૨૦૨૬માં તોડી પડાયેલો એલ્ફિન્સ્ટન બ્રિજ બંધાયેલો ક્યારે?
બધાં છાપાંએ કહ્યું તેમ ૧૯૧૩માં? ના રે ના, ૧૮૬૮માં
એપ્રિલ ૫, ૨૦૨૬. મુંબઈની વેસ્ટર્ન રેલવેના એલ્ફિન્સ્ટન રોડ, સોરી, પ્રભાદેવી સ્ટેશન પર મુસાફરોની આવનજાવન શરૂ થઈ ગઈ હતી. ઘણાખરા મુસાફરો રાબેતા મુજબ નીચી મુંડી કરી સ્ટેશન તરફ જતા હતા. ત્યાં એકાએક ફટાકડા ફૂટવાના અવાજ. આકાશમાં ઊડતાં દેખાયાં હવાઈ, રામબાણ. સ્ટેશન પાસેના રસ્તા પર ફટાકડાની લૂમ પર લૂમ ફૂટવા લાગી. આ બધું શા માટે થઈ રહ્યું છે એની ચિંતા કરવાનો સમય ઘણાખરા મુસાફરો પાસે નહોતો. કેટલાકે વિચાર્યું : હશે કોઈ શેઠિયાનો વરઘોડો કે કોઈ રાજકારણી નેતાનો જન્મ દિવસ. પણ ના. કારણ કૈંક જૂદું હતું. ૨૦૨૫ના ડિસેમ્બરની ૩૧મી તારીખે શરૂ થયેલું કામ આજે પૂરું થયું હતું. એ કામ કરતા કોન્ટ્રેક્ટરે પહેલેથી જ ફટાકડા આણી રાખ્યા હતા. જ્યારે આ કામ પૂરું થાય ત્યારે ફોડવા માટે. અને એ કામ હતું એલ્ફિન્સ્ટન બ્રિજનો રેલવે લાઈન પરનો સ્ટીલનો બ્રિજ તોડવાનું. એ કામનો ખર્ચ? ફક્ત પાંચ કરોડ રૂપિયા.

૧૮૫૩થી ૧૮૬૦ સુધી મુંબઈના ગવર્નરપદે રહેલા લોર્ડ એલ્ફિન્સ્ટન
બીજા દિવસનાં મુંબઈનાં એકેએક અખબારે સમાચાર ચમકાવ્યા : ૧૯૧૩માં બંધાયેલા એલ્ફિન્સ્ટન બ્રિજને તોડવાનું કામ પૂરું થયું. એક-બે અખબારે તો આ જાણે કોઈ મોટું યુદ્ધ હોય તેમ એક-એક મિનિટે શું શું બન્યું તેનો રસ ઝરતો અહેવાલ છાપ્યો. બધાં અખબારે એકી અવાજે કહ્યું કે ૧૯૧૩માં બંધાયેલા આ બ્રિજનું નામ મુંબઈના ગવર્નર લોર્ડ જોન એલ્ફિન્સ્ટનના માનમાં પાડવામાં આવેલું. તો કોઈકે લખ્યું કે ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના માનમાં બ્રિજને આ નામ અપાયું હતું.
હવે હકીકત એ છે કે એલ્ફિન્સ્ટન અટક ધરાવતા એક નહિ પણ બે ગવર્નર મુંબઈને મળ્યા હતા. તેમાં પહેલા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. ૧૭૭૯ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ, ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે અવસાન. ૧૮૧૯થી ૧૮૨૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર રહ્યા. માત્ર મુંબઈ શહેરમાં જ નહિ, આખા મુંબઈ ઇલાકામાં તેમણે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં, પણ અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો શરૂ કરાવી. એ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યાં. બીજાં અનેક લોકોપયોગી કામો કર્યાં. ગવર્નરના પદેથી નિવૃત્ત થયા પછી સ્વદેશ પાછા ગયા અને હિન્દુસ્તાનનો વિસ્તૃત ઇતિહાસ લખવાના કામમાં એવા ડૂબી ગયા કે એક નહિ, બે વખત હિન્દુસ્તાનના વાઈસરોય થવાની ઓફર આવી ત્યારે સવિનય પાછી વાળી. એક જમાનામાં આખા મુંબઈ ઇલાકામાં અગ્રણી ગણાતી, ધોબી તળાવ પાસે આવેલી, એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કાળા ઘોડા પાસે આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ સાથે તેમનું નામ સાંકળવામાં આવ્યું.
બીજા તે જોન એલ્ફિન્સ્ટન, ૧૩મા અને છેલ્લા લોર્ડ એલ્ફિન્સ્ટન. આ લોર્ડસાહેબનો જન્મ ૨૩ જૂન, ૧૮૦૭, અવસાન ૧૯ જુલાઈ ૧૮૬૦. કહેવાય છે કે જુવાન વયે રાણી વિક્ટોરિયા અને આ એલ્ફિન્સ્ટન સાહેબ પ્રેમમાં પડેલાં. અને એટલે તેમને મદ્રા (ચેન્નાઈ)ના ગવર્નર બનાવીને ગ્રેટ બ્રિટનની બહાર મોકલી દેવાયેલા. ૧૮૪૫માં પાછા ગ્રેટ બ્રિટન. એટલું જ નહિ, રાણી વિક્ટોરિયાના ખાસ મદદગાર તરીકે નિમણૂક મેળવી. ફરી એ જ પ્રેમ પ્રકરણ. એટલે તેમને મોકલી દીધા મુંબઈના ગવર્નર તરીકે. ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૬મી તારીખથી ૧૮૬૦ના મે મહિનાની ૧૧મી સુધી તેઓ મુંબઈના ગવર્નરપદે રહ્યા. એટલે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેઓ મુંબઈના ગવર્નર હતા. કંપની સરકારે જેમની નિમણૂક કરી હોય તેવા તેઓ મુંબઈના છેલ્લા ગવર્નર. ૧૮૫૮માં હિન્દુસ્તાનમાં તાજનું રાજ સ્થપાયું, એટલે તેમના પછીના ગવર્નરોની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં રાણી કે રાજા કરતા.

૧૮૬૮માં બનેલો પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ
એલ્ફિન્સ્ટન બ્રિજના તોડકામના સમાચાર છાપતી વખતે એક પણ અખબારને એવો સવાલ ન થયો કે જો આ બ્રિજ ૧૯૧૩માં બંધાયો હોય તો તેની સાથે ૧૮૬૦માં મૃત્યુ પામેલા ગવર્નર એલ્ફિન્સ્ટનનું નામ ત્રેપન વરસ પછી શા માટે જોડવામાં આવે? હા, ૧૯મી સદીમાં ગવર્નરો કે બીજા ઊંચા હોદ્દાના અંગ્રેજોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાતાં ખરાં. પણ તે કાં એમના મુંબઈમાંના શાસનકાળ દરમિયાન, કે છેવટ તેમના જીવનકાળ દરમિયાન.
અલબત્ત, મુંબઈનાં બીજાં ત્રણ જાહેર સ્થળો સાથે ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટનનું નામ જોડાયેલું હતું, પણ તેમની હયાતી દરમ્યાન. આજે આપણે જેને હોર્નિમન સર્કલ કહીએ છીએ તેનું આગલું નામ હતું એલ્ફિન્સ્ટન સર્કલ. બીજું, ડિલાઈલ રોડના ઉત્તર છેડાથી પરળ રોડ સુધી જતા રસ્તાને એલ્ફિન્સ્ટન રોડ નામ આપવામાં આવેલું. ૧૮૫૩માં મુંબઈમાં ટ્રેન શરૂ થઈ તે પછી ઘણાં સ્ટેશનોનાં નામ તેની નજીકના કોઈ રસ્તા પરથી પાડવામાં આવ્યાં. જેમ કે ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. તેવી જ રીતે એલ્ફિન્સ્ટન રોડ નજીક આવેલા બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)ના એક સ્ટેશનનું નામ પડ્યું એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન. ૧૮૬૭ના એપ્રિલ મહિનાની ૧૨મી તારીખે બી.બી.સી.આઈ. રેલવે કંપનીએ વિરાર અને બેક બે સ્ટેશનો વચ્ચે પહેલી લોકલ ટ્રેન દોડાવી. તે વખતે એ લાઈન પર જે દસ સ્ટેશનો હતાં તેમાં એલ્ફિન્સ્ટન રોડનું નામ જોવા મળતું નથી. દાદર પછી સીધું ગ્રાન્ટ રોડ સ્ટેશનનું નામ જોવા મળે છે. એટલે ૧૮૬૭માં, પણ એપ્રિલની ૧૨મી તારીખ પછી ક્યારેક એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન બંધાઈને શરૂ થયું હશે. અલબત્ત, રસ્તાનું નામ ‘એલ્ફિન્સ્ટન રોડ’ પહેલાં પડ્યું હશે અને પછી તેના પરથી સ્ટેશનનું નામ પડ્યું હશે. વિદાય લઈ ચૂકેલા ગવર્નરનાં નામ આપવાનો ચાલ તે વખતે હતો. જ્યાં દેખાય ત્યાંથી અંગ્રેજોનાં નામ હઠાવવાનો વાયરો વાયા પછી એ સ્ટેશનનું નામ પડ્યું છે પ્રભાદેવી.
૨૦૨૬ની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવામાં આવ્યો તે પહેલાંના તેના ફોટા જોઈએ તો એ બ્રિજ આખો પથ્થરનો બાંધેલો હતો એવું જણાશે. હવે, વીસમી સદીની શરૂઆતમાં તો આવા પથ્થરના બ્રિજ બનતા નહિ, સ્ટીલના ગર્ડર અને પિલરના બ્રિજ બનતા. અલબત્ત, એવા પુલ બાંધવાની સામગ્રી ગ્રેટ બ્રિટનથી લાવવામાં આવતી. પણ ૧૯મી સદીમાં જે પુલ બંધાયા તે બધા જ પથ્થરના હતા. ગોળાકાર કમાનો, જાડી, મજબૂત દીવાલો, નીચે આવેલા રસ્તા પરથી પુલ પર જવા માટેનાં પથ્થરનાં સીધાં પગથિયાં, વગેરે તેની નજરે ચડે તેવી લાક્ષણિકતાઓ. પથ્થરના બાંધેલા પુલની નીચેથી ટ્રેન, અને ઉપર પથ્થરના પુલ પરથી બીજાં વાહનો અને રાહદારીઓની આવનજાવન થતી હોય તો તે સમજી શકાય તેમ છે.
પણ વેઇટ અ મિનિટ. ૨૦૨૬ની શરૂઆતમાં આ પુલ તોડ્યો ત્યારે એક કોતરેલો પથ્થર, એક તકતી મળી આવી છે તેનું શું? એ પથ્થર પર કોતર્યું છે: GIPR 1913 CONTRACTOR BOMANJI RUSTOMJI. એનો અર્થ એવો ન થાય કે ગ્રેટ ઇન્ડિયા પેનન્સુલા રેલવેએ આ બ્રિજ ૧૯૧૩માં બંધાવ્યો હતો ને તે બાંધવા માટેના કોન્ટ્રેકટર હતા બમનજી રૂસ્તમજી. એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં બંધાયો હતો એ અંગે આનાથી વધુ સચોટ પુરાવો બીજો કયો હોઈ શકે?

પાટા પરનો પથ્થરનો ભાગ તોડીને તેની જગ્યાએ રેલવેએ સ્ટીલનો બ્રિજ બાંધ્યો ત્યારે તેના એક પથ્થર પર કોતરેલી વિગતો
આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે કેટલીક કાનૂની બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. રેલવે લાઈન પર બ્રિજ બાંધવાનું કામ મ્યુનિસિપાલિટીનું, કે બીજી કોઈ સરકારી એજન્સીનું. પણ પુલનો જેટલો ભાગ રેલવેની હદ પરથી પસાર થતો હોય તેટલો ભાગ બાંધવાનો અને તેની જાળવણી કરવાનો ખર્ચ હંમેશ માટે રેલવેએ ભોગવવાનો. બ્રિટિશ શાસન દરમિયાન આપણા દેશમાં રેલવેની માલિકી ખાનગી કંપનીઓની હતી, જ્યારે પુલોનું બાંધકામ PWD જેવી સરકારી એજન્સીઓ કરતી, એટલે આવી વ્યવસ્થા થઈ હોય. હવે, જ્યારે આ બ્રિજનો અસલનો ટ્રેનના પાટા પરથી પસાર થતો પથ્થરનો ભાગ તોડીને તેની જગ્યાએ સ્ટીલના ગર્ડર થાંભલા વગેરે બેસાડ્યા ત્યારે એ કામ રેલવેની હદમાં થયેલું, એટલે તેનો ખરચ તે વખતની GIP રેલવેએ ભોગવ્યો હોય. એ જમાનામાં ખાનગી માલિકીની રેલવે કંપનીઓ આવાં કામોમાં માત્ર પોતાના હિસ્સાની જ નોંધ રાખતી. એટલે આ પથ્થર એટલું જ જણાવે છે કે આ પુલનો સ્ટીલનો ભાગ GIP રેલવેએ ૧૯૧૩માં બંધાવેલો. બ્રિજમાં વપરાયેલા સ્ટીલના એક ગર્ડર પર આ પ્રમાણે લખેલું જોવા મળે છે : “P & W MacLellan Ltd., Glasgow” તેનો અર્થ તો એટલો જ થાય કે ટ્રેનના પાટા ઉપરથી પસાર થતા બ્રિજના ગર્ડર આ કંપનીએ બનાવેલા, આખો બ્રિજ નહિ. આ બ્રિજ તોડ્યો ત્યારે પણ તેનો બાકીનો ભાગ પથ્થરનો જ હતો. એ જમાનામાં ગ્લાસગોની આ એક ઘણી જાણીતી કંપની હતી અને હિન્દુસ્તાનની ઘણી રેલવે કંપનીઓને તે સ્ટીલનો સામાન પૂરો પાડતી હતી.
પણ એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહિ, પણ ૧૮૬૮માં બંધાઈ રહ્યો હતો તેનો ખાતરી ભર્યો પુરાવો તો આ લખનારને જોવા મળેલી એક નાનકડી ચબરખી આપે છે. કોઈ અખબારી કે સરકારી અહેવાલના ઉતારા જેવી આ ચબરખીમાં નીચે પ્રમાણે લખ્યું છે (જુઓ સાથેનો ફોટો) :

૧૮૬૮માં ત્રણ બ્રિજ બંધાયા તે અંગેનો દસ્તાવેજી પુરાવો
The over-bridges opened for traffic at the following dates and at the expenditure named against each: –
Carnac Bridge, October 16th, 1868……………Rs.2,33,487
Elphinstone Bridge, November 3rd, 1868…Rs.2,13,239
Masjid Bridge, November 28th, 1868………..Rs.1,91,793
Total…Rs. 6,38,519
એટલે કે પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહિ, પણ ૧૮૬૮માં બંધાયો હતો ઇતિ સિધ્ધમ્. આજે એ બ્રિજ તોડવાનો ખરચ પાંચ કરોડ રૂપિયા જેટલો થયો. જ્યારે ૧૮૬૮માં એ બ્રિજ બાંધવાનો ખરચ થયો હતો રૂપિયા ૨,૩૩,૪૮૭. અલબત્ત, એ વખતે આખો બ્રિજ પથ્થરનો જ બનેલો હતો, કર્નાક બ્રિજ અને મસ્જિદ બ્રિજની જેમ. હકીકતમાં ૧૯મી સદીમાં મુંબઈમાં બધા બ્રિજ પથ્થરના જ બનતા. સ્ટીલના બ્રિજ વીસમી સદીમાં બંધાવા લાગ્યા.
એટલે કે ૨૦૨૬ના એપ્રિલની પાંચમી તારીખે જે બ્રિજ તોડવામાં આવ્યો તે ૧૯૧૩માં નહિ, ૧૮૬૮માં બંધાયો હતો, અને મુંબઈના ત્રણ જૂનામાં જૂના બ્રિજમાંનો એક હતો.
આવતે શનિવારે લેશું મુંબઈના બીજા કોઈ બ્રિજની મુલાકાત.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 મે 2026
![]()

