
આને ઘર ન જ કહેવાય. એ તો બનનાર ઘરનું માળખું જ ને? એક હાડપિંજર માત્ર. પણ છ મહિના પછી? એ ઝગમગતો, નવો નક્કર એપાર્ટમેન્ટ બ્લોક બની ગયો હશે. એમાં કુટુંબો વસતાં હશે. આગળ કે પાછળ ગાડીઓની વણઝાર હશે. ચહલ પહેલથી આખો માહોલ ચહચહતો હશે.
આ હાડપિંજર જરૂર છે . પણ જીવન પછીનું નહીં, એની પહેલાનું છે !
પણ ફરી ઉન્માદ … એમ કેમ?
ઘર – ખાલી ઘર વિશે ઘણું લખાયું છે . બે વિચાર ઉન્માદ આ રહ્યા …..
– ૧ –
એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જૂના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઊડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાં જ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પૂજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કિલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રૃંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.
બીજું પણ એક ઘર છે, જે હમણાં જ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકિયાં કરતાં કરોળિયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધૂળ અને કચરો અને ખાસ તો વિદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તિત્વને ઘેરું અને સોગિયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવિશ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નિરાશા અને એકલતા છે. અહીં હવે કોઈ જીવન નથી. એ માત્ર ખાલી મકાન જ છે. ઘર નથી.
———————-
આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વિચાર, એક નવી અનુભૂતિ હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સૂરાવલી પણ હોઈ શકે. અંતરના ઊંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવિતા પણ હોઈ શકે. હમણાં જ ફુટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.
અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વિજેતાના ક્રૂર ઘણથી ખંડિત થયેલો અને ગયેલી સમૃદ્ધિને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તૂટેલાં સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નિસ્તેજ અને નિર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટુંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મૂકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વિચારશૂન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વિદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તિત્વ પણ હોઈ શકે.
સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહિશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વિનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડિયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.
જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?
– ૨ –
એંશી વર્ષનું આયખું વીતી ગયું છે, ત્યારે આજે એક વિચાર ઝબૂકી ઊઠ્યો. આ વર્ષોમાં કેટલાં ઘર ખાલી કરી બીજે વસવા ગયો? લો આ રહ્યું લિસ્ટ
- અમદાવાદ – ૭
- વડોદરા – ૧
- પોરબંદર – ૧
- શીકાગો ( વિહંગ) – ૧
- ડેનવર ( વિહંગ) – ૧
- ડલાસ ( રુચા) – ૩, (ઉમંગ) – ૨, ( વિહંગ) – ૨ = કુલ – ૭
કુલ ૧૮ મકાનો ખાલી કર્યા! દરેક મકાનની પોતીકી યાદો – વીતેલા સમયનાં સંભારણાં – ઘણાં મીઠાં અને થોડાંક કડવાં પણ ખરાં. આખા જીવનની વિવિધ ઘટનાઓનો ચિતાર મનનાં નયનો સામે ખડો થઈ ગયો. જીવનના માર્ગ પર ફેલાયેલાં મધુર ફૂલોની સુવાસ અને થોડાક કાંટાઓના ઘા યાદ આવી ગયાં.
એ તો એમ જ હોય ને? પણ આ ઉમરે એ યાદો કેટલી બધી વ્હાલી હોય છે? દરેક વયસ્કને પણ આવી યાદો બહુ વ્હાલી હોય છે.
અને એ વેળા પણ હવે દૂર નથી કે, આ હાડ – માંસના ઘરને છોડીને પણ નવી યાત્રા શરૂ થઈ જશે.
કેવું હશે એ આખરી ઘર?
https://docs.google.com/document/d/11lpjA5l4VR7E2nMp5A8GshsWvOImjauwEOwwXPl-hm4/edit?usp=drivesdk
![]()

