‘લ્યા ભૈ, એમની ભાષાનો મુદ્દો શીદને ઉછાળો છો? અમિત માલવિયા જેટલા જ ઍડલ્ટ તો એ કમસે કમ છે જ. માત્ર, નવી ને ન્યાયી દુનિયાના દર્શનમાં ભલે એ માસુમ હોય પણ પ્રામાણિક છે ત્યારે ભાષા કે એવાતેવા રજ મુદ્દાને ગજ કરીને ઉછાળતાં લગાર લાજો,વીરા મોરા!

પ્રકાશ ન. શાહ
વીસમી જુલાઈની જળથાળ જંતરમંતર ઘટના પછી અને સાથે બદલાયેલ રાજકીય હવા બલકે હવામાન સમગ્ર વિશે કોઈ ભલા જીવને લગારે શંકા હોય તો એણે લાલ કિલ્લાની રાંગેથી 15મી ઑગસ્ટે વહેતી મુકાયેલ ‘દિમાગી નક્સલ’ એ સંજ્ઞાના જે હાલ અગર ખરેખર તો હાલહવાલ થયા તે કાળજે ધરવા જોગ છે. ફિલ્મી ફાંટાબાજ વિવેક અગ્નિહોત્રીએ તો અર્બન નક્સલ નામે એક કિતાબ આખી લખી નાખી હતી અને વડા પ્રધાને જાહેર ભાષણમાં એ સંજ્ઞા છૂટથી વાપરવા પણ માંડી હતી. ભીમા-કોરેગાંવ કેસમાં તો પોલીસે પણ કેમ જાણે તે લગભગ એક સ્થાપિત કાનૂની સંજ્ઞા હોય એ રીતે એને ખપમાં લીધી હતી. ગૌરી લંકેશને ગયે વરસ થયું ત્યારે બેંગલુરુની સ્મૃતિસભામાં કર્મશીલ રંગકર્મી ગિરીશ કર્નાડે નાદુરસ્ત તબિયતે ઑક્સિજન ટ્યુબ સાથે “મી ટુ અર્બન નક્સલ” એ પાટિયું જાણે કંઠાભરણ હોય તેમ ધારણ કર્યું હતું, તે આ ક્ષણે સાંભરે છે. વર્તમાન વડા પ્રધાનની એ પહેલી પારી હતી એટલે એમના વિલક્ષણ વરતાતા શબ્દઉલાળા કદાચ ગંભીરતાથી લેવાતા હશે અને ધોરણસરના પ્રોટેસ્ટ લાયક લાગતા હશે … અને હવે? મુવા કોક્રોચ ઓછા હતા તે દિમાગી નક્સલો પણ ચક્રવૃદ્ધિ વેગે ….. તીડનાં ટોળેટોળાં સ્તો. પૂર્વે કૈંક ડારો, કૈંક દાટી લાગતા એવા શાસકી ઉધામા હવે લગાર રમૂજ જગવે છે. કર્નાડને સંભાર્યા, પણ બંધબેસતું સ્મરણ તો ઇન્દિરાજીના કાળમાં પિલુ મોદી એમના શ્વાનરત્નને ‘સી.આઈ.એ.’નો ગલપટ્ટો પહેરાવીને સંસદ પરિસરમાં હીંચ લેતા’તા એ છે.
હમણાં રમૂજ જગવે છે એમ કહ્યું પણ રંજ એ કદાચ વધુ વાજબી પ્રયોગ ગણાશે. કૈંક રંજ, કૈંક નિર્વેદ એવી સંમિશ્ર લાગણી એ કારણે કે જૂન 2024ના ચૂંટણી પરિણામ અને જુલાઈ 2026ના જંતરમંતર ઝંઝાવાત પછી પણ સત્તા-પ્રતિષ્ઠાનની મૂર્છા ઊતરી નથી; અને ડેમેગોગી-સોફિસ્ટ્રી-જગલરી, તરેહવાર બ્દઉલાળા (મેઘાણીએ અદ્દભુત પ્રયોગ કર્યો છે – મુખચાલાકી નો દોર રાબેતા મુજબ જારી છે. ઊગતા કૈશૌર્ય અને પાંગરતી જોવનાઈનાં નગદ દસ વરસ દેશ આખાનાં ઓહિયાં કરી ગયા પછી કોઈ ચોક્કસ કામગીરી વગર કેવળ ને કેવળ ગળાજોરે અને દંડાજોરે રોડવવાનો એ જ રવૈયો, શું કહેવું એને.
હુક્મરાનોને કદાચ એ વસ્તુની ગડ બેઠી નથી કે બાકી મીડિયાને ઓળવ્યા પછી જે કહ્યાગરું, આજ્ઞાને વશ વરતતું સોશ્યલ મીડિયા સુવાંગ આપણું હતું એના જોરે હવે પૂર્વવત ટકી શકાવાનું નથી; કેમ કે વચગાળાનાં વર્ષોમાં એ વિપક્ષે જ નહીં વિશાળ છાત્રયુવા વર્ગેય હાથ કર્યું છે અને ખેલી તેમ ખેડી જાણ્યું છે. ચરખા ચલા ચલાકે લેંગે સ્વરાજ એ સૂત્ર ક્યારેક ગાજતું હશે તેમ આ જમાનો સોશ્યલ મીડિયાનો અને રીલ-રમણાનો છે. અધરાતે મધરાતે પ્રતિવાદ રૂપે રીલ બનાવવાની વેણ ઉપડે તોપણ હવે જૂની રંગભૂમિની ચિર યુવા નાયિકાની પેઠે ઉજાગરા મીઠા લાગવાના નથી : કેમ કે ઘોડા ભાગી છૂટયા પછી તબેલાને તાળું વાસ્યે વાજીકરણ બેમતલબ ને બેમાની છે.
જયાં સુધી સત્તા-માનસનો સવાલ છે, એ સમજવા સારુ એક દાખલો જ બસ થશે. જેન ઝીની માફી માંગવાને બદલે એને ઉદારતાની અવધિએ માફી આપવાનો દાખડો કીધો! ખેર, ભૂંડું તો એ થયું કે મોટી ઇતિહાસઘટનાને એમણે ધોરણસર જોવાસમજવાને બદલે કથિત ગંદી ભાષામાં ખતવી નાખી. પૉર્ન પૅડલર અમિત માલવિયાની સીધી નજર તળે, હજુ પરમ દિવસ લગી જે ભાષા અભિયાન અહોરાત્ર ચાલુ હતું એની સામે તો આ છોકરાંવ બચાડાં છોકરાંવ સ્તો … અમે રહ્યા ઍડલ્ટ. હશે ભાઈ, પણ એટલા તો ઇતિહાસબોલ સાંભળો કે આમ રજનું ગજ કરવું તેમાં નથી તો સમજદારી કે નથી સલામતી.
દરમ્યાન, હમણાં તો, સ્વાગત. સાવધાન મનસા, સ્વાગત. આર્થિક – સામાજિક ન્યાયથી મંડિત લોશાહીનું જે એક નવ્ય કથાનક ભારતતખતે ઊભરી રહ્યું છે એના હરાવલ દસ્તાનું સ્વાગત …. રંજ અને રમૂજને પરહરી હવે જોઈશે ગીતાપ્રોક્ત મન્યુ.
19 ઑગસ્ટ 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

