોઈના જીવવા મરવાથી કોઈ ફેર પડતો નથી. દારૂ જ ખરાબ છે ત્યાં નકલી દારૂ વેચાય ને એમાં જિંદગીઓ હોમાય તો બધું ચાલી જાય છે. બે દિવસ ધમાલ રહે છે ને પછી બધું થાળે પડી જાય છે. આવું આકસ્મિક જીવન આપણને માફક આવી ગયું છે ને એટલે જ હર ઘડીએ મરવા તૈયાર રહેવાનું છે ને આ રીતે મારનાર દેવી દેવતાઓ નથી. રાક્ષસોને સારા કહેવડાવે એવા માણસો છે. એમાં અમુક તમુક વર્ગ જ હોય એવું નથી. તે આપણી આસપાસનું કોઈ પણ હોઈ શકે છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2026

Loading

21 August 2026 Vipool Kalyani
← ખાલી ભરી ભરી

Search by

Opinion

  • ખાલી ભરી ભરી
  • આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?
  • શું અર્બન નક્સલ, શું દિમાગી નક્સલ જેન ઝી સારુ હર લેબલ કમઅક્કલ       
  • રાખડી ને રુદિયાની વાતું
  • રહસ્ય હવેલીનું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved